કૃષિ ક્ષેત્રે ઈ-નામ વ્યવસ્થાની સફળતા આડે અવરોધઃ માત્ર 14 ટકા APMC જોડાઇ

- દેશભરની કૃષિ મંડીઓને સાંકળી લેતી આ ડિજિટલ માર્કેટ પદ્ધતિ વિક્સિત બજાર તરીકે ગણાવી શકાય તેવા સ્તરે હજુ પહોંચી નથી

- હરિયાળી ક્રાંતિ થયે પાંચ દાયકાથી  પણ  વધુ સમય પસાર થઈ  ગયો હોવા છતાં દેશની કૃષિ વ્યવસ્થા  આજે પણ  વિકસિત દેશોની સરખામણીએ નબળી 

ખેડૂતોને તેમના માલસામાનના ઓનલાઈન વેચાણ માટે ટેકનોલોજી માળખું પૂરુંપાડવા કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ઈલેકટ્રોનિક - નેશનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ (ઈ-નામ) વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થા હેઠળ ૧૮ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની  અંદાજે ૧૦૦૦ કૃષિ મંડીઓને ઈ-નામ પોર્ટલ સાથે જોડી દેવામાં આવી છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરી સુધીમાં ૧.૭૨ કરોડથી વધુ ખેડૂતો અને ૨.૧૬ લાખ ટ્રેડરો ઈ-નામ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ થયાનું આંકડા જણાવે છે, પરંતુ આમાંથી કેટલા લોકો આ પ્લેટફોર્મ પર સક્રિય રહે છે તેનો ચોક્કસ અંદાજ મળતો નથી. પ્લેટફોર્મ શરૂ કરાયાના ૬ વર્ષના ગાળામાં કુલ રૂપિયા ૧.૭૪ લાખ કરોડનો વેપાર થયાનું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું છે. હાલમાં દેશમાં ૬૮૪૫ એગ્રિકલ્ચર પ્રોડયૂસ માર્કેટિંગ કમિટિ (એપીએમસી) છે જેમાંથી ૧૪ ટકા જેટલી એપીએમસી ઈ-નામ સાથે સંકળાઈ ગઈ છે. 

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં ઈ-નામ પ્લેટફોર્મ પર વિક્રમી વેપાર થયાનું સરકાર જણાવી રહી છે. જો કે આ એક એવો ગાળો રહ્યો હતો જેમાં કોરોનાની અસર વ્યાપક રીતે ફેલાયેલી હતી, માટે ઈ-નામ વ્યવસ્થા સફળ થઈ રહ્યાનો દાવો કરવાનું હાલમાં વહેલું ગણાશે. દેશના ખેડૂતો આજે એટલા ટેકનોસેવી થયા નથી કે તેઓ પોતાના ઉત્પાદનોના વેચાણ માટે બિન-પરંપરાગત પદ્ધતિ તરફ વળવા લાગે. ઈ-નામ પદ્ધતિ કૃષિ ક્ષેત્રે એક પારદર્શી, યોગ્ય તથા વચેટિયાઓની ઈજારાશાહી તોડતી પદ્ધતિ છે, આમ છતાં દેશભરની કૃષિ મંડીઓને સાંકળી લેતી આ ડિજિટલ માર્કેટ પદ્ધતિ વિક્સિત બજાર તરીકે ગણાવી શકાય તેવા સ્તરે હજુ પહોંચી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે, હાલમાં જોડાયેલી ૧૦૦૦ જેટલી એપીએમસીમાંથી ૫૭૦ જેટલી એપીએમસીમાં જ વેપાર હાથ ધરાયો હતો. દેશની અનેક મોટી બજારો હજુ ઈ-નામ પ્લેટફોર્મ સાથે જોડાઈ નથી એ પણ એક  હકીકત છે. 

એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં થયેલા વેપારમાંથી ૭૦ ટકા જેટલો વેપાર રાજસ્થાન, આન્ધ્ર પ્રદેશ તથા હરિયાણા આ ત્રણ રાજ્યોમાં થયો છે. મજાની વાત તો એ છે કે આમાંનો મોટાભાગનો વેપાર મંડીની અંદરના જ ટ્રેડરો વચ્ચે અથવા તો એક જ જિલ્લાના ખેડૂતો અથવા ટ્રેડરો વચ્ચે થયો છે. સામાન્ય રીતે ઈ-નામ વ્યવસ્થાનો હેતુ ખેડૂતો ઘેરબેઠા દેશના કોઈપણ સ્થળે પોતાના ઉત્પાદનો વેચી શકે તેવો રહેલો છે, પરંતુ હાલનું ચિત્ર તેવું જણાતું નથી અને ઈ-નામ મારફતનો વેપાર મર્યાદિત વિસ્તારની અંદર જ થાય છે.

ઈ-નામ વ્યવસ્થાનો ફેલાવો મર્યાદિત રહેવા પાછળ અનેક કારણો છે જેમાનું એક કારણ પાયાની સુવિધાઓ હજુ પરિપૂર્ણ કરાઈ નથી. રાજ્યભરમાં ચાલી શકે તેવા સિંગલ ટ્રેડિંગ લાયસન્સ, એક જ સ્થળે ચૂકવી શકાય તેવી સમાન માર્કેટ લેવી તથા કૃષિ કોમોડિટીઝમાં આંતરરાજ્ય વેપાર માટે કરવાની રહેતી જોગવાઈઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

 આપણા અર્થતંત્રમાં  કૃષિનું યોગદાન મહત્વનું રહેલું છે, પરંતુ  વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીના વપરાશમાં  જે રીતે  નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વપરાશ હજુપણ પ્રારંભિક તબક્કામાં જ હોવાનું તાજેતરમાં એક અભ્યાસમાં બહાર આવ્યું છે. દેશના કુલ ખેડૂતોમાંથી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ અને રિઅલ ટાઈમ  એલર્ટસ મેળવવા માટે   ખેત  વ્યવસાય સંબંધિત મોબાઈલ એપ્સનો ઉપયોગ કરતા ખેડૂતોની સંખ્યા માત્ર બે ટકા જ હોવાનો અભ્યાસમાં દાવો કરાયો છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ટેક સોલ્યુશન્સનો સ્વીકારનું સ્તર પણ ઘણું નીચું  છે.  

ટેકનોલોજીના ઉપયોગના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો  દેશમાં હરિયાળી ક્રાંતિ થયે પાંચ દાયકાથી  પણ  વધુ સમય પસાર થઈ  ગયો હોવા છતાં દેશની કૃષિ વ્યવસ્થા  આજે પણ  વિકસિત દેશોની સરખામણીએ નબળી છે. ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની અવદશા વચ્ચે માત્ર એક ખરાબ ચોમાસા જેટલું  જ અંતર રહે છે. આઝાદીના  ૭૫ વર્ષ પછી પણ દેશમાં પૂરતી  માળખાગત  સુવિધાના અભાવને પરિણામે  આજે પણ કૃષિ ક્ષેત્ર એક જોખમી વ્યવસાય બની રહ્યો છે.

ઈ-નામ પ્લેટફોર્મ મારફત વેપાર કરવામાં કૃષિ કોમોડિટીઝની કવોલિટી, ગ્રેડિંગ, પેકેજિંગ, સ્ટોરેજ તથા પરિવહનના મુદ્દાઓ પણ અવરોધરૂપ બની રહે છે. કવોલિટીને લઈને વેચાણકાર દ્વારા કરાતા દાવાને લઈને ખરીદદારો હમેશા ચિંતીત રહેતા હોય છે, કારણ કે કૃષિ ઉત્પાદનો જલદીથી બગડી જતી હોવાથી કવોલિટીને લગતા દાવાઓને લગતા વિવાદ ઉકેલવાનું મુશકેલ બની રહે છે. દેશની કૃષિ વ્યવસ્થામાં કેન્દ્રની સાથોસાથ રાજ્યોની પણ મોટી ભૂમિકા રહેતી હોય છે. એપીએમસી પ્રભુત્વ સાથેના રાજકીય પક્ષોનંં જોર વધુ રહેતું હોય છે.

 વૈશ્વિક કૃષિ વેપારમાં ભારતનો હિસ્સો માત્ર ૨.૨૫ ટકા જેટલો  જ છે.  કૃષિ ક્ષેત્રના વિકાસ માટે  સરકારે ઉત્પાદનની સાથોસાથ દેશની કૃષિ જણસોની વિદેશમાં માગ અને વપરાશ બન્નેમાં વધારો થાય તે તરફ પગલાં લેવાના રહે છે, આ માટે ઈ-નામ પ્લેટફોર્મ પણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્લેટફોર્મ મારફત ખેડૂતો પોતાની ઉચ્ચે કવોલિટીના ઉત્પાદનો દૂરના સ્થળો સુધી વેચી શકે છે, પરંતુ તેને સમયસર પહોંચતા કરવાની આધુનિક વ્યવસ્થા થવી જરૂરી છે. 

પાકની લણણી બાદ ખેતરમાંથી બજાર સ્થળ સુધી  તથા વપરાશના સ્થળ સુધી પહોંચતો કરવા દરમિયાન  જરૂરી આવશ્યક માળખાકીય સુવિધાના અભાવે  કૃષિ માલોનો  વવેડફાટ ઉપરાંત બગાડ થાય છે જે  નકારી શકાય એમ નથી.  પાકને સંઘરવા માટે કોલ્ડ સ્ટોરેજ  વ્યવસ્થા  તથા ગામડાઓ ખાતેથી વેળાસર પરિવહન કરી શકાય તેવા  સાધનસુવિધાના અભાવે   સડી જવાની  ચિંતા રહ્યા કરે છે.  પાકના બગાડ, વેડફાટ તથા સડાને અટકાવવા માટે સતત પ્રયાસો થવા જરૂરી છે. પાકના વિવિધ પ્રકારે થતા નુકસાનને અટકાવવાના પગલાં નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો ઈ-નામ વ્યવસ્થા મારફત દૂરના સ્થળો સુધી કૃષિ માલોનો વેપાર થવાનું શકય નહીં બને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rHFa6T3
Previous
Next Post »