- પ્રા. શાળાઓના ઓરડા સહિતના કામ માટે 710 લાખની જોગવાઇ
- બજેટમાં સભ્યદીઠ વિકાસના કામો માટે રૂા. 7.50 લાખ લેખે રૂા. 315 લાખની જોગવાઈ
આણંદ જિલ્લા પંચાયતના મિટીંગ હોલ ખાતે આજે મળેલ ખાસ સામાન્ય સભામાં એજન્ડાના ૧૧ અને અધ્યક્ષસ્થાનેથી ૧ મળી કુલ ૧૨ કામો અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. આજની ખાસ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા પંચાયતમાં સૌપ્રથમ વખત પેપરલેસ ઈ-બજેટ રજૂ કરાયું હતું અને ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યોને ટેબ્લેટ થકી આ અંદાજપત્રની માહિતી અપાઈ હતી. વધુમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારી પ્રવૃત્તિઓ સાથે જિલ્લા પંચાયત આણંદના અંદાજપત્રમાં રૂા.૧૨,૬૪,૩૬,૮૧,૦૦૦ ની સામે રૂા.૧,૨૦,૧૩,૯૨,૦૦૦ નો સરકારી પ્રવૃત્તિઓનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત આણંદ સભ્યદીઠ વિકાસના કામો માટે રૂા.૭.૫૦ લાખ લેખે રૂા.૩૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પુર નિયંત્રણ, રેતી-કાંકરી રોયલ્ટી ગ્રાન્ટમાંથી વિકાસના કામ માટે રૂા.૪૦૦ લાખ તેમજ શિક્ષણ ઉપકરની ગ્રાન્ટમાંથી પ્રાથમિક શાળાઓમાં ઓરડા તેમજ પ્રાર્થના હોલ બનાવવા તથા બાળકો માટે ઉપયોગી સાહિત્ય માટે રૂા.૭૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
એજન્ડાના ૧૧ કામો પૈકી ગત તા.૨૪મી ફેબુ્રઆરીના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધને બહાલી આપવાના કામમાં પ્રોસીડીંગ ન મળી હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. ગત વર્ષે જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં યોજાતી પરીક્ષાઓ માટે સપ્લીમેન્ટરી પાછળ રૂા.૪૪ લાખ ફાળવાયા હતા. જો કે કોરોના મહામારીના કારણે પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી. ચાલુ વર્ષે ફાળવવામાં આવેલ સપ્લીમેન્ટરી માટેની રકમ વપરાશે કે કેમ તે અંગે વિપક્ષે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં શિક્ષણ સમિતિના ચેરમેને ચાલુ વર્ષે વિવિધ શાળાઓમાં સપ્લીમેન્ટરી આપવામાં આવશે તેવો પ્રત્યુત્તર આપ્યો હતો.
કેટલાક સભ્યો ટેબલેટ ઓપરેટ ન કરી શકતા ઇ-બજેટ નિરર્થક : વિપક્ષ
પેપરલેસ બજેટ રજૂ કરવાના સુઝાવને વિપક્ષી સભ્યએ આવકાર્યો હતો પરંતુ બજેટ જેવી ગંભીર બાબત જો સભ્યોને પેપરમાં મળે તો તેનો અભ્યાસ થઈ શકે તેવી રજૂઆત કરતા બજેટને ઈ-બજેટનું સ્વરૂપ ન આપવામાં આવે તેમ કહ્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યો પૈકી કેટલીક મહિલાઓ સહિતના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોઈ તેઓને ટેબ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે ન આવડવાના કારણે આ સુઝાવ આવા સભ્યો માટે નિરર્થક સાબિત થઈ શકે છે તેમ જણાવ્યું હતું. જો કે કેટલીક મહિલા સભ્યોને ટેબ્લેટનો ઉપયોગ કરતા ન આવડતુ હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખે સ્વીકાર્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YCRPzbf
ConversionConversion EmoticonEmoticon