TV TALK : પ્રેમમાં અસલામતી નથી અનુભવાતી સંજય ગગનાણી-પૂનમ પ્રીતને


'કુંડલી ભાગ્ય'ના  અભિનેતા સંજય ગગનાણી અને 'નામકરણ'ની અભિનેત્રી પૂનમ પ્રીત છેલ્લા પાંચ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં છે. સામાન્ય રીતે આ ઇન્ડસ્ ટ્રીમાં થોડો સમય પ્રેમમાં રહ્યા બાદ મોટાભાગના પ્રેમી યુગલો વચ્ચે કોઇને કોઇ સમસ્યા સર્જાય છે. પરંતુ આ પ્રેમી પંખીડાઓ માને છે કે જો તમે ખરેખર એકમેકને મોહબ્બત કરતાં હો તો તમારા સંબંધોમાં શંકાકુશંકા કે અહમ્ને સ્થાન જ ન હોય. આવી સ્થિતિમાં બંને વચ્ચે ખટરાગ થવાનો પ્રશ્ન જ ન આવે. વળી અમે બંને એક જ ક્ષેત્રે કાર્યરત હોવાથી એકમેકના સમયપત્રકને સારી રીતે સમજી શકીએ છીએ. અમારા બંનેમાંથી એક પાસે કામ ઓછું હોય ત્યારે બીજી વ્યક્તિ તેને સંભાળી લે છે. વાસ્તવમાં અમે જીવનના ચડાવઉતારમાં  અડીખમ થઇને એકબીજાની પડખે ઊભા રહીએ છીએ.તેઓ વધુમાં કહે છે કે  લાંબા સમયથી અમે સાથે રહીએ  છીએ તોય પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી અમને સાથે ગાળવા ઝાઝો સમય નહોતો મળતો. પરંતુ લોકડાઉન દરમિયાન અમે માતબર સમય સાથે વિતાવ્યો. સંજય કહ ે છે  કેે  અનલોક પછી હું અને પૂનમ નવસારી ખાતે મારા પરિવાર સાથે જઇને રહ્યાં હતાં. ત્યાં મને કોરોના લાગૂ પડયો ત્યારે પૂનમે જ મારી કાળજી કરીને મને તેમાંથી ઊભો કર્યો. 

ચાહત પાંડેના મતે શો ન ચાલે તો બંધ કરી દેવો  

અભિનેત્રી ચાહત પાંડે ધારાવાહિક 'દુર્ગા-માતા કી છાયા'માં 'રશ્મિ શર્મા'ની મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. પરંતુ કમનસીબે આ શોનો માત્ર ત્રણ મહિનામાં જ વીંટો વાળી દેવામાં આવ્યો. અલબત્ત, ચાહતને તેનું દુઃખ પણ થયું. આમ છતાં વાસ્તવિક્તા સ્વીકારતાં ચાહતે કહ્યું હતું કે કોઇપણ સિરિયલને દર્શકોનો પ્રતિસાદ ન સાંપડે તો તેનો પડદો પાડી દેવામાં જ શાણપણ ગણાય. કલાકારોને એ બાબતે દુઃખ થાય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં લોકો બિઝનેસ કરી રહ્યાં છે.

તેથી દરેક નિર્ણય વ્યવહારુ બનીને લેવો પડે. અને જે તે શોના કલાકાર-કસબીઓએ પણ વાસ્તવિક્તા સ્વીકારીને આગળ વધી જવું જોઇએ. મેં હકીકતનો સ્વીકાર કરી લીધો છે. અને ફરિયાદ કરતાં બેસી રહેવાને બદલે અન્યત્ર  કામ મેળવવાના પ્રયાસો આદરી દીધાં છે. ટૂંક સમયમાં હું તેની જાહેરાત પણ કરીશ. લોકડાઉન ખુલ્યા પછી ઘણી ધારાવાહિકોનો બે-ચાર મહિનામાં જ વીંટો વાળી દેવાની નોબત આવી હતી તેથી મારો શો બંધ થયો તેનો મને ઝાઝો વસવસો નથી થયો.

ફિલ્મોમાં કામ મેળવવા ઝઝૂમે છે કરણ પટેલ

ટચૂકડા પડદે ૧૮ વર્ષથી કામ કરનાર અભિનેતા કરણ પટેલને હવે ફિલ્મોમાં કામ કરવુું છે. તે તેના માટે ઓડિશન પણ આપી રહ્યો છે. પરંતુ હજી સુધી તેને કામયાબી નથી મળી. કરણ કહે છે કે આજદિન સુધી ફિલ્મ સર્જકોના મનમગજમાં ટી.વી. કલાકારો માટે ચોક્કસ પ્રકારના પૂર્વાગ્રહો અકબંધ હોવાથી તેઓ તેમને પોતાની ફિલ્મોમાં લેતાં ખચકાય છે. અથવા ટી.વી. કલાકારો અતિપ્રચલિત હોવાથી તેમને ફિ લ્મોમાં તક આપવામાં નથી આવતી. કારણ જે પણ હોય તે, પરંતું હજી સુધી મને ફિલ્મોમાં કામ કરવાની મોટી તક નથી મળી. જોકે મને ખાતરી છે કે ફિલ્મ સર્જકોની ટચૂકડા પડદાના કલાકારો પ્રત્યેની માનસિકતા બદલાશે. 

સાવ એવું પણ નથી કે કરણને ફિલ્મોમાં ક્યરેય કામ મળ્યું જ નથી. તેણે 'સિટી ઓફ ગોલ્ડ'(૨૦૧૦), 'શૂટઆઉટ એટ વડાલા'(૨૦૧૩), 'ફેમસ'(૨૦૧૮) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 'યે હૈં મોહબ્બતેં' દ્વારા અપ્રતિમ લોકપ્રિયતા મેળવનાર કરણ પટેલ કહે છે કે એક કલાકાર તરીકે આજની તારીખમાં મારા માટે ફિલ્મોમાં કામ મેળવવું એ સૌથી મોટો પડકાર છે. હું ટી.વી. કલાકારો વિશેના ફિલ્મ સર્જકોના પૂર્વાગ્રહો દૂર કરવા માગું છું.

જોકે એવું નથી કે મને હજી સુધી ફિલ્મોમાં ધાર્યું કામ નથી મળ્યું તેથી હું નિરાશ થઇ ગયો છું. હું માનું છું કે જ્યાં સુધી તમને તમારું ગમતું કામ ન મળે ત્યાં સુધી તમારે તે મેળવવાના પ્રયાસો જારી રાખવા જોઇએ. કોઇકના નસીબ ખુલતાં વર્ષો વિતીજાય, કોઇકના મહિનાઓમાં ખુલી જાય તો કોઇકને કિસ્મત તુરંત યારી આપે એવું પણ બને. પરંતુ તમારે હારી જઇને તમારા પ્રયત્નોે ન છોડી દેવા જોઇએ. 

જોકે કરણ પટેલ ટૂંક સમયમાં પોતાની સૌપ્રથમ વેબ સિરિઝનું શૂટિંગ શરૂ કરશે. તે કહે છે કે ટી.વી.ના લેકપ્રિય કલાકારો માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કારકિર્દી માટેનું બીજું  મોટું ડગલું કહેવાય.તે એમ પણ માને છે કે ઓટીટી પ્લેટફોર્મ પર જેટલું વિષય વૈવિધ્ય જોવા મળે છે એટલું અન્ય કોઇપણ પ્લેટફોર્મ પર ભાગ્યે જ  જોવા વળે. અહીં શક્તિશાળી વિષયોને બખૂબી રજૂ કરવામાં આવે છે.

તે એમ પણ માને છે કે ટી.વી.એ મર્યાદિત સમયમાં પૂરાં થતાં શો રજૂ કરવાની પરંપરા શરૂ કરવી જોઇએ. તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવે છે એવા શક્તિશાળી વિષયો પર પણ શો બનાવી શકે ે. અલબત્ત, તેમાં ભાષાની તેમ જ  દેહ પ્રદર્શનની મર્યાદા હોવી જોઇએ. પરંતુ શક્તિશાળી વિષયો અપનાવીને ટચૂકડા પડદાને એક નવી ઊંચાઇ સુધી ચોક્કસ લઇ જઇ શકાય. વાસ્તવમાં આ રીતે સિરિયલ સર્જકો એક આખો નવો દર્શક વર્ગ મેળવી શકે.

કરણ પટેલ ટચૂકડા પડદાનો એંગ્રી યંગમેન ગણાય છે. તે કહે છે કે ટી.વી. પર મેં ધણું સારું કામ કર્યુંં છે. અલબત્ત,મેં અત્યાર સુધી જે મેળવ્યું છે તેમાં એકતા કપૂર અને દર્શકોનો સિંહફાળો છે. તેમના વિના તો હું અધૂરો જ ગણાઉં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wIPZMq
Previous
Next Post »