- કૃષિ ઓપીડીમાં વિવિધ પાકમાં થતા રોગ તેમજ કૃષિ અંગેની તમામ સમસ્યાનું એક જ સ્થળે નિરાકરણ કરાશે
- મધ્ય પ્રદેશના બે જિલ્લામાં આ પ્રોજેક્ટનો સફળતાપૂર્વક પ્રારંભ
બદલાતા સમયની સાથોસાથ આરોગ્ય ક્ષેત્રે પણ ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. દેશભરમાં ઠેર ઠેર અદ્યતન હોસ્પિટલો ઉભી થઇ રહી છે. જ્યાં વિશ્વ કક્ષાની તબીબી સવલતો પૂરી પાડવામાં આવે છે. આમ, મનુષ્ય માટે કોઈ બીમારી હોય તો તુરંત જ હોસ્પિટલમાં સારવાર અપાય છે. અને સારવાર બાદ તે ફરી તંદુરસ્ત થાય છે.
આ પ્રકારની થિયરી હવે કૃષિ ક્ષેત્રમાં અપનાવવાની શરૂઆત થઇ છે. દેશમાં પ્રથમ વખત જ મધ્ય પ્રદેશના બે જિલ્લામાં અદ્યતન હોસ્પિટલોની જેમ જ કૃષિ ઓપીડીની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં વિવિધ પાક અંગેની માહિતી, વિવિધ પાકમાં થતા રોગ અંગેનું નિદાન તેમજ કૃષિ સંબંધિત તમામ સમસ્યાઓનું એક જ સ્થળે નિરાકરણ કરવામાં આવશે.
અત્યાર સુધી ખેડૂતોને પાકને લગતી કોઈ સમસ્યા હોય કે પછી પાકમાં કોઈ રોગ લાગુ પડે તો તેમને કૃષિ સંબંધિત વસ્તુઓ વેચતા દુકાનદાર પાસે જઇને જે તે સમસ્યાનું નિરાકરણ કરવું પડતું હતું. આ દુકાનદાર કૃષિ ક્ષેત્રથી વાકેફ અને જાણકાર હોય તો તે ખેડૂતોની સમસ્યાનું નિદાન કરતા હોય છે. અન્યથા ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થતું નથી. જેના કારણે ખેડૂતોને નાણાંકીય રીતે પણ નુકસાન થતું હોય છે.
કૃષિ ક્ષેત્રની આ પ્રતિકૂળતા દૂર કરવા મધ્યપ્રદેશમાં જબલપુર અને હરદા ખાતે સરકાર દ્વારા કૃષિ ઓપીડીની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં કૃષિ સંબંધિત તમામ સમસ્યાઓનું નિદાન કરાય છે. વિવિધ પાકમાં રોગ, કીટક અથવા અન્ય સમસ્યા હોય તેવા પાકના નમુના લઇને ઓપીડીમાં જઇને તે અંગે રજૂઆત કરતા કૃષિ ઓપીડીમાં હાજર કૃષિ નિષ્ણાંતો તેનું પરીક્ષણ/ચકાસણી કરીને જે તે સમસ્યા દૂર કરવાના ઉપાયો બતાવે છે.
જો કોઈ ખેડૂત કૃષિ ઓપીડીની રૂબરૂ મુલાકાત ન લઇ શકે તો ઓપીડીના વોટ્સએપ નંબર પર રોગગ્રસ્ત પાકનો ફોટો પાડીને મોકલી શકે છે. કૃષિ નિષ્ણાંતો તેને ચેક કરીને આ રોગ અંગેનું નિદાન વોટ્સએપ થકી પૂરૂ પાડવામાં આવે છે. આમ, ખેડૂતોનો સમય અને નાણાંની પણ બચત થાય છે.
જે ખેડૂતો કૃષિ ઓપીડીની મુલાકાત લે છે તેમનો રેકોર્ડ રાખવામાં આવે છે. તેમના મોબાઈલ પર પાકની વાવણી, દવા છંટકાવ, લણણી સહિતની અન્ય તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં મગના પાકને લઇને અંદાજે ૩૪૦૦૦ જેટલા ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સિવાય અન્ય પાક સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કૃષિ ઓપીડી દ્વારા અન્ય એક વધુ સવલત પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઓપીડીમાં કાર્યરત કૃષિ નિષ્ણાંતો ડોક્ટર વિઝીટે જાય તે રીતે સપ્તાહમાં એક વખત વિવિધ ગામોની મુલાકાતે જશે. ત્યાં જઇને તેઓ ખેડૂતોને ખેતરની માહીતી સ્થિતિ, પાક ચક્ર, બીજ, ખાતર અને પાકમાં લાગતા રોગ અંગેની માહિતી પૂરી પાડશે. આ મુલાકાત બાદ તેનો રીપોર્ટ ઓપીડીમાં ફાઈલ કરાશે. અને તેના આધારે આગામી રણનીતિ ઘડવામાં આવશે. જેના પગલે પૂરતા પ્રમાણમાં કૃષિ ઉપજ મેળવી શકાય. અને પાકમાં ફેલાતા રોગચાળા અંગે આગોતરા પગલા ભરી શકાશે. આ બે જિલ્લામાં કૃષિ ઓપીડીને સફળતા મળતા હવે આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલી બનાવવા કવાયત હાથ ધરાઈ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ws7pwE
ConversionConversion EmoticonEmoticon