કોરોનાના બીજા તબક્કાના પગલે બેરોજગારી વધારો થવાની ભીતિ


- રોજગાર વધારવા સરકાર અનેક યોજના ઘડે છે પરંતુ તેના ધાર્યા પરિણામ જોવા મળતા નથી

દેશમાં રોજગારને લગતી સમસ્યામાં લગાતાર વધારો થયો હોવા છતાં પણ સરકાર દ્વારા આ મુદ્દે કોઈ ચોક્કસ પગલા ભરાયા નથી. જેના કારણે આ સમસ્યા વકરતી જાય છે. તેમાં વળી તાજેતરમાં કોરોના સંક્રમણનો બીજો વેવ ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવાયેલા અંકુશોના કારણે આગામી સમયમાં આ સમસ્યા પ્રબળ બને તેવી સંભાવના છે. રોજગાર વધારવા સરકાર દ્વારા અનેક યોજના રજૂ થાય છે. પરંતુ તેના ધાર્યા પરિણામ જોવા મળતા નથી. આમ, રોજગારમાં વધારો કરવો એ સરકાર માટે એક પડકારજનક મુદ્દો બની રહ્યો છે.

બે માસ પહેલા રજૂ થયેલા બજેટના ડેટા મુજબ ૨૦૨૦-૨૧માં સરકારે ૩૪.૧ લાખ લોકોને રોજગારી પૂરી પાડી હતી. જે ૨૦૧૯-૨૦માં ૩૩.૧ લાખનો આંકડો હતો. પરંતુ, સૂચિત સમય દરમિયાન લોકડાઉનના કારણે લાખ્ખો લોકોએ રોજગારી ગુમાવી હતી. તેથી જાહેર કરાયેલા આ આંકડા કરતા વાસ્તવિક આંકડા નીચા હોય તેમ મનાઈ રહ્યું છે.

આ મુદ્દે થોડા ઊંડા ઉતરીને જોઇએ તો, સરકારી આંકડા જણાવે છે કે વર્ષ ૨૦૦૦-૦૧થી કેન્દ્ર સરકારની રોજગારી આશરે ૩૩ લાખ જેટલી સ્થિર રહી છે. વર્ષ ૨૦૦૦-૦૧થી ૨૦૧૮-૧૯ સુધીના ૧૯ વર્ષમાં સરેરાશ કેન્દ્રીય રોજગાર દર વર્ષે ૩૨.૬ લાખ રહ્યો છે. તે ૨૦૦૧-૦૨માં ૩૪.૨ લાખ સૌથી વધુ હતો જ્યારે ૨૦૧૧-૧૨માં તે સૌથી ઓછો ૩૧.૫ લાખ તો. ૨૦૧૨-૧૩ પછીના પાંચ 'અંતિમ' અંદાજો સરકારના રોજગારમાં સતત ઘટાડો દર્શાવે છે.

જાન્યુઆરી ૨૦૨૧માં લેબર માર્કેટ લોકડાઉનના આંચકામાંથી પાછું આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં કુલ રોજગાર ૧.૧૯ કરોડ વધીને ૪૦.૦૭ કરોડ થયો હતો. લોકડાઉન પછી આ પહેલીવાર છે જ્યારે રોજગારનો આંકડો ૪૦ કરોડને વટાવી ગયો છે. જાન્યુઆરીમાં રોજગારની વૃદ્ધિ મુખ્યત્વે બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રિત હતી. બાંધકામ ક્ષેત્રે ૮૬ લાખ અને કૃષિ ક્ષેત્રે લગભગ ૪૨ લાખ નોકરીઓ વધી હતી. મેન્યુફેકચરિંગ સેકટરની વાત કરીએ તો તેમાં ફક્ત થોડો સુધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૦માં ૨.૯૩ કરોડ નોકરીઓ આપનારા મેન્યુફેકચરીંગ ક્ષેત્રે જાન્યુઆરી ૨૦૨૧માં ૨.૯૭ કરોડ લોકોને રોજગારી આપી હતી. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોના રોજગારમાં ઘટાડો થયો છે.

તાજેતરના વર્ષોમાં આર્થિક વિકાસની સ્થિર પ્રકૃતિને કારણે, વૃદ્ધિના મોસમી પરિબળોને સમજવું શક્ય નથી. પરંતુ વાર્ષિક ધોરણે સરખામણી કરીને, આ બંને સમસ્યાઓ દૂર કરી શકાય છે. જાન્યુઆરી ૨૦૨૦નોનમૂનો જાન્યઆરી ૨૦૧૯ જેવો જ છે.

એક વર્ષ અગાઉની તુલનામાં જાન્યુઆરી ૨૦૨૦માં રોજગારમાં ૯૮ લાખનો ઘટાડો થયો હતો. જો આપણે સેકટર મુજબના ડેટા પર નજર કરીએ તો કૃષિ ક્ષેત્રે રોજગારમાં વધારો થયો હતો. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે પીછેહઠ થઇ હતી. કૃષિ ક્ષેત્રે ૧.૦૬ કરોડ નોકરીઓ વધી હતી પરંતુ ઉત્પાદનમાં ૧.૪૩ કરોડ અને સેવા ક્ષેત્રે ૧.૦૧ કરોડ નોકરીઓ ઓછી થઇ હતી.

દેશમાં છેલ્લા એક માસ દરમિયાન કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી આગળ વધ્યો છે. જેના પગલે વિવિધ રાજ્યો દ્વારા અંકુશાત્મક પગલા ભરાઈ રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં ફરી એકવાર રોજગારમાં ઘટાડો થવાની સંભાવના ઉદ્ભવી છે. આમ, જો આ મુદ્દે સરકાર દ્વારા નક્કર આયોજન નહીં કરાય તો બેરોજગારીમાં મોટા પાયે વધારો થશે. જેની સરવાળે તો અર્થતંત્ર પર જ પ્રતિકૂળ અસર જોવાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dx2At6
Previous
Next Post »