MSMEના વિકાસ વગર દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવું મુશકેલ


- અપાતા  પ્રોત્સાહનો છતાં નાના ઉદ્યોગોનો અપેક્ષિત વિકાસ થતો નથી

ભારતના અર્થતંત્ર માટે છેલ્લા બે વર્ષ ઘણાં જ મુશકેલીભર્યા રહ્યા હતા. ૨૦૧૯માં આર્થિક મંદી બાદ ૨૦૨૦માં કોરોનાની મહામારીએ ભારતને મોટો આર્થિક આંચકો આપ્યો છે. દેશના લાખો લોકોએ રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો અને  અગણિત માઈક્રો,  સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) બંધ પડી ગયાની હાલતમાં છે. કોરોનાની મહામારીમાંથી દેશના ઉદ્યોગો હજુ સંપૂર્ણ રીતે રિકવર થયા નથી ત્યારે કૃષિ ક્ષેત્રે સુધારા લાવવા સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદાની વિરોધમાં દેશના ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનનો હજુ અંત જણાતો નથી. કોરોનાની મહામારીની પડેલી આર્થિક અસરમાંથી દેશને બહાર કાઢવો હશે તો દેશના કૃષિ ક્ષેત્ર ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રને મજબૂત બનાવવાના રહેશે. દેશની પ્રગતિ તથા રોજગારની દ્રષ્ટિએ આ બન્ને પાયાના ક્ષેત્રો છે. 

ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો દેશમાં કાર્યરત અંદાજે  ૬ કરોડ એમએસએમઈમાંથી ૯૯ ટકા એમએસએમઈ એકદમ નાના સ્તરે કામગીરી બજાવી રહ્યા છે. દેશમાં કાર્યરત એમએસએમઈ ૧૧ કરોડ કામદારોને રોજગાર પૂરા પાડે છે અને જીડીપીમાં અંદાજે ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં માઈક્રો સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા કરતા મધ્યમ સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા બે ગણી હોવાનો અંદાજ છે. માઈક્રો (એકદમ નાના ) એકમોની ઉત્પાદન ક્ષમતા વધે અને તેઓ વધુ સ્પર્ધાત્મક બને તે જરૂરી છે. એમએસએમઈ જેવી જ સ્થિતિ દેશના કૃષિ ક્ષેત્રની પણ જોવા મળી રહી છે. દેશના કુલ ખેડૂતોમાંથી ૮૬ ટકા ખેડૂતો નાના અને સામાન્ય (બે હેકટરથી ઓછી જમીન ધરાવતા) છે. નાના ખેડૂતોનો હિસ્સો જે ૧૯૭૦-૭૧માં ૭૦ ટકા હતો તે વધીને ૮૬ ટકા થયો છે જ્યારે મોટા ખેડૂતોનો હિસ્સો (૧૦ હેકટર્સથી વધુ જમીન સાથેના ખેડૂતો) જે ૪ ટકા હતો તે ઘટીને ૧ ટકા પર આવી ગયો છે. 

દેશના ખેડૂતો તથા એમએસએમઈ એક એવી સ્થિતિમાં ચાલી ગયા છે જેમાં તેમની આવકનું સ્તર સતત નીચુ રહ્યા કરે છે અને ખપપૂરતી આવક કરી રહ્યા છે જેને કારણે તેમની પાસે એવી કોઈ વધારાની રકમ બચતી નથી જેનો ઉપયોગ તેઓ પોતાની  કુશળતા  વધારવામાં અથવા તો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા કરી શકે. નીચી આવકને કારણે એસેટસ ઊભી કરવાનું પણ આ ક્ષેત્રો માટે શકય બનતું નથી જેની સામે તેઓ ફાઈનાન્સિંગ મેળવી શકે. ખેડૂત હોય કે એમએસએમઈ વિસ્તરણના અભાવે તેઓ પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકતા નથી વર્ષો સુધી સ્થિતિ ત્યાંની ત્યાંજ જોવા મળે છે. દેશ આઝાદ થયા બાદ સત્તા પર આવેલી દરેક સરકારોએ આ ક્ષેત્રોના વિકાસ માટે અનેક નીતિઓ તથા કાયદાઓની રચના કરી હોવા છતાં તેનું કોઈ અર્થપૂર્ણ પરિણામ જોવા મળ્યું નથી. જેનું પરિણામ દેશના અર્થતંત્રએ જ સહન કરવું પડી રહ્યું છે. 

કોરોનાની મહામારીમાં એમએસએમઈ ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડયો છે. લિક્વિડિટીની ખેંચ, ઢીલથી થતા પેમેન્ટસ, ડીફોલ્ટ જોખમ, પૂરવઠા સાંકળમાં ખલેલ તથા શ્રમિકોની અછત જેવા અનેક મોરચે દેશના એમએસએમઈ લડી રહ્યા છે. એમએસએમઈ ક્ષેત્ર માટે  સરકારે ગયા વર્ષે અનેક પગલાં જાહેર કર્યા હતા, જેમાં રૂપિયા ૩ લાખ કરોડની ઈમરજંસી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ સ્કીમ હેઠળ બેન્કોએ  ૯૨ લાખ બોરોઅરોને રૂપિયા ૨.૪૬ લાખ કરોડની લોન્સ મંજુર કરી હતી. જો કે આ સ્કીમ એમએસએમઈ ક્ષેત્રને કોરોનાના કાળમાં કેટલી મદદગાર બની શકી છે તે તો આવનારા દિવસોમાં જ જાણી શકાશે. 

એમએસએમઈને પૂરી પડાયેલી આ રાહત કામચલાઉ સ્વરૂપની ગણી શકાય એમ છે. સરકાર એમએસએમઈ ક્ષેત્રને લાંબા સમયની રાહત પૂરી પાડવા માગતી હોય અને મોટા કોર્પોરેટસ સાથે તેને સ્પર્ધાત્મક બનાવવા માગતી હોય તો એમએસએમઈ માટે ટેકસ માળખામાં સરળતા લાવવી જરૂરી છે.   વેરા માળખામાં સરળતા દેશના નાના ઔદ્યોગિક એકમો દ્વારા ફરજપાલનમાં વધારો કરાવશે. 

દેશના ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. કૃષિ ક્ષેત્ર બાદ  રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈ બીજા ક્રમે આવે છે.    વિવિધ સ્વરૂપે ટેકા પૂરા પડાયા હોવા છતાં  કોરોનાને કારણે ઊભી થયેલી આર્થિક ખલેલને પરિણામે   મોટી સંખ્યાની નાની  કંપનીઓનું આઉટલુક નેગેટિવ રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે એટલું જ નહીં પચાસ ટકા જેટલી એમએસએમઈની આવકમાં   ૨૫ થી ૫૦ ટકા અસર પડી હોવાનું એક સર્વેમાં જણાયું છે. 

 કોવિડ-૧૯ને કારણે શહેરી વિસ્તારોમાંથી શ્રમિકો મોટી સંખ્યામાં હીજરત કરી ગયા હતા જેમાંથી  અસંખ્ય  કામદારો હજુ પરત આવ્યા નથી. કામદારોની અછત નાના ઉત્પાદન એકમો સામે આજે એક મોટો પડકાર બની ગયો છે. ઉત્પાદન એકમોને ટકાવી રાખવા કામદારોની પૂરતી સંખ્યામાં ઉપલબ્ધિ જરૂરી છે. કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવો હશે અને દેશની પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધારવો હશે તો  એમએસએમઈ માટે ટેકનોલોજીને પીઠબળ બનાવવું પડશે. એમએસએમઈ દ્વારા ઉત્પાદિત પ્રોડકટસને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર યોગ્ય સ્થાન મળી રહે તે સમયની માગ છે. 

 સરકારી કંપનીઓ દ્વારા માલસામાન અથવા સેવાની ખરીદીમાં  લઘુ તથા મધ્યમ ઉપક્રમોને પ્રાધાન્ય આપવા માટેની યોજના લાગુ કરવામાં આવી છે ખરી પરંતુ સરકારી વિભાગો દ્વારા એમએસએમઈને  પેમેન્ટમાં સતત ઢીલ થતી રહે છે, એમએસએમઈ ક્ષેત્રના વિકાસ વગર દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનું શકય નથી ત્યારે  હાલમાં  નબળી સ્થિતિમાં મુકાઈ ગયેલા દેશના આ ક્ષેત્રની  હાલત  કથળી ન જાય તે જોવાની નીતિવિષયકોની જવાબદારી બની રહે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31N4112
Previous
Next Post »