
- ક્રાઈમવૉચ- મહેશ યાજ્ઞિાક
- મુંબઈની મિલકતમાં ભાગ ઉપરાંત દર મહિને ભરણપોષણની રકમ હેમાને આપવાની ચિંતાથી ચિંતન કંટાળેલો હતો
- ફાયરબ્રીગેડના લાશ્કરોએ પાણીમાંથી એક બોક્સમાં ચાલીસેક વર્ષની રૂપાળી સ્ત્રી અને બીજા બોકસમાં પંચાવન વર્ષના પુરુષની લાશ જોઈને અર્ધી રાત્રે પણ લોકોની ભીડ ભેગી થઈ ગઈ.
- હેમા હિરાણી
- ચિંતન ઉપાધ્યાય
તા રીખ બારમી ડિસેમ્બર, ૨૦૧૫ સાંજે પાંચ વાગ્યે મુંબઈના પેડર રોડ પર આલિશાન જિંદાલ મેન્શનમાં આર્ટ ઈન્ડિયા ફાઉન્ડેશનની એક અગત્યની મિટિંગમાં ત્રણ સુપ્રસિધ્ધ આટસ્ટ ખુરસી પર બેસીને ચોથા કલાકારની રાહ જોઈ રહ્યા હતા. ''આજ સુધીમાં હેમા ક્યારેય મોડી પડી નથી. આજે આવું કેમ થયું?'' સૌથી સિનિયર સુધીર પટવર્ધનના અવાજમાં ચિંતા હતી. ''ક્યારેય નહીં ને આજે એનો મોબાઈલ સ્વીચઑફ આવે છે.'' શિલ્પા ગુપ્તાએ નિરાશાથી કહ્યું. એ સાંભળીને જીવી પટેલે ઉમેર્યું. ''એ એકલી રહે છે, એટલે પૂછવુંય કોને?''
એ લોકો જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ ચિત્રકાર, શિલ્પકાર અને ઈનસ્ટોલેશનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી હેમાનો પરિચય મેળવી લઈએ. ૧૯૭૨માં જન્મેલી હેમા હિરાણી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસમાં અભ્યાસ કરતી હતી ત્યારે એની કલાસૂઝ ઉપરાંત સૌંદર્યથી આખા કેમ્પસમાં ગૌરવભર્યું સ્થાન ભોગવતી હતી. સાથે અભ્યાસ કરતા બધા યુવાનો માટે એ સ્વીટ હાર્ટ હતી. ફાઈન આર્ટસની તમામ પ્રવૃત્તિઓમાં એ અગ્રસ્થાને રહેતી હતી. દરેક ગૃપ ફોટામાં એ સહુની વચ્ચોવચ જ ઊભી હોય એવો એનો દબદબો હતો.
હસમુખી હેમા હિરાણીને પામવાની તમન્ના તો એ સમયે એના દરેક સહાધ્યાયીના હૈયામાં હતી. પરંતુ ૧૯૯૮માં બધા ચોંકી ઉઠયા. હેમા હિરાણીએ ચિંતન ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા એટલે બધાને આશ્ચર્ય થયું કે સૌમ્ય સ્વભાવની હેમાને આવો ઊડઝૂડિયો અને અસ્તવ્યસ્ત ચિંતન કેમ ગમ્યો હશે?
ચિંતન મૂળ રાજસ્થાનનો. એના પિતા વિદ્યાસાગર ઉપાધ્યાય જયપુરની ફાઈન આર્ટસ કૉલેજમાં જ પ્રોફેસર અને નેશનલ એવૉર્ડ પણ એમણે મેળવેલો.
૧૯૯૮માં જ ચિંતન અને હેમાએ મુંબઈમાં ઘરસંસાર શરૂ કર્યો. હેમાએ ચિત્ર, શિલ્પ અને ઈનસ્ટોલેશનના સંયોજનથી ૨૦૦૧માં મુંબઈની પ્રસિધ્ધ આર્ટગેલેરીમાં પહેલું પ્રદર્શન ગોઠવ્યું. વડોદરા છોડીને મુંબઈમાં આવ્યા પછી વતન ઝૂરાપાની લાગણીને કેન્દ્રસ્થાને રાખીને ''મીઠી મીઠી સ્મૃતિઓ'' શીર્ષકથી એણે રજૂ કરેલી કલાકૃતિઓને લીધે ત્યાંના કલાજગતમાં એણે સ્થાન મેળવી લીધું.
એ સફળતા પછી વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં સિડનીની આર્ટગેલેરીમાં એનું પહેલું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું. એ પછી તો સખત પરિશ્રમ અને કલાની ઊંડી સૂઝને લીધે એ સતત આગળ વધતી જ રહી. ચીનના બેઈજિંગમાં, સ્પેનમાં બે સ્થળે, ફ્રાન્સમાં પેરિસ સહિત ચાર શહેરોમાં, ઈઝરાયેલ, ઈંગ્લેન્ડમાં લંડન અને અન્ય શહેરોમાં, ઈટાલી, જાપાન, નોર્વે વગેરે અનેક દેશોમાં એના પ્રદર્શનોને કલારસિકોની દાદ મળી. રોમના ઈટાલીમાં વિખ્યાત માર્કો મ્યુઝિયમનું પુનઃ સ્થાપન થયું ત્યારે એ સમારંભમાં એક માત્ર ભારતીય કલાકાર તરીકે એને આમંત્રણ મળેલું. હેમાની માતા ગુજરાતી અને પિતા સિંધી હતા. ભાગલા પડયા ત્યારે હેમાના દાદા વિસ્થાપિત તરીકે ભારત આવેલા. એ સંદર્ભ ઉપર હેમાએ ૨૦૦૩માં પાકિસ્તાનના કરાંચીમાં પ્રદર્શન ગોઠવેલું, એ ઈનસ્ટોલેશન માટે ફરી વાર ૨૦૦૭માં ઈટાલીના કલાસંઘે હેમાને આમંત્રણ આપેલું.
આટલી જબરજસ્ત સફળતા અકસ્માતે નહોતી મળી. અંધેરીમાં આવેલા પોતાના સ્ટુડિયોમાં હેમા સતત મહેનત કરતી હતી. ઈનસ્ટોલેશનમાં ફેબ્રિકેશન વર્કની પણ જરૂર પડે. આ કામ માટે કાંદિવલીમાં આવેલા વંશરાજ આર્ટમાં પણ દોડાદોડી કરવી પડે. ફેબ્રિકેશનના કલાત્મક કામ માટે વંશરાજ આર્ટનું નામ જાણીતું હતું. વર્કશોપની સાથે ત્યાં ગોડાઉન પણ હતું. હેમા અને ચિંતનના આર્ટવર્કના નમૂનાઓ ત્યાં પડયા રહેતા હતા.
વંશરાજ આર્ટનો માલિક વંશરાજ રાજભર આમ તો ચિંતનના પિતા વિદ્યાસાગરનો શિષ્ય. વિદ્યાસાગરના નામ ઉપરથી એણે પોતાના દીકરાનું નામ પણ વિદ્યાધર પાડયું હતું. વંશરાજની ગંભીર બીમારીમાં વિદ્યાધર પાસે પૈસા નહોતા. ચિંતને એને છ લાખ રૂપિયા ઉછીના આપેલા. વંશરાજના અવસાન પછી કારોબાર વિદ્યાધર સંભાળતો હતો.
આ સમય દરમ્યાન હેમા અને ચિંતન વચ્ચે ધીમે ધીમે મતભેદ વધતા જતા હતા. ગુજરાતના ૨૦૦૨ ના રમખાણ પછી ચિંતને વડોદરા યુનિવર્સિટી કેમ્પસમાં એક્ઝિબિશન ગોઠવ્યું એમાં એ નગ્ન થયેલો એ કિસ્સો ચર્ચાસ્પદ બનેલો. જયપુર ફેસ્ટિવલમાં ગાયનું વિકૃત શિલ્પ બનાવીને એણે હાઈડ્રોજન બલૂનથી ઊડાડયંન એને લીધ ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર બજાજનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને ચિંતનની ધરપકડ થયેલી. એના પિતાએ મુખ્યમંત્રી વિજ્યારાજે સિંધિયાને વાત કરી એ પછી એનો છૂટકારો થયેલો. અલબત્ત, ચિંતનને પણ ૨૦૧૨માં ચાર્લ્સવાલેસ ફાઉન્ડેશન એવાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી.
મતભેદ વધ્યા પછી ચિંતને ૨૦૧૦માં છૂટાછેડા લેવા માટે પ્રક્રિયા શરૂ કરી. હેમા આ માટે તૈયાર નહોતી. મુંબઈના ફ્લેટમાં હેમા અને ચિંતને રૂમ વહેંચી લીધા. બંને અલગ અલગ રૂમમાં રહેતા હતા. ચિંતને પોતાના બેડરૂમની દીવાલો હેમાના વિકૃત ચિત્રોથી ચિતરી નાખી હતી એટલે ૨૦૧૩માં હેમાએ એના વકીલ હરેશ ભંભાણી મારફતે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી. આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો કે ચિંતનનો બેડરૂમ એ એની પોતાની સ્વતંત્ર અને ખાનગી જગ્યા છે, એમાં એને જે કરવું હોય એ કરી શકે.
૨૦૧૪માં એ બંનેના છૂટાછેડા થયા. ભરણપોષણ માટે હેમાએ દર મહિને બે લાખ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એ રકમ ચાલીસ હજાર નક્કી કરી. એટલે હરેશ ભંભાણી મારફતે એ માટેની કાયદાકીય લડાઈ ચાલુ જ હતી. મુંબઈમાં હવે હેમા એકલી જ હતી. ચિંતન પોતાનો સામાન લઈને દિલ્હી જતો રહ્યો હતો. દર મહિને ભરણપોષણની રકમ આપવામાં પણ એ અખાડા કરતો હતો.
આરંભમાં આપણે તારીખ બારમી ડિસેમ્બર, ૨૦૧૫ સાંજે પાંચ વાગ્યે મુંબઈના પેડર રોડ પર અન્ય આર્ટિસ્ટો હેમાની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ વાત કરેલી, ત્યાં પાછા જઈએ. એ લોકો હેમાની રાહ જોઈને ચિંતા કરી રહ્યા હતા.
એ જ વખતે કાંદિવલીમાં દહાણુંકરની વાડી પાસેના સ્મશાનની સામે એક કચરો વીણનારો આંટા મારી રહ્યો હતો. ગટરના નાળામાં બે મોટા બોક્સ જોઈને દલ્લાની આશાએ એની આંખ ચમકી. બોક્સ લેવા માટે એ ગંદા પાણીમાં ઊતર્યોે તો ખરો પણ એ સમયે એક ખોખું સહેજ ખૂલી ગયું. એમાં એક માણસનો પગ દેખાયો એટલે ગભરાઈને એ ભાગ્યો અને દોડીને કોન્સ્ટેબલને વાત કરી. કોન્સ્ટેબલે આવીને જોયું અને તરત જ પોલીસ સ્ટેશને ફોન કર્યો. થોડી જ વારમાં આખી ટીમ ત્યાં આવી ગઈ. ફાયરબ્રીગેડના લાશ્કરોએ પાણીમાંથી બંને કોરૂગેટેડ બોક્સ બહાર કાઢયા. એક બોક્સમાં ચાલીસેક વર્ષની રૂપાળી સ્ત્રી અને બીજા બોકસમાં પંચાવન વર્ષના પુરુષની લાશ જોઈને અર્ધી રાત્રે પણ લોકોની ભીડ ભેગી થઈ ગઈ. બંને લાશને ટ્રાન્સપેરન્ટ રેપરથી પેક કરેલી હતી. પુરુષના હાથ, પગ અને મોઢું બ્રાઉન ટેપથી કચકચાવીને બંધાયેલું હતું.
પોલીસે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી અને આખા મુંબઈના મિસિંગ પર્સનની ફરિયાદોની જાણકારી મેળવી. હેમાના નોકર લલિત મંડલે અને ભંભાણીના પરિવારે ફરિયાદ નોંધાવેલી. એ બંનેમાં જે વર્ણન હતું એ મળતું આવતું હતું એટલે પોલીસે એ લોકોને સવારે અગિયાર વાગ્યે શતાબ્દી હોસ્પિટલમાં ઓળખ માટે બોલાવ્યા. બંને લાશની ઓળખ થઈ ગઈ. આ દરમિયાન અન્ય કાર્યવાહી તો ચાલુ જ હતી. લાશ મળી હતી એ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસે ટેમ્પો ડ્રાઈવર વિજયને ઝડપી પાડયો. વિજયે કબૂલાત કરી કે એ બંને બોક્સ એણે નાળામાં ફેંકેલા, પણ એમાં શું હતું એની એને ખબર નહોતી. આ કામ સોંપનાર માણસોના નામ એણે આપ્યા એટલે પોલીસ વંશરાજ આર્ટ પર પહોંચી. બોક્સના બેચ નંબર અને બનાવનારના નામ પરથી પણ વંશરાજ આર્ટનું જ નામ મળ્યું હતું. ત્યાંથી પોલીસે આઝાદ અને પ્રદીપને દબોચી લીધા.
એ બંનેએ હત્યાની કબૂલાત કરીને પોલીસને જાણકારી આપી કે વિદ્યાધર અને શીવકુમાર તો એ રાત્રે જ ઉત્તરપ્રદેશ જવા માટે દાદર સ્ટેશનેથી સાડા નવ વાગ્યે વારાણસી જતી ટ્રેનમાં રવાના થઈ ચૂક્યા હતા. મુંબઈ પોલીસે ઉત્તરપ્રદેશની પોલીસનો સંપર્ક સાધ્યો. ત્યાંની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમે વારાણસી સ્ટેશન ઉપરથી શીવકુમારને પકડી લીધો. શીવકુમાર પાસેથી હેમા અને હરેશ ભંભાણીના ક્રેડિટ કાર્ડ અને બીજી વસ્તુઓ પણ મળી આવી. શીવકુમારે કબૂલાત કરીને માહિતી આપી કે મુખ્ય સુત્રધાર તો વિદ્યાધર છે. એ મારી સાથે ટ્રેનમાં આવેલો પણ કોણ જોણે કેમ એ રસ્તામાં ફફડી ગયો હતો. ઈટારસી સ્ટેશન આવ્યું ત્યારે એણે મને કહ્યું કે તું જા- હું તો પોલીસ પાસે સરન્ડર થઈ જઈશ.એટલું કહીને એ ત્યાં ઊતરી ગયેલો.
ટેલિફોન કોલ ડિટેઈલ્સ અને સીસીટીવી ફૂટેજ ઉપરાંત પકડાયેલા આરોપીઓના બયાનના આધારે આ હત્યાકાંડની આખી ઘટના કંઈક આવી રીતે બની હશે એવું પોલીસનું તારણ છે. મુંબઈની મિલકતમાં ભાગ ઉપરાંત દર મહિને ભરણપોષણની રકમ હેમાને આપવાની ચિંતાથી ચિંતન કંટાળેલો હતો. સપ્ટેમ્બર, ૨૦૧૫માં જયપુર એક્ઝિબિશન દરમિયાન એ વિદ્યાધરને મળેલો. વિદ્યાધર નાણાંભીડમાં છે એનો ચિંતનને ખ્યાલ આવી ગયેલો.
દિલ્હીથી આઠમી ડિસેમ્બરે મુંબઈ આવીને એ ચેમ્બૂરની એક હોટલમાં રોકાયો. ત્યાં એણે વિદ્યાધરને બોલાવ્યો.
આખો પ્લાન સમજાવીને હેમા અને એના વકીલ હરેશ ભંભાણીને એક સાથે કઈ રીતે મારવા એ એણે ચિત્રો દોરીને પણ વિદ્યાધરને સમજાવેલું. આ કામ માટે વિદ્યાધરે ત્રીસ લાખ રૂપિયાની માગણી કરી. રકઝક પછી બાવીસ લાખમાં સોદો નક્કી થયો. ચિંતને ફરી વાર આખો પ્લાન વિદ્યાધરના મગજમાં ઠસાવ્યો. વિદ્યાધરે પ્લાન મુજબ કામ પતાવવાની ખાતરી આપી.
અગિયારમી ડિસેમ્બરે સવારમાં વિદ્યાધરે હેમાને ફોન કર્યો. એણે કહ્યું કે ચિંતન સામેના કેસમાં તમને ઉપયોગી નીવડે એવા સજ્જડ પુરાવા મારી પાસે છે. ચિંતન કોઈ બીજી સ્ત્રી સાથે બેડરૂમમાં સૂતો છે એનું વીડિયો રેકોર્ડિંગ હું તમને વ્યાજબી કિંમતે આપીશ. સાંજે તમારા વકીલને લઈને આવી જાવ.
હેમા ટ્રેપમાં આવી ગઈ. એણે રાજી થઈને તરત ભંભાણીને ફોન કર્યો. સાંજે છ વાગ્યે હેમાએ એના નોકર લલિત મંડલને કહ્યું કે હું બહાર જમવાની છું. આ તરફ ભંભાણીએ પણ ઘેર એવું જ કહ્યું અને સાત વાગ્યે એ અંધેરીમાં આવેલા હેમાના સ્ટુડિયો પર પહોંચી ગયો. ભંભાણીની કારમાં બેસીને બંને કાંદિવલી વિદ્યાધરના વર્કશોપ કમ ગોડાઉન પર પહોંચ્યા.
ત્યાં વિદ્યાધરની સાથે આઝાદ, પ્રદીપ અને શીવકુમાર એમની રાહ જોઈને જ બેઠા હતા. વિદ્યાધરે હેમાને પાછળથી પકડી લીધી અને આઝાદે કેમિકલથી લથબથતો નેપ્કિન હેમાના મોઢા ઉપર દબાવી રાખ્યો. આ ભયાનક ઘાતક કેમિકલ બેંગ્લોરના કોઈ જોસેફ અલેકઝાંડર પાસેથી મેળવ્યું હતું. શીવકુમાર અને પ્રદીપે ભંભાણીના હાથ-પગ કસીને બાંધી દીધા હતા અને મોઢા ઉપર પણ સેલો ટેપ લગાડી દીધી હતી. કેમિકલની અસરથી હેમાના શ્વાસ અટકી ગયા, એ પછી એ જ રીતે ભંભાણીને પણ મારી નાખવામાં આવ્યો. બંને લાશને બરાબર કસીને પારદર્શક ટેપથી પેક કરી અને અલગ અલગ બોક્સમાં મૂકી દીધી અને એ પછી ટેમ્પો ડ્રાઈવર વિજયને બોલાવીને સૂચના આપી કે આ બંને બોક્સ ક્યાંક દૂર જઈને ગટરમાં ફેંકી દેવાના છે. વિજયનો ટેમ્પો રવાના થયો કે તરત વિદ્યાધર અને શીવકુમાર વારાણસી જતી ટ્રેનમાં ગોઠવાઈ ગયા.
ચિંતન એ સાંજે જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થઈ ગયો હતો. પોલીસે એની ધરપકડ કરી અને એ પછી કાનૂની લડાઈ ચાલુ થઈ.
૨૦૧૬ના આરંભમાં આ હાઈપ્રોફાઈલ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સરકારે ઉજ્જ્વલ નિકમની નિમણૂંક કરી. ટ્રાયલ માટે ડિન્ડોશી સેશન્સ કોર્ટમાં આવવાનું ફાવે એમ નથી એમ કહીને થોડા સમય પછી નિકમ નીકળી ગયા. ભંભાણીની પુત્રી સોનિયાએ મુખ્યમંત્રી, રાજ્યના પોલીસવડા અને મુંબઈ હાઈકોર્ટ સામે આક્રોશ ઠાલવ્યો કે કેસને ક્યાં સુધી લટકાવશો? એ પછી છેક મે, ૨૦૧૯ માં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વૈભવ બગાડેની નિમણૂંક કરવામાં આવી.
ફેબુ્રઆરી, ૨૦૧૬માં મુંબઈના કલાકારોએ કમિશનર કચેરી સામે દેખાવો કરીને કહેલું કે ચિંતન એ કોઈ નામચીન ગુંડો નથી, આંતરરાષ્ટ્રીય સન્માન મેળવેલો કલાકાર છે-એ નિર્દોષ છે.
એ પછી ૨૦૧૭ ફેબુ્રઆરીમાં ચિંતનના વકીલ રાજા ઠાકરેએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી કરી અને દલીલ કરી કે મુખ્ય આરોપી વિદ્યાધર રાજભર હજુ હાથમાં આવ્યો નથી. માત્ર સહઆરોપી પ્રદીપનું સ્ટેટમેન્ટ પૂરતું નથી, માટે જામીન મળવા જોઈએ. પબ્લિક પ્રોસિક્યુટર વીરા શિન્દેએ કહ્યું કે આખોય પ્લાન ચિંતનનો જ હતો એવી પ્રદીપની કબૂલાત જ ચિંતન સામે મુખ્ય પુરાવો છે. વિદ્યાધરની માતા સાવિત્રીએ સ્પષ્ટ કબૂલાત કરી છે કે મારા દીકરાનો મારા ઉપર ફોન આવેલો કે ચિંતને કહ્યું એ પ્રમાણે મેં હેમાનું ખૂન કરી તો નાખ્યું, પણ હવે ચિંતને મને મારી નાખવાની ધમકી આપી છે એટલે હું ભાગતો જ રહીશ. વળી, ભરણપોષણની રકમ આપવાને બદલે હેમાને એલફેલ બોલતો હતો અને એણે ખુદ પોતાની ડાયરીમાં ધિક્કારપૂર્વક લખ્યું છે કે હેમાને હું મારી નાખીશ. ચિંતનની સામે આટલા પુરાવા પૂરતા છે. આ દલીલો પછી હાઈકોર્ટે ચિંતનની જામીન અરજી ફગાવી દીધી.
૨૦૧૯ ના ફેબુ્રઆરીમાં ચિંતનના વકીલે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરેલી, એ ફગાવી દેતી વખતે સુપ્રિમ કોર્ટે તાકીદ કરેલી કે નવ મહિનામાં ટ્રાયલ કોર્ટે ટ્રાયલ પતાવી દેવી.
આ દરમિયાન થાણેની સેન્ટ્રલ જેલમાં ભાંગી પડેલો ચિંતન ડિપ્રેશનમાં આવીને કોઈની સાથે કશુંય બોલતો નહોતો. કાઉન્સેલિંગ પછી એને જેલમાં કેન્વાસ અને કલરની સગવડ આપવામાં આવી છે.
હેમાની સ્મૃતિમાં એને અંજલિ આપવા માટે ૨૦૧૬માં ઈંગ્લેન્ડના બોસ્ટન સીટીમાં એક પ્રદર્શન યોજાયેલું.
બીજી માર્ચ, ૨૦૨૧ થી ડિંડોશી સેશન્સ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ છે. વડોદરાની યુનિવર્સિટીમાં સૌની માનીતી સ્વીટ હાર્ટથી માંડીને કાંદિવલીની ગટરમાં પેક થયેલી લાશ સુધીની હેમાની કરૂણ કહાણીનો ચુકાદો ક્યારે આવશે એ તો ઈશ્વર જાણે. બાકી અત્યારે થાણેની જેલમાં ચિંતન ચિત્રો દોરે છે અને વિદ્યાધર હજુ ઝડપાયો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wVrA6n
ConversionConversion EmoticonEmoticon