
- મહિલા સશક્તિકરણની એરકંડિશન્ડ હોલમાં માત્ર ચર્ચા નહીં પણ સરહદ પર શાન
- વિવિધા-ભવેન કચ્છી
- ભારતીય સેનામાં ફરજ બજાવતા પતિ જોડે માંડ છ મહિનાથી દસેક વર્ષ દામ્પત્ય જીવન વીતાવ્યું હોય અને પતિ શહાદત વહોરે... પત્ની તે જ હોદ્દા અને સ્થળ પર પોસ્ટિંગના ધ્યેય સાથે કપરા ચઢાણ ચઢી સેનામાં ભરતી થાય છે
- કોરોના વોરિયર્સની સાથે આ વોરિયર્સને પણ સલામ કરો
- શહીદોની વિધવા પત્ની મૃત પતિના કાનમાં શું કહે છે?
કો રોનાના કપરા કાળમાં કોરોના વોરિયર્સને સલામ મારવાની સાથે આ અનોખી વોરિયર્સને પણ નતમસ્તક પ્રણામ કરવા જ પડે. થોડા દિવસો અગાઉ ઝારખંડમાં ભારતના જવાનોએ શહાદત વ્હોરી ત્યારે તે નિશ્ચિત છે કે શહીદોની વિધવા પત્ની હવે આ વારસો આગળ ધપાવશે. થોડા ફ્લેશબેકમાં જઈએ.
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નો દિવસ રાષ્ટ્રપ્રેમી ભારતીયોને કાયમ યાદ રહેશે. જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા નજીકથી સીઆરપીએફ જવાનોને શિફ્ટ કરતા બસના કાફલા પર ૮૦ કિલો જેટલા વિસ્ફોટકો ધરાવતી આત્મઘાતી હૂમલો કરતી ટ્રક અચાનક માર્ગમાં આવીને ધડાકાભેર અથડાઈ હતી. 'જૈશ એ મોહમ્મદ' આતંકીજૂથે આ હૂમલાની જવાબદારી સ્વીકારી હતી. ૪૪ જેટલા સી.આર.પી.એફ.ના જવાનોએ શહાદત વહોરી હતી અને દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. મોદી સરકાર પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું દેશવ્યાપી પ્રચંડ દબાણ સર્જાયું હતું. હૂમલાના ૧૨ દિવસ પછી ૨૬ ફેબ્રુઆરીની પરોઢે ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા વિસ્તારમાં આવેલા બાલાકોટ સ્થિત જૈશના કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને બદલો લીધો હતો. જૈશના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સમાવવા ભારતે તે પછી ૧ મેના રોજ સફળતા મેળવી હતી.
ભારતીય સૈનિકોની શહાદતની આ ઘટનાને યાદ કરતા જ નજર સામે ત્રિરંગા ઓઢાડેલ હરોળબંધ કોફિનને સલામી આપતા જવાનો અને અંતિમ ક્રિયામાં વીર જવાનોની વિધવા પત્ની તેમના પતિના મૃત ચહેરાને ચૂંબન કરતી અને તેની જોડે કાનમાં કંઈક વાત કરીને રડી પડતા, ફરી હિંમત એકઠી કરીને મૃતદેહને 'ફ્લાઈંગ કિસ' આપતા જોઈને આપણું હૃદય પણ દ્રવી ઉઠયું હતું.
તમને ખબર છે વિધવા પત્ની અંતિમ ક્રિયા કરતી વખતે તેના શહીદ પતિના કાનમાં શું કહે છે? વિધવા પત્ની પતિને વચન આપે છે કે 'તારી શહાદત એળે નહીં જવા દઉં હવે ભારતીય સેનામાં હું જોડાઈશ અને તારા આત્માને પ્રસન્નતા બક્ષીસ, પુલવામા હૂમલાના શહીદ એચ.ગુરૂની પત્ની કલાવતીએ અંતિમ ક્રિયાના બીજા જ દિવસે ભારતીય સેનામાં જોડાવા માટેની પ્રક્રિયા પ્રારંભી હતી. કલાવતીએ ગુરૂના સિનિયરને જઈને કહ્યું હતું કે ''મારા પતિની ઈચ્છા હજુ બીજા ૧૦ વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવવાની હતી. તે મજાકમાં મને કહેતા કે 'હું શહીદ થઉં તો મારી બાકીની સર્વિસના વર્ષો તું પુરા કરજે.' બસ હવે હું પતિની ઈચ્છા આગળ ધપાવવા માંગુ છું. શું કરૂ?''
તેને જણાવવામાં આવ્યું કે આ માટે આર્મી શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) પરીક્ષા અને તે પછી ઈન્ટરવ્યુમાં ઉત્તીર્ણ થવું પડે અને તે પછી સખ્ત ટ્રેનિંગ લઈને ભારતીય સેનાનો એક હિસ્સો બની શકો.
શહીદની વિધવાને આ પરીક્ષા આપવા માટે વયમાં છૂટછાટ સીવાય બીજી કોઈ રાહત આપવામાં નથી આવતી. અન્ય ઉમેદવારોની સાથે જ સ્પર્ધામાં રહીને તેમાં ઉત્તીર્ણ થવું પડે છે. તે પછી ઈન્ટરવ્યુમાં કે શારીરિક ફિટનેસ ટ્રેનિંગમાં પણ કોઈ સહાનુભૂતિની દ્રષ્ટિ રાખવામાં નથી આવતી. ઘનિષ્ઠ તૈયારી અને તાલીમ લેવી પડે છે. દેશની સુરક્ષા માટે કોઈ સમાધાન ન ચલાવી લેવાય.
કર્ણાટકના માંડયા ગામની વતની કલાવતીએ તેના શહીદ પતિ એચ. ગુરૂની ઈચ્છા પૂર્ણ કરી. કોરોના કાળમાં પણ તે પરીક્ષાની તૈયારી કરતી. પરીક્ષામાં પાસ થયા પછી સઘન ટ્રેનિંગ લઈને હવે તે ભારતીય સેનામાં છે. ગુરૂ અને કલાવતીના દામ્પત્ય જીવનને છ મહિના માંડ વીત્યા હતા. લગ્ન અગાઉની મિત્રતા, સગાઈ પછીનો સમયગાળો તેના જીવનની શ્રેષ્ઠ પળો હતી. એચ. ગુરૂ સાત વર્ષથી ભારતીય સેનામાં હતા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શહીદ થયા તેના થોડા દિવસો પહેલા જ પત્ની કલાવતી જોડે માંડયામાં નવું ઘર બનાવી વાસ્તુ પૂજા કરવા તેણે કેટલાક દિવસો રજા લીધી હતી. ત્યારે તેણે કહેલું કે ''બીજા ૧૦ વર્ષ સેનામાં વીતાવી લઉં. ભરજુવાની દેશને સમર્પીત કરવાનો સંકલ્પ કર્યો છે.'' ૧૦ ફેબ્રુઆરીમાં ગુરૂ ડયુટીમાં જોડાવા કાશ્મીર સરહદે ગયા. રોજ ફોન પર વાતચીત થતી. લગભગ રોજ બપોરે ગુરૂ માતા અને સાંજે પત્ની જોડે ફોન પર વાત કરતા. ૧૪ ફેબ્રુઆરીએ સાંજે ફોન ન આવતા કલાવતીએ ગુરૂને ફોન કર્યો અને કોઈ જવાબ ન આવ્યો. થોડી જ મીનિટો પછી ગમખ્વાર આતંકી હૂમલાના સમાચાર દેશમાં ફરી વળ્યા.
દેશના પુરૂષોનું માથું પણ શરમથી ઝૂકી જવાય તેવી વાત એ છે દેશમાં છેલ્લા ૧૫ વર્ષમાં જે પણ જવાનો શહીદ થયા છે તેમાંથી ૭૦ ટકા વિધવા ભારતીય સેનામાં જોડાઈ ચૂકી છે.
પુલવામા હૂમલાનો આતંકીઓને કચકચાવીને જવાબ આપવાની હાકલ કરતા પત્રો જવાનોની વિધવાઓએ વડાપ્રધાન મોદીને લખ્યા હતા. આ વીર મહિલાઓએ બે મહિનાથી માંડ વધુમાં વધુ દસ વર્ષનું દામ્પત્ય જીવન માંડ વીતાવ્યું છે. લગભગ તમામને બે વર્ષથી માંડી સાત-આઠ વર્ષના સંતાનો છે. તેઓનો ઉછેર કરવા સાથે અઘરી પરીક્ષા આપી, ફિઝિકલ કમાન્ડો પ્રકારની તાલીમ લીધી અને હવે સંતાનોને હોસ્ટેલમાં મૂકી દેશ માટે ફરજ બજાવે છે. શહીદ પતિની ખ્વાઈશ આગળ ધપાવે છે.
પુલવામાના જ શહીદ મેજર વિભૂતિ શંકર ધૌનદિયાલની ૨૮ વર્ષીય પત્ની નિકિતાએ પણ શોર્ટ સર્વિસ કમિશન પરીક્ષા અને ઈન્ટરવ્યુ પાર પાડી દીધા છે. હવે તે મેરિટ લિસ્ટ બહાર પડવાની રાહ જુએ છે જેથી ટ્રેનિંગ અને પોસ્ટિંગનો અંદાજ આવે. નિકિતા પતિ વિભૂતિ માટે અનહદ ગૌરવ અનુભવતી હતી. લગ્નને ૧૦ મહિના જ થયા હતા. અગાઉ વિભૂતિ જોડે મિત્ર તરીકેના યાદગાર વર્ષો વીતાવ્યા હતા. નિકિતા એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે પણ હવે ભારતીય સેનામાં કારકિર્દી બનાવશે. પતિ વિભૂતિના આત્માને ગૌરવ અને ખુશી સાંપડશે તેમ નિકિતાનું માનવું છે.
નિકિતા તેના સાસુ સરોજ જોડે રહે છે. બંને વચ્ચે ઉદાહરણીય આદર-પ્રેમના સંબંધ છે. સરોજે તો નિકિતાને કહ્યું હતું કે ''હજુ વયમાં તું ઘણી નાની છે. કોઈ બીજા પાત્ર જોડે ઘર વસાવી લે.'' પણ નિકિતાએ કહ્યું કે ' વિભૂતિ મારાથી સ્હેજ પણ દૂર નથી. હર પળે હું તેની હાજરી અનુભવું છું.'' નિકિતા ઈચ્છે છે કે કાશ્મીરમાં જ તેનું પોસ્ટિંગ થાય. સુપ્રીમ કોર્ટે મહિલાઓનું ભારતીય સેનામાં ઓફિસર તરીકે કાયમી ધોરણે કમિશનિંગ થઈ શકે તેવો ચૂકાદો આપતા આવી વીર નારીઓ જાણે બોર્ડની પરીક્ષામાં ટોપર રહી હોય તેવી પ્રોત્સાહિત થઈ છે. નિકિતાના પિયર અને સાસરા બંને પક્ષ તરફથી તેને સેનામાં ન જોડાવા માટે સમજાવાઈ હતી પણ તે ન જ માની. શોર્ટ સર્વિસ સિલેક્શન અને શોર્ટ સિલેક્શન બોર્ડ બંનેના લેખિત અને ઈન્ટરવ્યૂમાં તે ઉત્તીર્ણ થઈ છે.
૩૨ વર્ષીય જ્યોતિ નૈનવાલ પણ આવી જ વીરાંગના છે.
તેના પતિ નાયક દિપક નૈનવાલ ૨૦૧૮માં કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓને ઢેર કરવા દરમ્યાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને છાતી અને કરોડરજ્જુ પર ગોળીઓ વાગી હતી. તેના શરીરનો નીચેનો અડધો હિસ્સો ચેતના વગરનો થઈ ગયો હતો. ૪૦ દિવસ સુધી તે હોસ્પિટલમાં ઝઝૂમ્યા હતા. દિવસ-રાત પત્ની જ્યોતિ તેની સાથે હોસ્પિટલમાં રહેતી હતી. એક દિવસ દિપકે કહ્યું કે ''તું ભારતીય સેનામાં જોડાય તેવી મારી આખરી ઈચ્છા છે.'' જ્યોતિની શૈક્ષણિક કારકિર્દી એટલી ઉજળી ન હતી. આમ છતાં તેણે ભારતીય સેનામાં પ્રવેશવા માટેની શોર્ટ સર્વિસ પરીક્ષા ચાર પ્રયત્ન બાદ પાસ કરી. તેના સાસુ-સસરાએ જ્યોતિને ભરપૂર સહકાર આપ્યો. દહેરાદૂનમાં તેઓ જ્યાં રહે છે ત્યાં મહિલાઓને વેશ પરિધાનની રીતે સંયમમાં રહેવું પડે છે. જ્યોતિ એથ્લેટિક્સ ડ્રેસ અને શોર્ટસ પહેરીને દોડવા અને સાયકલિંગ કરવા પરોઢે ૩.૩૦ વાગે નીકળી પડતી હતી જેથી પાડોશીઓની નજરમાં ન આવે.
૩૩ વર્ષીય ગૌરી મહાદિકે પણ ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકડમીમાં ગયા વર્ષે જ પૂર્ણતાનું સર્ટિફિકેટ મેળવ્યું છે. હાલ તે લેફટેનન્ટ તરીકે ભારતીય સેનામાં છે. મુંબઈના વિરારમાં તેના પતિ આર્મી મેજર પ્રસાદ મહાદિક જોડેનું તેમનું દામ્પત્ય જીવન પ્રસન્ન હતું. જોકે સૈનિકોની અન્ય પત્નીની જેમ વિશેષ તો રજા મળે ત્યારે તેઓ નિકટતાની પળ માણતા હતા. મેજર મહાદિક અરૂણાચલ પ્રદેશમાં ઈન્ડો-ચાઈના બોર્ડર પર તવાંગ પોસ્ટમાં ઈન્ફન્ટ્રી ડિવિઝનમાં હતા ત્યારે તેઓ જે તંબુમાં રહેતા હતા ત્યાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી અને પલકવારમાં જ ધડાકાભેર ટીમે શહાદત વહોરી.
ગૌરીએ કહ્યું કે, ''મારા પતિના ગ્રીન યુનિફોર્મ પરના જે સ્ટાર હતા તે મને આકાશના તારાઓ કરતા વધારે ચમકતા અને આકર્ષક લાગતા હતા. હવે આ સ્ટાર મારા ગ્રીન શર્ટ પર ચમકાવીને મારે મારા પતિને બતાવવા છે તે ઉપરથી જોઈને ગૌરવ સાથે ખુશ થશે.''
ગૌરીએ ભારતીય સેનાના તેના સિનિયરને તેની ઈચ્છા વ્યક્ત કરી છે કે ''મારૂ પોસ્ટિંગ સરહદ પર કોમ્બેટ સેનાની તરીકે કરો.''
હાલ તે નોન ટેકનિકલ કેટગરીમાં અન્ય સૈન્ય વિધવાની જેમ પોસ્ટિંગ હેઠળ છે.
કેપ્ટન શાલિની સિંઘના પતિ મેજર અવિનાશ સિંઘ ભદુરિયા કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં શહીદ થઈ ગયા હતા. શાલિની પણ સખ્ત મહેનત કરીને સેના માટે ક્વોલિફાય થઈ. તેના પતિની શહાદતની પ્રથમ વર્ષના ત્રણ અઠવાડિયા અગાઉ જ તેણે કેપ્ટન તરીકેની પોસ્ટિંગ મેળવ્યું. શાલિની દેખાવમાં પણ ખૂબસુરત છે. કંઈક વિશેષ પ્રદાન કરી ચૂકેલી મહિલાઓની સૌંદર્ય સ્પર્ધાની તે વિજેતા પણ છે.
કેટલીક આવી વીરાંગનાઓની આછેરી ઝલકમાં ઈન્ડિયન આર્મીના કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાં સ્ટાર બેઝ્ડ યુનિફોર્મ સાથે જોવા મળતી સુસ્મિતા પાંડેનું નામ પણ ઉમેરવું જ પડે.
૨૦૧૬માં અરૂણાચલ પ્રદેશ સિરપા નજીક 'ઓપરેશન રાઈહનો'માં તેના પતિ મેજર નિરજ પાંડે શહીદ થયા હતા. તેના પતિ જે કોર્પ્સમાં સર્વિસ કરતા હતા તે જ પોસ્ટિંગ મેળવવાના પ્રબળ ઈરાદા સાથે તેણે તમામ પરીક્ષા, ઈન્ટરવ્યુ અને ફિઝિકલ ટ્રેનિંગ પૂર્ણ કરી તેના શહીદ પતિનો આત્મા ગૌરવ અનુભવે તે માટે આ કપરા ચઢાણ પાર કરી બતાવ્યા.
ગરીમા અબ્રોલ તો ઈન્ડિયન એરફોર્સમાં ગયા વર્ષથી મિરાજ ફાઇટર પ્લેન ઉડ્ડયનની તાલીમ લે છે. કારણ ? તેના પતિ કેપ્ટન સમીર અબ્રોલ મિરાજ ૨૦૦૦ ફાઇટર વિમાન ક્રેશમાં શહીદ થયા હતા.
ટ્રાફિકમાં કાર પણ માંડ ચલાવી શકતી ગરીમાએ એરફોર્સમાં જ અને તે પણ મિરાજના પાયલોટ બનવાનો આકાશી ઊંચાઇએ ઊડવાનું બુલંદ મનોબળ બતાવ્યું. હાલ તે તેની ખ્વાઇશની ભ્રમણ કક્ષામાં છે.
મેમેજર અમિત દેસવાલ મણિપુરમાં વિગ્રહીઓ જોડેની ઝપાઝપીમાં ૨૦૧૬માં શહીદ થયા હતા. તેમના પત્ની નીતા દેસવાલની શારીરિક કે શૈક્ષણિક કોઇ લાયકાત નહોતી. બે વર્ષ સુધી ફિઝિકલ ફિટનેસ અને લેખીત પરીક્ષા અને ઈન્ટરવ્યુ તેણે પાર પાડયા. તે પછી ચેન્નાઇમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકડમીમાં તે અગ્રક્રમે રહી. આ માટેની પરેડમાં તેણે ઉપરી અધિકારીઓને ચકિત કરી દીધા. નીતાની ૨૦૧૮માં લેફટેનનટ તરીકે નિમણુક થઇ. આજે તો તે ટોપ ઓફિસર છે. પતિની શહાદતના વિસ્તારમાં પણ ધાક છે. પતિ શહીદ થતા ત્યાં આ રીતે રોફભેર આવશે તેવી તેણે કલ્પના નહોતી કરી.
સ્વાતિ મહાદિકના પતિ કર્નલ સંતોષ મહાદિક કુપવારમાં શહીદ થયા ત્યારે પત્ની સ્વાતિ ૩૬ વર્ષની હતા. તેઓને બે ટીન એજ સંતાન પણ ખરા.
સ્વાતિએ આમ છતાં નક્કી કર્યું કે ''આર્મીમાં જ જોડાઇશ.'' એસએસબી પરીક્ષા પાસ કરીને તેણે 'મિલિટરી હિસ્ટ્રી અને સ્ટ્રેટેજી' વિષય પર શોધ નિબંધ લખ્યો. ગેરિલા ટેકનિકથી આતંકવાદીઓનો ખાતમો બોલાવવાની તેણે કમાન્ડો ટ્રેનિંગ મેળવી. ઈન્ડિયન આર્મીમાં ઓર્ડનન્સ કોર્પ્સમાં તે ફરજ બજાવે છે.
લેફટનન્ટ પ્રિયા સેમવાલના પતિ નાયક અમીત શર્મા શહીદ થયા ત્યારે તેણે તેનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ ન હતું કર્યું.
પ્રિયાની જ પ્રેરણા લઇને નિધી મિશ્રા આર્મીમાં જોડાઇ. તેના પતિ મુકેશ દૂબે લશ્કરમાં જોડાવાની ટ્રેનિંગ દરમ્યાન જ હૃદયરોગના હૂમલાથી નિધન પામ્યા હતા. આ વખતે નિધી સગર્ભા હતી. નિધીએ તેના પતિનો ઉછેર કરતા ભારતીય સેનામાં જોડાવાની સખ્ત મહેનત સાથે તૈયારી કરી. હાલ તે આર્મી સ્કૂલમાં છે.
રાઇફલમેન રવીન્દ્ર સામ્બ્યાલની શહાદત પછી તેના પત્ની નિરૂ સામ્બ્યાલે તેની પુત્રી કે જે બે વર્ષની હતી તેને પાંચ વર્ષ સુધી ઉછેરમાં સમય આપીને તે સાથે તૈયારી કરી. નિરૂ કહે છે ''મારી પુત્રી મોટી થઇને સૈનિયમાં જોડાવાનો વારસો આગળ ચલાવે તેમ અમે ઈચ્છતા હતા. પુત્રી બાળવયથી મને યુનિફોર્મ સાથે જૂએ તે માટે મારે ભારતીય સેનામાં જોડાવવું જરૂરી હતું.''
મહિલા સશક્તિકરણ પરના એસી ચેમ્બરની ઠંડક પર ચાલતા મેટ્રો શહેરી પરિસંવાદોની આ વિરાંગનાઓને ખાસ ખબર નથી કેમ કે સરહદ પર માઈનસ ડિગ્રીની ઠંડકમાં જવાની તાલાવેલી અને તૈયારીમાં તેઓ વ્યસ્ત હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329NAw7
ConversionConversion EmoticonEmoticon