કોરોના કા રોના જબ વાઈરસ ચુગ ગયા ખેત...


- અનાવૃત-જય વસાવડા

- એક વરસ પહેલા જડસુ તબલિગીઓને જે વાત માટે ભાંડયા, એ જ વર્તન હવે ક્રિકેટથી કુંભ, ઇલેકશનથી એન્ટરટેઇનમેન્ટ સુધી નેતાઓ ખુલ્લેઆમ કરે છે. તો ગીતામાં કહ્યું એમ સમાજ તો મહાજનોના પંથે ચાલે

કો રોનાની બીજી લહરે વધુ એક વખત આપણને ઉંઘતા ઝડપી લીધા છે, અને કાળજું કંપાવે એવા કાળમુખાનું નામ પડે ત્યાં જ કંટાળો આવે. એમાં ય મફતના સલાહકારોએ તો પાળ પીટી નાખી છે. આ ખાવ ને ઓલું ન ખાવ, આ લો ને પેલું ન લો... રોજ એટલી બધી સૂચનાઓનો બોમ્બમારો થયા કરે છે કે વગર વાઇરસે નોર્મલ માણસ પાગલ થઈ જાય ! અને બીજી બાજુ બેકાબૂ થયેલા કોરોનાસુરે રાજકારણની ધજાના ચીંથરા કરી લોકોને ધક્કે ચડાવ્યા છે.

(૧) ''પ્રજા બેદરકાર છે. પ્રજા આ જ લાગની છે. સરકાર બધે થોડે પહોંચે ? થાય એટલું કરે ? આ બધી ચર્ચા મૂકો, ને આપણા જીવ બચાવવા પર ફોક્સ કરો.'' - આવી સલાહો ચરક્યા કરતા અક્કલના ઈમોશનલ અધૂરિયાઓનો સુબ્રહ્મણ્યન સ્વામીએ 'અંધભક્ત ગંધભક્ત' કહીને ઉધડો લીધો હતો કે 'જ્યારે આપમેળે જ કોરોના કાબૂમાં આવી ગયો હોય એવું લાગતું હતું ને કેસ રોજના ૧૦,૦૦૦ નીચે જતા હતા, ત્યારે અમે કેવું મહાન પરાક્રમ કર્યું એના જગતમાં ઢોલનગારા પીટીને જશ લેવો હોય, તો રોજના લાખ-દોઢ લાખ કેસીઝનો અપજશ પણ લેવો પડે !' પરફેક્ટ. જમવામાં જગલો ને કૂટવામાં ભગલો એવું થોડું ચાલે ?

પ્રજા તો એની એ જ છે. આવી જ છે. એટલે તો માસ્કના દંડરૂપે કરોડોનું તગડું ફંડ એકઠું થાય છે. એટલે તો પેટ્રોલ-ડિઝલ-ગેસના ડામ જેવા દામ સામે ય બોલતી નથી, ને આવતીકાલના ગુલાબી સપનાની આશામાં ચૂપચાપ સહન કરે છે. નેતાઓની ચામડી બચાવવા પ્રજા માથે દોષનો ટોપલો ઢોળી દેતા પક્ષપૂજકો હોય છે, દેશભક્તો નહિ. આ જ પ્રજા ખોબલે ને ટોપલે એકધારા મત આપે છે. ભોળી, નાદાન, બેવકૂફ, મૂરખ છે એટલે તો વળતો કોઈ સવાલ કે હિસાબ પૂછ્યા વિના ઘેટાંની જેમ દોરવાઈને વિપક્ષ તો શું સાચા મુદ્દા ઉઠાવતું મિડિયા પણ પરાધીન થઈને સાફ થઈ જાય એટલી હદે પૂજા કરે છે. અક્કલવાળી હોત તો ડિજીટલ ગપ્પા ચાટીને બ્રેઈનવોશ થોડી થાત ? માટે પાડ માનો કે પ્રજા આવી છે.

પણ આવા પ્રજાના ભૂલકણાપણામાં શ્રદ્ધા ધરાવી એની યોગ્ય ફરિયાદ, રૂદન, મુસીબતો કે તકલીફો બાબતે સીધી એના જ પૈસે દબદબાભેર સુવિધાઓ ભોગવતું શાસન કરતા જનપ્રતિનિધિઓને ઈમ્યુનિટી આપવાની હોય એમ વ્યક્તિગત યોગદાનના નામે સરકારની જવાબદારી ભૂલવાડી દેનારાઓ અને પોતે સુખરૂપ પૈસા બનાવી લહેરથી આળોટતા હોય ને હવે પ્રસિદ્ધિભૂખ્યા થઈને સમાજના રાહબર બનવાની ઘેલછાના ચાળે ચડીને ફોરવર્ડિયા થયા હોય, એટલે ઘરે રહો ઘરે રહોના બગડી ગયેલા રોબોટ જેવા જપ કરતા હોય એવા ચાંપલા ચક્કરબત્તીઓથી કાયમ માટે દો ગજ નહિ, દસ ગજની દૂરી કેળવી લેજો.

(૨) યાદ કરો, આ એ જ ચીબાવલાઓ છે જે કોરોનાની ચેઈન તોડવાનું સ્યુડોસાયન્સ ભણાવવા આવી ચડેલા, ગ્રહોની ગતિથી દીવડાઓની ઊર્જા બાબતે. ઋતુ કે દર્દીની તાસીર જોયા વિના અલ્સર-એસિડિટી થઈ જાય એટલા ઉકાળાના નામે ઉલ્લૂ બનાવવા માટે. સાયન્સના ઓઠાં નીચે મગજ એ જ પ્રિમિટિવ/પ્રાગ્ઐતિહાસિક રાખી વ્યાધિક્ષમત્વથી હર્ડ ઈમ્યુનિટીના આંબા આંબલી બતાવવા માટે. દેશપ્રેમના ઉછાળા કે સેવાભાવનાની સદ્વૃત્તિમાં આ જૂઠના જંબૂરિયાઓને ભૂલી ન જાવ. પણ એમના લાગણીની ચાસણીમાં ડૂબેલા અજ્ઞાાન અને અકર્મણ્યતાના સ્પેલમાંથી મુક્ત થઈ, ડિસ્ટન્સ કેળવી દો. મોઢે માસ્ક પહેરવાનું છે, મગજ પર નહિ. આ તો પવન પ્રમાણે સઢ ફેરવીને જેમ દુબઈમાં ચાઈનીઝ વિવો કંપનીનો બહિષ્કાર આઈપીએલમાં હતો ત્યારે બોયકોટ હેશટેગ કરતા હતા ને ભારતમાં હિન્દીચીની ભાઈભાઈ થયું હોય એમ એજ વિવોના નામે અબજોના વેપલે મેચ રમાવા લાગી ત્યારે મૂંગામંતર થઈ ગયા ! ઓલો મૌલાના સાદ એક વર્ષે ય કેમ પકડાયો નથી, એ તો કોઈ પૂછતું નથી.

તો ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, કેરળ હોય કે પંજાબ ઈન શોર્ટ દેશભરમાં દરેક જગ્યાએ તંત્રવાહકો, શાસકો પર જનતાની ત્રીજી આંખનો ખૌફ રાખવા જેટલી કરોડરજ્જૂ કેળવો. અણગમતા સવાલો અંગત આક્ષેપ વિના જનહિતમાં કોઈ પૂછે તો એને દુશ્મન દેશદ્રોહી નહિ, ઈમાનદાર દોસ્ત માનો. ચેક ન હોય તો મફત કા ચંદન જેવી લાલિયાવાડી થઈ જશે, એનો દારૂણકરૂણ અનુભવ આપણી આસપાસ આપણને થઈ જ રહ્યો છે. બેડ, ઈન્જેકશન તો જવા દો, સ્મશાન માટે શબવાહિનીઓ નથી મળતી !

(૩) લીંબડજશ. કાઠિયાવાડી શબ્દ છે. કોવિડનું બધા કરે એવું થાગડથીગડ મેનેજમેન્ટ રગડધગડ ચાલ્યું ને સાયન્સ તો ઠીક, સાયન્સ ફિકશન જોવાની ય ટેવ હોત તંત્રવાહકોને તો ખબર પડત કે હઠીલા વાઇરસ એમ વાવાઝોડાની જેમ જતા નથી. હજુ વાઇરસ એટલી ઝડપે કેડો નહિ મૂકે, ને વેકસીન શરૂ થયે રાતોરાત ચમત્કાર નહિ થાય, એ અગાઉ જ રોકડું લખેલું. પણ દરેક વાતને માત્ર ઇવેન્ટમાં ફેરવીને ઈલેકશન તરફ જ નજર રાખતા શાસકો, યાને ભાજપી આગેવાનોએ જ્ઞાાનીઓ કે વિજ્ઞાાનીઓને આસપાસ રાખી સાચું સાંભળવાની ટેવ નથી રાખી. પ્રજાએ તો એમણે કહ્યું એમ કર્યા કર્યું ઓલમોસ્ટ. એક રાતમાં બહારગામ ફસાઈ ગયેલા ઘેર પણ ન જાય એવું ઈકોનોમીની કમર ભાંગી નાખતું મહિનાઓનું લોકડાઉન તો સ્વીકાર્યું. થાળી, ઘંટ વગાડી, દીવડા પ્રગટાવ્યા. ચાલીને ઘેર જતા મજૂરોની યાતના કોઈ વિપ્લવ વિના સ્વીકારી.

પેટે પાટા બાંધીને આવક ગુમાવી ઘર ચલાવ્યા. પછી ઉદઘાટનો સાથે પ્રવાસનની હાકલ થઈ તો શ્રધ્ધા રાખી ફરવા નીકળ્યા. મેચની ટિકિટો વેચાઈ તો ભરોસો રાખીે મેચ જોવા ગયા. ટોળા એમ જ નથી બેફામ ને બિન્દાસ થયા. એમના મનનો ડર કાઢી નાખ્યો, મત મેળવવા માટે માસ્ક વગરના ટોળા ભેગા કરીને તળિયાથી ટોચ સુધીના નેતાઓએ જેમને તો ઇન્ફેકશન થાય ત્યારે બેસ્ટ મેડિકલ કેર મળવાની છે, પ્રાઈવેટ હોસ્પિટલમાં. પણ આરટીપીસીઆરના રિપોર્ટ માટે ય દિવસો રાહ સામાન્ય માણસે જોઈ પછી બધે સીટી સ્કેનના મશીન પણ ન હોય ત્યાં લાઈનમાં ઉભા રહીને ખિસ્સાના પાંચ હજાર ખર્ચી ચેસ્ટ રિપોર્ટ કરાવવાનો છે. જ્યાં સ્વજનોનું મોં ય જોવા ન મળે એ આઈસીયુમાં પડયા રહેવાનું છે. પણ દેશને આચરણથી દિશા બતાવનારાઓ રેલીઓ કર્યા કરે છે, કારણ કે એમને ખબર છે કે ધાર્મિક ઉન્માદમાં રેલો નથી આવવાનો !

(૪) ઘેર રહો એ સાચી જ વાત છે. બચત ને બીજી સીસ્ટમ ખાધાખોરાકીની સામગ્રીની ગોઠવાયેલી હોય એ રહી શકે. પણ બાકીના ઘેર કેવી રીતે સતત રહે ? દસ ખરીદી કરવા બહાર જવું પડે. જીવના જોખમે નોકરી-ધંધા કરવા ય જવું પડે. ઘેર બેસીને ડિજીટલ ચૂંટણી લડે છે નેતાઓ ? જંગી રેલીઓ કાઢીને મીંઢા થઇ એનાફોટા-વિડિયો શેર કરે જ છે. એક વરસ પહેલા જડસુ તબલિગીઓને જે વાત માટે ભાંડયા, એ જ વર્તન હવે ક્રિકેટથી કુંભ, ઇલેકશનથી એન્ટરટેઇનમેન્ટ સુધી નેતાઓ ખુલ્લેઆમ કરે છે. તો ગીતામાં કહ્યું એમ સમાજ તો મહાજનોના પંથે ચાલે. વિશ્વમાં વડાપ્રધાનો માસ્ક ભૂલી જાય કે વધુ લોકો ભેગા થઇ જાય તો દંડ ચૂકવે છે પર્સનલી, અને માફી માંગે છે. અને બીજા દેશોના ઉદાહરણ આપો તો જોડે ત્યાં કેવા પેકેજ મળ્યા લોઅર એન્ડ મિડલ ક્લાસને એ ય કહો. અમેરિકામાં ટ્રમ્પે ૧૨૦૦ને ૬૦૦ને પછી બાયડને હમણા ૧૪૦૦ ડોલર મિડલ ક્લાસને આપ્યા. ૧૪૦૦ ડોલર એટલે એક વ્યક્તિનું આખા વર્ષનું કરિયાણું થયું.

કેનેડા, ફ્રાન્સ બધાએ આપ્યા. કોઇએ લાઇટબીલ માફ કર્યું તો કોઇએ ટેક્સ. નળમાંથી પાણી પી શકાય ને હેલ્થકેર કે સિનિયર સિટિઝન કેર જેવી સગવડો મળે છે જ. એટલે 'અમારા કરતા તમારું મેનેજમેન્ટ સારું' એવું કહેનાર એકેય એનઆરઆઈ એ રોકડિયા સુખસુવિધાના લાભ છોડી એની ફોરેન સિટિઝનશિપ સરેન્ડર કરી અહીં આવતા નથી. ખબરદાર જો 'ભારતમાં ૩% ઇન્કમટેક્સ'ની ગોખણપટ્ટી ચલાવી છે તો ! ઇન્કમટેક્સના સ્બેલમાં ઓછા આવતા હશે, પણ ખર્ચ વેરો તો ડગલે ન પગલે ચૂકવે છે. રોડ ટેક્સ વાહન લેતી વખતે ય ચૂકવે, બીજે વેંચતી વખતે ને પાછો ટોલ પણ. પેટ્રોલનો ટેક્સ તો જુદો. સવારની ટૂથપેસ્ટથી રાતના ઓટીટી સુધી ટેક્સનું જાળું છે. ઉપરાંત કેર ફંડ જેવામાં પૈસા ભેગા થાય એ અલગ. ચૂંટણીઓ લડવા કે સત્તાપરિવર્તનના સોદા કરવા પૈસા આવી જ જાય છે, તમામ પક્ષો પાસે ને બહાર તો અમેરિકા કે ફ્રાન્સમાં ય પ્રજા ટોળે વળે છે. માણસ સામાજીક પ્રાણી છે. પણ ત્યાં સીસ્ટમ તટસ્થ ને ઝડપી છે.

(૫) સામાન્ય માણસ ભલે અપર મિડલ ક્લાસનો હોય, બહારથી સુખી લાગતો હોય, એને ય જવાબદારીઓ હોય. બાળકોની ફી ભરવાની હોય ને રમકડાં ય જીદ કરી રડે તો લઇ દેવાના હોય. ભાવ પૂછ્યા છે એકે એક ચીજના ? મોંઘવારી વધતી જાય, મંદી વધતી જાય ને લોનના વ્યાજનું વ્યાજ પણ માફ ન થાય તે રાહત પેકેજના નામે નવી લોનો લેવાનો ઘૂઘરો રમવા મળે તો એ લોલિપોપથી પેટ ન ભરાય. જેના હોવા છતાં ય કેસ તો વધી જ ગયા એવા નાઇટ કરફ્યુના નાટકમાં કેટલાયના ઘરના બજેટમાં અંધારી રાત આવી ગઇ. આપઘાત થવા લાગ્યા એ વિચાર કર્યો કદી સંવેદનાથી સમાચારો વાંચીને ? કોવિડના આંકડા સાચા પારખીને ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ કરવાનું હતું ત્યારે એવુ ંકરનાર અધિકારીઓની બદલી થઇ ગઈ. 

હવે તો મોતના આંકડા ય 'ચૂનાવી રૂઝાન' જેવા ટ્રેન્ડ છે. હકીકતો તો લોકોને કોરોના નેગેટિવ રાખવામાં પોઝિટિવ ન્યુઝ બાજુએ મૂકી પોલ ખોલતા મિડિયાએ મૂકવાની કોશિશ કરી જ છે.

લોકડાઉન હતું ત્યારે જ હવે આવી આફત ન આવે એ માટે તૈયારી કરી લેવાની હતી. ઓક્સિજન, વેન્ટીલેટરથી દવાઓ સુધીની. ત્યારે દેશ સુશાંત, રિયા, અર્ણવ, કંગનાના મસાલા ન્યુઝના ઘેનમાં રહ્યો અને આજે હરીફરીને ઠેરના ઠેર. કોઈ એડવાન્સ્ડ પ્લાનિંગ નહિ.એ જ ટિપિકલ એટીટયુડ. સરકારના પોલિસના, શિક્ષણના ય કર્મચારીઓ હવે એકના એક પ્રેશરમાં કામ કરી થાક્યા હોય. વળી એ જ જૂની આદત નિર્ણય લેવાની કે ટાળવાની ય ગણતરીઓ ને કિંમતો હોય. વાઇરસને ઓળખ્યા વિના અમુક્તમુક દેશી ઇલાજો એમ જ પ્રમોટ કરવાના તો ઇમ્યુનિટીનો કેમ ખુરદો બોલી ગયો એના જવાબો નહિ મળે ! વધુ ટેસ્ટની સુવિધા કે વધુ રેમડેસીવીર જેવી દવાઓની ઉપલબ્ધિ એક વર્ષે ય ન થઈ ? ને આવા મડદાંના વેપારમાંથી ય અમુક તો ફાર્મા હોય કે સેનેટાઇઝરવાળા કમાઈ જ ગયા હશે. માસ્ક પહેરોના મેસેજ આપનાર પોતે જાહેર કાર્યક્રમમાં પહેરતા નથી. કારણ કે માસ્ક શું સતત ટોપી ય પહેરવી ફાવે નહિ. તો એ જ તકલીફ પબ્લિકને છે. ને કેટલાય તકસાધુઓએ કોરોનાના તાવડે મિલીભગતથી પોતાની મિલકત વધારી લીધી છે. ડર પણ એક ધંધો છે !

(૬) ભારતની વસતિના પ્રમાણમાં રસીકરણ અઘરું કાર્ય હતું. ને એ બાબતની ક્રેડિટ પણ આપવી પડે કે આપણે સફળતાપૂર્વક એનું સરકારી આયોજન ઉપરથી નીચે કર્યું. તંત્રનું અમુક કામ ઇન્જેકશન હોય કે વેક્સીનેશન શાસક પક્ષ ભાજપના કાર્યકરો, સંગઠનના આગેવાનોએ ય કર્યું. પણ 'ટીકા ઉત્સવ'ની જાહેરાત ટાણે જ ભારતની બેમાંથી મુખ્ય એક કોવિશિલ્ડ (મૂળ તો બ્રિટિશ જર્મન ઓક્સફર્ડ એકસ્ટ્રાજેનેકા)ના ઉત્પાદક ને ટોપ ટેન અબજપતિમાં અત્યારે છે ભારતના એ સીરમ ઇન્સ્ટિટયુટના અદર પૂનાવાલાએ જ કહ્યું કે ડિમાન્ડ જેટલી સપ્લાયનો સ્ટોક નથી. ને ભારતની વસતિ જોતા એમ કોઇ કાળે તરત એક બે કંપની પહોંચી ન વળે. (અત્યારના દરે આખી વસિત આપણી ચાર-પાંચ વર્ષે કવર થાય !) અમેરિકામાં ઓગસ્ટ સુધીમાં વેક્સીનેશન પૂરું થઇ જવાના અંદાજ છે, ને ફાઈઝરે બાળકો પર ટેસ્ટ શરૂ કર્યા. આપણે સ્વદેશી સંશોધકોએ આધુનિક નેનોટેકનોલોજીથી દવા શોધી, એની ય ચકાસણી કરી એપ્રૂવલની પ્રક્રિયા નથી કરી.

અહીં આરંભમાંવડીલો-કોરોના વોરિયર્સ બરાબર. પણ પછી કોઈ દેખીતા લોજીક વિના વેક્સીનેશનમાં ગંભીર બીમારી સિવાય ઉંમરનું સાંઠીકડું વચ્ચે આડશ બની ગયું. સુપર સ્પ્રેડર બને એવા બહાર નીકળનારાઓ ૪૫ કે ૬૦થી નીચેનાઓને વેક્સીન મળે એ પહેલા વાઇરસ ભટકાઈ ગયો. એ ય બ્રિટનનો વધુ ઝડપે ફેલાતો સ્ટ્રેઇન ! જે યુવા મૃત્યુમાં ઘાતક પણ નીવડી રહ્યો છે. અને હવે ઘોડા છૂટયા થયા પછી તબેલાને તાળા વાસ્યા. પણ અગાઉ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ્સને માન આપી આપણે પરદેશ ડોઝ મોકલવાના શરૂ કર્યા.

ચાલો, એ કરવું પડે એમ હતું કરાર મુજબ પણ એમાં ય ચાલાકીથી વાહવાહી કરી બ્રાન્ડિંગ કર્યું એ લોકોને ગમ્યું હતું ત્યારે. પણ ત્યારે પ્રાઈવેટ માર્કેટમાં ટેક્સની આવક મેળવી જેમને પોસાય એમને બીજા ઓપ્શન ખુલ્લા કર્યા હોત તો ઘણા પોતાની રીતે કરાવી શકત. ફાઈઝરની ભારતમાં અરજી પણ ઊડી ગઇ ! ઈન શોર્ટ આપણા ટોચના નેતાઓએ મોટી મોટી વાતો કરી, પણ છોટી છોટી વાતો પર ધ્યાન ન આપ્યું ને સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થાય તો એની એકાઉન્ટેબિલિટીને બદલે પબ્લિકની કેડે એની જવાબદારી નાખી દેવાઇ. ભાષણ કર્યા એવું આચરણ ન થયું.

જેના પાલિશ કરેલા શૂઝમાં ચહેરો જોઇ શકાય એવા સૂટેડબૂટેડ ગાંધીજીએ ફોરેનમાં રહ્યા-ભણ્યા બાદ દેશની દરિદ્રતા જોઇ પહેલા પોતે આજીવન ખાદીની પોતડી પહેરી, ત્યારે માસ કનેક્ટ સોશ્યલ નેટવર્કના બ્રાન્ડિંગ કે આઇટી બૉટસ વિના એમનો સોલિડ હતો. જે આજની ટેકનોલોજીમાં આઇડિયોલોજીનો ઊભો કરવા માંટે કંઇક ગપ્પા મારવા પડે છે. કારણ કે ચૂંટણીજીવી રાજનેતાઓ એક વરસ માટે એમની સત્તાભૂખના ઉપવાસ કરી શકતા નથી ! સરટોચના શિખર પર જ ભાષણ ને આચરણ વચ્ચે ઊડીને આંખે વળગે એવો તફાવત હોય તો તળેટીની ભીડ તો છુટી જ થાય ને ! આફતને અવસરમાં પલટાવવાનો અતિરેક થઇ ગયો છે ઉત્સવના ઉત્સાહમાં. વર મરો, કન્યા મરો, પણ ચૂંટણીગોરનું વિજયતણું તરભાણું ભરો. દુઃખદ.

(૭) આપણી પ્રજા જુગાડુ છે. એટલે એ ય મમમમથી કામ રાખે છે. ટપટપથી નહિ. અને આગળ લખ્યું એમ વસતિ વધારે ને એમને આર્થિક ભીંસ પડી છે, એટલે શોર્ટ કટસ શોધે છે. એમાં તરત રિઝલ્ટ આવતા સ્થાનિક નેતાઓની વાહવાહી થયા કરે, લોકોએ લોકશાહીમાં ચેક રાખતા વિપક્ષનું નામોનિશાન રહેવા દીધું નથી. આજે હવે રેલો આવ્યો છે, પણ આ અંગે સવાલો પૂછનાર કે ટીકા કરનાર મીડિયા - સ્વતંત્ર મિજાજના સર્જકોને દેશદ્રોહી ઠેરવીને બહિષ્કાર કરવામાં આવે ને ધરમના નામે પાકિસ્તાની તાલિબાનો જેવી જડસુ લાગણીદુભાઉ સંકુચિતતા પ્રમોટ થાય ને બ્રેઇનવોશિંગ થાય ત્યારે મેસેજ ફોરવર્ડ કરવાવાળો ય આ જ જનતાનો મોટો વર્ગ છે. નાગરિકહિતની પરવા નાગરિકોએ જ નથી કરી ને સંયોગવશ વાઇરસની લહરે હવે એની સામે મેનેજમેન્ટને બદલે આપણી બેદરકારી ઉઘાડી કરી દીધી. આમાં બિચારો મૌન રહી બે છેડા ભેગા કરવા મથામણ કરતા પરિવારો પીસાઇ જવાના છે, પીસાઇ રહ્યા છે એની આંતરડી કકળે છે. અલબત્ત શ્રીમંતોને આવી કોઇ હાય લાગતી હોવાનું જોયું નથી. એમની સંપત્તિ તો વધતી જ જાય છે. ભૂલકણા લોકો આટલા હેરાન થઇને, ઉલ્લૂ બનીને ય પછી થોડા સમયમાં બધું વિસારે પાડી એ જ જાતિવાદી, કોમવાદી,  પક્ષવાદી થયા કરશે !

માટે આપણી લડાઇ પહેલા આપણે જ આપણા ખિસ્સાના જોરે લડવાની છે, યારો. એટલે બચત અને સાવધાની રાખવી ફરજીયાત છે. ઈમોશનલ બન્યા વિના ક્રૂર થઇ કારણ વગરની મુલાકાતો મરણ-પરણ દરેક ઘટનાઓમાં ટાળો તો મહેરબાની. ચટાકા કોને ન ગમે પણ થોડો સમય ઘરનું ભોજન જ લો તો સારું. એમ કોરોના ખોખા કે છાપાં કે શાકભાજી કે પાર્સલથી ફેલાતો નથી. કોઇના સંપર્કમાં હો તો નિયમિત પરીચિત વિના ફોટાની જીદ સિવાય નાક ઉપર માસ્ક પહેરો, સાબુથી હાથ અને મોં ધોયા કરો. ઈમ્યુનિટી સર્વાંગી લાંબાગાળાની પ્રક્રિયા છે. તરત વધેઘટે નહિ. વેક્સીન કોઇ શંકા વિના લઇ લો. અને ખાસ - અન્ય દેશી ઉપચારો જે કર્યા કરો તે પણ કશું નાખ્યા વિના કોરા પાણીનો નાસ દિવસમાં બે વાર નિયમિત લીધા કરો. વિટામીન સી, ફળો લિકવિડ પર સારો મારો રાખો. ઘરમાંને ઘરમાં ય ચાલ્યા કરો. ને મિથિલીન બ્લુ હોય કે બીટાડિન  - મેસેજ વાંચી  જાતે ડોકટર ન થઇ જાવ. સિમ્પલ.

(૮) છતાં ય કોરોના થાય તો ? નાઇટ કરફ્યુ બાબતે સતર્ક રહેતી સરકારે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) સરળ ગુજરાતી લખાણમાં હજુ આ લખાય છે, એ ૧૦ એપ્રિલ, '૨૧ સુધી બહાર નથી પાડી. ઉંમર, કો-મોરબિડિટી, અમુક રોગોની અવસ્થા, ઓક્સિજન લેવલ, પ્રેગનન્સી વગેરે મુજબ ઘેર રહી શું સાવધાની રાખી શકાય. ને કયો મેડિસીન પ્રોટોકોલ લક્ષણો મુજબ કયા સમયે કેટલો દિવસ કઇ દવાનો લેવો જોઇએ એ. પેનિક ઘટાડવાનો ને આડેધડ મેડિકલ સ્ટોર્સ પર લાઇન ઘટાડવાનો આ ય ઈલાજ છે. જેથી હોસ્પિટલ વિના હોમકેરનો કોન્ફિડન્સ વધે. અને હા, સ્વયંભૂ લોકડાઉન સ્વયંશિસ્ત વિનાના દેશમાં ચાલે નહિ. યુરોપની જેમ સરકારે રોકડ રાહતો સાથે જરૂર પડે  તો બે સપ્તાહનું લોકડાઉન વિચારવું ય પડે.

અને ફાઇનલ વાત. ડોન્ટ ફીઅર. કારણ વગર કંટાળાજનક સમાચારો ન જોયા કરો. ભલે નેગેટીવ ન્યુઝનો ઢગલો થાય. ખુદનો આત્મવિશ્વાસ તો મજબૂત જ રાખવો. એમ કોરોના કંઇ ચોથા સ્ટેજનું મલ્ટીપલ કેન્સર નથી, ને ઉગરવાવાળા તો એમાંથી ય ઉગરે છે. આજે ય ભારતમાં કોરોનાથી વધુ રોડ એક્સિડન્ટમાં મરે છે. માટે મિજાજ ને મસ્તી તો અડીખમ જ રાખવા. બહુ આદર્શવાદી ચોખલિયા થઇ વિવેચનના સ્ટ્રેસ ન લેવા, એ દિમાગી લોડ વધારશે. ખાલીખોટા ખબર ન પડે એવા અફવા-ગપ્પા-નુસખાનાફોરવર્ડ વાઇરલ ન કરવા.

સાવચેતી જરૂર રાખવી, પણ જોડે મનને શાંત, મક્કમ ને પ્રસન્ન રાખવું એ ય સારવાર છે. દુનિયામાં દરેક પેન્ડેમિકનો ઈતિહાસ જુઓ. એમાં એની જે સાયકલ્સ હોય બે-અઢી વર્ષની એ પસાર થવા દેવી પડે. માટે ફટકાબાજી ન થાય તો ય વિકેટ બચાવી ટકી રહેવાનું મહત્વનું છે. ધીરજ રાખો, આ સમય પણ ચાલ્યો જશે. પણ હવે શીખજો, ખાના પાડીને સંકુચિત થવાને બદલે જોશ સાથે હોશ રાખતા માણસ બનતા.

ઝિંગ થિંગ

'કોવિડનો મૃત્યુદર ૧% ય નથી,પણ એની જીવન પર અસર ૧૦૦% છે' (ડૉ. ફાહીમ યુનુસ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dkt3eN
Previous
Next Post »