IBC હેઠળ નવા કેસો દાખલ કરવાની પ્રક્રિયા ફરી શરૂ થઈ છે ત્યારે ઉકેલમાં ઝડપ આવશ્યક


- ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ પણ કેસોનો નિવેડો ધીમી  ગતિએ આવતો હોવાનું ચિત્ર

ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)ના નવા કેસો ફાઈલ કરવા સામેનો પ્રતિબંધ ઉઠાવી લેવાયા બાદ નવા કેસોનો રાફડો ફાટશે કે કેમ તે હવે સ્પષ્ટ થશે. આઈબીસી લાગુ થયા બાદ તે હેઠળ દાખલ કરાયેલી પ્રથમ યાદીમાંથી હજુ અનેક કેસોનો ઉકેલ આવ્યો નથી ત્યારે નવા કેસોના સૂચિત ધસારાને કઈ રીતે પહોંચી વળી શકાશે તે જોવાનું રહે છે. આ અગાઉ કેટલાક વિદેશી રાષ્ટ્રોમાં વિવિધ પ્રકારની કટોકટી બાદના ગાળામાં કંપનીઓ ફડચામાં જવાના કિસ્સા ઘણાં  ઊંચા રહ્યાના દાખલા છે. ૨૦૦૮ની નાણાંકીય કટોકટી બાદ કેટલાક વિદેશી રાષ્ટ્રોમાં ઈન્સોલવેન્સીના કેસ વધ્યા હોવાનું જોવા મળ્યું હતું, ત્યારે કોરોનાને કારણે અસર પામેલા ભારત  પર આ ખતરો રહેલો છે અને તેનો ચોક્કસ અંદાજ આવનારા દિવસોમાં જોવા મળવા સંભવ છે.

૨૦૨૦ની ૨૫મી માર્ચ બાદ ડિફોલ્ટ  જનારી કોઈપણ કંપનીને આઈબીસીના પરિઘમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય એક વર્ષ સુધી લાગુ કરાયો હતો જે હવે પૂરો થયો છે એટલે કે ક્રેડિટર્સ તેમના નાણાંની વસૂલી માટે બોરોઅરો સામે આઈબીસી હેઠળ પ્રક્રિયા શરૂ કરી શકશે. પ્રાપ્ત આંકડા પ્રમાણે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ  (એનસીએલટી) સમક્ષ બાકી પડેલા કેસોમાંથી ૭૫ ટકાથી વધુ કેસો ૨૭૦ દિવસ કરતા પણ જુના છે. ટ્રીબ્યુનલની જે બેન્ચો વધુ કેસો હાથ ધરી રહી છે ત્યાં આગળ કેસોનો નિકાલ થવામાં સમય લાગી જાય છે. ૪૪૦ દિવસની રાષ્ટ્રીય સરેરાશની સામે મુંબઈ તથા દિલ્હીની બેન્ચોમાં કેસોના ઉકેલનો સરેરાશ સમયગાળો ૪૭૫ દિવસથી વધુ જોવા મળી રહ્યો છે. આઈબીસીની અર્થપૂર્ણ અસર મેળવવા આ  સમયગાળો નીચે લાવવો જરૂરી બની રહે છે. 

૨૦૧૬ના ઓગસ્ટમાં દેશમાં જ્યારે આઈબીસી  લાગુ થયો ત્યારે દેશની બેન્કોના સંચાલકોને વર્ષોથી અટવાઈ પડેલા  નાણાં ઝડપથી બેન્કોમાં પાછા આવવાની આશા જાગી હતી. પરંતુ આઈબીસી લાગુ થયાને  સાડાચાર  વર્ષ  જેટલો સમય પૂરો થયો છે ત્યારે બેન્કરોની આશા ઠગારી નિવડી રહ્યાનું  ચિત્ર અગાઉથી જ જોવા મળી રહ્યું હતું તેને  કોરોનાએ આ  વધુ  જટિલ બનાવી દીધું છે. 

આઈબીસીની રચના  પાછળનો હેતુ  નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ના ઊંચા સ્તર સાથેની દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની બેલેન્સ શીટ ચોખ્ખી કરીને તેમને ફરી સદ્ધર બનાવવાનો રહેલો છે.   આઈબીસી અમલમાં આવ્યો તે  અગાઉ  નાદારી કેસના ઉકેલમાં સરેરાશ ચાર કરતા વધુ વર્ષનો સમયગાળો  લાગી જતો હતો અને અટવાયેલા નાણાંની વસૂલીનો દર પણ ઘણો નીચો રહેતો હતો. નાણાંની રિકવરી અને લિક્વિડેશન માટે અલગ-અલગ કાયદાઓનો ઉપયોગ કરાતો હતો.  પરંતુ આ કાયદાઓમાં અનેક છટકબારીઓ રહેલી હતી, જેથી ધિરાણદારોને તેમના નાણાં વસૂલવામાં નાકે દમ આવી જતો હતો.  આઈબીસીમાં  નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ સ્થાપવામાં  આવી છે પરંતુ અહીં પણ કેસોનો ઢગલો  જ થતો જાય છે. 

આઈબીસી હેઠળ દાખલ થયેલા કેસ  મર્યાદિત સમયની અંદર ઉકેલવાની જોગવાઈ હોવા છતાં  અનેક કારણોસર આ સમયગાળાની અંદર કેસોના ઉકેલ હજુ આવતા નથી. આ કારણોમાંનું એક કારણ કેસો ચલાવવા માટે   પૂરતી સંખ્યામાં ટ્રીબ્યુનલ્સ સહિત  અન્ય માળખાનો અભાવ પણ રહેલું છે. આઈબીસી લાગુ થયા બાદ દેશમાં ડિફોલ્ટ થતી કંપનીઓ પાસેથી સદર ધારા હેઠળ નાણાં વસૂલવા કંપનીઓની એસેટસના નિકાલ કરવાની જોગવાઈ છે. પરંતુ આ એસેટસના તેના મૂલ્ય કરતા નીંચી કિંમતે નિકાલ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. જેનો ભાર છેવટે ધિરાણદારોએ સહન કરવો પડે છે. 

કંપનીઓને માલસામાન તથા સેવાનો  પૂરવઠો કરતી કંપનીઓ મોટેભાગે એમએસએમઈ ક્ષેત્રની હોય છે.  કંપનીઓ જ્યારે ડિફોલ્ટ જાય છે અને તેમની સામેની બેન્કરપ્સી પ્રક્રિયા દરમિયાન તેના પૂરવઠેદારોના નાણાં લાંબા ગાળા સુધી અટવાઈ જાય છે અને પૂરતા નાણાં હાથમાં આવશે કે કેમ તે પણ અનિશ્ચિત રહે છે. 

 એમએસએમઈ  તથા કંપનીઓ વચ્ચે થતા વેપાર વ્યવહાર  ઉધારીમાં  થતા હોય છે,  ત્યારે એક વર્ષના ગાળા બાદ  આઈબીસી હેઠળ નવા કેસો દાખલ કરવાની  પ્રક્રિયા  ફરી શરૂ થઈ છે ત્યારે  કેસોના ઝડપી ઉકેલની સાથોસાથ ધિરાણદારોને તેમણે ડિફોલ્ટરો પાસેથી લેવાના નીકળતા નાણાંની વધુમાં વધુ વસૂલી થઈ શકે તેની પણ ખાતરી રાખવાની રહેશે જેથી  દરેક હિસ્સેદારોની નાણાં સ્થિતિ લથડે નહીં. 

આઈબીસી હેઠળના કેસોના ઉકેલમાં એકંદર સમયગાળામાં વધારો થતો જાય છે. છેલ્લામાં છેલ્લા આર્થિક સર્વેક્ષણ પર નજર નાખવામાં આવતા જણાય છે કે આ આ સર્વેમાં એનસીએલટીમાં  જ્યુડિશિયલ માળખા, ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલ્સ તથા એપેલેટ ટ્રીબ્યુનલ્સમાં  સુધારો કરવા પર ભાર અપાયો છે, જેથી બોડ લોન્સનો ઝડપી ઉકેલ આવી શકે  અને ડિફોલ્ટ ગયેલી કંપની પાસેથી જેમણે નાણાં મેળવવાના રહે છે તેવા બેન્ક સહિતના ક્રેડિટર્સને તેમના નાણાં કોરોનાના કાળમાં જલદીથી છૂટા થવા લાગે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ની માત્રા સપ્ટેમ્બર સુધીમાં વધીન ૧૩.૫૦ ટકા રહેવા અંદાજ મુકાયો છે. આ માત્રાને નીચી લાવવી હશે તો આઈબીસી હેઠળના કેસોમાં ઝડપી નિકાલ આવે તેની ખાતરી રાખવાની રહેશે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wpc5mJ
Previous
Next Post »