વાહનોના સ્ક્રેપેજની નવી નિતીના પગલે દેશમાં સ્ટીલ ઉદ્યોગમાં રિસાઈકલીંગ વધશે


- ઊભી બજારે  : દિલીપ શાહ

- વાહનોના સ્ક્રેપમાંથી મોટા જથ્થામાં  સ્ટીલ સ્ક્રેપ નિકળશે તથા  ઘરઆંગણે આવા સ્ક્રેપની થતી  આયાત પરનો આધાર ઘટશે

દેશમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે તાજેતરમાં  સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે.  કાચા માલોના ભાવમાં વૃદ્ધી થતાં વિવિધ ઓટો ઉત્પાદકોએ એપ્રિલ મહિનાથી ભાવમાં  વૃદ્ધી કરવાના સંકેતો આપ્યા છે ત્યારે  દેશમાં  ઈલેક્ટ્રીક પર ચાલતા વાહનોની બજારનું કદ પણ ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યાનું  આ ક્ષેત્રના  જાણકારોએ જણાવ્યું હતું.  જોકે  હાલ ઓટો ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા સરકારે બનાવેલી વાહનોની સ્ક્રેપેજ પોલીસીની થઈ રહી છે.  આ નવી પોલીસી હેઠળ  જૂના વાહનો  સ્ક્રેપ થશે તથા તેની જગા નવા વાહનો લેશે એવું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવા વાહનોને  સ્ક્રેપમાં  લઈ જવા માટે વાહનોના  માલિકોને  વિવિધ પ્રોત્સાહનો આપવામાં  આવનાર છે. આવી નવી  નિતીમાં  એક તરફ વાહન ઉત્પાદકોમાં   રાહતની લાગણી ફેલાઈ  છે ત્યારે  બીજી તરફ સ્ટીલ-લોખંડ ઉત્પાદકોમાં પણ આ નવી ઓટો નીતિ વિશે એક નવા એન્ગલથી ચર્ચા શરૂ થઈ છે. સ્ટીલ ઉદ્યોગ  અને બજારના સ સૂત્રોના જણાવ્યા મુજબ આવા જૂના વાહનોનું સ્ક્રેપ વધશે ત્યારે  આવા સ્ક્રેપના  રિસાઈકલીંગની પ્રક્રિયા પણ વધશે અને આવા  રિસાઈકલીંગ મારફત દેશના સ્ટીલ ઉત્પાદકો વધુ સ્ટીલનું ઉત્પાદન કરી શકશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. આવી  રિસાઈકલીંગની   પ્રક્રિયા કરી વધુ સ્ટીલનું   ઉત્પાદન કરવા  દેશની   ઘણી મોટી સ્ટીલ   ઉત્પાદક કંપનીઓ તખતો ગોઠવી રહ્યાની ચર્ચા સ્ટીલ બજારમાં સંભળાઈ છે. સ્ક્રેપના  રિસાઈકલીંગ  મારફત જ્યારે સ્ટીલનું  ઉત્પાદન કરવામાં  આવે છે ત્યારે  કાર્બન  ઓમિશનમાં ઘટાડો થાય છે તથા તેના પગલે  હવામાનમાં  પ્રદૂષણમાં  ઘટાડો  મેળવી શકાય  છે. ઉપરાંત  સ્ક્રેપના  રિસાઈકલીંગ  મારફત થતા  સ્ટીલના  ઉત્પાદનમાં  ઉત્પાદનનો ખર્ચ પણ ઘટે છે એવું આ ક્ષેત્રના  જાણકારોએ જણાવ્યું હતું. આવા ઉત્પાદનમાં  એનર્જીનો વપરાશ  ઓછો કરવો પડે છે તથા તેના પગલે  ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

વૈશ્વિક સ્તરે   જોઈએ તો  સ્ક્રેપ મારફત સ્ટીલનું  ઉત્પાદન  કરતી પ્રક્રિયામાં   કાર્બનનું  સર્જન  નોંધપાત્ર  ઘટે  છે એવો દાવો  બજારના જાણકારો   કરી રહ્યા છે. વિશ્વના સ્ટીલ ઉત્પાદનમાં  કાચા સ્ટીલ- લોખંડના  એક ટનના  ઉત્પાદનની પ્રક્રિયામાં આશરે  ભારતની સરખામણીએ  જોકે ઓછું  કાર્બન સર્જાય છે  અને ભારતમાં  હવે જો સ્ક્રેપમાંથી  સ્ટીલનું ઉત્પાદન  હાથ ધરાશે તો  પ્રદૂષણમાં  એટલા પ્રમાણમાં   ઘટાડો કરી શકાશે એવી ગણતરી  ઉદ્યોગ જગતના સૂત્રો બતાવી  રહ્યા છે.

દરમિયાન, સ્ટીલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ  દેશની એક મોટી  સ્ટીલ ઉત્પાદક  કંપનીએ સ્ક્રેપ પર આધારીત  સ્ટીલ પ્લાન્ટની   સ્થાપના કરી છે. આવા  પ્લાન્ટમાં વાર્ષિક  ઉત્પાદન ક્ષમતા   આશરે પાંચ લાખ ટનની મનાય છે. આવું ઉત્પાદન  એકમ હરિયાણામાં  ઊભું કરવામાં  આવ્યું છે.  આ કંપની જૂના વાહનો પ્રાપ્ત કરી  તેના સ્ક્રેપમાંથી  રિસાઈકલીંગ  મારફત સ્ટીલનું  ઉત્પાદન કરતી થઈ છે.   આવા જૂના વાહનો  ઉપરાંત ઘરગથ્થુ  ઉપયોગ પછી નિકળતો  ભંગાર ઉપરાંત  ઔદ્યોગિક  ભંગાર પણ મેળવી આ પ્લાન્ટમાં  રિસાઈકલીંગની પ્રક્રિયા કરવામાં આવે છે.  કન્સ્ટ્રકશન તથા  ડિમોલીશનની પ્રક્રિયા પછી   તેમાં  બાકી રહી જતા ભંગારનો  ઉપયોગ પણ  આવી રિસાઈકલીંગની પ્રક્રિયામાં   કરવામાં આવતો હોવાનું  સ્ટીલ બજારના   જાણકારોએ જણાવ્યું હતું. ઈલેક્ટ્રીક  આર્ક ફર્નાસ મારફત સ્ટીલ રિસાઈકલીંગની પ્રક્રિયા  વિશ્વ બજારમાં  સ્ટીલ ઉત્પાદકો  કરતા આવ્યા  છે તથા ભારતમાં  પણ હવે  આ દિશામાં  ટ્રેન્ડ  આગળ વધી રહ્યાના સંકેતો મળી  રહ્યા છે.  ભારતમાં  સ્ક્રેપમાંથી  રિસાઈકલીંગ કરીને સ્ટીલનું  ઉત્પાદન   કરવા પ્રક્રિયા માટે જરૂરી સ્ક્રેપની  ઉપલબ્ધી  ઘરઆંગણે  માગ કરતા ઓછી  રહેતી હોવાથી  દેશમાં  પ્રતિ વર્ષ આશરે  રૂ.૨૪થી  ૨૫ હજાર કરોડના  સ્ટીલ સ્ક્રેપની  આયાત કરવામાં આવે છે એવું સ્ક્રેપ બજારના  સૂત્રોએ જણાવ્યું હતું. જોકે હવે સરકારની  નવી સ્ક્રેપ નીતિ  હેઠળ ઘરઆંગણે  સ્ક્રેપનો  ઉપલબ્ધ થતો પુરવઠો   વધશે તથા તેના પગલે આયાત પર આધાર  ઘટતો જશે એવી આશા જાણકારો બતાવી  રહ્યા છે.  એક અંદાજ મુજબ  ૨૦૩૦ સુધીમાં  ભારતમાં એવી સ્થિતિ ઊભી થશે જેમાં  આવા સ્ક્રેપની  આયાત સંપૂર્ણ બંધ થઈ જશે અને ઘરઆંગણે  રિસાઈકલીંગની પ્રક્રિયા માટે   આવશ્યક   સ્ટીલનો મોટાભાગનો પુરવઠો  દેશની  અંદરથી જ મળતો થઈ જશે  એવું બજારના જાણકારોએ  ઉમેર્યું હતું. વૈશ્વિક સ્તરે  મોટાભાગના  વિકસીત દેશો  સ્ક્રેપમાંથી  સ્ટીલનું ઉત્પાદન  કરવા ઈલેક્ટ્રીક  આર્ક  ફર્નેસ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે  ભારતમાં  આવી  પદ્ધતિ ઉપરાંત ઈન્ડકશન ફર્નેસ રુટ મારફતપણ આવી રિસસાઈકલીંગની પ્રક્રિયાકરી રહ્યા છે.  આધારીત  રિસાઈકલીંગની પ્રક્રિયામાં   ઈલેક્ટ્રીકના વપરાશ થાય છે તથા  સ્ક્રેપને  ગાળવામાં  આવે છે અને  તેના  પગલે પ્રદુષણ તેટલા પ્રમાણમાં   વધે છે  જોકે ઈલેક્ટ્રીકના બદલે અન્ય  વૈકલ્પિક  ઉર્જાના સ્ત્રોત  મારફતની સ્ક્રેપ ગાળવાની  પ્રક્રિયા   કરાય તો  આવા પ્રદૂષણમાં   ઘટાડો મેળવી શકાય છે અને આ દિસામાં  પણ હવે  ઘરઆંગણે પ્રયત્નો શરૂ થયા છે.

દેશમાં હાલ વાર્ષિક ધોરણે આશરે  ૨૫૦ લાખ ટન સ્ટીલ સ્ક્રેપનો પુરવઠો ઘરઆંગણાના સ્ત્રોતમાંથી  મળે છે  તથા  વાર્ષિક આશરે  ૬૦થી ૭૦ લાખ ટન સ્ટીલ સ્ક્રેપની આયાત કરવામાં આવે છે.  દેશની વાહન સ્ક્રેપ નીતિના પગલે  ઘરઆંગણે  સ્ટીલ (ફેરસ) સ્ક્રેપ ઉપરાંત  નાન-ફેરસ સ્ક્રેપ તથા રબ્બર  અને પ્લાસ્ટિકના સ્ક્રેપનો  પુરવઠો પણ સ્થાનિકમાં  વધુ ઉપલબ્ધ થશે.  આગળ ઉપર સ્ટીલના ઉત્પાદનમાં  કોલસાના બદલે  હાઈડ્રોજનનો ઉપયોગ  પણ શરૂ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R7sR9Z
Previous
Next Post »