સંક્રમણ વધતા FMCG કન્ઝ્યુ. ડયુરેબલ ઉદ્યોગની ચિંતા વધી


- કન્ઝ્યુમર ડયુરેબલ ઉદ્યોગ માટે એપ્રિલથી જૂનમાં મહત્તમ વેચાણ થાય છે તેના પર અસર થશે

ભા રતમાં અંદાજે રૂ. ૪.૩ લાખ કરોડના રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના (એફએમસીજી) માર્કેટમાં તથા કન્ઝ્યુમર ડયુરેબલ માર્કેટમાં ચાલુ વર્ષે એશિયાના અન્ય બજારોની તુલનાએ ઝડપી વૃધ્ધિ જોવા મળે તેવી સંભાવના ઓછી છે. ભારત, ચીન, કોરિયા, સીંગાપોર અને થાઈલેન્ડ જેવા દેશોના એફએમસીજી માર્કેટના અભ્યાસ બાદ આ રિપોર્ટ રજૂ કરાયો હતો.

ગત વર્ષે કોરોના મહામારીના પગલે ભારતમાં અમલી બનેલા લાંબા લોકડાઉનના કારણે એફએમસીજી ક્ષેત્રને જબરજસ્ત ફટકો પડયો હતો. ગત વર્ષે જાન્યુઆરીથી માર્ચ ૨૦ દરમિયાન આ ક્ષેત્રએ ૩ ટકા વૃધ્ધિ નોંધાવ્યા બાદ એપ્રિલથી જુન'૨૦ દરમિયાન આ ક્ષેત્રમાં ૧૯ ટકાની પીછેહઠ નોંધાઈ હતી.

આ ભારે પછડાટ બાદ ગત વર્ષે જૂન માસથી શરૂ થયેલ અનલોકના તબક્કાની સાથે એફએમસીજી ક્ષેત્રમાં તેજીનો દોરીસંચાર થયો હતો. અને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ ક્ષેત્રમાં ૦.૯ ટકાની અને ડિસેમ્બર ત્રિમાસિકમાં ૭.૧ ટકાની વૃધ્ધિ નોંધાઈ હતી. નવા કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પણ આ ક્ષેત્રમાં વૃધ્ધિ જારી રહી હોવાના અહેવાલ છે.

હાલ ભારતમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરી રહ્યો છે. જો કે, ગત વર્ષની પ્રતિકૂળતાઓ બાદ આ ક્ષેત્રની કંપનીઓ દ્વારા આગવી તૈયારીઓ અને વ્યૂહનીતિ અપનાવવાના કારણે આ વખતે આ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના ઓછી છે. વિવિધ રાજ્યોમાં નાઇટ કરફ્યુ અને મિની લોકડાઉનના કારણે ખાદ્યપદાર્થના પેકેટ, બિસ્કીટ પેકેટ તેમજ કન્ઝ્યુમર સ્ટેપલ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના ઓછી છે. જો કે, ઓવરઓલ સંક્રમણમાં વધારાના પગલે આ ક્ષેત્રની ઓવરઓલ વૃધ્ધિ પર અસર જોવાશે.

ઓવરઓલ વૃધ્ધિ પર પ્રતિકૂળ અસર થવાનું મુખ્ય કારણ એ છે કે પ્રર્વતમાન પ્રતિકૂળ સંયોગોમાં લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના કારણે પર્સનલ કેર, બ્યુટી કેર, હેરઓઇલ સહિતની અન્ય ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિકૂળ અસર જોવા મળી છે. આમ, ઓવરઓલ ડિસ્ક્રેશનરી ખર્ચમાં ઘટાડો જોવા મળશે.

કન્ઝ્યુમર ડયુરેબલ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થતા ચિંતાનો માહોલ ઉદ્ભવ્યો છે. આ ક્ષેત્ર માટે એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળો ખૂબ મહત્ત્વનો હોય છે, આ ત્રણ માસ દરમિયાન તેઓ વાર્ષિક કુલ વેચાણના ૫૦થી ૬૦ ટકા જેટલો હિસ્સો કવર કરતા હોય છે. પરંતુ આ સમય વખતે જ નાઇટ કરફ્યુ, મિની લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનતા તેમના વેચાણ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. આમ, કોરોના સંક્રમણના બીજા તબક્કામાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડયુરેબલ ઊદ્યોગ ચિંતામાં મુકાઇ ગયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uIR4ln
Previous
Next Post »