તિજોરી પરની તાણ હળવી કરવા નીતિવિષયકો માટે સામાન્ય નાગરિકો જ હમેશા ટાર્ગેટ બને છે


- લઘુ બચત પરના  દરોમાં ઘટાડો નિવૃત્તિધારકોના જીવનનિર્વાહના ગણિતને ખોરવી નાખે છે

પબ્લિક પ્રોવિડેન્ટ ફન્ડસ (પીપીએફ), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટસ (એનએસસી), કિસાન વિકાસ પત્ર સહિતની લઘુ બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યાના બાર કલાકની અંદર તે પાછો ખેંચવાની નાણાં પ્રધાન  નિર્મલા સીતારામનની જાહેરાત આવી પડી હતી. વ્યાજ દરમાં કપાત પાછી ખેંચવાનું કારણ થાપણદારો પ્રત્યેની સહાનુભૂતિ કરતા દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ રહેલું  હતું. વ્યાજ દરમાં કોઈપણ કપાત ચૂંટણીમાં વિપક્ષોને  હાથવગુ શસ્ત્ર મળી રહેત તેવી જાણ થતાં નિર્ણયને રાતોરાત રદ કરવો  પડયો  હતોે. કોરોનાના કાળમાં તાણ હેઠળ આવી ગયેલી દેશની નાણાં સ્થિતિને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં કપાતનો નિર્ણય લેવાયો હતો જેથી સરકારની તિજોરી પર ભાર હળવો કરી શકાય. કોરોનાને કારણે આવી પડેલી આર્થિક મંદીથી  કેન્દ્રની વેરા મારફતની આવક પર ગંભીર અસર પડી છે જેને કારણે સરકાર ખર્ચ પર કાપ મૂકવા  ઈરાદો ધરાવે છે. વ્યાજ દરમાં કપાત હાલ પૂરતો ટળી ગયો છે પરંતુ નજીકના ભવિષ્યમાં કપાત આવવાની પૂરી શકયતા રહેલી છે. 

કોરોનાના કાળમાં રિઝર્વ બેન્કે ૨૦૨૦ના ફેબુ્રઆરીથી અત્યારસુધીમાં રેપો રેટમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હાલમાં રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે.  રેપો રેટમાં ઘટાડાને કારણે બેન્કોએ પણ ધિરાણ દરોમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. ધિરાણ દર ઘટતા વ્યાજ મારફતની આવકમાં  ઘટાડાને હળવો કરવા બેન્કો પર થાપણના દરો ઘટાડવા પણ દબાણ આવે છે. કોરોનાના કાળમાં મોટાભાગની બેન્કોએ ધિરાણ દર સાથોસાથ થાપણ   પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.  દેશનો નીચો આર્થિક વિકાસ દર પણ ધિરાણ  દરમાં ઘટાડો  કરવા પાછળનું  એક કારણ ગણાવવામાં આવે છે. લોન્સ પરના દર ઘટાડવાથી ઈન્વેસ્ટમેન્ટ સાયકલ વધશે અને કંપનીઓ મૂડી ખર્ચમાં વધારો  કરવા આકર્ષાશે  એવી સરકાર દ્વારા  અપેક્ષા રખાતી હોય  છે. પરંતુ વર્તમાન મંદ વૈશ્વિક વાતાવરણ વચ્ચે કંપનીઓ હાલમાં મૂડી ખર્ચમાં વધારો કરવા ઉત્સુક નહીં હોવાનું પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો પરથી જણાય છે. માગના અભાવે દેશના મોટાભાગના ક્ષેત્રની કંપનીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાએ કામ કરતી નથી. આમ વ્યાજ દરમાં  ઘટાડાને પરિણામે ઈન્વેસ્ટમેન્ટ માગ વધશે એવી આશા નજીકના ભવિષ્યમાં  ફળીભૂત થવા સામે શંકા છે.  વ્યાજ દર ઘટાડીને માગમાં  અપેક્ષિત વધારો કરી શકાતો નથી કારણ કે ફુગાવાજન્ય વાતાવરણ સામાન્ય નાગરિકોને  ભાવિ આવશ્યકતાઓ માટે  બચત કરવા ફરજ પાડતું હોય છે. 

પીપીએફ તથા પોસ્ટ ઓફિસની થાપણો પર ઊંચા વ્યાજ અપાતા હોવાથી બેન્કો પોતાના થાપણ દર ઘટાડી શકતી નથી અને થાપણ દર ઊંચા રહેતા હોવાથી ધિરાણ દર પણ ઊંચા રાખવા પડે છે એવી પણ એક દલીલ થતી રહે છે.  જો કે કોરોનાના કાળમાં  લિક્વિડિટી વધારવા સરકારે  તથા રિઝર્વ બેન્કે, બેન્કોને અનેક રાહતો  પૂરી પાડી હોવાથી તેમણે ધિરાણ દરમાં  ઘટાડો કરવાનું સાહસ કર્યું હતું. ધિરાણ દરની સાથોસાથ થાપણ પરના દર પણ  બેન્કોએ ઘટાડવાની ફરજ પડી હતી. પરંતુ બેન્કો માટે  થાપણ દર  લાંબા સમય સુધી નીચા રાખવાનું વ્યવહારુ સાબિત નહીં થાય સિવાય કે લઘુ બચત યોજનાઓના દર નીચા રહે. બેન્ક થાપણ પરના નીચા દરને કારણે બચતકારો પોતાની બચતના નાણાં પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ તથા પોસ્ટ ઓફિસો જેવી  પ્રમાણમાં ઊંચા વ્યાજ સાથેની  લઘુ બચત યોજના તરફ વાળતા હોય છે  અને આવી સ્થિતિમાં બેન્કોની થાપણમાં ઓટ આવી શકે છે. 

 થાપણ દર તથા  લઘુ બચત દરમાં ઘટાડાને પરિણામે  સામાન્ય રોકાણકારો અને ખાસ કરીને બેન્કોની થાપણ પરના વ્યાજ મારફતની આવક પર જીવન નિર્વાહ કરતા નિવૃત્ત વ્યક્તિઓ વિમાસણમાં  મુકાઈ  જતા હોય છે. સામાન્ય રીતે વ્યાજ દરો અંગેના નિર્ણય રિટેલ ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાતા હોય  છે પરંતુ  આપણા  દેશમાં હકીકતમાં ચીજવસ્તુના ભાવ  એક વખત ઉપર ગયા પછી જોઈએ એટલા નીચે આવતા નથી. અનાજ કઠોળ હોય કે શાકભાજી  કે પછી દૂધ હોય મોટાભાગના ખાધ્ય પદાર્થોના ભાવ વધતા જ રહ્યા છ ેત્યારે ઘટતા થાપણ દરની સ્થિતિમાં ઊંચા ભાવ સામે રક્ષણ કઈ રીતે મેળવવું અને નિયમિત કેશ ફલોને કઈ રીતે  જાળવી રાખવો એ  સામાન્ય વર્ગના નિવૃત્ત વ્યક્તિઓ માટે એક  વિકટ પ્રશ્ન બની રહે છે. આ ઉપરાંત ઘરના વીજ બિલ હોય કે અન્ય સુવિધાઓ પેટેના બિલ હોય તેમાં ભાગ્યે જ કોઈ રાહત મળતી હોય છે.  થાપણ  અથવા લઘુ બચતો પરના દરમાં જ્યારે જ્યારે પણ ઘટાડો શરૂ થાય છે ત્યારે રોજબરોજના ખર્ચા કેવી રીતે  પહોંચી વળવા તેની  કવાયત શરૂ કરવી જરૂરી બની જાય છે. 

લઘુ બચત યોજનાઓ પરના વ્યાજમાં ઘટાડો કરવામાં આવશે તો  ભાવિ જરૂરિયાતો પૂરી કરવા માટે લઘુ બચતોમાં  રોકાણ કરતા સામાન્ય વર્ગના નાગરિકોના  ગણિત ખોરવાતા વાર નહીં લાગે,  કારણ કે રોકાણકારો આવી બચત કરતી વખતે  ભવિષ્યની મોંઘવારી તથા ખર્ચને ધ્યાનમાં રાખતા હોય છે.  એટલે કે આજનું ઈન્વેસ્ટમેન્ટ એ રીતે કરાતું હોય છે  જે ભવિષ્યના ફુગાવા સામે ટકી શકે.  પરંતુ દેશમાં સમય જતા ફુગાવો એટલો વધી જતો હોય છે કે રોકાણકારની ગણતરી મોટેભાગે ખોટી પડે છે.  ઉદાહરણ તરીકે    પુત્ર- પુત્રીના ઊચ્ચ શિક્ષણ કે લગ્નખર્ચને ધ્યાનમાં રાખી શરૂ કરાતા રોકાણનું મૂલ્ય  તે શરૂ કર્યાના દસ-પંદર  વર્ષ બાદ પૂરતું સાબિત થતું નથી.  કારણ કે કરાયેલા રોકાણની રકમમાં થતી વૃદ્ધિ શિક્ષણ કે લગ્ન પાછળના ઊંચા ખર્ચ સાથે મેચ થતીનથી હોતી. આરોગ્ય સંભાળ માટેના ખર્ચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે  છે.  ફુગાવાની ગણતરીમાં જે માપદંડોને આધાર લેવામાં આવે છે તેના કરતા બીજી અનેક જરૂરિયાતો એવી છે જે મનુષ્યએ દૈનિક જીવનમાં પૂરી કરવાની રહેતી હોય છે. 

લઘુ બચત યોજનાઓ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે લાંબા સમયથી એક વિશ્વસ્નિય અને લોકપ્રિય રોકાણ સાધનો બની રહી છે, ત્યારે આવા રોકાણકારોના હિતોને બેધ્યાન કરી લઘુ બચત યોજના પરના વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો  કરાશે તો દેશના એક મોટા વર્ગમાં નાણાંકીય અસ્થિરતા ઊભી થતા વાર નહીં લાગે એ એક હકીકત છે જે નાણાં પ્રધાને ધ્યાનમાં રાખવાની રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uIUWTk
Previous
Next Post »