
યાદશક્તિ ઘણી જ ટૂંકી હોય છે. સામાન્ય નાગરિક માટે દરેક નવો દિવસ પડકાર લઈને આવે છે. દેશ તથા સરકાર સામેના મોટા પડકારોથી તેઓ વાકેફ હોય છે, પરંતુ લાંબો સમય સુધી તેઓ તેમના વિષે ચર્ચા કરતા રહેતા નથી. આ પડકારોના હલ માટે દેશના બંધારણ મારફત સ્થાપવામાં આવેલા વિવિધ સ્તંભ જેમ કે સંસદ, વિધાનમંડળ, ન્યાયતંત્ર, મુકત અખબારો, વિપક્ષ પર તેઓ વિશ્વાસ રાખે છે. આ સંસ્થાઓ, તેમની આશક્તિ અથવા ભયને કારણે એકલી અથવા સંયુકત રીતે નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકો પણ આશા છોડીને આગળ વધવા લાગે છે. રાફેલ વિમાન સોદામાં પણ આવું જ કંઈક થયું હતું.
ચાર સ્તંભો નિષ્ફળ રહ્યા
રાફેલ કેસની તપાસ કરવાની ચાર સ્તંભો પાસે તક હતી. પ્રથમ તક મીડિયાને હતી. અસંખ્ય પ્રશ્નો ઊભા કરી તેના જવાબ માગવા માટે પૂરતી સામગ્રી ઉપલબ્ધ હતી. મોટાભાગના મીડિયાઓએ આ પ્રશ્નો ઊભા કરવાનું નકારી કાઢયું હતું એટલું જ નહીં એનાથી વિપરીત, અનેક અખબારોએ તો સરકારની સ્પષ્ટતાઓ એવી રીતે છાપી હતી જાણે કે તેજ ખરા અહેવાલો હોય. આ મુદ્દે મે અગાઉ નાણાં પ્રધાન સમક્ષ ૧૦ પ્રશ્નો ઊભા કર્યા હતા. જે નીચે પ્રમાણે હતા.
૧) ભારત અને ફ્રાન્સ વચ્ચે ૧૨૬ રાફેલ ટ્વિન એન્જિન મલ્ટી રોલ ફાઈટર વિમાન ખરીદવાનો થયેલો કરાર રદ કરીને માત્ર ૩૬ રાફેલ ખરીદવાનો જ નિર્ણય શા માટે લેવાયો?
૨) અગાઉના કરાર મુજબ એક વિમાનની કિંમત જે રૂપિયા ૫૨૬.૧૦ કરોડ હતી જ્યારે નવા કરાર હેઠળ એક વિમાનની કિંમત રૂપિયા ૧૬૭૦ કરોડ છે તે સાચી વાત છે?
૩) નવા કરાર હેઠળ વિમાનની પ્રથમ ડિલિવરી સપ્ટેમ્બર ૨૦૧૯માં અને અંતિમ ડિલિવરી ૨૦૨૨માં કરવાની છે તો પછી, આ સોદો તાકીદની સ્થિતિમાં કરાયો છે તેમ સરકાર કઈ રીતે યોગ્ય ઠેરવે છે?
૪) એચએએલને ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો કરાર શા માટે પડતો મુકાયો?
૫) આના બદલામાં સરકારે બીજું કોઈ નામ સૂચવ્યું હતું ખરું, જો ના તો, સરકારે એચએએલનું નામ શા માટે નહોતું સૂચવ્યું?
આ અને આવા અનેક પ્રશ્નોના જવાબો હજુ સુધી અપાયા નથી. થોડાઘણાં અપવાદને બાદ કરતા દેશનું મીડિયા આ મોરચે નિષ્ફળ રહ્યું હતું.
બીજુ, બંધારણની કલમ ૩૨ હેઠળ એક અરજીમાં સુપ્રીમ કોર્ટે પણ કેટલાક મહત્વના પ્રશ્નોની તપાસ કરવાની આશક્તિ દર્શાવી હતી. ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટે ભાવ સંદર્ભે અથવા તો ટેકનિકલ યોગ્યતાને લગતા મુદ્દા અંગે, ઈન્ડિયન એરફોર્સને જ્યારે ૧૨૬ વિમાનની આવશ્યકતા સામે માત્ર ૩૬ વિમાન ખરીદવાનો નિર્ણય અંગે અથવા લશકરી સાધનો ખરીદવા માટેની પ્રક્રિયામાં કરાયેલા ફેરબદલ જેવી બાબતો અંગે તપાસવાનું નકારી કાઢયું હતું. સરકાર દ્વારા 'બંધ કવર'માં અપાયેલી નોંધ તથા 'મૌખિક રીતે કરાયેલી રજુઆત'ને કોર્ટે સ્વીકારી હતી. સીએન્ડએજીનો અહેવાલ હતો તેવું કોર્ટને મનાવીને ગેરમાર્ગે દોરવામાં આવી હતી જ્યારે હકીકતમાં આવો કોઈ રિપોર્ટ સંસદ કે કોર્ટ સમક્ષ તે દિવસ સુધી રજુ કરાયો નહતો.
સંસદની નજર નરમ પડી
ત્રીજુ, આ મુદ્દે સંસદ પક્ષિય રાજકારણને લઈને વિભાજીત થઈ ગઈ હતી અને સરકારના પગલાંઓ પર સંસદ તેની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી હતી. સંસદ એક એવું સ્તંભ છે જે પૂછી શકી હોત અને સત્ય બહાર લાવી શકી હોત. ૯૫ ટકા વાટાઘાટ જ્યારે પૂરી થઈ ગઈ હતી ત્યારે ડેસોલ્ટ તથા એચએએલ વચ્ચે ૧૩મી માર્ચ ૨૦૧૪ની તારીખનો ટેકનોલોજી ટ્રાન્સફર અને કામની વહેંચણીનો કરાર શા માટે પડતો મૂકવામાં આવ્યો હતો. નવા કરાર હેઠળ ભાવ ૯થી ૨૦ ટકા નીચા હતા તો ૧૨૬ વિમાન માટેની ડેસોલ્ટની ઓફરને શા માટે સ્વીકારવામાં આવી નહોતી. સંસદીય નજરને સરકારની બહુમતિએ નરમ પાડી દીધી હતી.
ચોથી નિષ્ફળતા સીએન્ડએજીની રહી હતી.૩૩ પાનાના રિપોર્ટમાં સીએન્ડએજીએ આ સોદા પર ચાદર ઓઢાડી દીધી હતી અને કેસના સત્યને દફનાવી દીધું હતું. આ મુદ્દે સીએન્ડએજીનું વલણ ઘણું જ આશ્ચર્યકારક રહ્યું હતું. બોફોર્સ કે આવા અન્ય પ્રકારના કેસોમાં પણ આટલું ઠંડુ વલણ જોવાયું નહોતું. આને પરિણામે તેના રિપોર્ટના પાના નંબર ૧૨૬થી ૧૪૧માં કરાયેલી નોંધ એક સામાન્ય બુદ્ધિ સાથેની વ્યક્તિ માટે કોઈ જ કામની નહોતી. આમછતાં નવો સોદો ૯ ટકા જેટલો સસ્તો હોવાની સરકારની દલીલને અમાન્ય રાખવા સીએન્ડએજીને ફરજ પાડવામાં આવી હતી. અન્ય સત્તાઓ કરતા સીએન્ડએજી વ્યાપક ધારદાર હતી, પરંતુ આ સ્વતંત્ર બંધારણિય સત્તાએ પણ રાફેલ મુદ્દે દેશને નિષ્ફળતા અપાવી હતી.
વિચલિત કરનારી હકીકતો
મને યાદ છે કે, નવા કરારમાં અસામાન્ય રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધની ફરજિયાત કલમો અદ્રષ્ય હતી, જેમ કે બિનજરૂરી લાગવગ ન હોવી જોઈએ, કોઈ એજન્સી ન હોવી જોઈએ. આ કલમો કાઢી નાખવા પાછળ કોઈ ખાસ હેતુ હતો કે કેમ?આપણને ખબર નથી પરંતુ જે કલમો રદ કરી નાખવામાં આવી છે તે સરકાર સામે ફરીફરીને ઉછળી રહી છે. ફ્રાન્સના મીડિયા જુથ, મીડિયાપાર્ટની ત્રણ તબક્કાની તપાસમાં જણાયું છે કે, ફ્રાન્સની એજેન્સ ફ્રેન્કેઈસ એન્ટીકરપ્શન (એએફએ)ને એવા પુરાવા મળ્યા છે કે ભારતમાં અન્ય એક ડિફેન્સ સોદા સંદર્ભમાં જે વચેટિયા સામે કેસ ચાલી રહ્યો છે તેને ડેસોલ્ટ દસ લાખ યુરોની ચૂકવણી કરવા સહમત થયું હતું અને ૫૦૮૯૨૫ યુરોની તો ચૂકવણી થઈ પણ ગઈ છે. મીડિયાપાર્ટની સ્ટોરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ભારત તથા ફ્રાન્સના તપાસકર્તાઓને ગંભીર પ્રકારની વાંધાજનક માહિતી મળી હતી પરંતુ બન્ને દેશોએ આ માહિતીને દફનાવી દીધી હતી.
આ સ્ટોરી એક આક્ષેપ જેવી જ છે. રાફેલ સોદાની હકીકતો કબરમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તેનું ભૂત સરકારને નચાવતું રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PNjs7i
ConversionConversion EmoticonEmoticon