સંપત્તિ કરતાં સંતાનોનું મૂલ્ય વધુ છે, માટે માતા-પિતાએ તેમનું સંવર્ધન કરવું જોઈએ


- માત્ર સંતાનની જોઈતી જરુરીયાતો પૂરી કરી દેવાથી માતાપિતાએ એમની ફરજમાંથી મુક્ત બની જતા નથી. જે માતાપિતા સંતાનોને પ્રેમ નથી આપતાં તેમને આ પ્રસંગ વાંચવા જેવો છે  

દ રેક માતાપિતાએ બાળકની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. બાળકોએ મોટામાં મોટી સંપત્તિ છે. જેમ માણસ પોતાની સંપત્તિનું સંર્વધન થાય તે માટે અથાગ પ્રયત્નો કરે છે. તેમ સંતાનોને સાચવવા માટે પણ પ્રયત્ન કરવા જોઈએ.  

આજે ઘણા પિતા આખો દિવસ સંપત્તિ કમાવવા માટે અને તેને વધારવા માટે જ દોડાદોડ કરતાં હોય છે. ઘણી માતાઓ બીજી અન્ય પ્રવૃત્તિમાં રોકાયેલી રહેતી હોય છે. તેથી સંતાનની પાસે બેસવાનો, તેમને પ્રેમ આપવાનો સમય જ નથી મળતો, તો ભારતીય સંસ્કારો આપવાનો તો તેમની પાસે સમય જ ક્યાંથી હોય ? શ્રી કૃષ્ણ ભગવાન કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન ક્યાં પ્રગટ થયાં ? કેવા કેવા તેમણે કાર્યો કર્યા છે ? તેમણે શું જીવન સંદેશો આપ્યો છે ? એ પાયાના સંસ્કારોનું સિંચન ક્યાંથી કરશે ? શ્રીમદ્ભગવદ્ગીતા કે શિક્ષાપત્રી આદી શાસ્ત્રોમાં માણસે કેવું જીવન જીવવું જોઈએ તે શીખવ્યું છે. પરંતુ આ શાસ્ત્રો નિત્ય વાંચવા જોઈએ એવું એ માતાપિતા ક્યારે શીખવશે ? અને શીખવશે નહિ તો આપણી આવનારી પેઢી કેવી પાકશે ? આ બધું વિચારવા જેવું છે.

માત્ર સંતાનને જન્મ આપી દેવાથી માતાપિતાની ફરજ પૂરી થઈ જતી નથી. માત્ર સંતાનની જોઈતી જરુરીયાતો પૂરી કરી દેવાથી માતાપિતાએ એમની ફરજમાંથી મુક્ત બની જતા નથી. જે માતાપિતા સંતાનોને પ્રેમ નથી આપતાં તેમના ગૃહમાં કેવી પરિસ્થિતિઓ સર્જન થાય છે ? ઘરનું વાતાવરણ કેવું બની જાય છે ? તે જાણવા માટે આ નીચે ટાંકેલો પ્રસંગ વાંચવા જેવો છે અને તેમાંથી પ્રેરણા લેવા જેવી છે.

મુંબઈ શહેરની અંદર દાદર વિસ્તારમાં સૂર્યકાંતભાઈ નામના મોટા વેપારી રહે. તેમને ફુલદાની સંગ્રહિત કરવાનો બહુ જ શોખ હતો. જ્યારે જ્યારે બહાર કોઈ સ્થળોએ એ જાય ત્યારે ત્યાંથી ફુલદાની લઈ આવે. એમણે ઘરમાં ઘણી બધી ફુલદાની એકત્રિત કરી હતી. એક દિવસ એમનો સુપુત્ર ચિરાગ ઘરમાંથી દોડતો દોડતો જતો હશે અને અચાનક એનો હાથ એક ફુલદાની સાથે ભટકાયો અને ફુલદાની પડી ને તુટી ગઈ. તેના પપ્પાએ આ જોયું એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. એ ઘરમાં બૂમાબૂમ કરી મૂકી. ચિરાગ તો ધ્રુજવા લાગ્યો. પપ્પા હમણા મારશે તો ? એ બીકે તરત, તેની મમ્મીના રુમમાં દોડી ગયો. તેની મમ્મી પરિસ્થિતિ સમજી ગઈ. તેથી એકના એક વ્હાલસોયા પુત્રને ભેટી પડી. ચિરાયુની આંખમાં આંસુની ધારા વહેવા લાગી.

સૂર્યકાંતભાઈએ આ જોયું એટલે હવે તેમણે ગુસ્સો પોતાની પત્ની ઉપર ઉતાર્યો. બસ, તું જ છોકરાને બગાડે છે, તે જ મોઢે ચડાવ્યો છે. આમ ન બોલવાનું બોલીને આખું વાતાવરણ ભયભીત બનાવી દીધું.

પછી ચિરાગની મમ્મીએ પોતાના પતિ પાસે જઈને શાંતિથી કહ્યું કે, શું થયું ? એક ફૂલદાની જ તૂટી છે ને ? આપણા ઘરમાં અનેક ફૂલદાનીઓ છે. અને બજારમાંથી બીજી પણ પૈસા ખર્ચીને ફૂલદાની લાવી શકાશે. પરંતુ તમારા એકના એક પુત્રનું દિલ તોડી નાંખશો, તો પછી એ દિલ સાંધી નહિ શકાય. પુત્ર બજારમાંથી નહી મળે. હા, ઘરની ચીજ વસ્તુઓ સાચવવીએ જરૂરી છે. કારણકે, આપણી સંપત્તિ છે, પરંતુ સંતાનએ આપણી મોટામાં મોટી સંપત્તિ છે, સંપત્તિ કરતાં સંતાનને સાચવવા એ વધુ જરૂરી છે. થોડો વિચાર તો કરો, તમો જેટલી સંપત્તિને સાચવવા માટે પ્રયત્ન કરો છો , તેટલો તમારા સંતાનને સાચવવા માટે તેને પ્રેમ આપવા માટે પ્રયત્ન કરો છો ? સંપત્તિના સંવર્ધન કરતાં સંતાનનું સંવર્ધન માટે વધુ પ્રયત્નશીલ થવાની જરૂર છે.  

બીજી મહત્વની વાત એ પણ છે કે, આજના સંતાનો જેવું જોશે તેવું વર્તન કરશે. આજના સંતાનો માતાપિતાના વર્તન ઉપરથી જ શીખે છે. જેવું તમો વર્તન કરશો, તેવું જ સંતાન તમારી સાથે ભવિષ્યમાં કરશે. તમો સંતાનો ઉપર ક્રોધ કરીને વાત કરશો, તો તમને તેનું રીએક્શન એવું જ જોવા મળશે. બાળકો ઉપર ગુસ્સો કરશો તેથી બાળક સુધરશે નહિ, બાળકને મારીને પણ સુધારી શકાશે નહિ, બાળકના વર્તનમાં પરીવર્તન લાવવું હશે તો પ્રેમ આપીને જ લાવી શકાશે. અને બાળકોને પ્રેમ આપવા માટે દરેક માતાપિતાએ સમય કાઢવો કાઢવો જ પડશે.

તેથી બાળકોને પ્રેમ આપવાની જરૂર છે. અને પ્રેમ આપવાની સાથે બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની પણ જરૂર છે. બાળકોમાં જો સંસ્કાર નહિ હોય તો, શિક્ષણ તેનું રક્ષણ નહિ કરી શકે, તેથી માતાપિતાએ બાળકોને સમય કાઢીને મંદિરોમાં લઈ જવા જોઈએ  અને સંતોના સમાગમમાં અવશ્ય રાખવા જોઈએ. અને જે આવી રીતે બાળકોને ઉછેર કરે છે. તેના સંતાનો સદાચારીમય જીવન જીવતા થાય છે અને જ્યારે માતાપિતાની વૃધ્ધાઅવસ્થા આવે છે ત્યારે તેમની સેવા ચાકરી પણ કરે છે. તેથી બાળકોને પ્રેમ અને સંસ્કાર આપવાની ખાસ જરૂર છે. સાથે-સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં બાળકોની બાળસભા યોજવામાં આવે છે. જેમાં સંતો દ્રારા સંસ્કાર આપવામાં આવે છે. તેમાં બાળકોને અવશ્ય મોકલવાની જરૂર છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ugwkkR
Previous
Next Post »