દેહને રાગદ્રષ્ટિથી જોશો તો એ સંસારનું કારણ બનશે... દેહને વૈરાગ્યદૃષ્ટિથી જોશો તો એ મુક્તિનું કારણ બનશે...


જી વને સંસારમાં મજબૂતપણે જકડી રાખનાર અને વિવિધ ગતિઓમાં પરિભ્રમણ કરાવનાર ચાર મુખ્ય આસક્તિકેન્દ્રો પૂર્વે આ ચાર ગણાવાયા હતા: કંચન-કામિની-કુટુંબ અને કાયા. કેટલાક ચોક્કસ દૃષ્ટિબિંદુઓથી વિચારીએ તો ચારેયમાં જીવનું સૌથી વધુ મજબૂત આસાક્તિકેન્દ્ર શરીર બની રહે છે. આને બરાબર સમજવા માટે આપણે એ અનેક પૈકીના બે દૃષ્ટિબિંદુ સમજીએ: 

સંપતિ-સ્ત્રી-સ્વજન અને શરીર: આ ચાર પર ચાહે તેવી આસક્તિ હોય તો પણ પહેલા રણને આપણે જાનથી અલગ સમજીએ છીએ. એથી જ જ્યારે એનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણે 'મારી સંપતિ-મારી પત્ની-મારાં સ્વજનો' જેવા ઉલ્લેખ કરીએ છીએ. એમાં બોલનાર અને સંપતિ આદિ બાબતો પરસ્ર અલગ હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે પરંતુ શરીર માટે જ્યારે આવો ઉલ્લેખ કરવાનો આવે ત્યારે વ્યક્તિની ભાષા બે પ્રકારની બને છે. શરીર અક્ષમ-વેદનાગ્રસ્ત બને ત્યારે વ્યક્તિ એમ પણ બોલશે કે 'હવે મારું શરીર ધાર્યું કામ આપતું નથી', તો ક્યારેક એમ પણ બોલશે કે  'મને ખૂબ પીડા થાય છે.' આમાંના પ્રથમ  વાક્યમાં બોલનાર અને શરીર પરસ્પર અલગ હોવાની પ્રતીતિ થાય છે, જ્યારે બીજા વાક્યમાં બોલનાર અને શરીર બંને એક હોવાની પ્રતીતિ થાય છે. સાર એ થયો કે સંપતિ આદિ બાબતો પોતાનાથી અલગ હોવાનું જીવ હરહંમેશ માને છે, જ્યારે શરીર માટે એ ઘણી વાર અભેદભાવની પણ અનુભૂતિ કરે છે. એથી એ સર્વાધિક આસક્તિ કેન્દ્ર પુરવાર થાય છે.

બીજું દૃષ્ટિબિંદુ જૈન શાસ્ત્રોની એક સૂક્ષ્મ પ્રરૂપણાઆધારિત છે. ધારો કે એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એનું દેખાતું શરીર અહીં રહી જાય છે. અને એનો જીવ પરલોકમાં જઈ નવું શરીર ઉપાર્જિત કરે છે. આ લોકમાંથી પરલોકમા જતી વેળાએ જીવ શરીર વિનાનો હોય એમ સરેરાશ-સામાન્ય સમજ ધરાવતી વ્યક્તિ માને. પરંતુ જૈન શાસ્ત્રો કહે છે કે એ શરીરરહિતના દેખીતા (ઔદારિક) શરીરની અપેક્ષાએ છે. બાકી એ વચગાળાના સમયમાંય તૈજસ અને કાર્મણ નામે બે સૂક્ષ્મ શરીરો તો જીવ સાથે જોડાયેલા જ છે જે કાયમના સાથી છે. જીવન મોક્ષ પામે ત્યારે જ એ શરીરનો સંગાથ છૂટે. સાર એ થાય કે શરીર નામના પદાર્થનો સંગાથ જીવ માટે અનાદિકાલીન છે. માટે એને એના પર સર્વાધિક આસક્તિ હોય છે. આ નિરૂપણથી જરા અલગ વ્યવારિક નિરૂપણ કરીએ તો એમાંય શરીરનો સંગાથ સૌથી પુરાણો પ્રતીત થશે. એક વ્યક્તિ જન્મે છે ત્યારથી નહિ, બલ્કે માતાના ગર્ભમાં આવે છે ત્યારથી એનો સંગાથ શરીર સાથે થઈ જાય છે અને એ આખરી શ્વાસ લેશે ત્યાં સુધી શરીર સાથેનો એનો સંગાથ અખંડ જારી રહેશે. સંપતિ આદિ ત્રણેય પરિબળો આટલા દીર્ઘ સમયનો સાતત્યસભર સંગાથ જીવ સાથે રાખે એ શક્ય નથી. માટે પણ જીવનનું સર્વાધિક આસાક્તિકેન્દ્ર શરીર બને છે.

શરીર પ્રત્યેની આ તીવ્ર આસાક્તિ-મમતા તોડવા કાજે અધ્યાત્મ કલ્પદ્રમગ્રન્થકાર ગ્રન્થના પાંચમા અધિકારરૂપે પ્રસ્તૃત કરે છે. 'શરીરમમત્વ ત્યાગાધિકાર' આ અધિકાર રચવામાં શૂન્યકારના મુખ્યત્વે બે આધ્યાત્મિક હેતુઓ છે: (૧) તપ-ત્યાગ-ઉપસર્ગો અને પરિષહોમાં દૃઢતા વગેરે કર્મનિર્જશકારક બાબતોની સાધનામાં વ્યક્તિ શિથિલ ન બને. જેઓને શરીર પર અતિરેકભરી આસક્તિ છે તેઓ આમાથી એકેય બાબતની સાધના ન કરી શકે. તબીબી  ક્ષેત્રની એસીડીટી-કોલસ્ટ્રોલ વગેરે ઘણી બધી સામાન્ય બાબતોમાં આજે કેટલોક વર્ગ વધુ પડતી સાવધાની રાખીને તપ-સહિષ્ણુતાથી સાવ વંચિત રહી જાય છે, તો કેટલોય શ્રદ્ધાપ્રધાન ભાવુક વર્ગ અમારી નજર સમક્ષ એવો છે કે જે શ્રદ્ધાબળે માસક્ષમણાદિ કઠિન તપશ્ચર્યાઓ - પરિવહનોની સહિષ્ણુતા વગેરે આસાનીથી આત્મસાત્ કરે છે, હા, જૈન દર્શન દેહની સર્વથી ઉપેક્ષા કરવાનું નથી જણાવતું. એવો નિર્દેશ આ જ અધિકારમાંથી આગળ મળશે. તેમ જૈન દર્શન દેહની આળપંપાળ કરવાનું પણ નથી જણાવતું. આ આળપંપાળથી દૂર થવાય અને તપ-ત્યાગાદિમાં સામેલ થવાય એ છે પ્રથમ હેતુ (૧) બીજો હેતુ છે દેહ અને આત્માના ભેદજ્ઞાાની પ્રવૃત્તિનાં સ્તરે અનુભૂતિ. સામાન્યપણે લગભગ દરેક વ્યક્તિ દેહ અને આત્મા વચ્ચે અભેદ અનુભૂતિ કરતી હોય છે. લેખના પ્રારંભે આપણે જે 'મને બહુ પીડા થાય છે' વાક્ય પ્રયોગ ટાક્યો એ અભેદ અનુભૂતિનો જ દ્યોતક હતો. હવે ધારો કે કોઈ તત્વજ્ઞાાન સમજદાર વ્યક્તિ દેહ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાાન ધરાવે પણ ખરી. પરંતુ પ્રવૃત્તિનાં સ્તરે દેહ અને આત્માનું ભેદજ્ઞાાન અર્થાત્ દેહ અને આત્મા અલગ હોવાની પ્રીતિતિ બરકરાર રાખી શકે એ ખૂબ કઠિન છે.

પ્રવૃત્તિમાં સ્તરે દેહ અને આત્મા અલગ હોવાની પ્રતીતિ એટલે ? અસહૃા બની રહે એવા ભયાનક કષ્ટો-વેદનાઓ વચ્ચે દેહ જ્યારે પીડા અનુભવતો હોય ત્યારે ય આત્માનાં સ્તરે કોઈ વ્યગ્રતાની - હાયવોયની નહિ,બલ્કે સમતાની અનુભૂતિ હોય. આને કહેવાય પ્રવૃત્તિનાં સ્તરે દેહ અને આત્મા વચ્ચેનાં ભેદજ્ઞાાનની પ્રતીતિ. વિરલ સાધકો-આરાધકો જ આ સ્તર આત્મસાત્ કરી શકે. જૈન શાસનના પૂર્વકાલીન ઈતિહાસના ગજસુકુમાલમુનિ -મેતાર્યમુનિ-ખંધકમુનિ વગેરે અનેક મહાન આત્માઓએ આ સ્તર આત્મસાત્ કર્યું હતું, તો આજે પણ કોઈ કોઈ વિરલ આત્માઓ એવા હોય છે કે જેમણે આ સ્તર સર કર્યું હોય. કરવી છે આની ઝાંખી ? તો વાંચો આ સત્ય ઘટના આવતા અંકમાં.. (ક્રમશઃ)

જીવનભર સુંદર આરાધનાઓ-પ્રવચનશ્રવણાદિ કરવા દ્વારા દેહાત્માભેદજ્ઞાાન આત્મસાત્ કરનાર બહેનને અંતિમ વર્ષોમાં અશાતાવેદનીયકર્મના ઉદયે ગળાનું કેન્સર થયું. જેમ જેમ એ કેન્સર વધતું ગયું તેમ તેમ ખાવાનું-પીવાનું બંધ થતું ગયું., વેદનાની તીવ્રતા વધતી ગઈ અને છેલ્લે છેલ્લે તો સ્થિતિ એ હદે વકરી ગઈ કે ગળા પાસેથી રીતસર કીડાઓ ખરે ! જોનારા ય ભયથી આંખ મીંચી દે એવી ખતરનાક પરિસ્થિતિ હતી. હવે આયુષ્ય ગમે તે ક્ષણે પૂર્ણ થવાની સંભાવના હોવાથી સ્વજનો ગુરુભગવંતને માંગલિક સંભળાવવા-વોસિરાવવા લઈ આવ્યા. ગળામાંથી ખરતા ઢગલાબંધ કીડાઓ જોઈને તેઓ પણ હચમચી ગયા. પણ કમાલ ! જરાય બોલી ન શક્તાં એ બહેનેસ્લેટ પર લખીને ગુરુભગવંતને જણાવ્યું કે, 'હાલમાં મારી સામે દીવાલ પર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિશાલ તસવીર છે, હું પૂર્ણ સમતાથી વેદના સહન કરું છું. આશીર્વાદ આપો કે મૃત્યુની ક્ષણે પણ મારું મન શંખેશ્વરપ્રભુમાં જ લીન રહે !' આવા શબ્દો લખવાનું સત્વ ત્યારે જ આવે કે જ્યારે દેહાત્મભેદજ્ઞાાન પ્રવૃત્તિનાં સ્તરે આત્મસાત્ થયું હોય.

ઉપરોક્ત બંને હેતુઓ સિદ્ધ કરવા કાજે ગ્રંન્થકાર જે સબળ-પ્રબળ પ્રસ્તુતિઓ કરે છે એમાંની પ્રથમ ઝલક આ અધિકારના પ્રથમ શ્લોકનાં માધ્યમે નિહાળીએ. તેઓ લખે છે કે:-

પુષ્ણાસિ યં દેહમધાન્યચિન્તયન્, 

કર્માણિ કુર્વન્નિતિ ચિન્તયાયતિ,

જગત્યયં વંચયતે હિ ધૂર્તરાટ્.

આ શ્લોક દ્વારા ગ્રન્થકાર ત્રણ હૈયાંસોસરવી ઉતરી જાય  તેવી રજૂઆત કરે છે. પહેલી વાત તેઓ પ્રશ્નરૂપે કરે છે કે 'જે શરીરના લાલન-પાલન-પોષણ-રક્ષણ માટે તું પાપોનો-દોષોનો ય વિચાર કરતો નથી એ શરીર આત્મકલ્યાણનાં સંદર્ભમાં તારા પર ક્યો વિશેષ ઉપકાર કરે છે ? એનું ચિંતન કર.' એવું ઘણીવાર બને છે કે પોતાના શરીરની સુવિધા સાચવવા ખાતર વ્યક્તિ સ્વાર્થી-એકલપેટી બની જાય છે, તો અન્યોનં  આંચકી લેવા ય તત્પર થઈ જાય છે; એ શરીરના શોખ પોષવા માટે અભિક્ષ્ય ચીજોનાં ભક્ષણ-માંસાહાર અને દારુનાં સેવન સુદ્ધા કરવા તૈયાર થઈ જાય છે, તો કાતિલ રોગોનાં આક્રમણ સમયે હિંસાજન્ય દવાઓ-ઉપચારો પણ કરાવવા વ્યક્તિ વગર વિચાર્યે તૈયાર થઈ જાય છે. ગ્રન્થકાર કહે છે કે શરીર ખાતર આવાં બધાં અકૃત્યો કરતી વેળાએ તું ખાસ એ વિચાર કર કે આ શરીર તને ધર્મ-લાભરૂપે કોઈ વળતર આપે છે કે નહિ ?

બીજી રજૂઆત ગ્રન્થકાર એ કરે છે કે 'આ શરીર તો ધૂર્તરાજ છે.' મોટો ધૂર્ત-કપટીશિરો મણિ તે કહેવાય કે જે રોજ રોજ નવી નવી માંગણી કરતો રહે, પોતાની તરફેણમાં કામો કરાવતો રહે અને છતાં આપણને કોઈ લાભ ન કરે. શરીર આવું હોવાથી એ ધૂર્તરાજ છે. રોજ રોજ એ ખાન-પાનની રહેણી-કરણીની સારવારની ભાતભાતની સુવિધાઓ માંગશે, ગમે તે રીતે એ માંગણીઓ પૂર્ણ કરાવશે અને છતાં આત્મકલ્યાણ માટેની સાધના-આરાધનાની વાત આવશે ત્યારે એ જાતજાતનાં બહાનાં-નિમિતો ઊભા કરી છટકી જશે... ત્રીજી મહત્વની રજૂઆત તેઓ એ કહે છે કે 'હે જીવ! તુ તારા ભાવિનો-આગામી જન્મની ગતિનો વિચાર કર. જ્યારે જ્યારે શરીર ખાતર પાપોનું - હિંસાનું સેવન કરવાનો પ્રસંગ આવે ત્યારેતું અંતઃકરણથી એ વિચારજે કે આનાથી મને દુર્ગતિ તો નહિ મળે ને ! તો ચોક્કસ તું દેહની મમતાથી ઉપર ઊઠીને અનિષ્ટ બાબતોથી બચી શકીશ ! આની પ્રીતિતિ કરવા માટે આપણે નિહાળીએ શાસન-સમ્રાટ આ. વિજયનિમિસૂરીશ્વરજી મહારાજની અંતિમ અવસ્થાનો એક પ્રેરક પ્રસંગ:

વર્તમાન જીવનશૈલીના સંદર્ભમાં આપણને આશ્ચર્ય થાય કે તેઓએ જીવનભર ક્યારેય ઈંજેકશન લીધું ન હતું. માન્યતા એમની એ હતી કે તબીબી શાખાની આ દવાઓ - ઈંજેકશનો વગેેરે હિંસક સંશોધનો-હિંસક સાધનોથી તૈયાર થતાં હોઈ એ લેવા જ નહિ. આયુષ્યના છેલ્લા દિવસોમાં ડોક્ટરે એક ઈંજેકશન લેવાનો પ્રસ્તાવ કર્યો કે તો આચાર્યશ્રીએ ઈન્કાર કર્યો કે 'શરીર ખાતર માટે હિંસક દવાનું ઈંજેકશનનું સેવન કરવું નથી. દોષ સેવીને શરીરને શા માટે સાચવવું ? ' અને... એમણે ઈંજેકશન ન લીધું. આજીવન ઈંજેકશન આ કારણે નહિ લેવાની વાત આજના યુગમાં અવશ્ય અજાયબી જ લાગે. એ પાપ-ભીરુતામાંથી પ્રગટેલ દેવમમત્વત્યાગનું પરિણામ હતું.

છેલ્લે એક વાત: દેહને રાગદૃષ્ટિથી જોશો તો એ સંસારનું કારણ બનશે... દેહને વૈરાગ્ય-દૃષ્ટિથી જોશો તો તે મુક્તિનું કારણ બનશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PG3k6Z
Previous
Next Post »