- બુધ્ધ બોલ્યા, ''વત્સ! આજ રીતે મેં તું નિરંતર સત્સંગ કરતો રહીશ અને તેનાથી મળેલા જ્ઞાાનને જીવનમાં ઉતારવાનો નિરંતર નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ તો એક દિવસ અવશ્ય તેમાં સફળતા મળશે.
મ હાત્મા ગૌતમ બુધ્ધ ઘણીવાર પોતાના શિષ્યો, અનુયાયીઓ તથા સામાન્ય લોકોને ઉપદેશ આપતા હતા. તેઓ લોકોને સાચા માર્ગે ચાલવાની શિખામણ આપતા હતા. સુખ તથા શાંતિથી ભરપૂર જીવન કેવી રીતે જીવવું એ પણ તેઓ સમજાવતા હતા. તેમના એ ઉપદેશની લોકોના જીવન પર ઊંડી અસર થતી. તેમણે બતાવેલા માર્ગે ચાલનારા લોકોનું કલ્યાણ પણ થતું હતું. તેમને જીવનમાં સુખ, સંતોષ તથા શાંતિ પ્રાપ્ત થતાં હતા. તેમનો ઉપદેશ બધાને ગમતો હતો, આથી ઘણા લોકો તેમના સત્સંગમાં આવતા હતા અને ખૂબ ધ્યાનથી તેમની વાત સાંભળતા.
એક દિવસ ફરતા ફરતા તેઓ એક ગામમાં ગયા. અને ત્યાં સવાર સાંજ સત્સંગ કરવા લાગ્યા. ત્યાં પણ ઘણા લોકો આવતા હતા. એક યુવક પણ દરરોજ ભગવાન બુધ્ધનું પ્રવચન સાંભળવા માટે આવતો. એ ગામમાં ભગવાન બુધ્ધના પ્રવચનનો છેલ્લો દિવસ હતો. તેઓ ત્યાંથી બીજે ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા. એ વખતે પેલા યુવકે તેમની પાસે જઈને પૂછયું કે 'મહારાજ! શું આપના સત્સંગમાં આવનારા બધા લોકોનું કલ્યાણ થાય છે?'
ભગવાન બુધ્ધે કહ્યું કે ''કેટલાકનું કલ્યાણ થાય છે અને કેટલાકનું નથી થતું.'' એવું સાંભળીને તેણે પ્રશ્ન કર્યો કે ''મહારાજ! તમારો ઉપદેશ સાંભળવા છતાં બધા લોકોનું કલ્યાણ કેમ નથી થતું? બધા લોકોને સુખશાંતિ કેમ નથી મળતી? મેં પણ ઘણીવાર આપનો ઉપદેશ સાંભળ્યો છે, એમ છતાં મને જીવનમાં સુખશાંતિ કેમ નથી મળતા? અત્યાર સુધી મારું કલ્યાણ કેમ નથી થયું?''
તેણે પૂછેલા પ્રશ્નોના જવાબમાં ભગવાન બુદ્ધે તેને એક સવાલ પૂછયો કે ''જો કોઈ માણસ તને રાજમહેલ જવાનો રસ્તો પૂછે અને તે રસ્તો બતાવ્યાં છતાં પણ જો તે રાજમહેલ ન પહોંચી શકે તો તું શું કરીશ?'' ત્યારે તે યુવકે કહ્યું કે ''પ્રભુ! મારું કામ તો માત્ર રસ્તો બતાવવાનું છે. જો તે રસ્તો ભૂલી જાય તો એમાં હું શું કરું? ભગવાન બુદ્ધે કહ્યું કે, ''બેટા! મારું કામ પણ લોકોને રસ્તો બતાવવાનું છે. એના પર ચાલવાનું કામ તો લોકોએ પોતે જ કરવું પડે. હું યોગ્ય-અયોગ્ય તથા સાચા-ખોટાનો ભેદ બતાવી શકું છું, પરંતુ યોગ્ય કાર્ય કરવાની જવાબદારી તો લોકોની છે.''
ભગવાન બુધ્ધે જવાબ આપ્યો કે, 'મેં જે સૂત્રો બતાવ્યા છે તેમને જીવનમાં ઉતારવા કે નહિ તેનો નિર્ણય તો લોકોએ પોતે જ કરવો પડે છે. જો સત્સંગમાં જણાવેલી વાતોને જીવનમાં ઉતારવામાં ન આવે તો પછી તેમનાથી કઈ રીતે લાભ થાય? જે લોકો સત્સંગમાં જણાવેલી વાતોને પોતાના જીવનમાં અપનાવે છે એ સૂત્રોનું પાલન કરે છે. તેમનું કલ્યાણ અવશ્ય થાય છે. તેમને જીવનમાં સુખ શાંતિ મળે છે, પરંતુ જે લોકો એ સૂત્રોને જીવનમાં ઉતારતા નથી તેઓ હંમેશા દુઃખી રહે છે.'
આવું સાંભળીને પેલા યુવકે કહ્યું, ''ભગવાન, આપના ઉપદેશનું હું મારા ગૃહસ્થ જીવનમાં પાલન કરવાનો પ્રયાસ તો કરું છું પરંતુ હું આપના સત્સંગમાં સાંભળેલા ઉપદેશ પ્રમાણે આચરણ કરી શકતો નથી. એ માટે પ્રયાસ તો કરું છું, પરંતુ એમાં સફળતા મળતી નથી. તેથી આપ જ બતાવો કે હું શું કરું?''
ભગવાન બુદ્ધે સહજ હસીને કહ્યું, ''વત્સ, જો પ્રયાસ સાચો હોય તો અને સાચી દિશામાં હોય તો અવશ્ય સફળતા મળે છે. અધુરા મનથી કરવામાં આવેલો પ્રયાસ નિષ્ફળ જાય છે. ભગવાન બુધ્ધે તે યુવકને વાંસની એક ટોપલી આપીને નદીમાંથી પાણી ભરી લાવવા કહ્યું. યુવકે નદીએ જઈને તે ટોપલીને પાણીમાં ડુબાડી, પરંતુ પાણીમાંથી બહાર કાઢતા જ બધું પાણી બહાર નીકળી જતું. ભગવાન બુધ્ધે કહ્યું કે, ''ભલે તેમાં પાણી ન રહેતું હોય, તેમ છતાં તું તારો પ્રયાસ ચાલુ રાખ. તે યુવકે એ પ્રમાણે કર્યું. તે દરરોજ ટોપલીમાં પાણી ભરવાનો પ્રયાસ કરતો, પરંતુ દર વખતે તેને નિષ્ફળતા મળતી.
થોડા દિવસો પછી ભગવાન બુધ્ધે તેને પૂછયું કે, ''આટલા દિવસો સુધી ટોપલીમાં પાણી ભરતા રહેવાથી શું તેમાં કોઈ ફેરફાર થયો? ત્યારે યુવકે કહ્યું, ''હે પ્રુભ! એક ફરક તો અવશ્ય જોવા મળ્યો છે કે ટોપલી પહેલા કરતા વધારે સ્વચ્છ બની ગઈ છે. તેની ઉપર ધૂળ તથા ગંદકી ધોવાઈ ગઈ છે તથા એ ટોપલીમાં છિદ્રો અગાઉ કરતાં નાના થઈ ગયાં છે.''
ભગવાન બુધ્ધે તેને સમજાવ્યું કે, ''જો હજુ વધારે સમય સુધી તું એ ટોપલીને નિરંતર પાણીમાં ડૂબાડતો રહીશ તો તેની સળીઓ ફૂલી જવાના કારણે એના છીદ્રો બંધ થઈ જશે અને તું ટોપલીમાં પાણી ભરી શકીશ. યુવકે થોડા દિવસો સુધી એવો પ્રયત્ન ચાલુ રાખ્યો. એનાં લીધે વાંસની સળીઓ ફુલી જવાના કારણે છિદ્રો બંધ થઈ ગયાં અને તે ટોપલીમાં પાણી ભરી શક્યો.''
ભગવાન બુધ્ધ બોલ્યા, ''વત્સ! આજ રીતે મેં તું નિરંતર સત્સંગ કરતો રહીશ અને તેનાથી મળેલા જ્ઞાાનને જીવનમાં ઉતારવાનો નિરંતર નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ તો એક દિવસ અવશ્ય તેમાં સફળતા મળશે. નિરંતર પ્રયાસ કરતા રહેવાથી જીવનરૂપી ટોપલીનાં છિદ્રો એટલે કે દોષો ધીમે ધીમે ઓછા થતા જશે અને પછી તેમાં પવિત્રતા તથા શાંતિરૂપી જળ ભરી શકાશે. જીવનને પવિત્ર તથા ઉન્નત બનાવનારનું હંમેશા કલ્યાણ જ થાય છે. શ્રેષ્ઠ સૂત્રોને જીવનમાં ઉતારનાર સુખી બને છે. નિરંતર સત્સંગ કરતા રહેવાથી માણસનું મન નિર્મળ થતું જાય છે અને તેનામાં સદ્ગુણોની વૃધ્ધિ થતી જાય છે એના પરિણામે તે જીવનમાં સુખ તથા શાંતિનો અનુભવ કરી શકે છે.''
- હરસુખલાલ સી. વ્યાસ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wiqbq8
ConversionConversion EmoticonEmoticon