સદ્ધર્મ પ્રવર્તક શ્રી સ્વામિનારાયણ ભગવાન


- (ચૈત્ર સુદ - નોમ - શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૦મી જયંતી)

ઉ ત્તમ આચાર માટે માત્ર ઉમદા વિચાર આપ્યા કરવા એ માત્ર યુગપુરુષનું લક્ષણ નથી તે વિચારોનું મનોભૂમિમાં વાવેતર કરી ઉત્તમ ચારિત્ર્યનો પાક જે વધુ લણી શકે તે ખરા અર્થમાં યુગપુરુષ કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આવા યુગપુુરુષ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેકના જીવન ઘડયા છે તો સાથે સાથે મંદિરો, શાસ્ત્રો અને સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે અને ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્તમ પ્રદાન આપેલું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ  ગુજરાતના ગામડે-ગામડે ઘૂમીને તેની ધૂળમાં આયખું ઘસીને સૌને ચારિત્રશીલ બનાવવાની જાણે નેમ ના લીધી હોય તેમ દિવો ત્યાં દાત્તણ નહી એ ન્યાયે ઘરોઘર ઘૂમીની સૌને સત્સંગના પીયુષ પાયા છે અને દારુ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વ્યસનો ન રાખવા, આદિ અનેક અનિષ્ટોથી દૂર રહેવું તે જ હિતાવહ છે. તેમ સમજાવતા અને સત્સંગમાં સૌને જોડતા.

વડતાલના જોબનપગી અને ઉપલેટાના વેરાભાઈ જેવા ખૂંનખાર  લૂંટારા પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવતા, હાથમાં બંદૂકના બદલે માળા ફેરવતા થઈ ગયા હતા. જેતલપુરની ગણિકાએ પોતાનો ધંધો મૂકી દીધો અને યજ્ઞામાં ઘઉં દળવાની સેવા કરીને પ્રાયશ્ચિત કરીને પોતાનું આયખું સુધારી લીધું.

ગુજરાતના કેટલાય ગામડાંઓની પ્રજાના પૈસા વ્યસનોની પાછળ ખર્ચાતા હતા. તે સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાતા તેમના પૈસા બચ્યાં અને સમાજ સદ્ધર બન્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોમાં જુદા-જુદા મંડળ બાંધી દરેકને જુદી-જુદી દિશામાં ગામે-ગામ ઉપદેશાર્થે મોકલ્યા. આ સંતો ભિક્ષાવૃત્તિથી ભોજન કરતા અને ભજન-કીર્તન કરાવી ઉપદેશ આપતા.

શ્રીજી મહારાજે તત્કાલીન સમાજની અનેક કુપ્રથાઓ નિવારવાનો ઉપદેશ કર્યો. હિંસામય યજ્ઞાો બંધ કરાવ્યા, બાળ હત્યા અટકાવી, સતિ થવાનો રિવાજ બંધ કરાવ્યો. લગ્નમાં ગવાતાં બિભત્સ ફટાણાના ગીતો બંધ કરાવ્યો અને મંત્ર-જંત્રની અંધશ્રદ્ધા અને વહેમોનું ખંડન કર્યું. સત્સંગ દ્વારા સંસ્કારનું સિંચન કરી અનુયાયીઓનું જીવન ભક્તિથી રસતરબોળ બનાવ્યું.

સૂર્યની ફરતે સૂરજમાળ અને ચન્દ્રને ફરતી જેમ નક્ષત્રમાળા શોભે છે તેમ સહજાનંદસ્વામીને ફરતી બ્રહ્મચર્ય ને વૈરાગ્યની સાક્ષાત્ મૂર્તિઓ સમી સંતમાળ શોભતી હતી. સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામી જે ધારે તે કરવાને સમર્થ હતા. સદ્.શ્રી મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળીને પર્વત પણ પીગળી જાય તેવી તેમનામાં વાચાળ શક્તિ હતી. દુનિયાભરના પંડિતો પણ સદ્.શ્રી નિત્યાનંદસ્વામી સાથે શાસ્ત્રાર્થ ચર્ચા ન કરવામાં જ પોતાની ભલાઈ માનતા. સદ્. શ્રી બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શ માત્રથી માણસ તો શું? ઘોડી જેવા પશુની પણ કામમુક્તા નષ્ટ થઈ જતી. સદ્.શ્રી પ્રેમાનંદસ્વામી અને સદ્.નિષ્કુળાનંદ સ્વામી જે બોલતા તે કાવ્ય બનતું અને લખતા તે શાસ્ત્ર બની જતું. આવા તો અનેકાનેક સહજાનંદ સ્વામી પાસે સંતો હતા. આજેય તેમના જીવનકવન વાંચવા હોય કે, પ્રમાણ જોઈતા હોય તેમના માટે અનેકાનેક ગ્રંથો ઉઘાડા પડયા છે. તેમાંથી તે વાંચી શકે છે. પ્રમાણ મેળવી શકે છે. મહિમા સમજી શકે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો પાસે વિપુલતાની દ્રષ્ટિએ મૂલવીએ તો વર્ષાની ઝડી વરસે તેમ ગ્રંથો રચાવ્યા છે. શ્રી આધારાનંદસ્વામીએ ૧,૦૦,૦૦૦ કંડીકાઓનો શ્રી હરિચરિત્રામૃતાસાગર ગ્રંથ હિન્દી પદ્યમાં રચ્યો છે. શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી શુકાનંદસ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદસ્વામી આદિ સંતોએ ૨૨ જેટલા સંસ્કૃત ગ્રંથો અને ૯૦ જેટલા પ્રાકૃત ગ્રંથો રચ્યા છે. સંગીતજ્ઞા સંતોએ ૩૫૦૦૦થી વધુ કીર્તનો રચ્યાં છે. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર માત્ર ૪૯ વર્ષ જ રહ્યાં છે. પરંતુ તેમણે જે કાર્યો કર્યા છે તે સામે નજર નાંખીએ, તો ભલભલા વિદ્વાનો-કવિઓ-બુધ્ધિશાળી માણસોના મુખમાંથી શબ્દો સરી પડે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત અકલ્પનીય સામર્થ્ય વાપર્યું છે.

આવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામને વિશે પિતા ધર્મદેવ અને માતા ભક્તિ દેવીને કુખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ-૯ સોમવારને રાત્રિની દસ કલાકે થયું હતું. બાળપણમાં ઘનશ્યામ, વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણિ અને દીક્ષા બાદ સહજાનંદસ્વામી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી તેઓને સૌ ઓળખે છે.

આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન ચારિત્ર્યશીલ સમાજનું સર્જન કરીને સદ્ધધર્મનું પ્રવર્તન કર્યું છે અને જનસમાજ ઉપર મહાઉપકાર કર્યો છે અને હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી છે.

આ ચૈત્ર સુદ-નોમના રોજ તેમની ૨૪૦મી પ્રાગટય જયંતી આવે છે. તેથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક દેશ અને વિદેશના મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન, આરતી અને સત્શાસ્ત્રોની પારાયણો કરીને તેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્વારા મહંત સદ્ગુરુ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ૨૧થી ૨૨ એપ્રિલ સુધી કોરોના વાયરસના કારણે ઓનલાઈન જ મહોત્સવ ઉજવાશે. જેનું સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર પ્રસારણ કરવામાં આવશે.

 - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dl5J0p
Previous
Next Post »