
- તમે આ લેખ જેમ વાંચતા જશો તેમ તમને થશે કે આવું પણ બની શકે!
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
એ ક નાનકડો છોકરો. નામ એનું ગુણશી. ગુણશી નામના એ બાળકને ખૂબ સારા સારા વિચાર આવે. ધર્મ કરવાનું મન થાય. યાત્રા કરવાની ભાવના જાગે.
ગુણશી નાનો હતો ત્યારથી અનેક રોગોથી ઘેરાયેલો હતો. શરીર સાવ ખખડી ગયું હતું. તે નાનો હતો ત્યારે માતા મૃત્યુ પામી હતી. શરીર સાવ હાડપિંજર જેવું હતું, પણ મન ઉત્તમ ભાવનાઓમાં ભંડાર સમું હતું.
ગુણશી કચ્છના વાગડ પ્રદેશના આધોઈ ગામમાં રહેતો હતો. તે સમયે ગામમાં દીપવિજયજી નામના મુનિવર વારંવાર પધારે. ગુણશી તેમની પાસે જાય. ધાર્મિક અભ્યાસ કરે. ગુણશીના પિતાએ જોયું કે, આ બાળક ધર્મમાં શ્રધ્ધા રાખે છે. તેમને ગુણશીને ભણવા માટે મહેસાણા પાઠશાળામાં મોકલ્યો.
મહેસાણાની પાઠશાળા એટલે વિદ્વાનોની ખાણ. પૂજ્ય રવિસાગરજી મહારાજે આજથી પોણા બસો વર્ષપૂર્વે જૈન સંઘને આપેલી એ મહાન ભેટ છે. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ભણીને અનેક પંડિતો દેશવિદેશમાં પહોંચ્યા અને ઠેરઠેર ધાર્મિક પાઠશાળાઓ જાગતી કરી.
ગુણશી મહેસાણા પાઠશાળામાં થોડોક સમય રહ્યો, પણ પેલી કર્મની કઠણાઈ પીછો છોડતી નહોતી. અહીં ગુણશીની તબિયત વધારે બગડી. તેને અધોઈ પાછો લાવવામાં આવ્યો. કોઈ દવા કારગત ન થઈ. ડોકટરે કહ્યું કે, ગુણશીને ટીબી થયો છે. તે જમાનામાં ટીબી એટલે મહારોગ.
ઘરમાં સૌ હતાશ થઈ ગયા.
ગુણશીની એવી હાલત હતી કે, ઘરમાં ફરવાનું તો ઠીક પથારીમાં બેઠો પણ થઈ શકે એમ નહોતો. કિંતુ એ સમયે પણ તેના હૃદયમાં શુભ ભાવનાનું પ્રકાશ વેરતું કિરણ હટતું નહોતું. તેને થતું હતું કે, મારે પાલિતાણા જવું છે. મારે ગિરીરાજ ચડવો છે.
કેટલાક યાત્રિકો આધોઈથી પાલિતાણા જતા હતા. ગુણશી તેમાં જોડાયો. કચ્છનું રણ પાર કરી હળવદ પહોંચ્યા. ત્યાંથી રેલ માર્ગે પાલિતાણા પહોંચ્યા. ગુણશી ખખડી ગયેલા શરીરથી થાકી ગયો હતો. ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં દર્શન કરીને તે રડી પડયો. પહાડ ચડવાની કોઈ શક્તિ નહોતી. કોઈએ કહ્યું કે, આ બાળક હવે લાંબું નહીં જીવે.
ગુણશી પોતાના વતન તરફ પાછો વળ્યો. મનમાં થતું હતું કે જો હવે લાંબુ જીવન જીવવાનું નથી તો વતન પહોંચીને પણ શું કામ છે? આજ નહીં તો કાલ આ દેહ ઢળી પડવાનો હોય તો વતનમાં મરવાને બદલે પાલિતાણામાં જ દેહ ઢળે તો શું ખોટું? કમસે કમ ધર્મભૂમિમાં જીવનની છેલ્લી પળે સારા વિચાર તો આવશે.
ગુણશીએ રેલ પ્રવાસ માટે ખરીદેલી ટિકીટ કોઈને આપી અને પાલિતાણા પાછો વળ્યો.
શ્વાસની ધમણ એટલી જોરથી ચાલતી હતી કે તેનો અવાજ ક્યાંય સુધી સંભળાય.
ગુણશી માંડ માંડ ચાલતાં ચાલતાં ખુશાલ ભવન પહોંચ્યો. ઉપાશ્રયમાં એક મુનિવર બેઠાં હતાં.
ગુણશી કહે, મહારાજ, મારા જીવનનો છેલ્લો સમય છે, મને દીક્ષા આપો.
મુનિ મહારાજે ના પાડી એ ગભરાઈ ગયા હતા. જીવતી લાશ જેવો આ છોકરો જો હમણાં મૃત્યુ પામે તો શું થાય એ કલ્પનાથી મુનિ મહારાજે તેને કાઢી મૂક્યો.
શ્રાવકોએ ગુણશીને કહ્યું કે, રાતના અહીં રોકાતો નહીં, તને કંઈક થઈ જશે તો અમને મુશ્કેલી થશે.
ગુણશીનાં દુઃખનો પાર નહોતો.
ગુણશી બીજી ધર્મશાળામાં પહોંચ્યો. ધર્મશાળામાં રહેલા ઉપાશ્રયના એક ખૂણામાં પંન્યાસ મંગળવિજયજી બેસેલાં. ગુણશી બીજું કંઈ કહ્યા વગર તેમની પાસે સંથારો લઈને સૂઈ ગયો.
ગુણશીને સવારમાં પહોરમાં ઉઠતાવેંત પહેલો વિચાર આવ્યો કે, તળેટી જઈને ભગવાનના દર્શન કરી આવું.
ગુણશી તળેટીમાં પહોંચ્યો. પ્રભુનાં દર્શન કર્યા. મનમાં ભાવનાનાં તરંગો ઉછળતાં હતા. તેને થયું કે, જે થવું હોય તે થાય, આજે પહાડ ચડવાની શરૂઆત કરવી છે. કોઈએ કહ્યું, અરે તું શું કરે છે રસ્તામાં મરી જઈશ.
ગુણશીએ કોઈનું ન સાંભળ્યું. આજે એના પર પ્રભુની કૃપાનો વરસાદ વરસતો હતો. પહાડ ચડી રહેલા હજારો યાત્રિકો આશ્ચર્ય પામતા હતા. ગુણશી પહાડ ચડીને પ્રભુના દરબારમાં પહોંચ્યો.
ભગવાનનાં દર્શન કર્યાં. તેની આંખોમાંથી અનારાધાર આંસુ વહેતાં હતાં. ગુણશીને થતું હતું કે, પ્રભુ જ મને અહીં ખેંચી લાવ્યા છે. ધરતી પર તો મારું કોણ છે? હવે તો પ્રભુનું શરણ એ જ જીવનનું અંતિમ ધ્યેય બનવું જોઈએ. હવે હું વધુમાં વધુ પ્રભુના શરણમાં રહીશ. ખૂબ તપ કરીશ. ખૂબ યાત્રા કરીશ. દેહ પડે તો ભલે પડે. હવે આત્મકલ્યાણનાં પંથને હું કયારેય નહીં છોડું.
એમ કહેવાય છે કે, ગુણશીએ જે દિવસે શરીરને એ કઠિન હાલમાં પણ પહેલી યાત્રા કરી ત્યારે પાછા વળવાને બદલે એ ઘેટીની પાઘ તરફ ચાલ્યા.
ગુણશીને થયું કે હવે આહાર અને પાણી કંઈ ન જોઈએ. હવે માત્ર બે દિવસનાં ઉપવાસ કરવા છે અને આ બે દિવસમાં મારે સાત યાત્રા કરવી છે.
ગિરિરાજનાં આદિશ્વર ભગવાનનાં દરબારમાં પહોંચેલા હજારો યાત્રિકો આ નાનકડા કિશોરને જોઈને અને તેની હિંમત જોઈને આશ્ચર્ય પોકારી ગયા. સૌ બોલ્યા, આ બાળક યાત્રા નથી કરતો, આવા શરીરે કોઈ યાત્રા કરી શકે પણ નહિ, આ ખરેખર પ્રભુની કૃપા જ તેની પાસે યાત્રા કરાવી રહી છે.
ગુણશીએ સાત યાત્રા કરી.
ગુણશી નીચે ઉતરીને સીધો પંન્યાસ મંગળવિજયજી પાસે પહોંચ્યો. પોતે સાત યાત્રા કરી છે. તેમ કહ્યું. મંગળવિજયજીએ તેને અનિમેષ નિહાળી રહ્યાં. ગુણશીએ કહ્યું કે, મહારાજ મને આજે જ દીક્ષા આપો અને ભવસાગર તારો.
શ્રી મંગળવિજયજીએ તેને દીક્ષા આપી, નામ પડયું ગુણવિજય. આ ગુણવિજય આગળ જતાં ગચ્છાધિપતિ અરિહંત સિધ્ધસુરીશ્વરજી બન્યા. જીવનમાં તેમને બસોને સાંઠ વાર શત્રુંંજ્ય ગિરિરાજની સાત યાત્રા કરી.
જૈન સંઘના હમણાં જ થયેલા પુણ્યશાળી આચાર્યોેમાંના એક આચાર્ય ભગવંતની આવી છે ધર્મપ્રેરક જીવનકથા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gchtE0
ConversionConversion EmoticonEmoticon