વાચકની કલમ .


કોને કહું એ વ્યથા

તારા અવાજથી પર્વત ઝુકતો

તારા આગમનથી લહર થંભતી

તારા નામ માત્રથી સુગંધ વહેતી

તારી આંખમાં તો વસંત વસતી

તારી હર વાતે તો વૃંદાવન સર્જાતું

તેજ તુ દૂર થઈ ગઈ છે હવે

તારુ વ્યક્તિત્વ તો સદાય અંતરે છે

જે સદા અત્તર થઈ ને બેઠુ છે

એ સુગંધે સમય પસાર કરુ છું

તારુ વ્યક્તિત્વ જ તો આ પેનથી ટપકે છે

હવે તારા નામનો ઉદ્યાન મેં બનાવ્યો છે

એમાં સુગંધ ફૂલની નથી તારા નામની છે

વસે છે વહે છે એમ દિવસો વિતે છે

ચાહકની મન:સ્થિતીની વિડંબના 

કોને કહું

કેમ જશે જિંદગી તારા વગર જ તો

ખળે છે કમી હરજગાએ તારા વગર જ તો

કેમ સહું કેમ જીવું કોને કહું એ વ્યથા

એ જતુ દૂર થઈ ગઈ છે હવે ને....

- મીત (સુરત)

ફાગણના રંગ

કૉયલ ટહુકી પ્રભાતે કુંજમાં,

વાયરો મંદ-મંદ વાય મીઠો.

કેસૂડાની કળીએ ફાગણના રંગ,

ઊંચેરા આભમાં મ્હેકતું સ્મિત.

ઝુલતી લટોએ નમણી નાર,

મધ-મધતા મોગરાની કળી.

દૂર ગિરી-કંદરાની ગોદમાં,

ઊરના લયમા શબ્દના સૂર.

સ્ફોરતી વનની નમણી કળી,

મ્હેક-મ્હેક થાય મારો મુલક.

મોસમ છલકી પનઘટ આજ,

મલકી સખીવૃન્દમાં હૈયાની વેલ.

- ચૌધરી નારસિંગ આર.

(માંડવી, સુરત)

તો તું આવ

ઝરણાની પેલે પાર પારદર્શિતા,

જો માપી શકે તો તું આવ,

ફૂલો નથી હવે મારી રાહમાં,

કંટકમાં ચાલી શકે તો તું આવ,

જીવ વગર જાણે મડદું થઈ ગયો,

રક્ત મારામાં રેડી શકે તો તું આવ,

મન સાવ તારા વિચારોથી વિસ્તૃત,

એને વ્યાપી શકે તો તું આવ,

હું ક્યાં કહું છું તું મારી પાસે જ રહે,

એકલતા જાણી શકે તો તું આવ,

આ જીલનાં પેટાળ સુધી પછાડાયો હું,

હાથ ઝાલી બચાવી શકે તો તું આવ,

નથી ગગન સુધી ઉઠવું મારે તો,

તારા હૃદયમાં સમાવી શકે તો તું આવ.

- રાકેશ એચ. વાઘેલા 'રાહી'

(વાંસકુઈ-સુરત)

વાયરો વાયો 

વાયરો વાયો

સંદેશો લાવ્યો

હે વાલમ મારા

તું ક્યાં છુપાયો..

નિસરી પનઘટ વાટે

બેસી નદીનાં કાંઠે

ત્યા જળમાં જોયો

પડછાયો તારો

મન થયુ વ્યાકુળ

ફરીને જોઉં પાછું

પણ તુ મને

ક્યાંય ન દેખાયો

સ્થિર નથી ચિત્ત

તારા પ્રેમની વેદના

તે આપ્યો તો કોલ

હું આવીશ મળવા

ભીની થઈ આંખો

ઝાંખા પડયાં સપના

ફરી નહીં આવું

તારા રંગ મહલમાં

- રામજી ગોવિંદ કુંટડિયા

(વિદ્યાવિહાર, મુંબઈ)

તમારી યાદમાં

વિરહની ક્ષણો વિતાવું તમારી યાદમાં,

વિયોગી દિલને મનાવું તમારી યાદમાં.

સૂની શેરી જેવા હતા દિલના ઓરડા,

ખૂલ્યા દિલના દ્વાર તમારી યાદમાં.

યાદના પોટલાં પડયાં છે 

દિલની પથારીમાં,

જાગી મિલનની આશ તમારી યાદમાં.

જીવન લાગી રહ્યું છે વેરાન વન,

ટહુક્યો મનનો મોર તમારી યાદમાં.

જીવનપથ પર શોધી રહ્યો છું સાથી,

દિલ કરે છે ફરિયાદ તમારી યાદમાં.

અષાઢી મેઘ તો રોક્યો રોકાય નહિ,

કોરા છે જીવતરના ઘાટ તમારી યાદમાં.

પ્રેમના પ્રવાહમાં વહી ગઈ છે જિંદગી,

મેં તો ખોબલે બાંધી પ્રીત તમારી યાદમાં.

- ભગુભાઈ ભીમડા

(હલદર- ભરૂચ)

આંગણું..

સુખનું સાથી દુ:ખમાં ભાગીદાર 

રહેતું આંગણું મારું,

સદા હસતું ફરિયાદ કોઈ દિવસ ન 

કરતુ આંગણું મારું.

શિયાળે ઠરતું ઉનાળે ધોમ ધખતાં 

તાપમાં એ તપતું,

ચોમાસે તરબોળ કાગળની 

નાવને તરાવતું આંગણું મારું.

સંધ્યા ટાણે ગમાણે ગાવડી 

આવતી દૂધ દોવાતું,

પાટીએ પાકતું શાક સોડમ 

ચોતરફ ફેલાવતું આંગણું મારું.

બહેનીની ઝાંઝરીયે ઘૂંઘરીનાં 

ધમકારે એ ઘમકતું,

વસી વિદાય ટાણે ઉદાસ થઈ

મનોમન રડતું આંગણું મારું.

નવોઢાના સ્વાગત સમયે ફુલોથી 

સજ્જ થઈને રહેતું,

કંકુપગલાં કરાવી છાપ એના હૈયે 

પડાવતું આંગણું મારું.

મારી 'મા'ની એકલતાનો સહારો 

એની સહિયર કહેવાતું,

ચાર ચોટલાં મળતાં ત્યારે વાતો 

ચૂપચાપ સાંભળતું આંગણું મારું.

- સચિન સોની

(સડોદર, જામનગર)

મનની મૂંઝવણ

શબ્દ તૂંટતા ગયાં હું લખતી ગઈ,

નૈનોમાં પાણી આવતા ગયા 

હું રડતી ગઈ.

તમે યાદ ન આવો એ વહેમ 

દિલને મનાવતી ગઈ, સપના

 સજાવતા પાંપણો પલકારતી ગઈ.

મનની મૂંઝવણ વધતી ગઈ ન સાંજ થઈ

ન રાત થઈ જાણે દિવસની કઈ 

ઘડી બદલતી ગઈ.

ન તમે સાથે રહ્યા ન તમારી પરછાઈ 

રહી, એકલી રસ્તે હું ચાલતી ગઈ.

- દિના મેવાડા

(મુંબઈ)

સાનિધ્ય

તારી યાદોના આંસુઓનો 

કેવો કમાલ છે!

ભીના ઓશિકાનું સાનિધ્ય ને 

સૂકો રૂમાલ છે.

તનેય યાદ આવતી હશેને 

મારી આમ જ?

બસ હૃદયને એક જ થતો 

રહેતો સવાલ છે.

પાછા ન ફરવાનો નિર્ણય લીધો, 

લીધે છે નેમ,

પણ જોને આ હૃદયના હાલ બેહાલ છે.

 વીતે હરપળ ખુદ પર 

એટલી બધી હરક્ષણ,

દુ:ખદ વીતી ગઈ તે અને

 આવતીકાલ છે.

પરોવું છું જાતને 

કામોમાં અથાગ પ્રયત્નોથી,

ભીતર જલતી સાનિધ્યના 

સ્મરણની જવાલ છે.

કાયા અકબંધ નખશીખ 

સ્વસ્થ દીસતી છોને,

અંદરથી તૂટી ચૂકી સંવેદના 

સાવ નિઢાલ છે.

પ્રેમનું સાનિધ્ય સખી 

ક્યાં જીવન આપનારું?

ક્ષણ-ક્ષણ મારીને શ્વાસે 

ચાલતો જીવનો જંજાલ છે.

-પટેલ પદ્માક્ષી 'પ્રાંજલ'

(વલસાડ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3semcYr
Previous
Next Post »