મોનિકા ડોગરા : હિન્દી ફિલ્મોમાં સ્થાન જમાવવામાં મુશ્કેલીનો સામનો


ફ રહાન અખ્તર અભિનીત 'રોક ઓન!' અને કિરણ રાવ દિગ્દર્શિત 'ધોબીઘાટ'ની અભિનેત્રી મોનિકા ડોગરાએ કારકિર્દીની શરૂઆતમાં આ સારી ફિલ્મો કરી અને એ પછી 'ફાયર ફાઈલ્સ', 'ડેવિડ', 'ધ સ્પેક્ટેકયૂલર જિહાદ ઓફ તાજ રહીમ', 'તેરા સુરુર' અને શોર્ટ ફિલ્મ 'રિલેપ્સ' ઉપરાંત નેટફિલક્સની સીરિઝ 'વોટ આર ધ ઓડ્સ' ચમકી છે. જો કે મોનિકાને સૌથી મોટી મુશ્કેલી એ છે કે એનો ઉછેર અમેરિકામાં થયો છે અને માત્ર ૧૪ વર્ષથી જ મુંબઈમાં રહે છે અને શોબિઝમાં સ્થાન જમાવવાનો પ્રયાસ કરે છે. તેની મુસીબત એ છે કે તેની વાતચીતમાં અમેરિકન છાંટ છે. તે દેખાય છે ભારતીય, પણ તેની બોલચાલની ભાષાથી માંડીને બોડીલેંગ્વેજ સુધી બધુ અમેરિકન સ્ટાઈલનું છે. આ કારણે હિન્દી ફિલ્મોમાં સ્થાન જમાવવામાં તેને ઘણી તકલીફ પડી રહી છે. બોલીવૂડમાં આવ્યા પછી તો હિન્દી પણ શીખી, જેથી કેટલો ફરક પડશે, એ પણ જોવું રહ્યું ને?

આમ છતાં એ બોલીવૂડમાં ફિલ્મો મેળવવાના પ્રયાસ કરે છે. હાલમાં જ એ બાલાજીની 'ધ મેરિડ વુમન'માં જોવા મળી છે, જેમાં તેની સાથે અભિનેતા રિધી ડોગરા છે. આ સીરિઝમાં સેમ સેક્સનો સબ્જેક્ટ લેવામાં આવ્યો છે. ઘણાં લોકો સમાન સેક્સના વિષયને વર્જિત માને છે. આ અંગે તેનું કહેવું છે, મારામાં અમેરિકન લઢણ છે અને એને કારણે મેં ઘણી તક પણ ગુમાવી છે. આટલું જ નહીં, મારા ઘણાં રોલ પર કાતર પણ ફેરવવામાં આવી છે. અહીં મોનિકા ડોગરાએ તેની કારકિર્દી અને અન્ય વિષયો અંગેની વાતો કરી છે, જે જાણવામાં આનંદ મળશે.

બોલીવૂડમાં તેની જર્ની અંગે વાત કરતાં મોનિકા ડોગરા કહે છે, 'મને સ્ટોરી ટેલિંગમાં ખૂબ રસ પડે છે. આ ઉપરાંત નૃત્ય અને અભિનયમાં મને રસ પડે છે. હું યુવાન થઈ એ પછી મારા પિતા અલગ પડયા. હું ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને બાદમાં જીવનમાં જબરદસ્ત સંઘર્ષ ચાલતો હતો. જો કે આ પછી પરિસ્થિતિ થોડી થાળે પડી. અકસ્માતે, હું મુંબઈ આવી અને એક મ્યુઝિક બેન્ડ શરૂ કર્યું, જે ફેમસ બની ગયું આ પછી મને આમીર ખાન પ્રોડક્શનની 'ધોબીઘાટ' ફિલ્મ મળી, જો કે હું મારી લઢણને કારણે કાયમ મિસફિટ બની રહી. મારા ઘણાં રોલ્સ કાપી નાંખવામાં આવ્યા છે. હવે, મેં મારી હિન્દી સુધારવાનો પ્રયત્ન કર્યો છે.'

જો કે મને સર્વત્ર સારો આવકાર મળ્યો છે, પણ ઇન્ડસ્ટ્રીમાં વિદેશી રોલ્સ માટે વિદેશીઓ તો છે જ. યુવતીઓ ભારતીય નહોતી લાગતી. તેમનું બ્યુટી સ્ટાર્ન્ડડ બદલાવા લાગ્યું. હું ભારતીય દેખાવ છું, પણ મારી લઢણ તો ભિન્ન છે અને મને જે બની રહ્યું છે તેની જાણ છે અને એ કારણે મુખ્ય પ્રવાહમાં ન આવી શકી.

સેમ-સેક્સ લવ જેવા વિષયની સામાન્ય રીતે વાતો જાહેરમાં નથી થતી તો પછી એવો રોલ, ફિલ્મ કેવી રીતે સ્વીકારી?- એવા એક પ્રશ્નના ઉત્તરમાં મોનિકા ડોગરાએ જણાવ્યું, 'એકતા કપૂરે મને આ તક આપી એ માટે હું તેમની ઘણી આભારી છું. આજે જેમની પાસે પ્રતિભા છે, જાણ છે તેઓ 'ધ મેરિડ વુમન' જેવી ન્યૂ-એજની સ્ટોરીઓ કહે છે અને ચાન્સ લે છે. જેનર, સેક્સ્યુઆલિટી, ધર્મ અથવા રાજકારણ જેવા વિષયોની ચર્ચા કાયમ અસ્વસ્થા સર્જે છે. હું તો માનું છું કે આપણે બધાએ પ્રેમ સાથે એકબીજાના મતભેદોને સ્વીકારવાનું શરૂ કરવું જોઈએ.

પ્રેમથી બધા સમૃધ્ધ થશે. એલજીબીટીક્યૂ કોમે મને ઘણી પ્રેરણા આપી છે. હું તો આ કોમને મારી લાગતીવગતી માનું છું. કોઈ પણ તેમના સંઘર્ષને નકારી શકે નહીં. 'ધ મેરિડ વુમન' શો થકી મને તો તક મળી છે, મારું હૃદય ખોલવાની તક મળી છે. આ શો ઘણો સરસ રીતે બન્યો છે અને આ વિષયને ખૂબ સંવેદનશીલતાથી હાથ ધરાયો છે,' એમ મોનિકાએ જણાવ્યું હતું.

આ પાત્રને ન્યાય આપવા અંગે તેણે જણાવ્યું હતું કે આ વિષય પર તમે ચાદર ઢાંકી દો તેનાથી તો એ ઝેરી પાવડર બની જશે, એવું મારું માનવું છે. સેક્સ એ તો આપણા જીવનનો એક હિસ્સો છે તમે નિરાસા સર્જો છો, જેને કારણે જે ઊર્જા ઉત્પન્ન થાય છે, એ સલામત નથી. આથી, આશા રાખું કે 'ધ મેરિડ વુમન' જેવા શોથી આ વિષય પર ચર્ચા શરૂ થશે અને તે છેક ઘરે ઘરે પહોંચશે. આથી આપણે આપણાં બાળકોને યોગ્ય રીતે આ અંગે શિક્ષિત કરી શકીશું.

આ શો પછી નવું શું છે ? - એ અંગે મોનિકાએ જણાવ્યું હું એક ફિક્શન લખી રહી છું, જેમાં ડાર્ક કોમેડી છે, જેને સંભવતઃ હું જ ડિરેક્ટ કરીશ. ખાનગી કંપની તેનું નિર્માણ કરશે અને તે અંગ્રેજીમાં બનશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sp21XL
Previous
Next Post »