શશીકલાને સંગીત, નૃત્ય અને સંઘર્ષનો સદા સાથ રહ્યો..


- શશીકલાનું જીવન સમગ્રતયા સંઘર્ષમય વિત્યું છે, તેને સફળતા પણ મળી છે તો એ હાથતાળી આપીને છટકી ગઈ છે, પણ બાળપણથી અભિનયને પ્રેમ કરનારી આ અભિનેત્રીએ 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ઘણી અવિસ્મરણીય ભૂમિકા ભજવી છે

૧૯ ૪૫માં 'ઝીનત' નામની ફિલ્મમાં કામ કરી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવનારી સદ્ગત શશીકલાને એ ફિલ્મમાં કામ કરવા માટે રૂા.૨૫ મળ્યા અને એ પછી તેણે ૧૯૪૭માં 'જુગનુ' ફિલ્મમાં દિલીપકુમારની નાની બહેનની ભૂમિકા કરી. શશીકલાને ફિલ્મોમાં કામ અપાવવાનું કાર્ય ગાયિકા-અભિનેત્રી નૂરજહાંને જાય છે, તેમણે પહેલી ફિલ્મ માટે પણ તેમના પતિ સૈયદ શૌકત હુસેનને ભલામણ કરી અને 'જુગનુ' પણ તેમણે જ બનાવી. આ પછી તેઓ હિરોઈન તરીકે શશીકલાને લઈને ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા અને હિન્દુસ્તાનના ભાગલા પડયા અને પતિ સાથે નૂરજહાં પાકિસ્તાન ચાલ્યા ગયા અને ફિલ્મ આકાર નહીં પામી. જો કે ૧૯૫૩માં બનેલી ફિલ્મ 'ચાચા ચૌધરી'માં શશીકલા પર એક ગીત ફિલ્માવાયું હતું, જે હતું..

ચલી રાધા પિયા ઢૂંઢન કો

ન દેખત તોરી શ્યામ સુરતિયા

ન આવત મુરલી કી તાલ

તેરે દર્શ બિના મન મોહના

ડોલ રહે રાધા કે પ્રાણ.. 

ચલી રાધા..

ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણના આ ગીતને મદન મોહન કોહલીએ સંગીતબધ્ધ કર્યું છે અને આશા ભોસલેએ તેને સ્વર આપ્યો છે. 'ચાચા ચૌધરી' ફિલ્મમાં શશીકલા સાથે દુર્ગા ખોટે, કમલ મહેરા વગેરે છે અને તેના નિર્માતા-દિગ્દર્શક રાજા પરાંજપે હતા. આ ગીતમાં શ્યામને શોધતી રાધાના મનમાં ભાવ પડદા પર શશીકલા વ્યક્ત કરે છે અને વાંસળી વગાડતા શ્યામના આગમન સાથે રાધા અને તેની સાથી-ગોપીઓના નૃત્યનો લહેકો જ બદલાઈ જાય છે.

આ જ રીતે ૧૯૫૭માં રિલિઝ થયેલી દેવ આનંદ, કલ્પના કાર્તિક, શશીકલા, હેલન અને જીવન અભિનીત ફિલ્મ 'નૌ દો ગ્યારાહ'નું ગીત..

ક્યા હો ફિર જો દિલ રંગીલા હો

રેત ચમકે તો સમદર નીલા હો

ઔર આકાશ ગિલા ગિલા હો

ફિર તો મઝા મઝા હોગા

કોઈ ફિસલ રહા હોગા

કોઈ સંભલ રહા હોગા

આ ગીતના શબ્દો છે મજરુહ સુલતાનપુરીના, સંગીત એસ. ડી. બર્મન અને સ્વર આશા ભોસલે અને ગીતા બાલીનો છે. આ મધુર ગીત એ સમયકાળમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું અને તે શશીકલા અને હેલન પર ફિલ્માવાયું હતું.

જો કે ૧૯૬૪માં રિલિઝ થયેલી ફિલ્મ 'આપ કી પરછાઈયાં'માં શશીકલા ધર્મેન્દ્ર સાથે હીરોઈન તરીકે આવી હતી, જેમાં સુપ્રિયા ચૌધરી, ઓમપ્રકાશ પણ તેમની સાથે હતા. આ ફિલ્મના ગીતો ઘણાં લોકપ્રિય થયા હતા. ફિલ્મમાં સંગીત મદન મોહન, ગીતો રાજા મેહંદી અને અલી ખાનના હતા. ફિલ્મના દિગ્દર્શક મોહન કુમાર હતા. આ ફિલ્મના હીટ ગીતોમાં એક ગીત..

અગર મુઝે મોહબ્બત હૈ

મુઝે સબ અપને ગમ દે દો

ઈન આંખો કા હરેક આંસું

મુઝે મેરે કસમ દે દો..

* * *

યહી હૈ તમન્ના તેરે ઘર

કે સામને મેરી જાન જાયે

તેરે દર પર આયા તો

બસ આયા ગયા..

* * *

કભી ઇતલા કે ચલતી હો

કભી બલખા કે ચલતી હો..

'આપ કી પરછાઈયાં'ના આ ત્રણેય ગીત માણવા જેવા છે અને શશીકલા એક હીરોઈનને પણ ટક્કર મારે એવો અભિનય ધર્મેન્દ્ર સાથે કર્યો છે. ધર્મેન્દ્રએ પણ તેની આગવી સ્ટાઈલથી નૃત્ય કર્યું છે, જેમાંની કેટલીક સ્ટાઈલ તો આજેય યથાવત્ છે, જે ધર્મેન્દ્રના ફેન્સને ગમી જાય એવી છે. આ ઉપરાંત 'તીન બહુરાનિયાં' (૧૯૬૮) ફિલ્મનું રાજેન્દ્રનાથ સાથે ગાયેલું ગીત 'આ.. સપનો કી રાની..' પણ શશીકલાએ બેખૂબીથી પેશ કરી સુંદર નૃત્ય કર્યું છે.

આ ગીત પણ માણવા જેવું છે. શશીકલાને ૨૦૦૭માં પદ્મશ્રી એવોર્ડ ભારત સરકારે આપ્યો હતો, પણ છેક બાળપણથી શશીકલાને નૃત્યનો ખૂબ શોખ હતો, એ સ્ટેજ શો કરતી અને નૃત્ય પણ કરતી. તેનો જન્મ સારા પરિવારમાં થયો હતો, પણ બિઝનેશમાં ખોટ અને પારિવારિક કલહથી તેના પિતા નાણાંકીય રીતે સાવ ખતમ થતાં તેમણે મુંબઈની વાટ પકડી અને મુંબઈમાં શશીકલાએ ગરીબીને કારણે અન્યોના ઘરે વાસણો સાફ કર્યા, કપડાં ધોયા અને પોતાં પણ માર્યા છે. જો કે ૧૯૪૫માં 'ઝીનત' ફિલ્મ મળ્યા પછી દિવસો ફર્યા. તેણે કુન્દનલાલ સહેગલના સંબંધી ઓમપ્રકાશ સહેગલ સાથે લવમેરેજ કર્યા, બે છોકરી થઈ, પણ લગ્ન ન ટક્યા.

આ પછી શશીકલા એક શખસ સાથે વિદેશ ગઈ પણ ત્યાં પણ તેનું શોષણ થયું આથી ફરી ભારત આવી ગઈ અને એ પછી કલકત્તા જઈ મધર ટેરેસા સાથે નવ વર્ષ ગરીબોની સુશ્રુષા કરી. આ પછી ફરી મુંબઈ આવી અને ફિલ્મો તથા 'સોનપરી' જેવી સીરિયલોમાં કામ કર્યું. શશીકલાએ વી. શાંતારામ, ઋષિકેશ મુકરજીથી માંડીને અનેક ટોચના ફિલ્મસર્જકો સાથે કામ કર્યું છે. દિલીપકુમારથી માંડી સલમાન ખાન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે. હીરોઈનમાંથી વેમ્પ, સહઅભિનેત્રી, ચરિત્રઅભિનેત્રી જેવી અનેક ભૂમિકા તેના ૮૮ વર્ષના જીવનમાં ભજવી છે અને અંતે કોલાબામાં તેની દીકરીના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

શશીકલાનું જીવન સમગ્રતયા સંઘર્ષમય વિત્યું છે, તેને સફળતા પણ મળી છે તો એ હાથતાળી આપીને છટકી ગઈ છે, પણ બાળપણથી અભિનયને પ્રેમ કરનારી આ અભિનેત્રીએ ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ઘણી અવિસ્મરણીય ભૂમિકા ભજવી છે, સાથે અંતસુધી સંગીત અનેનૃત્યનો શોખ પણ જાળવી રાખ્યો હતો. આવું સંઘર્ષમય જીવન ધરાવતી અભિનેત્રીને તેના ફેન્સ વિસરી શકે એમ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3skw4Qs
Previous
Next Post »