- અનુજાને લાગે છે કે તે ભલે ફિલ્મી પરિવારમાંથી આવે છે. આમ છતાં તે બોલીવૂડમાં બહારની વ્યક્તિ જ છે. તે કહે છે કે મારો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો છે. તેથી આ ઇન્ડસ્ટ્રી મેં નાનપણથી નથી જોઇ
સાઇકોલોજીકલ થ્રિલર 'હેલ્લો મીમી'ની બીજી સીઝન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રજૂ થતાં જ અભિનેત્રી અનુજા જોશીની ખુશીનો પાર નથી રહ્યો. અલબત્ત, તેના આનંદ પાછળ તેનો લાંબો સંઘર્ષ બોલે છે. માંડ મળેલી સફળતા વધુ વહાલી લાગે તેમ અનુજાને આ શોની સફળતા પ્રિય લાગી રહી છે. વાસ્તવમાં અનુજા ફિલ્મી પરિવારમાંથી જ આવે છે. તેના પિતા માસ્ટર અલંકાર જાણીતા બાળકલાકાર હતાં. અને તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અ ભિનેત્રી પલ્લવી જોશીની ભત્રીજી છે. પરંતુ તેનો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો છે તેથી તેણે પોતાના કામનો આરંભ હોલીવૂડથી કર્યો હતો અને પછીથી તે મુંબઇ આવી.
અદાકારાએ શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં તાલીમ લીધી છે તેથી તેના માટે અભિનય સહજ સાધ્ય છે. આમ છતાં તેને કામ મેળવવા ખાસ્સો સંઘર્ષ કરવો પડયો છે. અનુજા કહે છે કે હું વેઇટ્રેસ તરીકે કામ કરવા સાથે ઓડિશન્સ આપતી. મને હોલીવૂડની એક ફિલ્મ મળવાની હતી, પરંતુ અણીના વખતે મારી કિસ્મતે દગો દીધો અને એ મૂવી મને ન મળી. હું બહુ વિચલિત થઇ ગઇ હતી. તેથી હું ફ્લાઇટ પકડીને મુંબઇ આવી ગઇ. અહીં હું આવી હતી મારી બહેનને મળવા. પરંતુ મારા આ કપરા કાળમાં મારી બહેન, ફિયાન્સ (અંકુર રાઠી) અને મારા ફોઇ (પલ્લવી જોશી) અડીખમ થઇને મારી પડખે ઊભા રહ્યાં.સતત ચાર વર્ષની નિષ્ફળતાને કારણે હું પડી ભાંગવાની અણી પર હતી. તે વખતે જ વેબ સિરિઝ 'હેલ્લો મીમી'નું ઓડિશન જાહેર થયું. મને ત્રણે જણે આ ઓડિશન આપવા તૈયાર કરી અને મેં ઓડિશન આપ્યું. આ વખતે મારા નસીબે પણ યારી આપી અને મને તેમાં કામ મળી ગયું.
અનુજાને લાગે છે કે તે ભલે ફિલ્મી પરિવારમાંથી આવે છે. આમ છતાં તે બોલીવૂડમાં બહારની વ્યક્તિ જ છે. તે કહે છે કે મારો જન્મ અને ઉછેર ન્યુયોર્કમાં થયો છે. તેથી આ ઇન્ડસ્ટ્રી મેં નાનપણથી નથી જોઇ. વળી હું મારા પિતા કે ફોઇના નામે કામ મેળવવા નહોતી માગતી. મને મારી કેડી મારી જાતે જ કંડારવી હતી. તેથી મેં ક્યારેય કોઇના નામનો ઉપયોગ કરવાનું મુનાસિબ નથી માન્યું.
અનુજા પોતાના આ વેબ શો વિશે કહે છે કે પહેલી સીઝનમાં મારો 'રીવાના બેનરજી'નો રોલ કોલેજમાંથી બહાર નીકળેલી યુવતીનો હતો જેને માટે આખી દુનિયા એકદમ રંગીન હોય. પરંતુ આ સીઝનમાં મારી ભૂમિકા પરિપક્વ બની ગયેલી યુવતીની છે. આ શોને બહુ સરસ રીતે સર્જવામાં આવ્યો છે. વળી અમે કોરોનાકાળમાં તેનું શૂટિંગ કર્યું હતું તે પણ કોઇ પડકારથી ઓછું નહોતું.
અભિનેત્રીએ હોલીવૂડમાં પણ કામ કર્યું હોવાથી તેને બે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ છે. તે કહે છે કે બંને ઇન્ડસ્ટ્રી અલગ અલગ હોવાથી તેમાં કામ કરવાની પધ્ધતિ પણ જુદી જુદી જ હોવાની. આરંભના તબક્કામાં મને અહીં શી રીતે કામ થાય છે તેની ગતાગમ નહોતી. પરંતુ ધીમે ધીમે મને અહીંની કાર્યશૈલીનો ખ્યાલ આવી ગયો. મેં અત્યાર સુધી 'હેલ્લો મીમી'ની બે સીઝન ઉપરાંત વિક્રાંત મેસી સાથે 'બ્રોકન વિથ બ્યુટીફુલ'માં અને કેટલીક એડવર્ટાઇઝોમાં પણ કામ કર્યું છે. મને હોલીવૂડની અને અહીંની કામ કરવાની પધ્ધતિ વચ્ચે સંતુલન સાધતા આવડી ગયું છે. હું જ્યારે મુંબઇમાં હોઉં છું ત્યારે અહીંની રીતે કામ કરું છું.
આ વેબ શો રજૂ થયા પછી અનુજા હોલીવૂડના એક શોમાં કામ કરવાની છે. તે કહે છે કે હાલના તબક્કે હું તેના વિશે વધું કાંઇ કહી શકું તેમ નથી. આમ છતાં હું એટલું કહી શકું કે તે મેડિકલ ડ્રામા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31E2YAr
ConversionConversion EmoticonEmoticon