2020ની સાલમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં વ્યસ્ત તારા સુતરિયા


- મને એ વાતનો આનંદ છે કે અત્યાર સુધી મારી સાથે બધું સારું જ થઈ રહ્યું છે. હું ભાગ્યશાળી છું કે મારી એક ફિલ્મ પૂરી ન થઈ હોય ત્યાં જ મને બીજી મૂવી મળી જાય છે

વર્ષ ૨૦૨૦ દુનિયાભરના લોકો માટે બહુ આકરું રહ્યું. ફિલ્મોદ્યોગ પણ તેમાંથી બાકાત નહોતો રહ્યો. પણ હવે આ વર્ષમાં બોલીવૂડના ફિલ્મ સર્જકો અને કલાકારો ગયા વર્ષે થયેલી હાનિની ભરપાઈ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. અભિનેત્રી તારા સુતરિયા પણ જાણે કે ગયા વર્ષના ભાગનું કામ પણ કરી લેવા માગતી હોય તેમ આ વર્ષે ત્રણફિલ્મો કરવાની છે.

તારા કહે છે કે ૨૦૨૦ની સાલે આપણા જીવનને ઘેરી અસર કરી છે. લોકોની જીવનશૈલી અનેક રીતે બદલાઈ ગઈ છે. અને દુનિયાભરના વ્યાવસાયિકો આ વર્ષે બમણો પરિશ્રમ લઈને પણ પુષ્કળ કામ કરી રહ્યાં છે. હું પણ માનું છું કે આપણા જીવનનો પ્રત્યેક દિવસ અત્યંત કિંમતી છે. તેથી ગયા વર્ષે થયેલા નુકસાનનું સાટું વાળવા આપણને આ વર્ષે ખુશી ખુશી બમણું કામ કરવું જોઈએ.

અભિનેત્રીની બે ફિલ્મો, 'તડપ' અને 'હીરોપંતી - ૨' આ વર્ષે રજૂ થવાની છે. જ્યારે તેનું આ આખું વર્ષ ગળાડૂબ કામમાં જવાનું છે. તે 'એક વિલન-૨'નું શૂટિંગ પણ કરી રહી છે. અદાકારા કહે છે કે મારી કારકિર્દીના આરંભથી મને સતત સારી ફિલ્મો મળતી રહી છે. હું ઇચ્છું છું કે આગામી સમયમાં પણ મારી કિસ્મત મને આ રીતે જ યારી આપે. એકી વખતે એક કરતાં વધુ ફિલ્મોમાં કામ કરવાની મઝા જ કાંઈક જુદી હોય.

જોકે તારા કબૂલે છે કે એકસાથે બે-ચાર ફિલ્મોમાં કામ કરવા માટે પુષ્કળ પરિશ્રમ લેવો પડે. જુદાં જુદાં સેટ પર અલગ અલગ કલાકાર-કસબીઓ સાથે કામ કરવાની નોબત આવે, એકી વખતે અલગ અલગ પાત્રો જીવવા પડે. આમ છતાં જો તમે ખરા દિલથી કામ કરો તો આવી બધી બાબતો ક્ષુલ્લક બની જાય.

કારકિર્દીના આરંભથી સતત સારું કામ મળતું રહે એ કલાકાર પોતાની ફિલ્મીયાત્રાથી ખુશ જ હોય. પરંતુ તારા કહે છે કે હું મારા કામનું વિશ્લેષણ નથી કરતી. હું સમયના વહેણમાં વહેતી જાઉં છું. અલબત્ત, મને એ વાતનો આનંદ છે કે અત્યાર સુધી મારી સાથે બધું સારું જ થઈ રહ્યું છે. હું ભાગ્યશાળી છું કે મારી એક ફિલ્મ પૂરી ન થઈ હોય ત્યાં જ મને બીજી મૂવી મળી જાય છે. અને હું પૂરી મહેનત અને લગન સાથે કામ કરતી રહું છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ujzggD
Previous
Next Post »