આણંદ જિલ્લા પોલીસે વિશેષ માસ્ક ડ્રાઈવનું આયોજન કરી દંડ વસૂલ્યો


આણંદ : સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટે અને લોકો કોરોના અંગે સજાગ બની સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારના રોજ વિશેષ માસ્ક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ સ્થળો ખાતેથી સઘન પેટ્રોલીંગ હાથ ધરી માસ્ક ન પહેરવા બદલ પોલીસ દ્વારા એક જ દિવસમાં રૂા.૨.૯૪ લાખ દંડની વસુલાત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી લોકોની બેદરકારી પણ ઉજાગર થવા પામી છે. વધતા જતા સંક્રમણ વચ્ચે હજી પણ કેટલાક લોકો કોરોના અંગે ગંભીરતા ન દાખવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા પણ અવાર-નવાર અપીલ કરવા છતાં ઠેર-ઠેર સોશ્યલ ડીસ્ટન્સ અને ફરજીયાત માસ્કના નિયમનો ભંગ કરાતો હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે આણંદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારના રોજ સ્પેશ્યલ માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જિલ્લાની વિવિધ ચોકડી તેમજ આણંદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી માસ્ક વિના બહાર નીકળતા વાહનચાલકો તેમજ રાહદારીઓને દંડવામાં આવ્યા હતા. માસ્ક વિના બહાર નીકળતા લગભગ ૨૯૪ જેટલી વ્યક્તિઓ પાસેથી દંડની વસુલાત કરાઈ હતી અને પોલીસે એક જ દિવસમાં કુલ ૨.૯૪ લાખનો દંડ વસુલ્યો હતો.

અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં માસ્ક ન પહેરવા પેટે કુલ રૂા.૨.૦૬ કરોડ ઉપરાંતના દંડની વસુલાત કરાઈ છે ત્યારે ગત જુલાઈથી અત્યાર સુધીમાં પોલીસે કુલ ૪૨૪૩૩ વ્યક્તિઓ પાસેથી આ દંડની વસુલાત કરી છે. હજી પણ કેટલાક લોકો કોરોનાની ગંભીરતા સમજ્યા વિના જાહેરમાં માસ્ક વિના ફરી રહ્યા છે.

 ત્યારે આગામી દિવસોમાં આ અંગે અભિયાન તેજ કરી જિલ્લામાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે કાર્યવાહી કરાશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QlT97L
Previous
Next Post »