છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત સ્ટીલમાં અભૂતપૂર્વ તોફાની તેજી


- મહામારીના પગલે તમામ સ્તરે માંગમાં ઘટાડો છતાં છેલ્લા ૧૦ માસમાં સ્ટીલના ભાવમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો

- સ્ટીલના ભાવ વધારાની સાથે સ્ટીલ કંપનીઓના શેરોમાં ઉછાળા નોંધાતા રોકાણકારોને મોટો ફાયદો

સ્ટીલના વેપારીઓના જણાવ્યા મુજબ ગત સપ્તાહે સ્ટીલની મોટી કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરાયા બાદ નાની સ્ટીલ મીલો દ્વારા પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આમ, આ બેસ્તરે થયેલા ભાવવધારાના કારણે એચઆરકોઇલ (એચઆરસી) એટલે કે એમએસ પ્લેટનો ભાવ ટન દીઠ વધીને રૂ. ૭૫,૦૦૦ની (૧૮ ટકા જીએસટી સાથે) નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જે અગાઉ રૂ. ૬૮૦૦૦ હતો. એચઆર કોઇલનો ઉપયોગ ફેબ્રિકેશન તેમજ સ્ટ્રકચર નિર્માણમાં થાય છે. ઇન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓમાં એમએસ એંગલ્સ અને ચેનલનો ઉપયોગ થાય છે. તેનો ભાવ અગાઉ ટનદીઠ રૂ. ૫૨૦૦૦ હતો. તે તાજેતરના ભાવવધારા બાદ રૂ. ૫૮૦૦૦ પહોંચ્યો છે.

TMTબાર ટન દીઠ રૂ. ૬૨,૫૦૦ની ટોચે

રીયલ એસ્ટેટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટીએમટી બાર એટલે કે લોખંડના સળિયાના ભાવ અગાઉ ટન દીઠ રૂ. ૫૭,૫૦૦ હતા. તે તાજેતરના ભાવવધારા બાદ રૂ. ૬૨૫૦૦ની સપાટીએ પહોંચ્યા છે. નાની સ્ટીલ મિલોના રોલિંગ બારના ભાવ વધીને રૂ. ૫૭૫૦૦ પહોંચ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે જાન્યુઆરી ૨૦૨૧માં ટીએમટીબારના ભાવ ટન દીઠ રૂ. ૪૯૦૦૦થી રૂા. ૫૪,૦૦૦ની રેન્જમાં હતા.

કો રોના મહામારી બાદ છેલ્લા એક વર્ષમાં વિવિધ ઉદ્યોગોમાં ચઢાવ-ઉતાર જોવા મળ્યા છે. મહામારીની પ્રતિકૂળતાના પગલે કેટલાક ઉદ્યોગો બેહાલ બન્યા છે. સરકારી રાહતો ઉપલબ્ધ હોવા છતાં આ ઉદ્યોગો મહામારીના અગાઉના સમયની જેમ ધમધમતા થયા નથી. બીજીતરફ કેટલાક ઉદ્યોગોએ મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ પ્રોત્સાહક દેખાવ રજૂ કર્યો છે. પ્રોત્સાહક દેખાવ કરનાર ઉદ્યોગોમાં સ્ટીલ ઉદ્યોગ નંબર વન છે. છેલ્લા એક વર્ષમાં મેંગેનીઝ ઓર તેમજ આયર્ન ઓરના ભાવમાં ઉદ્ભવેલ તેજી સહિતના અન્ય પરિબળોના પગલે છેલ્લા ૧૦ માસમાં જ સ્ટીલના ભાવમાં ૫૦થી ૬૦ ટકા સુધીની તોફાની તેજી જોવા મળી છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ વિવિધ સાનુકૂળ પરિબળોના પગલે જુલાઈ ૨૦૨૦થી અત્યાર સુધી સ્ટીલ કંપનીઓ એટલે કે છેલ્લા ૧૦ મહિનામાં જ સ્ટીલના ભાવમાં ૫૦થી ૬૦ ટકા જેટલી તોતિંગ વૃધ્ધિ જોવા મળી છે. સ્ટીલ કંપનીઓ દ્વારા ૨૦૨૧ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ માસમાં ત્રણ વખત ભાવમાં વધારો કર્યો છે. તો ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં જુલાઈથી ડિસેમ્બર સુધી આઠ વખત ભાવમાં વધારો કર્યો હતો. આમ છેલ્લા ૧૦ માસમાં સ્ટીલના ભાવમાં ૧૧ વખત વધારો થતા સ્ટીલ ૫૦થી ૬૦ ટકા મોંઘુ થયું છે.

મહામારીના કારણે તમામ સ્તરે માંગમાં ઘટાડો થયો હોવા છતાં સ્ટીલના ભાવમાં એકધારી વૃધ્ધિ જોવા મળી રહી છે. પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ સ્ટીલના ભાવ વધતા તેની માંગમાં વધુ ઘટાડો થયો છે. જેના કારણે નાના વેપારીઓને મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નાના વેપારીઓએ આ ગતિવિધી અંગે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તમામ સ્ટીલ કંપનીઓ કાર્ટેલ રચીને મોટા પાયે નફાખોરી કરી રહી છે. સ્ટીલ કંપનીઓ માર્કેટમાં કૃત્રિમ શોર્ટેજ ઉભી કરે છે અને ત્યારબાદ કિંમતમાં વધારો કરે છે. તેની સામે બજારમાં એટલી માંગ પણ નથી.

મહામારીના કારણે નવી માંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ જે ગ્રાહક ખરીદી કરવા આવે છે તે પણ ઊંચા ભાવને કારણે ખરીદી કરતા અચકાય છે. આમ, આ સંજોગોમાં આ ભાવવધારો ઊચિત નથી. સ્ટીલ કંપનીઓની આ ગતિવિધી સામે સરકાર પણ કોઈ પગલાં ભરતી નથી. જેના કારણે સ્ટીલ કંપનીઓની મનમાનીમાં વધારો થયો છે. સ્ટીલના ભાવમાં વધારો થતા રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના અન્ય ઉદ્યોગોના ખર્ચમાં વધારો થતા તેઓ પણ ચિંતીત છે.

આ વર્તુળોએ વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં સ્ટીલમાં આ પ્રકારની એકધારી તેજી ક્યારેય જોવા મળી નથી. કંપનીઓ દ્વારા જે રીતે બેફામપણે ભાવવધારો કરાયો છે તે સંપૂર્ણપણે અનુચિત છે. એકધારા ભાવવધારાના કારણે નાના વેપારીઓની હાલાકી વધવા સાથે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેનું મુખ્ય કારણ સોદા સમયના ભાવ અને માલની ડિલીવરી વેળાના ભાવ વચ્ચે તફાવત ઉદ્ભવતા વેપારીઓને સહન કરવાનો વારો આવે છે અને સરવાળે તેઓને ખોટનો વેપલો કરવો પડે છે.

ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સંજોગોના કારણે નાના વેપારીઓ તેમજ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી એકધારી તેજીના પગલે સ્ટીલ કંપનીઓના શેરોમાં નોંધપાત્ર ઉછાળા નોંધાતા રોકાણકારોને મોટાપાયે ફાયદો થયો છે. આમ, સ્ટીલના ભાવવધારાએ સાનુકુળ તેમજ પ્રતિકૂળ એમ બેઉ તરફની ભૂમિકા ભજવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wMA8wb
Previous
Next Post »