આગળ વધી રહી છે શાહરૂખની શાનદાર સવારી...


- રોમાન્સના  બાદશાહને સમયની બ્રેક નથી લાગી.....

- શાહરૂખની 'દિલવાલે દુલ્હનિ લે જાયેંગે' , 'કુછ કુછ હોતા હૈ', 'ચક દે ઈન્ડિયા' , 'ઓમ શાંતિ ઓમ' જેવી  ફિલ્મો   બોલીવૂડની  સૌથી મોટી  હિટ  ફિલ્મો તરીકે સ્થાન પામી છે 

'મેરા મશ્વરા  હૈ કિ પહેલે

પ્રેમ-પ્યાર કી ગહરાઈ કો

સમજે:  પ્રેમ સિર્ફ શારીરિક 

આકર્ષણ નહીં હૈ  હાલા કી

સભી  ઈતને નાદાન નહીં હોતે 

હૈ. આજે કે જાગૃત 

નૌજવાનોકો પતા હૈ કી 

યહ કોઈ ખેલ

નહીં હૈ, જજબાત  ઔર રૂહાની 

અહસાસ  ભી કોઈ 

ચીજ  હૈ બલ્કિ

વહીં સબ સે મહત્ત્વપૂર્ણ હૈ.....'

આ શબ્દો  છે કરોડો લોકોના  હૃદયમાં  સ્થાન ધરાવનારા  દેશના સૌથી મોંઘા સ્ટાર 'પઠાણ' ઉર્ફે બાદશાહ ઉર્ફે કિંગખાન  શાહરૂખ ખાનના,   જે  અત્યારે  'પઠાણ'  ફિલ્મમાં  વ્યસ્ત  છે.  જેમાં તેની સાથે દીપિકા પદુકોણ અને   જ્હોન અબ્રાહમ  છે. 'મન્નત'ના માલિકને મોંઘો સ્ટાર  એટલા  માટે કહેવામાં આવ્યો  છે કે 'ફૌજી' અને 'સર્કસ' જેવી સીરિયલોથી કારકિર્દીનો  પ્રારંભ કરનારા આ બાદશાહે 'પઠાણ'  ફિલ્મ માટે  રૂા. ૧૦૦  કરોડ લીધા  છે.  માત્ર બોલીવૂડ જ નહીં, પણ  દેશના કોઈ પણ કલાકારે અત્યાર  સુધી આટલી મોટી રકમ  ફી તરીકે વસૂલી નથી. અરે,  આજનો સુપરસ્ટાર  અક્ષયકુમાર, સલમાન ખાન, આમીર ખાન કે અન્ય કોઈ અભિનેતા પણ આ રકમ સુધી પહોંચ્યા નથી. ત્રણેક  ફિલ્મો  ફ્લોપ  આપ્યા બાદ  શાહરૂખ ખાને બે  વર્ષનો આરામ  કર્યો છે. હજુ થોડા મહિના પહેલા જ 'પઠાણ'  સાઈન કરી  છે,  જેનું  શૂટીંગ  પણ ચાલી રહ્યું  છે.

નવી  દિલ્હીમાં  એક મધ્યમ પરિવારમાં  જન્મેલા  શાહરૂખને અભિનયનો  શોખ પહેલેથી  જ.  જો કે તેના પિતા વકીલ હતા, પણ  ખોટું  નહીં  બોલવાની  આદતને  કારણે  તેમણે વકીલાત  નહોતી કરી અને માતા  ગૃહિણી હતા.  આ બંનેના પુત્ર અને પુત્રી બે સંતાન.  જો કે આ બંનેનું  અવસાન જલદી  થતાં શાહરૂખે  પોતાની બહેનને  સાથે રાખી જીવનની મંજિલની  શોધ આદરી. લાંબી વિચારણા બાદ તેણે  પોતાની અંદરના અભિનેતાને  જીવંત બનાવી તેને આધારે  જીવન આગળ ધપાવવાનું નક્કી કર્યું અને એ મંજિલે જ આગેકૂચ  શરૂ કરી.

શાહરૂખે  સતત સંઘર્ષ પછી ટીવી પર કંઈક  કમાલ દેખાડવાનું નિર્ધાર્યું અને બે સીરિયલમાં તો તેની ચાહના ખૂણે ખૂણે  પહોંચી ગઈ.  અરે બોલીવૂડના  હેમા  માલિની, રાકેશ રોશન, રાહુલ રવૈલ જેવા માંધાતાની  નજર તેના પર પડી અને એ પછી તો શાહરૂખની ગાડી ઝડપભેર દોડવા લાગી.  રિશી કપૂર  ્ને દિવ્યા ભારતી સાથેની  ફિલ્મ 'દીવાના' તેણે કરી અને બોલીવૂડમાં  પોતાના નામનો  ડંકો વગાડી  દીધો. 'ડર'  માં નેગેટિવ રોલમાં આવીને સન્ની દેઓલને હંફાવી  પોતે આગળ નીકળી ગયો. બાદમાં 'બાઝીગર' આવી. પછી તો નિર્માતાઓની લાંબી કતાર  તેની પાછળ પડી.

જો કે યશ ચોપરાની 'ડર' ની  ભૂમિકા  શાહરૂખને  અકસ્માતે  મળી.  બન્યું એવું કે યશજી  સૌ પહેલાં  તો 'ડર' માં આમીરને  લેવાના હતા, પણ તેને ડેટ્સની  સમસ્યા  નડી.  આથી યશજીએ  શાહરૂખનો કોન્ટેક્ટ  કરીને 'ડર'ની સ્ટોરી  સંભળાવી,  જે શાહરૂખને  ગમી ગઈ અને તેણે 'ડર'  સાઈન કરી લીધી.  જો કે નેગેટિવ  ભૂમિકા  અંગે  શાહરૂખ સ્પષ્ટ વાત કરેછે કે  'હું શા માટે  નેગેટિવ ભૂમિકા નહીં ભજવું? શું  હું એક જ ઈમેજમાં  બંધાઈ જાઉં.  હું એક કલાકાર છું અને વિભિન્ન પ્રકારની   ભૂમિકા ભજવી શકું છું.  હવે તો હું એવું ઈચ્છું  છે કે દર્શકો  રોલમાં જુએ.  તેમને  પસંદ પડે  કે  નહીં પડે એ તો પછીની વાત છે ને?  શાહરૂખની  આ વાત સાચી છે, નેગેટિવ  રોલ્સની  વાત આવે તો તેણે 'રામજાને' નામની એક  ફિલ્મ કરી  જેને ધાર્યો પ્રતિસાદ  નહોતો મળ્યો.

હા,  શાહરૂખે તે  વેળા એમ પણ કહ્યું હતું કે મને મારા ફેન્સ પાસેથી તેમને કેવા પ્રકારની ભૂમિકામાં  હું સારો લાગું છું એની જાણ નહીં થાય, ત્યાં સુધી  હું  જુદી જુદી  ભૂમિકા કરતો  રહીશ, પછી તે કોમેડિયનની  ભૂમિકા હોય કે રોમાન્ટિક  કે એક્શન! 

રમૂજી  ભૂમિકાની વાત કરીએ  તો શાહરૂખે   ટ્વિંકલ ખન્ના સાથે 'બાદશાહ'  માં જાસૂસ  બની દર્શકોને ઘણાં હસાવ્યા.  આ ઉપરાંત 'રાજુ બન ગયા જેન્ટલમેન' ,  'ચમત્કાર', 'માયા મેમસાબ', 'કીંગ અંકલ', 'ડુપ્લીકેટ',' વન ટુ  કા ફોર' જેવી  ફિલ્મોમાં  તેણે દર્શકોનું એક યા બીજી રીતે  ખૂબ સરસ મનોરંજન કર્યું  છે.  અરે,  હેમા માલિની એ  શાહરૂખને 'દિલ આશના હૈ'  ફિલ્મમાં  કામ આપ્યું. જો કે 'બાજીગર'   ફિલ્મે તો બધા જ રેકોર્ડ  તોડી નાખ્યા. 

આ પછી  તો 'કભી હા કભી ના' , 'કરણ -અર્જુન', ' ઓહ ડાર્લિંગ યે હૈ ઈન્ડિયા', 'દિલ સે', 'કુછ કુછ હોતા હૈ','જોશ', 'મહોંબતે', 'કભી ખુશી કભી ગમ', 'દેવદાસ', 'કલ હો ના હો', 'મૈં હુ ના', 'વીર ઝારા', 'કભી અલવિદા ના કહેના' થી માંડીને  આલિયા ભટ્ટ  સાથેની 'ડિયર ઝિંદગી' માં શાહરૂખ  ખાને પોતે રોમાન્સનો બાદશાહ છે અને રોમાન્સ કેવી રીતે કરી શકાય એ આજની પેઢીને  સમજાવી દીધું.

શાહરૂખ ખાનની પરંપરાગત  ફિલ્મોથી થોડી  નોખી કે ચિલો ચાતરનારી  ફિલ્મોમાં  અમોલ પાલેકરની   ફિલ્મ 'પહેલી', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'અશોકા', 'દેવદાસ', 'મૈં  હું ના', 'સ્વદેશ', 'ચક દે ઈન્ડિયા', 'માઈ નેમ ઈઝ ખાન' અને ખાસ કરીને 'હે રામ'  છે.  બેશક,  શાહરૂખે  નિર્માતા તરીકે  ૨૦૦૨માં 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'અશોકા', 'ચલતે ચલતે',  'મૈં હૂં ના', 'કાલ', 'પહેલી', 'ઓમ  શાંતિ ઓમ', 'બિલ્લુ'  ફિલ્મો આપી છે, જેમાં 'ફિર ભી  દિલ હૈ હિન્દુસ્તાની' જેવી એક સારી  ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ  તેમાં ઝાઝી સફળતા ન મળી.  'સ્વદેશ' ફિલ્મની પણ એવી જ  સ્થિતિ થઈ જ્યારે  'અશોકા' અને  'બિલ્લુ'એ  તો બોક્સ ઓફિસ પર  પાણી  ન માંગ્યું.  જો કે આ બધામાં કમલ હાસન સાથેની તેની  ફિલ્મ 'હે રામ'  ખરેખર અદ્ભૂત  હતી,  પણ  દર્શકોએ  ઐતિહાસિક પશ્વાદ્ભૂ  ધરાવતી  ફિલ્મ પ્રત્યે  ઝાઝો પ્રેમ ન   દાખવ્યો.

ફિલ્મો  તો આવી અને આવશે, પણ ગત્ બીજી  નવેમ્બરે  શાહરૂખ ખાને તેનો ૫૫મો જન્મ દિવસ ઉજવ્યો ત્યારે  માત્ર ભારત જ નહીં,  પણ  વિશ્વભરમાં  કોરોનાએ તેની પકડ જમાવી હતી તે વેળા શાહરૂખે જ પોતાના ફેન્સને  દૂર રહેવા અને  સેફ રહેવાની અપીલ કરી હતી.  જો કે તે દિવસે દુબઈની ગગનચુંબી ઈમારત બુર્જ   ખલીફા પર 'હેપ્પી બર્થ ડે  શાહરૂખ ખાન' થી રોશની કરવામાં આવી.   આ છે શાહરૂખ ખાનની વૈશ્વિક  પ્રસિદ્ધિ.

'દિલવાલે દુલ્હનિ લે જાયેંગે' , 'કુછ કુછ હોતા હૈ', 'ચક દે ઈન્ડિયા' , 'ઓમ શાંતિ ઓમ' જેવી  ફિલ્મો  માત્ર શાહરૂખની  જ નહીં,  પણ બોલીવૂડની  સૌથી મોટી  હિટ  ફિલ્મો તરીકે સ્થાન પામી છે તો 'કભી ખુશી કભી ગમ', 'કલ હો ના હો','વીર ઝારા', 'કભી અલવિદાના ના કહના' જેવી  ફિલ્મોએ વિદેશમાં  પણ જંગી નફો રળ્યો  છે. ૨૦૨૦માં  શાહરૂખ ખાને  ફિલ્મ નિર્માણ  અને ટેલિવિઝન પ્રેઝન્ટિંગમાં ડગ માંંડયા  અને ડ્રીમ્સ  અનલિમિટેડ  અને  રેડ ચિલીઝ  એન્ટરટેઈનમેન્ટનો પ્રારંભ કર્યો.  શાહરૂખ ખાન પોતે કહે છે, 'નવી પેઢી વધુ  ટેલેન્ટેડ  છે.  અને તેમને વધુ તક આપવાની જરૂર  છે.

નવી પેઢી  પાસે નવી આઈડિયાઝ  અને કલ્પના છે, જેને તક આપવામાં આવે તો ઘણા ચમત્કાર થઈ શકે છે  અને એ માટે  મેં  ફિલ્મ નિર્માણની  દિશામાં  પણ ઝુકાવ્યું  છે.  ૨૦૦૮માં  'ન્યુઝ વીક' મેગેઝિને વિશ્વની ૫૦ શક્તિશાળી   મહાનુભાવોમાં  શાહરૂખ ખાનને  પણ સ્થાન આપ્યું  છે. શાહરૂખ માત્ર  ફિલ્મ સાથે જ સંકળાયેલો છે, એટલું જ નહીં, પણ તેણે તો 'મીર ફાઉન્ડેશન'  નામની એક સેવાભાવિ  સંસ્થા સ્થાયી છે, જે સેવાકાર્યો  કરે છે.  અરે, કોરોનાના પ્રકોપમાં  તેણે અંધેરીની  તેની ઓફિસ- બિલ્ડિંગને  કોરોના - સેન્ટર શરૂ કરવા સરકારને આપી અને કોરોનામાં લોકોને સહાયભૂત બનવા પીપીપી કિટ્સ તથા અન્ય સામગ્રીની વહેંચી  પણ કરી.  

જો કે  ફિલ્મોની વાત આવે ત્યારે  શાહરૂખ તેના સાથી- કલાકારો સાથે હાથ મિલાવવાનું પણ ભૂલતો નથી.  આમીર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'  માં આમીર અને સલમાન  સાથે શાહરૂખ પણ ઊભો છે.  અરે, આલિયા ભટ્ટ સાથે 'ડાર્લિંગ'  નામની  એક  ફિલ્મનું પણ સર્જન કરી રહ્યો  છે.  આમ, બે વર્ષના ગેપ પછી પણ શાહરૂખ ખાનની  શાનદાર  સવારીને ક્યાંય  સમયની બ્રેક લાગી નથી.  અંતે એ તો રોમાન્સનો બાદશાહ છે ને.....



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dmjcVB
Previous
Next Post »