વેબ-વર્લ્ડમાં વધતી ફિલ્મ કલાકારોની બોલબાલા


- રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર અને રાધિકા આપ્ટેની એન્ટ્રી

કેટલાંક એવા નવોદિત કલાકારો છે, જેમણે વેબ-વર્લ્ડમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે તો કેટલીક કથાના એવા પ્લોટ છે, જેણે વેબ-પ્લેટફોર્મ્સ પોતાનું સ્થાન જમાવી દીધું છે. ટૂંકમાં વેબ મીડિયા કે વેબ-વર્લ્ડ એવું માર્કેટ છે, જ્યાં બધુ વેચાય છે. જોકે આ પહેલા વેબ-વર્લ્ડ શું છે, કેવું છે, કોના માટે છે અને અત્યારે શા માટે તેમાં શેરબજાર કરતાંય લાલચોળ તેજી છે?- એ જાણીએ.

સૌ પ્રથમ તો કોરોનાએ થિયેટર-વર્લ્ડનો દાટ વાળી દીધો છે અને છેક ગયા વર્ષથી થિયેટરો પર તો પડદો જ પડયો છે, એમ કહી શકાય કેમ કે જે ૫૦ ટકાની કેપિસિટી સાથે થિયેટરો ચાલે છે, તેમાં પણ દર્શકો જવાની ઝાઝી હિંમત નતી કરતાં અને જે જાય છે, તે પણ એકલડોકલ આથી દેખિતી રીતે તો થિયેટર માલિકોને થિયેટરો ચલાવવાનું પરવડતું જ નથી. આટલું ઓછું હોય એમ વારંવાર કોરોનાના પ્રતિબંધને કારણે થિયેટરો પર નિયંત્રણો આવી જાય છે.

અથવા તો નિયંત્રણો મુકાય જાય છે. અત્યારે થિયેટર ૩૦ એપ્રિલ સુધી બંધ છે. આવી સ્થિતિમાં કંટાલેલા દર્શકો મનોરંજન મેળવવા પણ ક્યાં જાય? સસ્તાં કહેવાતાં થિયેટરો કોરોનાની ભેટ આપી દે તો તેનો ડર તેમને સતાવે છે. આથી થિયેટરો સિવાય અન્યત્ર મનોરંજન મેળવવા ઓટીટી પ્લેટફોર્મ્સ જ બાકી રહે છે અને તેના પર ઘર બેઠાં સલામત અને વૈવિધ્યસભર મનોરંજન મેળવી શકે છે. આથી વેબ-વર્લ્ડમાં તેજી વ્યાપી છે. 

બીજું, ફિલ્મ અને ફિલ્મ કલાકારો પર એક નજર નાખીએ. અભિનેત્રી રિચા ચઢ્ઢાની જ વાત કરીએ. તેની એક-એક ફિલ્મ ફ્લોપ જઈ રહી છે અને લગ્ન આડે પર વિઘ્નો છે. પણ તે આજકાલ ચર્ચામાં જરૂર રહે છે અને તેનું શ્રેય ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સને જાય છે. થોડા સમય પહેલા રિચાની 'શકિલા' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' રિલિઝ થઈ. હવે ઝી ફાઈવ ઓરિજિનલ પર 'લાહોર કોન્ફડેન્શિયલ' રિલિઝ થઈ છે.

જો કે દોઢ કલાકની આ ફિલ્મને દર્શકોએ નકારી દીધી છે, પણ રિચાને ઘણી વાહ-વાહ મળી છે. એક દ્રષ્ટિએ કહેવા જાય તો હાલના દિવસોમાં રિચા જેવી પ્રતિભાશાળી અભિનેત્રી ઓટીટીને કારણે જ ટકી રહી છે અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર આવા કલાકારોને ઘણું કામ મળે છે.

'લાહોર કોન્ફિડેન્શિયલ'માં રિચાના પ્રેમી તરીકે અરુણોદય સિંહની દરદાર ભૂમિકા હતી. છતાંય તેની અસર સાવ ફિક્કી જ રહી. ઝી-ફાઈવ પર 'એલએસડી' (લવ, સ્કેન્ડલ એન્ડ ડોક્ટર્સ) રિલિઝ થઈ તેને દર્શકોનો સારો આવકાર મળ્યો. આ એક મેડિકલ થ્રિલર છે જેમાં પાંચ મેડિકલ સ્ટુડન્ટ્સની વાતો છે, જે દિલ્હીની એક વિખ્યાત કોલેજમાં ઇટર્નશિપ કરે છે, પણ ટૂંક સમયમાં તે એક હત્યાના આરોપીઓમાં સામેલ થાય છે. શું એ ખરેખર દોષી છે કે તેને ફસાવવામાં આવ્યો છે. તેના પર આ વેબ-સીરિઝ બની છે.

રિચા ઉપરાંત અન્ય એક નામ ઓટીટી પર છવાયેલું છે અને તે છે અભિનેત્રી સ્વરા ભાસ્કરનું. રિચાની જેમ સ્વરા પણ એક-પછી એક વેબ-સીરિઝમાં ઓટીટી પર આવી રહી છે. ૨૦૨૦માં સ્વરાની કોમેડી-ડ્રામા સીરિઝ 'રસભરી' ઓટીટી પર રિલિઝ થઈ હતી, આ ઉપરાંત 'ફ્લેશ' જે માનવ તસ્કરી પર આધારિત છે  એ સીરિઝ રિલિઝ થઈ.

એમાં સ્વરાની ભૂમિકા કમાલ કરી ગઈ. આ પછી 'ભાગ બીની ભાગ' કોમેડી સીરિઝ પછી 'આપ કે કમરે મેં કોઈ રહતા હૈ' આવી. સ્વરા ભાસ્કર કહે છે કે 'ઓટીટી પર મને દરેક પ્રકારની ભૂમિકા ભજવવાની તક મળી છે.' આમ ઓટીટી પર રિચા અને સ્વરા જેવા કલાકારોની બોલબાલા છે. એમાં કોઈ શક નથી કે તેમને દરેક જોનરમાં વૈવિધ્યસભર ભૂમિકા મળી રહી છે.

હા, આ સાથે અહીં રાધિકા આપ્ટેની વાત પણ કરવા જેવી છે. રાધા જેવી પ્રતિભાશાળી કલાકારની ઓટીટી પર જોરદાર કન્ટેન્ટ ધરાવતી ફિલ્મ-સીરિઝ રિલિઝ થઈ રહી છે. તાજેતરમાં રિલિઝ થયેલી 'રાત અકેલી હૈ' માં તેના કામના વખાણ થયા, જેમાં તેની સાથે નવાઝુદ્દીન, શ્વેતા ત્રિપાઠી, તિગ્માંશુ ધુલિયા જેવા મેઈનસ્ટ્રીમ સિનેમાના જાણીતા કલાકારો પણ હતા. વેબ-વર્લ્ડમાં આજે આ જાણીતા નામ બની ચુક્યા છે. 

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડના એક અહેવાલ અનુસાર રાધિકા આપ્ટેને તો 'રાણી'નું ટાઇટલ મળી ચૂક્યું છે. પોતાની ઓળખને મજબૂતાઈથી સ્થાપિત કરી રહેલા ટીવી કલાકારો માટે તો ડિજિટલની આ દુનિયા વિશેષ છે. અવનવાં કન્ટેન્ટની બાબતમાં નેટફિલક્સ તો એકદમ અગ્રેસર છે. તેણે 'ત્રિભંગા' ક્રેઝી ફેમિલી ડ્રામા ફિલ્મ થકી આ પુરવાર પણ કરી આપ્યું છે કે તેની પાસે દરેક વયના દર્શકો માટેનું કન્ટેન્ટ છે.

રેણુકા શહાણેના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં તન્વી આઝમી, કાજોલ, મિથિલા પાલકર જેવી અભિનેત્રીની ટીમે આ ફિલ્મની વાર્તાને સારો આધાર પૂરો પાડયો છે. અભિનેત્રી કાજોલે આ ફિલ્મ થકી ડિજિટલ ડેબ્યુ કર્યું એ પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે ડિજિટલ મીડિયાનું આકર્ષણ ફિલ્મી કલાકારોને પણ અન્ય કલાકારોથી વિશેષ છે. એક અંદાજ મુજબ ભારતમાં ૪૦ થી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સ છે આથી તેના પર અનેકવિધ પ્રકારનું કન્ટેન્ટ આવશ્યક છે અને તેની પર્યાપ્ત ખપત પણ છે.

સામાન્ય રીતે ઓટીટી પર મોટાભાગના કન્ટેન્ટ યુવા વર્ગને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. અરે, વેલેન્ટાઈન-ડે પર 'ક્રેશ' વેબ-સીરિઝનો પ્રિમિયમ યોજવામાં આવ્યો તેનો હેતુ પણ યુવાનો જ હતા. 

એક અનુમાન મુજબ ઓટીટીના દર્શકોમાં ૬૦ ટકા તો ત્રીસ વર્ષની ઓછી વયના છે અને બાકીના ૨૧ ટકા તો ૩૧થી ૪૦ વર્ષની વચ્ચેના છે. આ પરથી ઓટીટીનું લક્ષ્ય યુવાવર્ગ હોય એ સ્વાભાવિક જ  છે.

થોડા સમયમાં ઝી-ફાઈવ પર ટીવીસ્ટાર રવિ દુબે 'જમાઈ ૨.૦'ની બીજી સિઝનમાં આવે છે. આ પછી એ પીયૂષ મિશ્રા અને ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે 'મત્સ્યાકાંડ'માં જોવા મળશે જેનું શુટિંગ અત્યારે જયપુરમાં ચાલી રહ્યું છે. આમ એક પછી એક વેબ સીરિઝ આવી રહી છે અને રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, રાધિકા આપ્ટે અને અન્ય કેટલાંય ફિલ્મ કલાકારોની બોલબાલા પણ વેબ-વર્લ્ડમાં વધી રહી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3trp5GD
Previous
Next Post »