ઠાસરા શહેરમાં બપોરે બે વાગ્યા પછીના બંધની જાહેરાતનો ફિયાસ્કો


- કોરોના સંક્રમણ અટકાવવા તંત્રએ અપીલ કરી હતી

- શહેરમાં મોડી સાંજ સુધી વેપાર - ધંધા ધમધમતા રહ્યા, નાગરિકોએ પણ ગાઇડલાઇનના લીરા ઉડાવ્યા

ઠાસરા


ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામથકમાં બપોરે ૨ વાગ્યા પછીના બંધની જાહેરાતનો ફિયાસ્કો જોવા મળ્યો છે. મોડી સાંજ સુધી ગામની દુકાનો અને બજારો ખુલ્લાં જોવાં મળે છે તેમ જ નગરજનો પણ મોડે સુધી જાહેરમાં માસ્ક વગર બેફામ ફરે છે.

ઠાસરામાં ગત મંગળવારે જ બપોરે ૨ વાગ્યા પછી બંધ રાખવાની જાહેરાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર દ્વારા દુકાનદારો અને બજારના વેપારીઓને બપોરે ૨ વાગ્યા સુધી જ તેમના વેપારધંધા ચાલુ રાખવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આ જાહેરાતના બીજા જ દિવસે પાલિકાના આદેશનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આ આદેશનું ૨૪ કલાક પણ પાલન કરાયું ન હતું. જાહેરાતના પછીના બે દિવસોમાં પણ બજારો રોજની જેમ જ ધમધમતાં જોવાં મળ્યાં હતાં. મોટાભાગની તમામ દુકાનો અને વેપારધંધા સાંજ સુધી ચાલુ જોવા મળ્યા હતા તો નાગરિકો પણ કોરોના ગાઈડલાઈનની ચિંતા કર્યા વગર નિશ્ચિંત થઈને ફરતા જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં જાગ્રત નાગરિકો તંત્ર દ્વારા કડકાઈ સાથે કોરોનાની ગંભીર પરિસ્થિતિને અનુરૃપ પગલાં ભરવામાં આવે તેવી માગણી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઠાસરા શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે તે સંજોગોમાં પાલિકાની નોટિસ છતાં વેપારીઓ દુકાનો બંધ રાખવા તૈયાર નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

કોરોનાના વધતા જતા કહેરને ખાળવા માટે

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

તા.૩૦મી એપ્રિલ સુધી ગામમાં તમામ દુકાનો સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધી ખુલ્લી રહેશે

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં બપોર પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ગામમાં આજે બહાર પાડવામાં આવેલા હુકમ પ્રમાણે ૩૦-૪-૨૧ સુધી તમામ દુકાનો સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સાંજે ૪ વાગ્યાથી તમામ દુકાનો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે ૪થી વધુ વ્યક્તિની ભીડ એકઠી ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ગ્રામજનોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eastPB
Previous
Next Post »