ખેડા જિલ્લામાં કોરોના ઓલટાઇમ હાઇ, 49 કેસ


- એપ્રિલના ૧૫ દિવસમાં ૫૩૦ કેસ નોંધાતા હોસ્પિટલો ઉભરાઈ, સ્મશાનોમાં અવિરત અગ્નિસંસ્કાર ચાલુ રહ્યા

નડિયાદ

ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનું આજે એક વર્ષ પૂરું થયું છે. ગત વર્ષની ૧૬મી એપ્રિલે જિલ્લામાં પહેલો કેસ નોંધાયો હતો. પરંતુ એક વર્ષ પૂરું થતાંની સાથે જ જિલ્લાવાસીઓ કોરોનાના કહેરમાં તોબા પોકારી ગયા છે. છેલ્લા એક વર્ષમાં ં હજારો જિલ્લાવાસી કોવિડિયા દુષ્કાળની ઝપેટમાં આવી ગયા છે. આજે એક વર્ષ પછી જિલ્લામાં કુલ કોરોના કેસોનો સરકારી આંકડો સાડા ચાર હજારે પહોંચ્યો છે. જોકે વાસ્તવિક આંકડો અનેકગણો વધારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા સતત ત્રણ દિવસથી જિલ્લામાં કોરોના કેસોએ રેકોર્ડબ્રેક આંકડા વટાવ્યા છે. ગુુરુવારે ૧૫મી એપ્રિલે રેકોર્ડબ્રેક ૪૯ કોરોના પોઝિટિવ કેસો આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. જિલ્લા આરોગ્ય તંત્ર ફૂલ એક્શન મોડમાં આવી જતાં આજે વધુ ૬૯ કોવિડ બેડ અને નવા કોવિડ સેન્ટરોની સગવડ ઊભી કરવામાં આવી છે.

ચાલુ એપ્રિલના ૧૫ જ દિવસમાં કોરોના પોઝિટિવનો સત્તાવાર આંકડો ૫૩૦ પર પહોંચી ગયો છે અને જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૪૪૩૮થયો છે. જિલ્લાની પાંચ સરકારી અને પચ્ચીસ જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી ઊભરાતી જોવા મળી રહી છે. આ તરફ સ્મશાનગૃહોમાં પણ મૃતકોના અગ્નિસંસ્કાર વણથંભ્યા ચાલી રહ્યા હોવાનું જણાય છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો મળીને ૭૧૬ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે ખેડા જિલ્લાની પચ્ચીસ જેટલી ખાનગી હોસ્પિટલોમાં  ૧૫ એપ્રિલે બપોર સુધીમાં ૪૨૬ જેટલા કોરોના દર્દીઓ દાખલ થયેલા છે, જ્યારે પાંચ સરકારી હોસ્પિટલોમાં ૨૯૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

૧૫મી એપ્રિલના આંકડા પ્રમાણે ખાનગી હોસ્પિટલોમાં ૫૬૯ બેડ કોવિડ માટે ફાળવેલા છે, જેમાંથી ૧૪૦ જેટલા હજી ઉપલબ્ધ છે. જ્યારે પાંચ સરકારી હોસ્પિટલોમાં  ૪૩૩ જેટલા બેડ કોવિડ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાંથી પણ ૧૪૦ જેટલા બેડ હજી ઉપલબ્ધ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો મળીને ગુરુવારે સાંજ સુધી જિલ્લામાં ૪૨૪ કોવિડ દર્દીઓ ઓક્સીજન પર છે અને બન્ને પ્રકારની હોસ્પિટલોમાં મળીને ૪૬ દર્દીઓ બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં કોરોનાના ૬૨ દર્દીઓ આઈ.સી.યુ.માં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

નડિયાદ શહેર- તાલુકામાં ૧૬ અન્ય સ્થળોએ ૩૩ કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં ગુરુ વારે નોંધાયેલા કુલ ૪૯ કેસોમાં ૨૯ પુરુષ અને  ૨૦ સ્ત્રીઓ છે. આજ રોજ સૌથી વધુ નડિયાદ શહેર અને તાલુકા મળીને ૧૬, ઠાસરા તાલુકામાં ં ૯, ગળતેશ્વરમાં ૮, મહેમદાવાદમાં ૬, ખેડામાં ૪, કઠલાલમાં ૩ તથા મહુધા-માતર-કપડવંજમાં એક-એક કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. ખેડા જિલ્લામાં આજે પરીક્ષણ માટે ૬૭૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા.ગુરુવારની સાંજ સુધી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૨૪૬ રહી હતી, જેમાંથી ૧૬૨  ની હાલત સ્થિર છે. જ્યારે ૬૫ દર્દી ઓક્સિજન પર અને ૧૯ દર્દી  બાયપેપ પર છે જ્યારે ૪૦ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ખેડા જિલ્લામાં આજે ફ્રન્ટ લાઇન વર્કર (પ્રથમ ડોઝ)૧૦,ફ્રન્ટ લાઇન વર્કર (બીજો ડોઝ) ૯, ૪૫ થી  વધુ (પ્રથમ ડોઝ )-૯૬૮, ૪૫ વર્ષથી વધુ (બીજો ડોઝ )-૧૫૩૩ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.

બે હોસ્પિટલોમાં કોરોના સારવારની મંજૂરી મળી

જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ પાસેથી મળતી વિગતો પ્રમાણે જિલ્લામાં આજે વધુ બે ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. કપડવંજની કૃપા હોસ્પિટલ અને કઠલાલની આશીર્વાદ હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે અને આ બન્ને હોસ્પિટલ મળી ૨૦ જેટલા કોરોના બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા ગામ, લસુન્દ્રા અને હલધરવાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન સાથેના ૫૦ જેટલા બેડની સુવિધા તૈયાર કરવામાં આવી છે.

૧૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ કોરોનાનો પ્રથમ કેસ મળેલો

ખેડા જિલ્લામાં ગત તા.૧૬-૪-૨૦૨૦ ના રોજ શહેરના પીજ રોડ પરના નહેરૃનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર પાસે રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ડ પોઝિટિવ આવ્યો હતો. સરકારી ચોપડે તે જિલ્લામાં પ્રથમ કોરોના કેસ નોધાયો હતો. મહિલા તેના ભાઇની સારવાર માટે ખંભાતના અલિંગ વિસ્તારમાં ગયાં હતાં. આ બાદ ગત તા.૧૨ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ભાઇની તબિયત બગડતા તેમને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા મહિલાના ભાઇનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલ બંને બહેનો અને તેમના પતિઓને પેટલાદ ખાતે કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં નડિયાદની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ. આ બાદ તંત્ર દ્વારા રામદેવપીર મંદિર વિસ્તારને સીલ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e6YSXw
Previous
Next Post »