આકાશમાંથી વાદળો હટતા જિલ્લામાં ફરી સૂર્યનારાયણનો આકરો પ્રકોપ શરૃ


- જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અનુભવાઈ

આણંદ


વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસ દરમ્યાન આણંદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ આજે આકાશમાંથી વાદળો હટતા પુનઃ ગરમીનું જોર વધવા પામ્યું હતું. ખાસ કરીને બપોરના સુમારે જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો.

એપ્રિલ માસના પ્રારંભથી જ સૂર્યદેવતાએ સમગ્ર ચરોતર પંથકમાં અસલી મિજાજ બતાવવાનું શરૃ કર્યું હતું અને મહત્તમ તાપમાનનો પારો ૪૦.૦ ડિ.સે.ની આસપાસ પહોંચી જતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. જો કે છેલ્લા બે દિવસ દરમ્યાન વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે સમગ્ર આણંદ જિલ્લામાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. જો કે આજે આકાશમાંથી વાદળો હટતા પુનઃ ગરમીનો પ્રકોપ વધવા પામ્યો છે. ખાસ કરીને બપોરના સુમારે આકરી ગરમીના કારણે ટ્રાફિકની અવર-જવર ઓછી જોવા મળી હતી. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૃવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૯.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૦.૩ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ ૨.૫ કિ.મી./કલાક નોંધાઈ હતી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ઓછી થતાં ગરમીમાં પુનઃ વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tBIfdb
Previous
Next Post »