- ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ બન્નેની રાણીઓ બહેનો હતી.. પણ તેમની વચ્ચે એકબીજા પર આધિપત્ય જમાવવાની સ્પર્ધા ચાલતી હતી. 16મી સદીની એ સત્યકથા આ ફિલ્મમાં રજૂ થઈ છે.
- વર્લ્ડ સિનેમા-લલિત ખંભાયતા
- ડિરેક્ટર: જોસી રોર્ક
કલાકાર: સોઈર્સ રોનાન, માર્ગો રોબી, જેક લૉડેન,
જો એલ્વિન, ડેવિટ ટેનન્ટ
રિલિઝ: ડિસેમ્બર, 2018
લંબાઈ: 125 મિનિટ
સ્કો ટલેન્ડ આજે તો ઈંગ્લેન્ડનો ભાગ છે, પણ એક સમયે ન હતો. હકીકતે તો સ્કોટલેન્ડ જ મુખ્ય રાજ્ય હતું. ઈંગ્લેન્ડ પર રાણી શાસન છે, એમ સ્કોટલેન્ડ પર પણ રાણીનું જ રાજ હતું. એ સમયની આ સત્યકથા ૧૫૬૧ના વર્ષથી શરૂ થાય છે...
સ્કોટલેન્ડની કેથલિક ધર્મ પાળતી કુંવરી મેરી સ્ટુઅર્ટના ૧૫ વર્ષની વયે ફ્રાન્સના રાજ ઘરાનામાં લગ્ન થયા હતા. ૧૮ વર્ષની વયે એ વિધવા થઈ. એટલે ફ્રાન્સ રહેવાને બદલે દરિયો ઓળંગીને ફરીથી સ્કોટલેન્ડ આવતી રહી. કેથલિક અને પ્રોટેસ્ટન્ટ એ ખિસ્ત્રી ધર્મના બે ફાંટા વચ્ચે પણ એકબીજા પર શાસન જમાવવાની સ્પર્ધા હતી. સ્કોટલેન્ડમાં મેરી સ્ટુઅર્ટ પરત આવી ત્યારે તેનો ઓરમાન ભાઈ જેમ્સ રાજ ચલાવતો હતો અને પ્રોટેસ્ટન્ટ ધર્મની બોલબાલા બતી.
પડોશી ઈંગ્લેન્ડમાં પ્રોટેસ્ટન્ટ રાણી એલિઝાબેથ (પ્રથમ)નું શાસન હતું. એલિઝાબેથ મેરીની કઝિન હતી. ઈંગ્લેન્ડની ગાદી પર જન્મજાત દાવો તો મેરીનો હતો, પણ એ લગ્ન કરીને જતી રહી એટલે હવે એલિઝાબેથ રાણી હતી. મેરી સ્ટુઅર્ટ પરત ફરી એટલે સ્કોટલેન્ડ અને ઈંગલેન્ડ એમ બે રાજ્યમાં એક સાથે ખળભળાટ મચવાની શરૂઆત થઈ.
મેરીએ આવતાંની સાથે જ સ્કોટિશ દરબારમાં ડહાપણ કરતાં ધર્મગુરુ જોન નોક્સને રવાના કરી દીધા. મેરીના શાસન સામે ઘણાને વાંધો હતો. એક તેની બહેનને, બીજો તેના ભાઈને.. એ સિવાય દરબારમાં જેમના નામના ડંકા વાગતા હતા એ બધાને સમજાઈ ગયુ હતુ કે રાણીની હાજરીમાં આપણી ગરબડ ચાલવાની નથી. એટલે સૌ કોઈને રસ રાણી મેરીને કોઈ રીતે દૂર કરવામાં હતો. એ દિશામાં કાવતરાં ઘડાવાની શરૂઆત થઈ ગઈ. રાણીની રખેવાળીની જવાબદારી લોર્ડ બોથવેલની હતી. કોઈની હિંમત ન હતી કે બોથવેલને ઓળંગીને રાણી સુધી પહોંચી શકે.
રાણી કેથલિક હોવાથી સ્કોટલેન્ડના પ્રોટેસ્ટન્ટ અને ઈંગ્લેન્ડની રાણી સહિતના પ્રોટેસ્ટન્ટ પણ તેની વિરૂદ્ધ હતા. પ્રોટેસ્ટન્ટ ઈંગ્લેન્ડનો પંથ હતો, કેથલિક રોમથી આવેલો પંથ હતો. રોમન પંથ ઈંગ્લેન્ડની ધરતી પર શાસન કરે એ ઘણાને પસંદ ન હતું. એટલે લડાઈ રાજગાદી ઉપરાંત સંપ્રદાયની પણ હતી. માથે વાકળીયા, સોનેરી કલરના વાળ ધરાવતા રાણી એલિઝાબેથે સ્કોટલેન્ડમાં દૂત મોકલ્યા. દૂતને મેરીએ સંદેશો આપ્યો કે મને અમારી રાણી તરીકે એલિઝાબેથને સ્વિકારવામાં વાંધો નથી. પણ એલિઝાબેથે જાહેર કરવું જોઈએ કે હું તેની વારસદાર છું. એટલે કે એલિઝાબેથ ન હોય ત્યારે મેરી સમગ્ર ઈંગ્લેન્ડની રાણી બને.
એલિઝાબેથના સલાહકારોએ સલાહ આપી કે મેરી આપણા કોઈ મુરતિયા સાથે લગ્ન કરી લે તો આપોઆપ તાબામાં આવી જાય. લગ્ન માટે એવો મુરતિયો જોઈએ જે એલિઝાબેથના કહ્યામાં હોય. એવો મુરતિયો તો એ જ હતો, જે એલિઝાબેથને ગમતો હતો. એ મુરતિયા રોબર્ટને જ રાણીએ મેરી માટે પસંદ કરી લગ્નનો પ્રસ્તાવ લઈ સ્કોટલેન્ડ મોકલ્યો. મેરીએ નકારી દીધો. એલિઝાબેથ પોતાના શાસનમાં કોઈને ભાગ આપવા માંગતી ન હતી, મેરીને એલિઝાબેથ પછી શાસન મળે એ સિવાય કોઈ શરત માન્ય ન હતી.
વળી થોડા સમય પછી બીજા પ્રતિનિધિ લોર્ડ ડાર્નલીને એલિઝાબેથે સ્કોટલેન્ડ મોકલ્યા. મેરીને એ યુવાનમાં રસ પડયો. તેની સાથે લગ્નની હા પાડી. પછી ખબર પડી કે એ લગ્ન કરવા જેવો ન હતો.. પણ મેરીનો લગ્ન પાછળનો ઈરાદો માત્ર વારસદાર પેદા કરવા પુરતો હતો. એ પુરો થઈ રહ્યો હતો. ડાર્નલીના પિતા અને મેરીનો ઓરમાન ભાઈ જેમ્સે સત્તા મેળવવા કાવતરું ઘડયું. મેરીના અંગત સ્ટાફમાં ડેવિડ રિઝિયો નામે સેક્રેટરી હતો. એ સેક્રેટરી સાથે રાણીને અનૈતિક સંબંધો છે, એવો આક્ષેપ કરીને દરબારીઓએ તેની હત્યા કરી. પીઠ પાઠળ ૫૭ ઘા કર્યા.. રાજની ખટપટમાં હોય એવી એક પછી એક દુર્ઘટનાઓ બનવા લાગી. રાણીને આઘાત લાગ્યો.. પણ રાજરમતના વિવિધ રંગો ધીમે ધીમે ઉઘડી રહ્યા હતા.
મેરી સમજી ગઈ કે રાજ પરિવારમાં જન્મ માત્રથી સત્તા મળી નથી જતી. એ માટે અનેક કાવા-દાવાઓ કરવા પડશે. મેરીએ રિઝિયોના હત્યારાઓને પણ માફ કરવા પડયા. મેરી ગર્ભવતી હતી. પોતાના સંતાનની સલામતી માટે તેણે એલિઝાબેથને કહ્યું કે તું એની ગોડમધર બની જા. મેરી રાણી હતી એટલે પોતાના નમાલા પતિ ડાર્નલીને છૂટાછેડા આપ્યા વગર દેશનિકાલ કરી દીધો. કાવતરાખોરો એટલી જ રાહ જોતા હતા. થોડા સમયમાં ડાર્નલીની હત્યા થઈ ગઈ.
એટલું ઓછુ હોય એમ તેના વફાદાર રક્ષક બોથવેલે સલાહ આપી કે રાણી તુરંત કોઈ સ્કોટલેન્ડવાસી સાથે લગ્ન કરી લે. બોથવેલે એ પણ સ્પષ્ટ કર્યું કે એ સ્કોટલેન્ડવાસી હું પોતે જ છું. રાણીએ અનિચ્છાએ ત્રીજા લગ્ન કર્યા. હવે મેરી માટે સ્કોટલેન્ડમાં રહેવું અઘરું હતું. તેણે પોતાના સંતાનને ભાઈ જેમ્સના હવાલે કરી ઘર-બાર છોડી દેવા પડયા.
છોડીને ક્યાં જાય?
ઈંગ્લેન્ડ પહોંચી.
એલિઝાબેથે ગુપ્ત રીતે મેરીને આશરો આપ્યો. મેરીએ એલિઝાબેથને કહ્યું કે તારી સેના મદદ કરે તો મને સ્કોટલેન્ડની ગાદી ફરી મળે...
બે બહેનો વચ્ચે હોય એવી સ્પર્ધા-ઈર્ષ્યા-ખેંચતાણ મેરી-એલિઝાબેથ વચ્ચે હતી. કોઈ એકબીજાની વાત માનવા તૈયાર ન હતા. એટલે છેવટે એવું પરિણામ આવ્યું, જે એક બાહોશ રાણી સાથે આવવું ન જોઈએ.
ઈંગ્લેન્ડનો રાજ પરિવાર આખા જગતમાં જાણીતો છે અને રાજ પરિવાર હોય ત્યાં સત્તાની આઘા-પાછી ન થતી હોય એવુ તો કેમ બને.. ઈંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ અને તેની ગાદી માટેની એ સ્પર્ધા યુરોપના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ ફિલ્મમાં એ રજૂ કરવામાં આવી છે. ફિલ્મ સત્યઘટના પરથી છે, એટલે જે કંઈ દેખાડાય છે, તેમાનું ઘણુખરું સાડા ચારસો વર્ષ પહેલા બન્યું હશે. જોકે ઇતિહાસકારો ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ થઈ હોવાનો આક્ષેપ પણ કરે છે. સ્કોટલેન્ડની વાત હોય ત્યારે જોવા મળે એવા ઘાસના મેદાનો, પરીકથા જેવા મહેલો અને કદાવર ઘોડા.. એ બધુ પણ અહીં જોવા મળે છે. આકર્ષક વસ્ત્રો અને ખાસ તો આજે વિચિત્ર લાગે એવી હેર સ્ટાઈલ ફિલ્મનું જોવા જેવું પાસું છે. હેર સ્ટાઈલ અને વસ્ત્રપરિધાન માટે ફિલ્મને ઑસ્કર નોમિનેશન મળ્યાં હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3whP9pr
ConversionConversion EmoticonEmoticon