હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણીમાં આણંદ જિલ્લાની ખરાબ સ્થિતિની ચર્ચા


આણંદ : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વકરી રહી છે ત્યારે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનવણી હાથ ધરવામાં આવતા આણંદ જિલ્લામાં પરિસ્થિતિ ખરાબ હોવાનું ટાંકવામાં આવ્યું છે. તો બીજી તરફ આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર હોવા સાથે રવિવારના રોજ પણ વધુ ૩૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં રોજેરોજ કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી છે.

ગુજરાતમાં કોરોનાને લઈ મેડીકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ હોવા સાથે હાઈકોર્ટમાં સુઓમોટો રીટ ઉપર સુનવણી હાથ ધરાતા આણંદની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં રસીકરણની કામગીરીને વગવંતી બનાવવાની સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ દિન-પ્રતિદિન વધતા જિલ્લાવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. એપ્રિલ માસની શરૂઆતથી જ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે. તેમાંય છેલ્લા ત્રણેક દિવસથી પ્રતિદિન ૩૦ થી વધુ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. 

રવિવારના રોજ આણંદ જિલ્લાના નાવલીના ક્રિશ્યનસ્ટ્રીટ, અમૂલ ડેરી રોડ ઉપરના ક્રિષ્નકમલ એપાર્ટમેન્ટ, સિવિલ કોર્ટ પાછળના એપાર્ટમેન્ટ, કરમસદના સ્ટેશન રોડ પરની વલ્લભ આશ્રય, બાકરોલના રિધ્ધિસિધ્ધિ બંગલો, કરમસદની નવી પોળ, આણંદના નંદવિહાર ફલેટ, કરમસદના જલારામ મંદિર નજીક હોળી ફળીયું, વિદ્યાનગરની જુની પાણીની ટાંકી નજીક કિર્તન યુકો પાર્ક, આણંદ વિદ્યાનગર રોડ ઉપરની કૃષ્ણનગર સોસાયટી, ગણેશ ચોકડીની ગોકુલધામ, લાંભવેલ રોડ ઉપરની રાધિકાનગર સોસાયટી, વહેરાખાડીની ગાંધી પોળ, ઓડના હોળી ચકલા, કાશીપુરા, ખંભાતના કંદોઈવાડો, પેટલાદના ખડાણા, સાંઈનાથ રોડ ઉપરની ગાયત્રીનગર સોસાયટી, રાધેકુંજ સોસાયટી, જુની ઈન્દિરાનગરી, દેવાતજના બળીયાદેવ મંદિર નજીક, કસ્બારા, તારાપુરનું પરમાર ફળીયું, ઉમરેઠ, કરમસદના સહજાનંદ સ્ટેટ્સ, સ્નેહ રત્નમ્ બંગલો, ઘોરાનું ગોહિલ ફળીયું અને આંકલાવની આંબાવાડી ખાતેથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ રવિવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૫૭૦૧૯ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. 

જેમાં ૩૩૪૬ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૨૪૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ દર્દી વેન્ટીલેટર, ૩ દર્દી બાયપેપ, ૩૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૦૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tfbORk
Previous
Next Post »