એક મજાની વાર્તા : અમાપ શક્તિ


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

'આવો, આવો અંબે માત આવો, મારા હૈયાના કોડ પુરાવો.. આવો રે .. આવો રે.. .. એ આવો..' અને અચાનક વાસણની ટોપલીમાંથી અમુક વાસણો પડયા.. ખણ ખણ ખણ .. ખણ ગરબો થંભી ગયો ને ખણખણાંટ વ્યાપી ગયો .. 

'અરે! શું થયું? તને વાગ્યું તો નથીને?' સગુણાં તેના ગરબાનાં અંતરાને મનમાં જ ધરબીને  ઝડપથી બહાર આવતાં બોલ્યા. 

'ના.. ના.. બેન.. મને તો કશું નથી વાગ્યું.. આ હાથ છટક્યો ને વાસણો પડી ગયા.. માફ કરશો..' કામવાળા કમળાબેન બોલ્યા.. 

'સારું, તો તો.. ફરી આ પડેલા વાસણો વિછળી નાંખ.!'

'હા બેન,પણ મારા અવાજને લીધે તમારા ગીતમાં ખલેલ પડી.. માફ કરશો હો.'

'અરે! કોઈ વાંધો નહીં! પણ એક વાત કહું આ કોઈ ગીત નથી આને ગરબો કહેવાય.. આ બહુ પ્રાચીન.. અરે! એટલે બહુ જૂનો ગરબો છે.. મને બહુ ગમે મારા દાદા બહુ સરસ આલાપ લઈને ગાતા..' સગુણાં કામવાળા બહેનનાં ગરબા અંગેના અધૂરા જ્ઞાાનની સામે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરતાં બોલ્યા. 

 તેને આવું જ્ઞાાન લેવું પોસાય તેમ ન હતું..

'ઠીક ! બહેન ત્યારે હું જાઉ?મોડું થશેને તો વળી ઠપકો મળશે.'

'હા.. હા..' કહેતા જ સગુણાને પોતાની વાત ટૂંકાવી પડી.

તે ફરી તેના કામકાજમાં ગૂંથાઈ ગઇ.. 

સાંજના છ વાગે ડોરબેલ વાગી..તે જલ્દી દરવાજો ઉઘાડવા ઉઠી..

'મોમ! ક્યારની બેલ મારુ છું સાંભળતા નથી? 

કેટલી વાર લાગી ખોલવામાં હં ..'

અને તે સીધી જ તેના મોબાઈલના ચાર્જર ભણી દોડી.      

 સગુના  કિચનમાં  ઘૂસી ગઈ.. ઝટપટ જમવાનું બનાવીને તેણે તમામ તૈયારી કરી મૂકી.. 

ટેબલ પર બધાને જમવાનું પીરસી તે પણ તેમની સાથે ગોઠવાણી. 

'અરે! આજે તો ઓળો રોટલા બનાવવા કહ્યું હતું ને? તો પછી આ કેમ બનાવ્યું?' થાળીમાં પીરસાયેલા વ્યંજનોને જોઈને મોઢું બગાડતા સન્મુખરાય બોલ્યા. 

'ડેડ! તમે કશું પણ કહોને પણ મોમને તેની અસર ન થાય.. તેઓ તો તેના ભજન અને ભગવાન પાછળ જ તેનો સમય બગાડે છે..'

'અરે! પણ..તે આ વાતનો જવાબ આપવા જતી હતી ત્યાંજ બાએ અટકાવી 

'આ તો સગુણાંનો ફોન હતો તેણે પૂછયું એટલે મે કહ્યું.. પણ બીજી ચોખવટ તો કરવી જોવેને! હમમ..'

'બા! ઠીક છે.. કાલે તે જમશું. હવે જમવા લાગો બધુ ઠંડુ પડી જશે.' કહેતા જ વકીલસાબ સગુણાંની સામે મોં બગાડતા બોલ્યા.

સગુણાનું મોં પડી ગયું.. 

આવું તો રોજ જ થતું.. તે માટે તેને કોઈ ફરિયાદ પણ ન હતી.. ઘરના ત્રણેય સભ્યોને કેમ ખુશ રાખવા? તે જ તેનો જીવનમંત્ર બની ચૂક્યો હતો.. ન તો કોઈને તેનામાં રસ હતો કે ન તો તેની વાતમાં! 

સૌ કામમાં અતિ વ્યસ્ત રહેતા. તેનો મનગમતો સાથ હોય તો એ હતી કામવાળી કમળા! 

નવરાત્રીનું પર્વ હતું.. આખા પરિસરનું વાતાવરણ પવિત્ર બની ગયું હતું.. 

સાસુ વનલતાબેન નિયમીત મંદિરે જતાં, દીકરી અને પતિદેવ પણ તેના કામ સબબ નીકળી જતાં ત્યારે ઘરમાં સહેજ મોકળાશ વર્તાતી.. 

સગુણાં ઘરમાં જ માતાજીની સ્તુતિ અને ગરબો ખૂબ જ મધુર સ્વરે ગાતી.. ત્યારે 

તેનું હૈયું નાચી ઊઠતું  

'બહેન! તમે તો કેટલું સુંદર ગાઓ છો?' કમલા બોલી. 

'હંમમ, મને ગરબા બહુ ગમે..અમે તો ઘરેઘરે ગરબા કરવા જતાં.. બહુ મજા આવતી હો!'

કહેતા જ તેની મોટી મોટી આંખોમાં ચમક આવી ગઈ.. 

ચાલિસી વટાવી ચૂકેલી સગુણાં હજુ પણ જાણે નવી જ પરણીને આવેલી વહુ હોય તેમ દરેકનું કહ્યું કર્યા કરતી.. આ તેની સારપ કે સ્વભાવ ગણો. પણ હવે તો આવો સ્વભાવ તેના આત્મવિશ્વાસ, તેના શોખ અને તેની મહેંચ્છાંને હણતો જતો હતો.. 

'તને શું ખબર પડે? તને તો ટેવ જ પડી છે પાછળ પાછળ ફરવાની? જો જે હો! રસોઈમાં કઈ બગડે નહીં!' વગેરે વગેરે શિખામણોનો ટોપલો તેના પર થોપી બેસાડાતો હતો.. અને તે બિચારી કહ્યાગરી બનીને જ રહી ચૂકી.. 

અચાનક ડોરબેલ વાગી. 

'આવો! આવો! કિરણબેન.. બેસો. પણ બા તો નથી. કંઈ કામ હતું?' એક સાથે કેટલું બધુ તે બોલી ગઈ કારણકે આજે જ તેને બોલવાનો મોકો મળ્યો હતો. 

'સારું.. પણ હમણાં માતાજીની સ્તુતિ અને ગરબા કોણ ગાતું હતું?' તેઓ બોલ્યા. 

'કેમ? એ તો આજે જરા મોડું થઈ ગયું.. બાકી હું  વહેલી જ સ્તુતિ ગાઈ લઉ છું.' સગુણાં મનમાં અજાણ્યા હાઉ સાથે બોલી. 

'ના.. ના.. હું તો એમ કહેવા આવી છું કે આજે મારે ત્યાં માતાજીના બેઠા ગરબા છે. તો તેમાં તમે પણ આવો.. બહુ મજા આવશે.. આવો સુરીલો અવાજ અને જૂના ગરબા અમને પણ સાંભળવા ગમશે..'

'હું? હું? કેમ આવું? ના... ના.. હું તો નહીં આવી શકું. મારે ઘરમાં કામ હોયને.'

'પણ, સગુણાં બપોરના સમયે છે ત્યારે શું કામ હોય?' કિરણબેન તેની ગભરામણને માપતા બોલ્યા. 

'ના .. પણ મારે .. હું કેમ આવું?' સગુણાં અંદર કામવાળીની સામું ડરથી જોતાં બોલી. 

તેની આ મુંઝવણ પરખતાં તેઓ બોલ્યા,

'સગુણાં બપોરે કોઈ ન હોય ત્યારે આવજો. અને એકાદ બે ગરબા ગાઈને જતાં રહેજો.. આપણે તો સ્તુતિ કરવી છે ને! કશું અમંગલ નહિ ઘટે.. ને વિશ્વાસ રાખજો. હું આ વાત કોઈને નહીં કહું.'

સગુણાંની નિર્મળ આંખોમાં માતા પ્રત્યેની શ્રદ્ધા અને પોતાની ઈચ્છા વરસી પડી. તે ધીમેથી બોલી,

'સારું! પણ આ કમળાબેનને પણ ખબર ન પડવી જોવે.. હું ઘડીક આવી જઈશ.'

બંને ીઓના મનોભાવ ઉલેચાયા અને દરવાજો બંધ થયો. 

'આ કમળાબેનને કેમ ના પાડવી? આજે બા પણ નથી અને આ બંને બાપ દીકરી પણ મોડા આવશે. હું જાઉં કે ના જાઉં? શું કરું? 

એકાદો ગરબો સાંભળીને આવી જઈશ.. પણ આજે બહુ વર્ષો બાદ જવાનો મોકો મળ્યો છે. જઈ જ આવું.'

મનોમન ખેલાતું તુંબલ યુદ્ધ પૂરું થયું અને સગુણાં એક સકારાત્મક નિર્ણય પર પહોંચી. 

'કમળાબેન આજે તમે રાતના જ આવજો.. 

હું મારા વાસણ માંઝી લઇશ.' તે મોં પર કોઈ જાતનો ભાવ ન આવે તેમ સાવચેતી સાથે બોલી.  'સારું.' કહી કમળા રાજી થતાં નીકળી.  બપોરનો સમય થયો અને સગુણાં  વહેલી તૈયાર થઈને કિરણબહેનના ઘરે પહોંચી ગઈ.. કિરણબેને બહુ પ્રેમ સાથે આવકાર આપ્યો.. 'એકાદો ગરબો ગાઈ તમે  રજા લો તો પણ વાંધો નથી.' તેવું પણ સૂચવી મૂક્યું કે જેથી સગુણાંના મનમાં ચિંતા પગપેસારો ન કરે. સગુણાંએ આભાર સાથે તેના સુમધુર કંઠે સ્તુતિ અને ગરબા ગાયાં.

તેનાં  સુમધુર સ્વરમાં ભારોભાર કરુણા અને સૂર,આલાપમાં ગજબની ગહનતા છલકતી હતી.. તેની આંખો તો બંધ હતી પણ તેમાંથી છલક્તાં આંસુ માતાને પધારવા વિનવી રહ્યા હતા.. 

તે તન્મય બની ઉઠી.. સમયનું ભાન ન રહ્યું. એક બે એમ પાંચેક પ્રાચીન ગરબા તેના કંઠે સાંભળી સૌ કોઈ અહોભાવ પ્રગટ કરવા લાગ્યા.. થોડી ક્ષણો તો તે બધુ જ ભૂલી ગઈ. પહેલીવાર કોઈના તરફથી આટલું બધુ માન સન્માન મળતું હતું તેને પણ ગમ્યું .. મનમાં વર્ષો સુધી ભંડારાયેલો  આત્મવિશ્વાસ જાગ્યો! 'હું પણ ખાસ છું .હું પણ કોઈના દિલો દિમાગમાં છવાયેલી રહી શકું છું..' તેવું તે અનુભવવા લાગી. પણ તે બધુ ક્ષણિક! અને ફરી વર્તમાનમાં આવતાં કંપી ઉઠી તે બોલી, 'હું જાઉ છું. અંબે અંબે.' કહી બધાને હાથ જોડી જલ્દી પ્રસાદ લઈને તેના ઘરમાં આવી. 

આજે તે બહુ ખુશ હતી. પોતાના કબાટમાંથી જૂના સેલા અને મનગમતો ઝરી ભરેલો કમખો કાઢીને તેના ગરબાના દિવસો યાદ કરતી હતી અને અચાનક ડોરબેલ વાગી. તે ઝટપટ બધું જ કબાટ માં મૂકી અને દરવાજો ખોલવા ગઈ. 

'અરે! કિરણબેન તમે.. આવો.. બેસો.' બોલતા તેણે  જરા નિરાંત અનુભવી.. 

'સગુણાં.. આ મારા સહેલી છે.. તેમને તમારા અવાજમાં ગરબા રેકોર્ડ કરવા છે.. તેઓ તમારી ડી.વી.ડી. બહાર પાડવા માંગે છે..'

'મારી? પણ હું એવું તો નથી ગાતી! અને એ માટે મારે ઘરમાં વાત કરવી પડે અને કદાચ મને રજા પણ ન મળે.. મને માફ કરો.' કહેતા તે ધીમા સ્વરે બોલી. 

'નાજી.. અમને તમારી ખબર છે.. આ મારો નંબર છે.. તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે ફોન કરશો. મારો ડ્રાયવર આવીને તેડી જશે.. અમે તમારા જેવા અવાજ અને પ્રાચીન ગરબાની શોધમાં જ હતા..  તમને નામ અને દામ બધુ જ મળશે.'

'ના.. ના.. મારુ નામ તો ન જ આવવું જાઇએ.. હું મારી ઓળખ નહિ આપી શકું.' તે ગભરાટ સાથે  બોલી.

'સારું! પણ રેકોર્ડીંગમાં તો આવશોને? આ તો તમને અને અમને એક સારો ચાંસ મળ્યો છે.. મારુ માનો તેને જતો ન કરો. તમારી આવડતનો ઉપયોગ કરો. લોકોને આવા અવાજમાં ગરબાની જરૂર છે.' કહી તેઓ ચાલ્યા ગયા.. 

રાત આખી તે વિચારતી રહી અને સવારે મનમાં વાળેલી ગાંઠને છોડતા તેણે કિરણ બહેનને સૌના ગયા બાદ ફોન કરી પોતાની હા પણ ભણી દીધી. 

બધાથી ચોરી છૂપી તે સમયાંતરે મોકો શોધી કિરણબહેન સાથે સ્ટુડિયો જઈને તેના કંઠમાં માતાજીની સ્તુતિ અને ગરબા ગાવા લાગી..  જાણે તેને ઉડવા અમાપ આકાશ મળ્યું અને તે તેમાં વિહરતી જ ગઈ.. તેના અવાજમાં બહાર પડેલી ગરબાની ડી.વી.ડી. એ ધૂમ મચાવી હતી.. તેનો સ્વર અનામિકાના નામ સાથે ગામે ગામ ગુંજવા લાગ્યો. સમય વહેવા લાગ્યો.. બા પણ ટૂંકી બીમારીને લીધે અવસાન પામ્યા.બીજા વર્ષની નવરાત્રીના તહેવારો શરૂ થયા.  

'મોમ! આજે મારે જલ્દી કોલેજે જવાનું છે.' કાવ્યા બોલી. 'કેમ?' સનમુખરાય ચાની ચૂસકી લેતા બોલ્યા. 'આજે અમારી કાલેજમાં ગરબા ક્વિન અનામિકા આવવાના છે.આજે તેમને  રૂબરૂ સાંભળશું.. શું અવાજ છે તેમનો? ડેડ તમે પણ સાંભળશો તો તમે પણ તેના ચાહક બની જશો.'

'અરે ના રે! મારી પાસે એવો સમય જ ક્યાં છે?

એકલે હાથે બધે દોડવાનું છે.. તેમાં આવ શોખ ને સમય ક્યાંથી આપું?' તે સગુણાં સામે આડકતરું જોતા બોલ્યા. 

'ઓકે બાય' કહી તે તેના ચણિયાચોળીમાં તૈયાર થઈને ડેડ સાથે કોલેજે જવા નીકળી ગઈ.. 

એકાદ કલાક બાદ સગુણાં પણ કિરણબેન સાથે તેના જૂના સેલા અને કમખામાં તૈયાર થઈ તેની ગાડીમાં ગોઠવણી.

'જરા પણ ન ગભરાશો! આજે તમે દુનિયા સમક્ષ પહેલીવાર પ્રત્યક્ષ જાઓ છો.. અને આ જ સાચો રસ્તો હતો તમારી ઓળખને બહાર લાવવાનો.. 

તમે તો સેલિબ્રિટી ક્યારના બની ગયા છો પણ તમને જે નથી માનતા તે પણ આજથી માનશે.. હું તમારી સાથે જ છું.. તમારા જેવા કેટલીય ીરત્નો આમ જ રગદોળાય છે.. બસ તેમને સાચા રસ્તા, સાથી ને સમયની જરૂર હોય છે.

ઓલ ધ બેસ્ટ. ડિઅર.' કિરણબેન બોલ્યા. 

તેમની ગાડી કાવ્યાની કોલેજમાં પ્રવેશી. 

હારતોરા અને ભવ્ય આદર સત્કાર સાથે સગુણાં અને કિરણબહેન મેદાન તરફ આવી રહ્યા હતા. 

માઈકમાં અનાઉસમેન્ટ થવા લાગ્યું કે 'આજના ચિફગેસ્ટ અનામિકાજીનું  હાદક સ્વાગત છે.' જુવાનીયાંના ટોળાંમાં હર્ષ વ્યાપી ગયો. કાવ્યા પણ તે ભીડને ચીરતી એકદમ સ્ટેજ નજીક પહોંચી અને તેણે જોયું તો!!! તેની આંખો પહોળી જ રહી ગઈ! 

પોતાનાં મોમ મેડમ અનામિકા!

જે મા ને તે અબૂધ અને અણઘડ સમજતી હતી તે આજે વિશ્વવિખ્યાત સેલિબ્રિટી હતા! તેના મોં પર શરમ અને પસ્તાવા સાથે ગર્વ પણ છલકવા લાગ્યો.. આજ મોમ તેના પિતાને નાણાકીય સહાય પણ કરતાં હતા અને તેના કરતાં પ્રસિદ્ધ પણ હતા.. 

તે દોડીને તેના મોમને ગળે મળવા જવા લાગી પણ આગળ ઉભેલા સિકયોરિટીએ તેને એમ કરતાં  અટકાવી.. 

લેખક: અલ્પા પંડયા દેસાઇ   



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PtcunL
Previous
Next Post »