- આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
'હોળી'એ આપણો પરંપરાગત તહેવાર છે, અને તેનું ધાર્મિક મહત્ત્વ તો બધા જાણે જ છે, પરંતુ ઘણાં ઓછા લોકોને તેનાં આયુર્વેદીક મહત્ત્વ વિશે ખબર હશે. આજે આપણે તેના ઉપર વિશેષ છણાવટ ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ આપણા દેશમાં મુખ્યત્વે છ ઋતુ છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. દરેક ઋતુ અનુસાર શરીરમાં ત્રણ દોષો વાત, પિત, કફનો બદલાવ થયા કરે છે. આયુર્વેદ મૂળભૂત રીતે વાત-પિત-કફનો ત્રિદોષ સિધ્ધાંત ઉપર જ રચાયેલું શાસ્ત્ર છે અને આયુર્વેદમાં દરેક ઋતુ માટે ઋતુચર્યા બતાવેલી છે. જે તે ઋતુમાં આયુર્વેદમાં દર્શાવેલ આહાર-વિહાર જો કરવામાં આવે તો દોષ-ધાતુ-મલ ત્રણેય સમ રહે છે, એ શરીર સ્વસ્થ રહે છે.
'હોળી' એ રંગોનો તહેવાર છે 'હોળી'નાં ત્યોહાર સમયે વસંતઋતુ ચાલી રહેલી હોય છે. વસંતઋતુ પહેલા 'શિશિર ઋતુ' લેવાયેલ હોવાથી શરીરમાં કફદોષનો સંચય થયેલો હોય છે. શિશિર ઋતુમાં ઠંડી હોવાથી આ ઋતુમાં કફ દોષ શરીરમાં જમા થયેલો પડી રહે છે. પરંતુ વસંત ઋતુની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડી ગાયબ થઇ ગરમીની શરૂઆત થવા લાગે છે. ગરમી શરૂ થવાથી આપણા શરીરમાં શિશિર ઋતુમાં જમા-સંચિત થયેલો કફ દોષ વસંત ઋતુની ગરમીથી પીગળવા લાગે છે. એ શરીરમાં ફેલાવા લાગે છે, અને એટલે જ વસંતઋતુમાં કફદોષનો પ્રકોપ થાય છે અને આ કારણે જ વસંત ઋતુમાં કફ દોષથી થતાં રોગો જેવા કે, શરદી, ખાંસી, ઉધરસ, શ્વાસ, વાયરલ ઇન્ફેકશન, બ્રોન્કાઇટીસ, એલર્જી, ફંગલ ઇન્ફેકશન વગેરે થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.
આ પીગળેલો કફ આપણા શરીરનાં જઠરાગ્નિને મંદ કરે છે અને આયુર્વેદ માને છે કે, 'રોગા: સર્વેડપિ મન્દાગ્નૈ:' એટલે કે, સર્વ રોગોનું મૂળ મંદાગ્નિ છે. આ ઉપરાંત આયુર્વેદ એમ પણ માને છે કે, શરીરની રોગપ્રતિરોધક શક્તિનો બધો જ આધાર જઠરાગ્નિ પર રહેલો છે, જેનો જઠરાગ્નિ પ્રબળ હોય તેની રોગપ્રતિરોધક શક્તિ ખૂબ વધારે હોય છે.
આ કારણે જ વસંતઋતુમાં હલકો, સૂકો, શેકેલો, અને કફને નાશ કરે તેવો આહાર લેવો જોઇએ. શેકેલી ધાણી, દાળિયા, ખજૂર વગેરે કફનો નાશ કરે છે. તેથી હોળીમાં આવો ખોરાક લેવાનું આયુર્વેદમાં વિધાન છે.
આ સિવાય હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં ઘી, કપૂર, ઔષધિયુક્ત લાકડા ગોબરના છાણા વગેરે પણ નાખવામાં આવે છે. જેથી વાતાવરણમાં રહેલા વાઇરસ અને બેક્ટેરીયાનો સહજ રીતે નાશ થઇ જાય છે. વળી હોળીકાનો સહજ રીતે નાશ થઇ જાય છે. વળી હોળીકા દહન દરેક ચાર રસ્તા ઉપર કરવામાં આવે છે.
જેની સમગ્ર વાતાવરણ વાયરસ મુક્ત અને શુધ્ધ થઇ જાય છે. વળી હોળીની પ્રદક્ષિણા કરવાનું પણ એક વૈજ્ઞાાનિક મહત્ત્વ છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી હોળીની ગરમીથી શરીરમાં પ્રકોપ પામેલો કફદોષ ઓછો થવા લાગે છે, અને કફથી થતાં રોગો, શરદી, ખાંસી, બ્રોન્કાઇટીસ, અસ્થમા, શ્વાસ વગેરેમાં ખૂબ ફાયદો થાય છે.
આ ઉપરાંત ધૂળેટીમાં રંગોથી રમવું, કૂદવું, નાચવું, નાસ-ભાગ કરવી વગેરે આપણે કરીએ છીએ, આનાથી વસંતઋતુમાં વધેલા-પ્રકુપિત થયેલા કફદોષથી શરીરમાં જે આળસ-જડતા-સુસુપ્તા વગેરે તુરંત દુર થાય છે.
પહેલાનાં સમયમાં હર્બલ કલરથી હોળી રમવામાં આવતી હતી. આ હર્બલ કલર હળદર, ચંદન, કેસૂડો વગેરેમાંથી બનાવવામાં આવતા હતાં, જેનાથી ત્વચાની ક્રાંતિ અને સુંદરતામાં વધારો થતો હતો. પરંતુ આજ-કાલ કલર બનાવવા માટે રસાયણયુક્ત તત્ત્વોનો ઉપયોગ થતો હોઈ સ્કીનડીસીઝ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. ઘણીવાર સ્કીનની સાથે-સાથે વાળમાં પણ રસાયણયુક્ત કલર લાગતો હોઈ વાળની સમસ્યાઓ પણ સર્જાય છે. જેથી આ તહેવારમાં હર્બલ અને ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો જ સ્વાસ્થ્ય માટે સલામતભર્યું છે.
હર્બલ કલર બનાવવા માટે બીરરુટ, તુલસી, ફુદીનો, પાલખ, હળદર, પર્પલ કેબીજ વગેરેનો ઉપયોગ કરીને તેને મેદા સાથે મીક્સ કરીને આ કલર્સ બનાવી શકાય છે. જે આપણી ત્વચા, વાળ તથા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ રીતે સલામત છે. આ ઉપરાંત કેસૂડો પણ હર્બલ કલરયુક્ત પાણી બનાવવા માટે અતિ ઉપયોગી છે. કેસૂડો ગરમીમાં ઠંડક આપે છે. ત્વચાને ક્રાંતિ આપે છે. તેમજ અળાઈ, ફોડલીઓ વગેરેમાં પણ રામબાણ ઇલાજ છે. કેસૂડાવાળા પાણીથી હોળી રમવાથી હોળીનાં આનંદની સાથે-સાથે (સ્કીન) ત્વચા અને કેશ પણ ક્રાંતિમય થાય છે.
આમ, આયુર્વેદીક હોળી સ્વાસ્થ્ય અને સમાજની દ્રષ્ટિએ અતિસુરક્ષિત છીએ તો આ જ રીતે અપનાવીએ અને આપણા આનંદ અને સ્વાસ્થ્યમાં વધારો કરીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQ23n2
ConversionConversion EmoticonEmoticon