ઓરેન્જ આઈસ્ક્રીમ
સામગ્રી :
૧ કપ ફ્રેશ ક્રીમ, ૧ ટિન કન્ડેન્સ મિલ્ક, ૩ કપ દૂધ, ઓરેન્જની પેશી ૨ કપ, ૩ ટેબલસ્પૂન ખાંડ, વેનિલા અથવા આઈસક્રીમ એસેન્સ, ૧ ટેબલસ્પૂન જિલેટીન, ૩ ટેબલસૂ્રન પાણી.
રીત :
જિલેટીન ને પાણીમાં પાંચ મિનિટ પલાળવું. ધીમા તાપે ગરમ કરવું. જિલેટીન ઓગળે એટલે નીચે ઉતારવું. જિલેટીન ઠંડુ થાય એટલે બાકીની બધી સામગ્રી મિક્સ કરી બીટ કરવું. ઓરેન્જના નાના ટુકડા કરી નાખવા. સંચામાં અથવા ફ્રિજમાં સેટ કરવા મૂકવું.
વેરીએશન :
૧. ઉપર પ્રમાણે જ ઓરેન્જની જગ્યાએ પાઈનેપલ, કેરી, ચીકુ, સ્ટ્રોબેરી વગેરે કોઈ પણ ફ્રૂટનો આઈસ્ક્રીમ બનાવી શકો. થોડા ટુકડા અને થોડો પલ્પ પણ નાખી શકાય.
૨. ઉપરની રેસિપીમાં ફ્રૂટના ટુકડાની સાથે ડ્રાયફ્રૂટનું કોમ્બિનેશન કરી શકાય. જેમ કે પાઈનેપલ અંજીર.
મનભાવન આઈસ ક્યૂબ સામગ્રી :
સ્ટ્રોબરી, ફુદીનાનાં પાન, દ્રાક્ષ, ચેરી અને લેમોનેડ.
આઈસ ટ્રેમાં દરેક ખાનામાં ફુદીનાનાં પાન, દ્રાક્ષ, ચેરી કે સ્ટ્રોબેરી મૂકી ઉપર લેમોનેડથી આખી ટ્રે ભરી જામવવા માટે ફ્રિઝરમાં મૂકી દેવી. જામી જાય એટલે આઈસ ક્યૂબ ખાવાની મજા લો. આવી રીતે જ વેજિટેબલ આઈસ ક્યૂબ પણ બનાવી શકાય. તેમાં લેમોનેડને બદલે પાણી જ વાપરો.
ડ્રાયફ્રૂટ લસ્સી
સામગ્રી :
૪ કપ મોળું દહીં, ૪ ટેબલસ્પૂન ખાંડ, ૪ ટેબલસ્પૂન રોઝ શરબત, ૪ ટેબલસ્પૂન દૂધની મલાઈ અને ૪ ટેબલસ્પૂન મિક્સ ડ્રાયફ્રૂટ બારીક સમારેલું.
દહીંમાં ખાંડ નાખીને ચર્ન કરો. તેમાં રોઝ શરબત તથા બરફનો ભુક્કો નાખી ફરી ખૂબ ચર્ન કરો. હવે દરેક ગ્લાસમાં લસ્સી ભરી ઉપર ડ્રાયફ્રૂટ ભભરાવો. ઉપર મલાઈ નાખીને આપો. ખૂબ ઠંડી સર્વ કરવી. આ જ રીતે રોઝના બદલે ખસનું શરબત નાખીને આપવાથી પણ સરસ લાગશે
તડકાનું લીલી દ્રાક્ષનું શરબત
સામગ્રી :
૧ કિલો દ્રાક્ષ, દોઢ કિલો ખાંડ, ગ્રીન કલર, ૪ ગ્રામ સોડિયમ બેન્ઝોઈટ.
રીત :
દ્રાક્ષને પાણીથી ધોઈને કોરી કરવી. કાચની બરણી કે સ્ટીલના ટોપમાં પહેલાં નીચે ખાંડનો થર કરવો. તેની ઉપર થોડી દ્રાક્ષ મૂકવી. ફરી ખાંડ, ફરી દ્રાક્ષ એમ ચારથી પાંચ થર કરવા. છેલ્લે ઉપર ખાંડનો થર થાય તેમ ભરવાનું. તપેલીને પાતળું કપડું બાંધી છૂંદાની જેમ તડકે મૂકવી. રોજ હલાવીને ફરી મૂકવું. ખાંડ ઓગળી જાય અને ચાસણી થાય ત્યારે તેને ચર્ન કરી એકરસ કરવું. તેમાં કલર અને સોડિયમ બેન્ઝોઈટ એક ચમચી પાણીમાં ઓગાળીને નાખવું. બરાબર હલાવી સ્ટરિલાઈઝ કરેલી બોટલમાં ભરી લેવું. આપતી વખતે ગ્લાસમાં બરફનો ભુક્કો અને થોડી દ્રાક્ષ મૂકી એકદમ ઠંડું આપવું.
કન્ડેન્સ મિલ્કનો આઈસ્ક્રીમ
સામગ્રી :
૧ ટિન કન્ડેન્સ મિલ્ક, ૨ કપ દૂધ, ૨ ટીસ્પૂન જિલેટીન, ૩ ટેબલસ્પૂન પાણી આઈસ્ક્રીમ એસેન્સ.
જલેટીનમાં પાણી નાખી બે ત્રણ મિનિટ પલાળવું. પછી જિલેટીનને ધીમા તાપે ગરમ મૂકી જિલેટીનને ઓગાળવું. ઠંડું થવા દેવું. કન્ડેન્સ મિલ્ક સાથે દૂધ મિક્સ કરી તેમાં જિલેટીન નાખી એસેન્સ નાખી ફ્રિજ અથવા સંચામાં આઈસક્રીમ કરવો.
ચોકલેટ આઈસ્ક્રીમ
સામગ્રી :
દૂધ ૧ લિટર, ૩૦૦ ગ્રામ ક્રીમ, કોકો ૨ ટેબલસ્પૂન ખાંડ પોણો કપ, કસ્ટર્ડ પાઉડર, ૨ ટેબલસ્પૂન વેનિલા એસેન્સ, જિલેટીન ૧ ટી-સ્પૂન. અખરોટ અને બદામના ટુકડા.
રીત :
કોકો તથા કસ્ટર્ડ પાઉડરને એક વાસણમાં ભેગા કરવા. થોડું દૂધ રેડી પેસ્ટ બનાવવી. બાકીનું દૂધ ગરમ મૂકવું. દૂધ ઊકળવા આવે એટલે તેમાં ખાંડ નાખી ૧૫ થી ૨૦ મિનિટ ઉકાળવું. કસ્ટર્ડ પાઉડરની પેસ્ટ નાખી હલાવી બે મિનિટમાં નીચે ઉતારી લેવું. ઠંડું થવા દેવું. એકદમ ઠંડું થાય એટલે ક્રીમને સંચાથી બીટ કરીને દૂધમાં મિક્સ કરવું. જિલેટીનને પાણીમાં પલાળવું. પાંચેક મિનિટ પછી ધીમા તાપે ગરમ કરી જિલેટીન ઓગાળવું. જિલેટીન દૂધમાં નાખી બરાબર મિક્સ કરવું. એસેન્સ નાખવું. જો સંચામાં આઈસ્ક્રીમ કરવો હોય તો બદામ-અખરોટ નાખી દેવી. ફ્રિજમાં કરવો હોય તો એક ચર્ન કર્યા પછી નાખવા.
આઈસ્ક્રીમ ફાલુદા
સામગ્રી :
૧ કપ ઠંડું દૂધ, ૨ કપ તકમરિયાં, પલાળેલા રોઝ અથવા કેસર સિરપ, બરફનો ચૂરો, ૧૦ ચમચા કોર્નફ્લોર, સાડા પાંચ કપ પાણી, સેવનો સંચો અને બરફ.
એક વાસણમાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરવાં બરાબર હલાવીને ગરમ કરવા મૂકવું. સતત હલાવતાં રહેવું. જેથી ગાંઠા ન પડે. ઘટ્ટ થાય એટલે ઉતારીને સાધારણ ઠંડું થાય એટલે સેવના સંચામાં ભરીને બરફ ભરેલા વાસણમાં સેવ પાડવી. બરફના પાણીમાં જ સેવ રાખવી. છૂટી રહેશે. હવે એક લિટર દૂધનો વેનિલા આઈસ્ક્રીમ તૈયાર કરવો. કેશર ફાલુદા બનાવવું હોય તો કેશર આઈસક્રીમ કરવો. હવે લાંબા ગ્લાસમાં નીચે સીરપ સેવ ને ઉપર દૂધ રેડી ગ્લાસ ભરવો. ઉપર એક સ્પૂન આઈસક્રીમ મૂકી સર્વ કરવું. ચિલ્ડ સર્વ કરવું. જોઈએ તો ગ્લાસમાં નીચે બરફનો ચૂરો નાખવો.
થ્રી ઈન વન પુડિંગ
સામગ્રી :
એક સ્પંજ કેક, એક નાનું ટિન પાઈનેપલ, ત્રણ કપ વેનિલા આઈસક્રીમ, સ્ટોબરી જેલી, ૨૦૦ ગ્રામ ફ્રેશ ક્રીમ, ચેરી, સાકર.
જેલીને દોઢ કપ ગરમ પાણીમાં ઓગાળી ઠંડું કરી ફ્રિજમાં સેટ કરવા મુકો. સ્પન્જ કેક ઉપર પાઈનેપલ સીરપ ધીમે ધીમે છાંટો (ટિનમાંનું સીરપ) થોડી વાર રહી ફરીથી સીરપ થોડું થોડું છાંટો. હવે જેલી સેટ થઈ જાય એટલે ક્રીમ પર જેલીને પાથરી દો. ક્રીમમાં સાકર નાખી બીટ કરો. જેલી ઉપર આઈસક્રીમ પાથરો. ફરતું પાઈનેપલ મૂકો. ઉપર પણ પાઈનેપલ મૂકી ફરીથી ક્રીમ પાથરો. ઉપર પાઈનેપલ તથા ચેરીથી ડેકોરેશન કરી સર્વ કરો.
- હિમાની
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39LpDiS
ConversionConversion EmoticonEmoticon