
- લંગડી ઘોડી લાલ લગામ : 10
જૂલી હવે કંઈ નાની ન હતી.
તે ઘોડિયામાં સૂતી ન હતી.
મમ્મીએ તેને માટે નાની પલંગડી બનાવી હતી.
પલંગડીને ચારે બાજુ કઠેરા મૂકી દીધા હતા. કે જેથી જૂલી ઊંઘમાં પડી જાય નહિ.
જૂલીને હજી મમ્મીના હાલરડાં યાદ છે.
ચાંદામામાનું એક હાલરડું તો તે રમ્યા જ કરે છે.
તેમાં પાછો મમ્મીનો હલકદાર કંઠ. લતાનેય ગાતા શીખવી જાય તેવો.
અમાસને દહાડે દેખાય નહિ.
પડવાએ પણ તે પધારે નહિ.
બીજુને દિવસે પાતળી રેખા,
ત્રીજે જરા ચોકખી સુરેખા.
ચોથથી તેનો રૂઆબ શરૂ
પાંચમે કહે : જુઓ પાંખિયા ભરૂં
છઠ્ઠથી હસવા લાગે ખિલખિલખિલ
સાતમે ભરે તે તારાઓની મહેફિલ
આઠમે વધે તેનો ઝકાસ ઉજાસ
નાચે કહે અંધારાને: નાસ નાસ નાસ
દશમાંથી દોડ એની વધતી જાય
અગિયારસે દાદી ચાંદો જોઈને જ ખાય.
ૂબારસે શ્વાનને કહે : ભલે ભસ ભસ
તેરસે રૂપ જુઓ ભરાવદાર કસ
ચૌદમીએ હસુ હસુને હસ હસ હસ
પૂનમે પૂરબહારમાં જુઓ ચાંદનીનો જશ
આંખમાં ચાંદામામાની રમત ભરીને નાનકી ભૂલી સૂઈ સૂઈ જતી. પણ ચાંદો અને ચાંદની જરાય ખસતી નહિ. બંધ પાંપણમાં બસ હસતી જ રહેતી, હસતી જ રહેતી !
જૂલીએ જ ચાંદ અને ચાંદરણાં સાથે મોટી થઈ હતી. હવે તે પલંગમાં સૂતી. પણ ચાંદામામાની રમત સાથે તે જરૂર રમત રમતી.
તેની આંખ ઝપકે કે તેને થયું, આ ચંદાને મારે પકડવો જોઈએ. અમાસ અને પડવામાં તો દેખાય જ નહિ, પછી પકડે કેવી રીતે ? બીજે ચાંદાની રેખા એકદમ બીજરેખા જેવી હોય ! શોધે માંડ જડે ? ત્રીજે હજી તે વજન ઉપાડી ન શકે. ચોથ પાંચમ છઠ પર તેની પર ઝૂલા નાખી શકાય. લાંબે ઝૂલે ઝૂલીય શકાય.
ઝૂલીને ચાંદ-ઝૂલાના વિચારો આવ્યા જ કરે.
ઊંઘવા જાય ત્યારે ઝૂલા-ગીતના પ્રયાસ કરે. હા વળી, મમ્મીને હાલરડું રચતાં આવડે તો આપણને કેમ ન આવડે ? હાલરડું નહિ તો ઝૂલરડું ! તે જોડવાનો પ્રયાસ કરે જ રાખે. તેણે મનમાં જ શબ્દો ગોઠવવા માંડયા.
હું તો ચાંદાને ઝૂલે ઝૂલું
કે ઝૂલો મારો ઝૂલકડું
હું તો આકાશી ઝૂલે ઝૂલું
કે આજ મારૂં હાલરડું
હું તો ગીતડાં નવા નવા જોડું
કે આ જ મારૂં ગીતકડું.
હું તો અવકાશી ફાળ ભરૂંભરૂં
કે જુઓ મારૂં ફૂલકડું
હું તો ઉત્તરથી દખ્ખણ દોડું
કે ગોખું મારૂં દોડકણું.
મારો ઝૂલો ક્યાંય ન અથડાય
કે ઝૂલડું મારૂં રૂપકડું.
મારા ભય બધાં નિરભય થાય
કે નીડર મારૂં નીરડકણું
જાગે કે શબ્દો ગોઠવી ગોઠવીને લખી નાખે. પછી ફરી વાંચે ત્યારે વિચારે કે આવા ઝૂલકડું, ગીતકડું, ફૂલકડું, દોડકણું, નીરડકણું, જેવા શબ્દો કંઈ જોડાય ?
ચાંદામામા જાણે સાંભળતાં હોય એમ તેને કહેતા સંભળાયા :
'જુલી, સમાચાર વાંચ ! દર વરસે શબ્દકોશમાં નવા નવા સરજાયેલા શબ્દોનો ઉમેરો થતો જાય છે. આપણે આપણાં બાળકોશમાં એજ શબ્દો ઉમેરી દઈશું.'
મોટાઓનો મોટો કોશ
તો નાનાઓનો નાનો કોશ
તેમના શબ્દો અટપટા
તો આપણાં શબ્દો ચટપટા
ઝૂલાવ ઝૂલી તારા શબ્દના ઝૂણા
દંગ રહી જશે જોઈ સૌ આકાશી ઝૂલા
ઝૂલી સપનામાં હતી, કલ્પનામાં હતી, તંદ્રામાં હતી, વિસ્મયમાં હતી, કે જ્યાં હતી ત્યાં હતી ! તેણે ચાંદામામાને પૂછ્યું : 'મામા હું તમારી પંક્તિ પૂરી કરૂં ?'
મામા કહે : 'મને જરૂર ગમશે. જરૂર ગમશે.'
કોઈક વળી બોલ્યું : 'મને ય ગમશે'
વળી પાછો આકાશવાણી જેવો અનેરો ગુંજારવા સંભળાયો : 'અમને ય ગજારોજ ગમશે.'
જૂલીને લાગ્યું કે તેની મમ્મી અને આકાશી તારલાય સાક્ષી પૂરાવી રહ્યાં છે કે શું ? આકાશી તારલાય સાક્ષી પૂરાવી રહ્યાં છે કે શું ?
તેણે ચાંદામામાના ચાંદરણાંની ચુતુષ્કડી પૂરી કરી.
ગાન ના ઝૂલા જ્ઞાાનના ઝૂલા
વિજ્ઞાાન ! સાચા કરજે અમારા બાલ-તાન-ઝૂલા અડધી રાતના કે પાછલી રાતના તે ઝબકીને જાગી ઉઠી. પંચમનો ચાંદ આંખ મીંચકારી મીંચકારી હસતો હતો. તેણે એ દૃશ્ય આંખમાં ભરી દેવા આંખ મીંચી તો તે ખરેખર ચાંદને તેણે તે ઝૂલે ઝૂલાવી જ હતી.
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wXBh4h
ConversionConversion EmoticonEmoticon