
- 'છોટુદાદા, તમારી વાત તદ્દન સાચી છે. આવી સમજણ મારા પરિવારમાં કોઇએ મને આપી જ નથી બધાને સ્ટેટસની પરવા છે. મને માફ કરજો. દોસ્તો, કાલથી હું પણ અમરને અને બીજા જરૂરતમંદ વિદ્યાર્થીને મદદરૂપ થવાના પ્રયત્ન અવશ્ય કરીશ.
પ રિક્ષા નજીક આવી રહી હતી, એટલે સ્વભાવિક રીતે વિદ્યાર્થીઓ પણ અભ્યાસાર્થે સતર્ક અને ગંભીર બની ગયા હતા. ધ્વનિલના ઘેર આર્યન, અંશુલ, તીર્થ, અંજની અને મોક્ષા ભણવા માટે એકઠા થયા હતા. બધા પરસ્પર એકબીજાને અભ્યાસમાં મદદરૂપ થતાં હતાં.
'ધ્વનિલ અમે કામથી બહાર જઇએ છીએ, માટે સમય વેડફતા નહીં અને ધ્યાનથી ભણજો' ધ્વનિલના પપ્પા ધર્મેશભાઈએ કહ્યું, પછી ધર્મેશભાઈ અને ધ્વનિલના મમ્મી કાજલબેન બહાર ગયા. ધ્વનિલ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. શાળાના શિક્ષકગણમાં અને બધા જ વિદ્યાર્થીઓમાં માનીતો હતો. વર્ગના સહાધ્યાયીઓ અને સોસાયટીના બાળકો અવારનવાર તેની પાસે ભણવા અને શીખવા આવતા. બધાની અભ્યાસકીય મૂંઝવણ તે દૂર કરી તેમને મદદરૂપ થતો હતો.
બધા બાળકો ભણી રહ્યા હતાં, ત્યાં તો કોઇએ ડોરબેલ વગાડી. ધ્વનિલે ઉભા થઇને બારણું ખોલ્યું. સામે ઇસ્ત્રીવાળા રામુકાકા ઉભા હતા. 'લો, તમારા ઇસ્ત્રીના કપડાં' આટલું બોલીને રામુકાકાએ કપડાંનું પોટલું ધ્વનિલના હાથમાં મૂક્યું.
'રામુકાકા, મમ્મી-પપ્પા બહાર ગયા છે, માટે ઇસ્ત્રીના કપડાંના પૈસા પછી લઇ જજો'
'સારું, બેટા શું ભણે છે તું ?' રામુકાકાએ પૂછ્યું.
'હું તો કોલેજમાં એન્જીનરિંગનો અભ્યાસ કરું છું. નવરાશની પળોમાં હું મારા મિત્રો અને સોસાયટીના બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરું છું.' ધ્વનિલ બોલ્યો.
'વાહ...બેટા...વાહ બહુ સારી વાત કહેવાય... એક વાત-- પૂછું તને ?' થોડા સંકોચ સાથે રામુકાકા બોલ્યા. ધ્વનિલે હકારમાં માથુ હલાવ્યું એટલે રામુકાકા બોલ્યા, 'મારે અમર નામનો દિકરો છે. અમર આઠમા ધોરણમાં ભણે છે. હું તો બહુ ભણ્યો નથી. પરંતુ મને મારા અમરને અંગ્રેજી માધ્યમમાં ખૂબ ભણાવવાની ઇચ્છા છે.'
રામુકાકા અને ધ્વનિલની વાતચીત ચાલતી હતી, ત્યારે આર્યન, અંશુલ અને તીર્થ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. 'સારું કર્યું તમે... આજ તો ભલે અંગ્રેજી આપણી માતૃભાષા કે રાષ્ટ્રભાષા નથી, પરંતુ બધે તે જરૂરિયાતની ભાષા બની ગઈ છે. સારી સારી કંપનીમાં કે ઓફિસમાં નોકરી માટે તે આવશ્યક અંગે બની ગઇ છે.' તીર્થે રામુકાકાને કહ્યું.
'હા બેટા, તારી વાત સાચી છે' રામુકાકા બોલ્યા 'રામુકાકા તમે તો બહુ ભણેલા નથી, તો પછી તમારા અમરને કોણ ભણાવે છે ?' આર્યન અને અંશુલે પૂછ્યું.
'આમ તો અમર ભણવામાં સારો અને મહેનતુ છે, પરંતુ કેટલીકવાર અભ્યાસ દરમ્યાન કંઇક ના સમજાય તો મુંઝાઇ જાય છે. વળી મારા આડોશ-પાડોશમાં પણ કોઈ વધારે ભણેલું નથી... વળી ટયુશનના પૈસા ખર્ચવાની મારી તાકાત નથી.'
'તમે જરાય મુંઝાશો નહીં... મારે શનિવાર અને રવિવારે રજા હોય છે. હું જરૂર તેને અભ્યાસમાં મદદ કરીશ.' ધ્વનિલ બોલ્યો.
'રામુકાકા, ધ્વનિલભાઈ તો મને અને મારી બહેન મોક્ષાને પણ અભ્યાસમાં ખૂબ મદદ કરે છે' અંજની બોલી બાળકોની વાત સાંભળી રામુકાકાની આંખો હસી ઉઠી. બીજા દિવસથી અવાર-નવાર અમર અહીં શીખવા માટે આવવા લાગ્યો. બધા અમરને માત્ર ભણવામાં જ નહીં, પરંતુ અભ્યાસ માટેની જરૂરી સામગ્રી નોટબુકો, પેન, કંપાસ વગેરે પણ આપતાં.
ધ્વનિલની સોસાયટીની બાજુના બંગલામાં ધ્વનિલનો મિત્ર દિપેશ રહેતો હતો. બન્ને જણા કૉલેજમાં સાથે હતા. દિપેશ શ્રીમંત શેઠનો નબીરો હતો, તેના માટે તેના પિતાએ ટયુશન શિક્ષકની ઘરે જ વ્યવસ્થા કરી આપી હતી. દિપેશને ધ્વનિલની સમજાવવાની પધ્ધતિ ખૂબ ગમતી હતી, એટલે તે પણ અવારનવાર અહીં ભણવા આવતો હતો.
એકવાર ધ્વનિલ અમરને ભણાવતો હતો. ત્યારે ત્યાં દિપેશ પણ આવી ગયો. અમરને જોઇને દિપેશના મુખ પર નારાજગીના ભાવ રેલાયા. દિપેશ શ્રીમંત હતો અને તેના માતા-પિતા તેને હંમેશા કહેતા, 'આપણે આપણી બરોબરવાળા સાથે બેસવું ઉઠવું જોઇએ. મિત્રો પણ આપણી સાથે શોભે તેવા હોવા જોઇએ.'
અમર ભણીને વિદાય થયો, ત્યારે દિપેશ બોલ્યો, 'અરે યાર આવા ફાલતુ વિદ્યાર્થી સાથે શું કરવા ભેજાફોડી કરે છે ? આવા નાના માણસો સાથે બહુ રિલેશન રાખવાનું જ નહી, આપણે ભણવાના હોઇએ ત્યારે તું અમરને ના બોલાવે તો ચાલે નહીં ?... ના પાડી દેતો હોય તો... નાહક એ આવે અને ડિસ્ટર્બ કરે...'
'દિપેશ, દુનિયામાં બધા તારા જેવા શ્રીમંત નથી હોતા, જે પોતાનું મનચાહ્યું બધું જ મેળવી શકે. જેના પેટનો ખાડો પણ પરાણે પૂરાતો હોય. તેવા માબાપ બાળકને ભણાવવા માંગે છે, તો આપણાથી થાય તેટલો ટેકો કરવામાં ખોટું શું છે ?' ધ્વનિલના કાકી દર્શનાબેનને રસોડામાંથી બહાર આવીને પોતાનો અભિપ્રાય રજુ કર્યો.
એટલામાં મંદિરેથી પાછા આવી ગયેલા છોટુદાદાએ બધી વાત જાણી એટલે તેઓ બોલ્યા 'બાળકો, આપણાં ધર્મશાસ્ત્રમાં અનેક દાનની મહત્તા બતાડવામાં આવી છે જેવી કે અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન વગેરે... આ બધામાં સૌથી ઉત્તમ વિદ્યાદાન ગણાય છે. તમારી અંદર રહેલાં જ્ઞાાનને, વિદ્યાને વહેતી મૂકો તો કંઇકના ભવિષ્ય ઉજ્જવળ બનાવશે, અને તે વ્યક્તિ તમને જીવનભર દુઆ દેશે. વિદ્યાદાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ નાની કે મોટી, ઊંચી કે નીચી, અમીર કે ગરીબ છે એવું ના વિચારો. તમારા જ્ઞાાનને ફેલાવો, વિચાર અને દ્રષ્ટિ બન્ને બદલો. એકતા અને સમાનતાના પાયાને મજબૂત બનાવી સમાજ અને દેશને મજબૂત બનાવો અને વિકાસપંથે આગળ વધો. આપણા પ્રધાનમંત્રી સાચું જ કહે છે 'સબકા સાથ સબકા વિકાસ''
'છોટુદાદા, તમારી વાત તદ્દન સાચી છે. આવી સમજણ મારા પરિવારમાં કોઇએ મને આપી જ નથી બધાને સ્ટેટસની પરવા છે. મને માફ કરજો. દોસ્તો, કાલથી હું પણ અમરને અને બીજા જરૂરતમંદ વિદ્યાર્થીને મદદરૂપ થવાના પ્રયત્ન અવશ્ય કરીશ. હું મારી વિચારસરણી બદલીશ, સાથે સાથે મારા માતા-પિતાને પણ તેમની વિચારસરણી બદલવા જણાવીશ.
દિપેશના વિચારોનું પરિવર્તન જોઇને, તેના બધા જ મિત્રો ખુશખુશ થઇ ગયા. બધા પાછા ભેગા મળીને ભણવા બેસી ગયા.
- ભારતી પી. શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wXBcgZ
ConversionConversion EmoticonEmoticon