કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ટોળકીનો સાગરિત આખરે દાહોદથી પકડાયો


આણંદ : દાહોદના વડવા-ખજૂરીયાની કુખ્યાત ચડ્ડી-બનીયાન ગેંગના સાગરીત અને ઘરફોડ લૂંટ તથા ધાડના અલગ-અલગ ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને આણંદ શહેર તથા વિદ્યાનગર પોલીસની ટીમે દાહોદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ તથા વિદ્યાનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી-બનીયાન ગેંગ સક્રિય થઈ હોવાનું ઉજાગર થયું હતુ. 

આ ગેંગે કેટલીક રહેણાંક સોસાયટીઓને નિશાન બનાવી ઘરફોડ લૂંટ તેમજ ધાડને અંજામ પણ આપ્યો હતો. ગત મહિને ઉપરાછાપરી બનેલ લૂંટ તથા ધાડના બનાવોને લઈ આણંદ તથા વિદ્યાનગરની પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધરી ચડ્ડી-બનીયનધારી ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો હતો. દરમ્યાન વિવિધ થીયરી ઉપર અભ્યાસ કરતા દાહોદના વડવા-ખજૂરીયા ગામની ચડ્ડી-બનીયન ગેંગના શખ્શોએ આણંદ-વિદ્યાનગરમાં ધાડ, લૂંટના બનાવોને અંજામ આપ્યો હોવાનું ઉજાગર થયું હતું.

જેથી પોલીસે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સ કામે લગાડી એક ટીમ દાહોદ ખાતે મોકલી હતી. જેમાં તપાસ કરતા મળતી માહિતીને આધારે આ ગેંગના વધુ એક સાગરીત લક્ષ્મણ મૂળીયાભાઈ કટારા (રહે.વડવા, તા.ગરબાડા, જિ.દાહોદ)ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d4scP8
Previous
Next Post »