શતાવધાની! .


- અનેક કામ એક સાથે કરી શકે તેવા જિનિયસ

- તેમનું પહેલું ચિત્રપટ તે 'શ્યામ ચી આઈ'. મરાઠીના ગિજુભાઈ સાને ગુરૂજીની અમર રચના. રાષ્ટ્રીય પારિતોષિકોની શરૂઆત એ ચિત્રપટથી થઈ

આ ચાર્ય અત્રે મરાઠીના જાણીતા હાસ્યકાર પણ તેઓ માત્ર લેખક જ ના પત્રકાર, નાટયકાર, રાજનેતા અને કોણ જાણે શું શું ? તેમણે જે ધંધામાં હાથ નાખ્યો છે તે ધંધો ખીલી ઊઠયો છે. તેઓ નાટકો લખે છે તો એ નાટકો સેંકડો નાઈટો સુધી ચાલતાં જ રહે છે. તેમણે ચિત્રપટો ઉતાર્યા છે, તો એ ચિત્રપટ રાષ્ટ્રપતિ સુર્વણપદક મેળવી ચૂક્યાં છે. તેમનું પહેલું ચિત્રપટ તે 'શ્યામ ચી આઈ'. મરાઠીના ગિજુભાઈ સાને ગુરૂજીનો અમર રચના. રાષ્ટ્રીય પારિતોષિકોની શરૂઆતએ ચિત્ર પરથી થઈ. તેમણે છાપાં અને ચોપાનિયાં કાઢ્યાં છે તો એ છાપાંઓ પણ એટલાં ચાલ્યાં છે કે ફેલાવાના વિક્રમો તોડયા છે. પણ આચાર્ય અત્રે હાસ્યકાર તો ખરેખરા. તેમના સેંકડો ટુચકા અને હાસ્યપ્રસંગો મરાઠી લોકોમાં ફરી વળ્યા છે. તેમની ખરી ખૂબી તેમનું પ્રવચન. તેમનું ભાષણ હોય એટલે લોકો દૂર દૂરથી સાંભળવા આવે, તેમનું ભાષણ એટલે બે થી ત્રણ કલાકનું ખડખડાટ હાસ્ય. એ હાસ્ય પાછું કોઈને ઉતારી પાડતું નહિ, પણ હેતુલક્ષ, કટાક્ષમય અને ઉચ્ચ કક્ષાનું સાહિત્યિક હાસ્ય જ હોય !

મરાઠીમાં દિવાળી પ્રસંગે લગભગ ત્રણસો જેટલા દિવાળી અંકો બહાર પડે છે. દિવાળી અંકોની સ્પર્ધા ખરેખર ઘણી જ જબરી અને કપરી હોય છે. દરેક દિવાળી અંકે કોઈ પણ હિસાબે અને ભોગે શ્રેષ્ઠ લેખકને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે જ છે અને તેમાં યે આચાર્ય અત્રેને મેળવવા એ તો તેમનો ખાસ આગ્રહ હોય છે.

આચાર્ય અત્રે જ્યાં સુધી લેખક રહ્યા ત્યાં સુધી એ દિવાળી અંકોને સંતોષતા રહ્યા. પણ જ્યારથી ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને જ્યારથી પોતાનું દૈનિક છાપું 'મરાઠા' કાઢ્યું ત્યારથી તો તેઓ પોતાના કામમાં એવા રોકાઈ ગયા કે ભાગ્યે જ બીજાં સામયિકો માટે સમય કાઢી શકે !

મરાઠીમાં 'આવાઝ'નામનું અનોખા પ્રકારનું હાસ્યરસનું વાર્ષિક નીકળે. મરાઠીના સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવા બધા જ હાસ્યકારોને મેળવવાનો 'આવાઝ'ના તંત્રી પાટકર આગ્રહ રાખે જ.

પાટકર પણ એવા શોખીન માણસ છે કે લેખક ગમે તેટલો મોંઘો હોય, પણ એકવાર પાછળ પડી જાય તો તેમને મેળવ્યા વગર છોડે જ નહિ.

વિવિધ સમયે સમય નિશ્ચિત કરીને પાટકર આચાર્ય અત્રેને મળતા રહ્યા. દરેક વખતે અત્રે વાયદો આપીને છટકી જતા.

એકવાર જીદ કરીને આચાર્યને પકડયા જ. કહ્યું: 'દાદા, આ વખતે તમને નહિ છોડું. કોઈ પણ સંજોગોમાં લેખ મેળવીને જ રહીશ.'

આચાર્ય કહે ,'હું પણ લેખ આપવા જ માગું છું, દોસ્ત. પણ શું કરું, વિદ્યાનસભાની બેઠક શરૂ થઈ ગઈ છે.' પછી એકાએક અટકી જઈને ચપટી વગાડીને તેઓ બોલી ઊઠયા: હા, બોલો,વિધાનસભામાંથી લેખ મેળવી શક્શો ?

'કેવી રીતે ?'

આચાર્ય કહે,'એ તમે તમારી મેળે જોઈ લેજો. વિધાનસભા ચાલતી હોય ત્યારે હાજર રહેજો.'

અને વિધાનસભા શરૂ થઈ ત્યારે પાટકર પહોંચ્યા. આચાર્ય અત્રે વિરોધપક્ષના એક અગ્રણી સભ્ય હોઈ, તેમની જવાબદારી વિશેષ રહેતી. તેઓ ખૂબ જ સક્રિય રીતે વિધાનસભાની ચર્ચામાં ભાગ લેતા, પણ બારીમાંથી પાટકર જુએ છે તો તાજ્જુબી ! તેમની નવાઈનો પાર રહ્યો નહિ.

એક બાજુ વિધાનસભાની ચર્ચા ચાલતી હતી,તો બીજી બાજુ આચાર્ય 'આવાઝ' માટે લેખ લખતા હતા. તેઓ એક એક પાનું લખતાં જાય અને બારીમાંથી પાટકર તરફ સેરવતાં જાય.

પાટકર તો એ લેખ વાંચી વાંચીને હસતા જાય. એ લેખ ઓર રંગ જમાવતો હતો ! અને સાથોસાથ આચાર્ય વિધાનસભામાં ધ્યાન આપતા ન હતા, એવું પણ નહિ. કોઈક મુદ્દો આવતો તો એકાએક કલમ થંભાવી દઈ, આંગળી ઊંચી કરી, ઊભા થઈ, તેઓ બોલી ઊઠતા: 'આ મુદ્દા પર મારો વિરોધ છે, અધ્યક્ષશ્રી.'

એ મુદ્દો પતે એટલે તરત જ ચહેરા પર હાસ્ય ફરકાવી, બીજી જ ઘડીએ તેઓ પાછા લેખ આગળ વધારવા મંડી પડતા.

મધુકર પાટકરે જ્યારે મને આ વાત કહી ત્યારે તેમણે મને કહ્યું કે, 'મારા માટેનો એ લેખ આચાર્યે વિધાનસભાની બેઠકમાં જ પૂરો કર્યો, અને તમે માનશો નહિ, પણ મારા એ વખતના અંકનો એ સર્વશ્રેષ્ઠ લેખ હતો.'

અને છેલ્લે આચાર્ય અત્રેની એક જોક.

મામા વરેરકર ઊંચી કક્ષાના નાટયકાર. આચાર્ય અત્રે અને મામા બન્ને મિત્રો પણ એક બીજાની ફિલમ ઉતાર્યા વગર ચાલે નહિં.

બન્ને શ્યામ.

એક વખત બન્ને એક જ મંચ ઉપર ભેગા થઈ ગયા.

આચાર્ય અત્રેને આવતાં મોડું થયું. તેમને આવતાં જોઈ તખતાં પરથી મામાએ કહ્યું: 'લો, આવ્યા યમરાજ.'

બેઠક લેતાં લેતાં આચાર્ય અત્રે કહે: 'એમ તો યમરાજ અને તેમનો પાડો સાથે જ આવે. પણ આજે વળી પાડો વહેલો આવી ગયો.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ucC2UA
Previous
Next Post »