ધડડડડ ધૂમ્મ ! છપકકક છૂમ્મ !!


- લંગડી ઘોડી લાલ લગામ: 8

પૂછે છે વાંચકો

'લાલ લગામને ભૂલી ગયા કે શું ?'

ભઈલાઓ ! લાલ લગામ ઘણી અગત્યની, કિંમતી, મહત્વની ચીજ છે. એને કંઈ ભૂલાય ? એને માટે તો ખાસ પ્રકરણ યોજવું પડે !

સાંભળો ત્યારે: પેલી અજબ-ગજબની દોડાદોડી ચાલી રહી છે. ઘમાસણ મચ્યું છે ? સહુથી આગળ લંગડી ઘોડી છે. તેની પાછળ સમસ્ત સૂરજાતિ છે. સૂર અને સૂરાવલિના તાર વાદ્યો, તંતૂ વાદ્યો. નવા જૂના તમામ. તેની પાછળ તેને વગાડનારા છે, વાદકો. તેમને કલાકાર કહેવા પડે.

જો અશ્વો પકડાઈ જાય તો વાજિંત્રો ફાવી જાય.

જો વાંજિત્રો ફાવી જાય તો વાદકો ફાવી જાય.

પણ અશ્વજાતિ તંતૂ વગરની બની જાય. ન રહે પૂંછડીના વાળ, ન રહે ગરદનના થાળ.

'કેશવાળી વગરના અશ્વાં બોડા લાગે.

પૂંછડી વગરનાં અશ્વાં બાંડાં લાગે.'

એક જૂની વાત છે. સાવ જૂની નહિ.

પિંજારાઓનું ગામ હતું. રૂપીંજે તક તક ફરરર !

તાઈ લોકો સાથમાં રહે. તૂણે તાણે, રૂને બીયાં વગરના બનાવે. પછી ગોદડાં બનાવે.

એક વખત એક બાંડી બકરી રૂ ના ઢગલામાં થઈને દોડી ગઈ. પિંજેલું રૂ સાથે લેતી ગઈ. ઠેર ઠેર રૂ પાથરતી ગઈ.

દોડયા બધાં પિંજારાઓ.

દોડયા બધાં તાઈ,

બાંડી બકરી ન પકડાઈ તે ન જ પકડાઈ.

બકરી આંખે બાડી હતી, પૂંછડીએ બાંડી હતી.

કોઈ બારોટે ગીત લણકાર્યું:

૨- ત્રણસે મળ્યા તાઈ

૧- પાંચસે મળ્યા પિંજારા

૩- પણ એક બાંડી બકરી ન પકડાઈ !

જેવું બકરી પ્રકરણમાં થયું, તેવું જ ઘોડી પ્રકરણમાં થયું. બલકે એથી આગળ થયું.

લાલ લગામનો આસરો લીધો લંગડી ઘોડીએ.

લાલ લગામને હીરોઈન બનાવી દીધી.

અશ્વ-લશ્કરને પસાર થઈ જવા દીધું. પછી લાલ લગામનો ફેંકીને ઘા કર્યો. એક વૃક્ષ સાથે લાલ લગામ ગંઠાઈ ગઈ. બંધાઈ ગઈ. લંગડી ઘોડીએ બીજો છેડો પકડી રાખ્યો. જકડી રાખ્યો. અકડી રાખ્યો.

વાજિંત્રો દોડવામાં હતા.ન જોયું નીચે ન દેખાઈ ખેંચાયેલી લગામ. ન કૂદી શક્યા, ન પાર કરી શક્યા. ખેંચાયેલી લગામમાં અટવાઈને પડયાં બધાં વાજિંત્રો. એક બીજા પર એક. ઢગલો થયો ઠેક. દોડ થઈ ગઈ હેત. જાતને એકબીજા પર ફેંક.

વાજિંત્રો પાછળ જ વાદકો હતા, કલાકારો હતા. કહોને કે તાઈ અને પિંજારા હતા. તે બધાં પડયા વાંજિત્રો પર. મોટો ઢગલો થઈ ગયો. 

વાજિંત્રો પર વગાડનારા અને વગાડનારા બન્યા બગાડનારા અને ભગાડનારા.

લંગડી ઘોડીએ લાલ લગામ ખેંચી લીધી.

મૂકી દોટ. થઈ ગઈ અશ્વ-વિશ્વની સાથે, તો પણ દોડ ચાલુ જ રહી.

જેટલા ભાગી શકાય તેટલે ભાગીએ

ભાગો રામ, થોભવું હરામ.

રોકાવું નહિ, બસ રામ રામ રામ

પણ રામ કંઈ હંમેશા ગામ બનાવી દેતા નથી. ગામને બદલે કદાચ તળાવ બતાવે ખરા.

આગળ ઉપર બે તળાવ હતા. તેલિયું તળાવ અને દૂધિયું તળાવ.

તેલિયું તળાવ પહેલું આવ્યું.

દોડતાં અશ્વો કંઈ એકદમ થોભી શકે નહિ. લંગડી ઘોડી પાછળથી આવી હતી. પણ આગળ થઈ ગઈ હતી. લંગડી ઘોડી લાલ લગામનું એક જ કામ. સદાય પહેલાં રહેવું.

પહેલું પડવું તેલિયા તળાવમાં સરદાર પાછળ સંઘ આવે જ. કપ્તાન પાછળ લશ્કર આવેજ. લાલ ઘોડી- લાલ લગામ સાથે પડી તેલિયામાં સાથે પડયા તમામ અશ્વ-અશ્વિનિઓ, વછેરાઓ. ધડ્ડડ ધૂમ.. છપાકકક છૂમ્મમ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wxHvHQ
Previous
Next Post »