- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ફાગણના પાછલા દિવસોમાં મહુડાં ખરતાં થઈ જાય છે આંબા શરમાળ કન્યા જેવા દેખાય છે, એમનેય યૌવન પ્રગટયું છે પલાશનો વૈભવ અપાર છે...
હો ળીનો ઉત્સવ હમણાં ગયો. ફાગણ અધવાર્યો... ફાગણના પાછલા દિવસો છે. ચરોતર-ઉત્તર ગૂજરાતનાં ખેતરોમાંથી ઘઉં વઢાઈ ગયા છે. રાયડા વઢાઈ ગયા છે. દિવેલા ઊભા છે અકબંધ. એ કાળઝાળ ઉનાળામાંય લીલાછમ્મ છે. તેમને માથે માળો બેસી ગઈ છે. ગુલમહોર ઓરતાનું ઝાડ છે. એ ચારે પગે થનગની રહ્યું છે. ગરમાળાનુંય એવું જ છે. પીળાંપીળાં રેશમી ફૂલોનાં તોરણો લઈને ઊભેલા ગરમાળા આખે રસ્તે આપણી આંખોમાં પીળો રંગ છાંટે છે, એવા જ ગુલમ્હોર !! રાતી પાંદડીઓના ગુચ્છાઓ ચામર ઢોળી રહ્યા છે જાણે ! ઊભે રસ્તે પીળો અને કેસરી રંગ કુદરત વ્હેંચી રહી છે. ભલે ઉનાળો છે પણ પ્રકૃતિમાં કંકુધોળ્યો અવસર છે. અમલતાશનાં તોરણોની તુલનામાં આજ સુધી ક્યાં કશું આવ્યું છે ?
ફાગણનો તડકો એ રંગોને ઉછેરે છે કે માણે છે ? જરા ધ્યાન દઈને જુઓ તો ખબર પડે કે તડકો ગુલમ્હોર અને ગરમાળાથી શોભે છે કે તડકાને કારણે ગુલમ્હોર અને ગરમાળા શોભે છે ? મોગરોય હવે કહ્યામાં નથી...એણેય સફેદ પુષ્પોથી પોતાનું વ્યક્તિત્વ પ્રભાવી બનાવ્યાનું શરૂ કર્યું છે. આંબાય બોલકા બન્યા છે...તેમની ડાળેડાળે દિવસો રહ્યાનો અહેસાસ છે. લીમડા ખરવા માંડેલા તે કાર્યક્રમ હવે પૂર્ણ થવામાં છે. લીમડાની ડાળો નવી કૂંપળો અને મ્હોરનાં તોરણો દેખાવા માંડયા છે. ફાગણમાં શીમળાય શાંત નથી એ બધાંય વૃક્ષો પોતપોતાનો ભાવ રેડી રહ્યાં છે.... શીરિષની પુષ્પસેના જોવા જેવી છે..મહુડાય હવે પુરુષાતન બતાવી રહ્યા છે...પ્રત્યેક વૃક્ષ પાસે પોતીકો સંદેશ છે એ સંદેશમાંથી માનવજાતે જીવન જીવતાં શીખવાનું છે પણ પ્રકૃતિ સાથેનો સંબંધ જ ક્યાં જળવાયો છે ?
મને ફાગણનું એક ફૂલ આપો હો લાલ મોરા....
કેસૂડો કામણગારો હો જી....
ફાગણના પાછલા દિવસોમાં મહુડાં ખરતાં થઈ જાય છે આંબા શરમાળ કન્યા જેવા દેખાય છે, એમનેય યૌવન પ્રગટયું છે પલાશનો વૈભવ અપાર છે... શીમળાય ઉત્સવપ્રિય બન્યા છે. આ ગુલમ્હોર અને ગરમાળા કેવળ ધરતીમાંથી ફૂટી નીકળેલાં ઉત્સવવૃક્ષો છે.. એ વૃક્ષો જ જીવનસંદેશ લઈને ઊભાં છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો - નક્ષત્રો, તારા-વન-ઉપવન, નદી, પર્વત, વૃક્ષ, વેલી, વનસ્પતિ, પશુ, પંખી વાદળ હવા આભ અને વિવિધ રંગીન સૃષ્ટિ.... સમગ્ર પ્રાકૃતિક પદાર્થો હંમેશાં મનુષ્યના રસનો અને ચિંતનનો વિષય બન્યાં છે... એ પ્રાકૃતિક તત્ત્વોમાં રહેલી ભવ્યતા સુંદરતા, કરાલતા અને વિસ્મય સદૈવ મનુષ્યને આકર્ષણ અને આનંદ પૂરાં પાડે છે. માનવ પ્રાચીનકાળથી પોતાનાં સુખદુ:ખ, આશા નિરાશા પ્રેમ અને આશ્ચર્ય, ભય અને પ્રસન્નતા જેવા ભાવો પ્રાકૃતિના સાનિધ્યમાં જ અનુભવતો રહ્યો છે. ભારતીય પ્રજાનું માનસ તો નૈસર્ગિક શોભાના કોમલકઠોર, અનુકૂળ-પ્રતિકૂળ તત્ત્વો સાથે એકતા અનુભવી ઉલ્લાસ કે ઉદાસીને પામતું રહ્યું છે.
'વસંત વિલાસ' નામનું ફાગુકાવ્ય પ્રકૃતિનો માનવીય પરિચય કરાવે છે. વસંતનો આવિર્ભાવ થઈ રહ્યો છે પ્રોષિતભર્તૃકા પ્રેયસી ઉત્કટતાપૂર્વક પિયુમિલનની ઝંખના કરી રહી છે. પિયુ નથી આવતા તેથી તે વસંત ચંદ્ર, વિહારની સર્વ સામગ્રીની ઉપસ્થિતિમાં વધુને વધુ દુ:ખી અને વ્યાકુળ થઈ રહી છે. સંતાપ અનુભવે છે અન્ય સદ્ભાગી યુગલોને જોઈ પોતે ઈર્ષા અનુભવે છે. જેવો પ્રિયજન દેખાય છે - વિરહિર્ણી જે હર્ષોલ્લાસ અનુભવે છે અને મિલનનો રંગ પેલા વસંતના રંગમાં ભળી જાય છે.
વસંતને એક વિશિષ્ટ રંગ હોય છે - આમ્રમંજરીઓ ગંધમત્ત ભમરાઓનું ગુંજન...કોકિલનો ટહુકાર... કુહૂકાર.. પદ્મિનીઓના પરિમલ, મલય સમીર વગેરેનું ઉન્માદક વર્ણન... આ બધા વસંતના રંગો છે. ગુલમ્હોર અને ગરમાળા એના જ સદસ્યો છે. એમના વ્યક્તિત્વમાંથી જે ફૂટે છે એ રંગ પણ વસંતનો છે. ખીલવાનો રંગ અને ખરવાનોય રંગ !!
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણ
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિ જ કાઢએ તાણિ
કેસૂડાંની અતિ વાંકી કળી એ જાણે મદનનો આંકડો છે. એના વડે તે વિરહિણીઓનાં કાળજાં તરત બહાર ખેંચી કાઢે છે.
ભડકીલા રંગોની રેલમછેલ વહાવતા કેસૂડાનાં ફૂલોને કવિએ કામદેવના શસ્ત્ર તરીકે સરખાવ્યાં છે...આમ ચારે પગે નાચતા ગુલમ્હોર અને ગરમાળાનેય એક અર્થ છે....
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fBzrja
ConversionConversion EmoticonEmoticon