- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- સખત મહેનત અને મેજિકલ ગેમને સહારે આગવી ઓળખ ઉભી કરનારા એગ્યુરોએ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટીને સુપર પાવર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે
જિં દગીની દોડનું આરંભ બિંદુ ભલે ગમે તે હોય પણ એક વખત રેસ શરુ થયા બાદ બધા બરોબરીએ આવી જતા હોય છે. ક્યારેક કોઈને પરિસ્થિતિના પવનનો લાભ મળતો હોય છે, તો કોઈને સામા પવને તરવાની નોબત આવે છે. પરિસ્થિતિ ગમે તે હોય પણ જેઓ તેની ફરિયાદ કરવાને બદલે તેમાંથી બહાર નીકળી જવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેને માટે તો રસ્તો ભૂલવા છતાં દિશાઓ પોતાનું સ્થાન બદલી નાંખતી હોય છે. જેઓ જરા સરખો વિરામ રાખ્યા વિના સતત પ્રયત્ન કરતાં રહે છે, તેઓ પોતાના માટે અલગ મુકામ જાતે જ ઉભો કરતાં હોય છે. આર્જેન્ટીનાના ફૂટબોલર સર્જીયો એગ્યુરો પણ આનું જીવંત ઉદાહરણ છે.
ભારતીય પ્રજાએ જે પ્રકારે ક્રિકેટની રમતને આત્મસાત્ કરી લીધી છે, તેવી જ રીતે દક્ષિણ અમેરિકાએ ફૂટબોલની રમતને ખોળે બેસાડી છે. આર્થિક ક્ષેત્રે ત્રીજા વિશ્વના દેશોમાં સ્થાન ધરાવતા આ દેશોના લોકોએ પોતાના અભાવો અને મુશ્કેલીઓને ફંગોળવા માટે ફૂટબોલનું માધ્યમ સ્વીકારી લીધું છે. આ જ કારણે ફૂટબોલની દુનિયામાં બ્રાઝિલ, આર્જેન્ટીના, મેક્સિકો, ચિલી સહિતના દક્ષિણ અમેરિકી દેશોના ખેલાડીઓની ભારે બોલબાલા જોવા મળી રહી છે. વર્તમાન ફૂટબોલ યુગ જ્યારે મેસી અને રોનાલ્ડો જેવી બે ધરી પર વહેંચાયેલો છે, ત્યારે એગ્યુરો જેવી કેટલીક પ્રતિભાઓએ તેમની આગવી કુશળતાને સહારે પોતાનો એક આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે.
મેસી જેવા ધુરંધરના પડછાયામાં રહેવા છતાં સર્જીયો એગ્યુરોએ આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમની આક્રમણ પંક્તિના મહત્વના ખેલાડી તરીકેની કુશળતાને પૂરવાર કરી છે. છેલ્લા ૧૫ વર્ષથી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આર્જેન્ટીના તરફથી અનેકાનેક સફળતા હાંસલ કરનારા એગ્યુરોએ સળંગ ૧૦ વર્ષ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં શાનદાર દેખાવ કર્યો છે. માંચેસ્ટર સિટીને ઈપીએલમાં સુપર પાવર બનાવવામાં એગ્યુરોની ભૂમિકા ઘણી નિર્ણાયક રહી છે. જુનિયર ફૂટબોલમા આર્જેન્ટીનાને અસાધારણ ઊંચાઈએ પહોંચાડનારા એગ્યુરોએ કલબ ફૂટબોલમાં પણ ગોલનો ઢગલો ખડકી દીધો છે. માત્ર ૧૫ વર્ષની વયે પ્રોફેશનલ ફૂટબોલર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરનારા એગ્યુરોએ ૧૮ વર્ષની કારકિર્દીમાં કુલ મળીને સવા બસ્સોથી વધુ ગોલ ફટકારી દીધા છે.
જુનિયર ફૂટબોલમાં બે વખત આર્જેન્ટીનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા એગ્યુરોએ તેની ત્રણ વર્લ્ડ કપની કારકિર્દીમાંથી એકમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની એલિટ ટુર્નામેન્ટ કોપા અમેરિકામાં પણ બે વખત રનર્સઅપ બનેલી ટીમમાં તે સામેલ હતો. વર્ષ ૨૦૦૮માં બેઈજિંગમાં રમાયેલા ઓલિમ્પિકમાં આર્જેન્ટીનાની ગોલ્ડન સફળતા પણ એગ્યુરોને આભારી રહી હતી. જ્યારે હાલમાં તે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં સૌથી વધુ ૧૮૧ ગોલ ફટકારનારો નોન-ઈંગ્લિશ ફૂટબોલર બની ગયો છે. ઈપીએલમાં સર્વાધિક ૧૨ ગોલ હેટ્રિક પણ તેના જ નામે નોંધાયેલી છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતના હાઈપ્રોફાઈલ સ્ટ્રાઈકર્સમાં સ્થાન ધરાવતા એગ્યુરોની જિંદગી બાળપણમાં ભારે સંઘર્ષમય રહી હતી. આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનોસ એર્સના ક્યુલમેસ વિસ્તારમાં બીજી જુન, ૧૯૮૮ના રોજ જન્મેલા સર્જીયોના પિતા લેઓનેલ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટેક્ષી ડ્રાઈવરનું કામ કરતાં. જ્યારે તેની માતા એડ્રિના એક ગૃહિણી હતી. તેમના સાત સંતાનોમાં સર્જીયો એગ્યુરોનું સ્થાન બીજા નંબરનું હતુ. પિતાની મર્યાદિત આવક અને બહોળા પરિવારને કારણે એગ્યુરોને બાળપણમાં જ જિંદગીની કેટલીક વાસ્તવિકતાઓ અનાયાસે સમજાઈ ગઈ હતી.
બ્યુનોસ એર્સના દક્ષિણ વિસ્તારમાં આવેલા ફ્લોરેન્સિયો વારેલામાં એગ્યુરોનું બાળપણ વિત્યું. અહીં જ તે ફૂટબોલના શરુઆતના પાઠ શીખ્યો. તેની સાથે સાથે સરકારે જાહેરમાં મૂકેલા ટી.વી. પર તેને જાપાનીઝ કાર્ટૂન વાન્પાકુ એમુકાશી કુમ કુમ નામનું કાર્ટુન ખુબ જ ગમતું અને આ જ કારણે તેને બધા કુન કહીને જ બોલાવવા માંડયા. બાળપણનું એ નામ આજે પણ તેની ઓળખ બની રહ્યું છે.
આર્જેન્ટીનાના ફૂટબોલ કલ્ચરનો ઘણો મોટો પ્રભાવ સર્જીઓ પર પડયો. તેના પિતા લેઓનેલ પણ એક જમાનામાં અચ્છા ફૂટબોલર રહી ચૂક્યા હતા. જોકે, પારિવારિક જવાબદારી અને ઈજાના કારણે તેમની કારકિર્દી આગળ ધપી ન શકી. જોકે, તેમણે નાનકડા કુનને ફૂટબોલનું મેદાન દેખાડયું અને તેણે ધીરે ધીરે આ રમતમાં મહારત હાંસલ કરવા માંડી. દક્ષિણી બ્યૂનોસ એર્સમાં આવેલી જુનિયર કલબો તરફથી પ્રભાવશાળી પ્રદર્શન કરનારા એગ્યુરોને આખરે પ્રોફેશનલ કલબ ઈન્ડિપેન્ડેન્ટમાં સ્થાન મળી ગયું. આ સાથે જાણે તેના ભાગ્યનો દરવાજો હવે ખુલી ગયો હતો.
માત્ર ૧૫ વર્ષની ઉંમરે આર્જેન્ટીનાની પ્રીમિયર ડિવિઝન કલબ તરફથી એગ્યુરો રમવા ઉતર્યો તે સાથે તેણે સૌથી યુવા વયે પ્રીમિયર ડિવિઝનમાં રમવાના લેજન્ડરી ફૂટબોલર મારાડોનાના ૨૭ વર્ષના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. રાષ્ટ્રીય ફૂટબોલમાં એગ્યુરો ખુબ જ ઝડપથી છવાઈ ગયો અને તેને આર્જેન્ટીનાની જુનિયર ટીમોમાં પણ સ્થાન મળી ગયું. આર્જેન્ટીનાની અંડર-૨૦ ટીમે ૨૦૦૫ અને ૨૦૦૭માં જીતેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનો દેખાવ નિર્ણાયક રહ્યો હતો. બેઈજિંગમાં ૨૦૦૮માં રમાયેલા ઓલિમ્પિકની સેમિ ફાઈનલમાં એગ્યુરોના બે ગોલને સહારે આર્જેન્ટીનાએ બ્રાઝિલને સેમિ ફાઈનલમાં હરાવીને સુવર્ણ પર દાવેદારી નોંધાવી અને ફાઈનલ જીતીને તેને હાંસલ પણ કરી લીધો. આ સાથે તે સફળતાના સાતમા આસમાને પહોંચી ગયો.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ડગ માંડવાની શરૂઆત કરી ત્યાં જ તેને સ્પેનીશ ફૂટબોલ લીગ એટ્લેટિકો મેડ્રિડે જંગી રકમની ઓફર આપી, જેને તેણે સ્વીકારી લીધી. મીડિયાએ એગ્યુરોની એટ્લેટિકોમાં ટ્રાન્સફરની ડીલ ૨.૩ કરોડ પાઉન્ડની હોવાનો ખુલાસો કર્યો હતો. સ્પેનિશ લીગમાં એગ્યુરોની હાજરીને કારણે એટ્લેટિકોની ટીમ રિયલ મેડ્રિડ અને બાર્સેલોના જેવી ધુરંધર ટીમોની સામે લડાયક દેખાવ કરતી થઈ. તેણે ચેમ્પિયન્સ લીગમાં પણ પ્રભાવ પાડયો અને ૨૦૧૦માં કલબને યુરોપા લીગમાં ચેમ્પિયન બનાવી. સ્પેનિશ કલબની સફળતાના શિખરે પહોંચાડવાની સાથે એગ્યુરોએ ઈંગ્લેન્ડની વાટ પકડી.
જ્યાં માંચેસ્ટર સિટીના નવા માલિકોએ તેની પ્રતિભામાં ભરોસો મૂકતાં તેને ૩.૫ કરોડ પાઉન્ડનો અધધધ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સિટીની ટીમમાં તેની એન્ટ્રી ધમાકેદાર રહી અને તેણે પહેલી જ સિઝનમાં તેની પ્રતિભાનો ચમકારો દેખાડતાં ટીમને ૪૪ વર્ષમાં પહેલી વખત ટાઈટલ જીતવામાં મદદ કરી. તેની આક્રમક રમત અને ડિફેન્ડરો તેમજ ગોલકિપરને બીટ કરવાની બેજોડ કુશળતાએ માંચેસ્ટર સિટીનું વજન ઈપીએલમાં વધાર્યું. આ સાથે તેણે વ્યક્તિગત રીતે પણ નવા-નવા ગોલ સ્કોરિંગ સીમાચિહ્નોને હાંસલ કરવા માંડયા.
તેની કારકિર્દીમાં વર્ષ ૨૦૧૪નું વર્ષ ગોલ્ડન સાબિત થયું. આ જ વર્ષે તેણે રાષ્ટ્રીય ટીમને ફૂટબોલ વર્લ્ડ કપમાં રનર્સ અપ બનાવવામાં ભૂમિકા ભજવી. તેની સાથે સાથે કલબ ફૂટબોલમાં સિટીની ટીમને બીજી વખત પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપ જીતાડી. જેના કારણે કલબે તેની સાથેનો કોન્ટ્રાક્ટ વધુ પાંચ વર્ષ માટે લંબાવી દીધો. તેણે માન્ચેસ્ટર સિટીમાં ૧૧ વર્ષની કારકિર્દી દરમિયાન કલબના હાઈએસ્ટ ગોલ સ્કોરર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો, તેની સાથે સાથે ઈપીએલમાં સર્વાધિક ગોલ હેટ્રિકનો એલન શેરેરનો બે દશક જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો.
એગ્યુરોની ફૂટબોલર તરીકેની કારકિર્દી બે દાયકાના પડાવની નજીક પહોંચી છે, ત્યારે તેણે નવો પડકાર ઝીલવાની તૈયારી કરી લીધી છે. હાઈપ્રોફાઈલ ગોલ સ્કોરર એગ્યુરોની ક્ષમતાને દુનિયાએ જોઈ છે અને આ જ કારણે હવે તે વિશ્વની ટોચની કલબમાં જંગી રકમના કોન્ટ્રાક્ટ સાથે જોડાશે તે નક્કી લાગી રહ્યું છે. કારકિર્દીની ગોલ્ડન એજમાં પ્રવેશેલા એગ્યુરો હજુ નવી ઊંચાઈએ પહોંચવા માટે કટિબદ્ધ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mjMQgU
ConversionConversion EmoticonEmoticon