- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
તા જા સમાચાર પ્રમાણે, ચાઇના અને રશિયાએ સંયુક્ત રીતે ચંદ્ર ઉપર સંશોધન કેન્દ્ર સ્થાપવા માટેના કરાર કર્યા છે. યુ.એસ.એસ.આર દ્વારા અંતરીક્ષ યુગની શરૂઆત થઇ હતી, ત્યારબાદ દાયકાઓ બાદ, યુ.એસ.એસ.આરનું વિભાજન થયું અને રશિયા સહિત અનેક દેશો અલગ થઈ ગયા.
હવે રશિયાએ, ચાઇના સાથે મળીને, ચંદ્રની ભ્રમણકક્ષામાં અથવા ચંદ્રની સપાટી ઉપર સંશોધન કેન્દ્ર સ્થાપવા માટે કરાર કરી લીધા છે. એટલે ફરીવાર હવે, એક બાજુ અમેરિકા અને બીજી બાજુ રશિયા ચાઇના વચ્ચે, નવા અંતરીક્ષયુગની 'રેસ ચાલુ થઈ ગઈ છે.' આ સમયે ભૂતકાળ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે , જ્યારે અમેરિકાએ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર ઉતાર્યો ત્યારે, કહેવાતી શાંતિના સમયે, અમેરિકા અને યુ.એસ.એસ.આર વચ્ચે જબરજસ્ત સ્પેસ રેસ ચાલી રહી હતી. આ સ્પેસ રેસમાં માત્ર ટેકનોલોજી ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટનો સવાલ નહતો. બંને દેશોની આઈડિયોલોજી વચ્ચે પણ એક તુમુલ યુદ્ધ જામ્યું હતું.
અમેરિકા ચંદ્ર ઉપર નાગરિક ઉતારીને, આ યુદ્ધ જીતી લીધુંછે. પરંતુ ૧૯૫૦થી ૧૯૬૦ના દાયકા સુધી ટેકનોલોજીનો વિકાસ જોઈએ, તો એમ લાગતું હતુંકે, 'ચંદ્ર ઉપર માનવી ઉતારવાની રેસમાં રશિયાથી વિજેતા બનશે.' છેવટે એવું શું બન્યું? કે 'રશિયા ચંદ્ર ઉપર રશિયન માનવીને ઉતારી ના શકયું?' શા માટે અમેરિકા સામે રશિયાએ નજર ઝુકાવવી પડી? શું હવે રશિયા ભૂતકાળની હાર ની બાજી પલટાવી નાખવા માંગે છે.
સર્ગીઈ પાવલોવિચ કોરોલીઓફ : ફાધર ઓફ રશિયન સ્પેસ પ્રોગ્રામ
જ્યારે રશિયાએ અંતરીક્ષ યુગની શરૂઆત કરી, ત્યારે સૌ પ્રથમ તેણે સ્પુટનિક નામનો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવ્યો. ત્યારબાદ રશિયાએ એક કરતાં વધારે ઉપગ્રહ ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવ્યા. એટલું જ નહીં, પૃથ્વી પરથી ન દેખાતી ચંદ્રની બાજુની તસ્વીરો પણ, લ્યુના-૩ નામના ઉપગ્રહએ પૃથ્વીને મોકલી આપી હતી. ૧૯૫૯ પહેલા રશિયાએ યુરી ગાગરીનને અંતરિક્ષમાં મોકલીને નવો વિક્રમ સર્જી દીધો.
જેના જવાબમાં, ૧૯૬૨માં અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીએ જાહેરાત કરીકે 'અમે અમેરિકન નાગરિકને ચંદ્ર પર ઉતારવાનું નક્કી કર્યું છે'. અમેરિકન નાગરિકોએ પ્રમુખની આ જાહેરાતને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી. જેના જવાબમાં રશિયન પ્રીમિયર નિકિતા ક્શ્ચેવએ ચૂપ રહીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. જેનો મતલબ થતો હતો રશિયાએની પ્રાયોરિટી કંઇક અલગ હતી. રશિયા માટે ચંદ્ર અભિયાન , ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટીક મિસાઈલ વિકસાવવાનું વધારે મહત્વપૂર્ણ લાગતું હતું.
રશિયામાં લશ્કરી જૂથ અને સિવિલ/નાગરિક જૂથ અલગ દિશામાં કામ કરતું હતું. રશિયાના નાગરિક વર્ગના વૈજ્ઞાાનિકોએ ચંદ્ર ઉપર રશિયન ઉતારવા માટેની તૈયારી શરૂ કરી દીધી હતી. જેમનું નામ હતું 'સર્ગીઈ પાવલોવિચ કોરોલીઓફ.' તેમની ઓળખ રશિયાએ લાંબો સમય સુધી છુપાવી રાખી હતી. તેમનું અવસાન થયું ત્યાં સુધી રશિયામાં લોકો તેમને 'ગ્લેવી કોનસ્રોકિટર' અથવા 'ચીફ ડીઝાઈનર' કે 'એસપી' તરીકે ઓળખતા હતા.
રશિયાને ડર હતોકે તેમની ઓળખ છતી થશે, તો પશ્ચિમની તાકત, રશિયન વૈજ્ઞાાનિકનું તેનું ખૂન કરાવી નાખશે. રશિયાની અંતરીક્ષ સફળતાનો મુખ્ય આધાર 'સર્ગીઈ પાવલોવિચ કોરોલીઓફ' હતા. તેઓ રશિયાની ઓકેબી-૧ ડિઝાઇન બ્યુરો નામની સંસ્થાના લીડર હતા. રશિયાને તેમણે સ્પુટનિક ઉપગ્રહ, વિશ્વના પ્રથમ અંતરીક્ષ યાત્રી યુરી ગાગરીનને અંતરીક્ષમાં મોકલવાના મિશનમાં કામયાબી અપાવી હતી. રાજકીય વગની વાત કરીએ તો, સમગ્ર રાષ્ટ્રની સામે એક માનવીની તાકાત કામ કરતી હતી. પરંતુ રશિયામાં કોરોલીઓફના જ ડિઝાઇન બ્યુરોમાં કોરોલીઓફના પ્રતિસ્પર્ધી હતા. જેમાંના એક હતા. 'વ્લાદિમીર ચેલોમી'.
વેલેન્ટાઇન પી.ગ્લુશ્કોફ: જ્યારે વ્યક્તિગત મતભેદની અથડામણ થઈ?
૧૯૬૦માં તેમને રશિયાના મૂન મિશનની બાગડોર સોંપવામાં આવી હતી. 'વ્લાદિમીર ચેલોમી' રશિયન પ્રીમિયર નિકિતા ક્શ્ચેવના પસંદગીના વૈજ્ઞાાનિક હતા. તેમની પાસે અનુભવનો અભાવ હતો. એક સમય એવો હતોકે 'ચંદ્ર પર રશિયન ઉતારવાના પ્લાનિંગમાં, ૩૦ જેટલી શક્યતાઓ વિચારવામાં આવી હતી.'૧૯૬૪માં રશિયામાં સત્તા પલટો થયો. નિકિતા ક્શ્ચેવના સ્થાને હવે લિયોનીડ બ્રેઝનેવ રશિયાના નવા પ્રીમિયર બન્યા. હવે રશિયન ચંદ્ર અભિયાનનો હવાલો સંપૂર્ણ સત્તા સાથે સર્ગીઈ પાવલોવિચ કોરોલીઓફને સોંપવામાં આવ્યો.
૧૯૬૭માં રશિયાની ઓક્ટોબર ક્રાંતિના પચાસ વર્ષ પૂરા થતા હતા. અમેરિકાના મુન મિશનના ટાર્ગેટ ૧૯૬૯થી, બે વર્ષ પહેલા, એટલે કે ૧૯૬૭માં કોરોલીઓફને ચંદ્ર અભિયાન પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી. જેના કારણે કોરોલીઓફની સમસ્યામાં ખૂબ જ વધારો થઈ ગયો. આ સમયે રશિયાના રોકેટ ડિઝાઇનનો હવાલો વેલેન્ટાઇન પી.ગ્લુશ્કોેફ પાસે હતો. ઓકેબી-૪,૫,૬ ડિઝાઇન બ્યુરો તેમના નિયંત્રણમાં હતા.
આ બ્યુરોની રોકેટ ડિઝાઇનમાં મોનોપોલી હતી. ગ્લુશ્કોફ કહે છેકે 'ખૂબ જ ટૂંકા ગાળામાં, અને મર્યાદિત બજેટમાં ક્રાયોજેનિક એન્જિન તૈયાર કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું, જેમાં પ્રવાહી ઓક્સિજન અને કેરોસીનનો ઉપયોગ થતો હતો.' ગ્લુશ્કોફએ કહ્યુંકે 'એપોલો પ્રોગ્રામના સેટર્ન-૫ રોકેટ ડેવલપમેન્ટના પાંચ વર્ષ અગાઉથી, અમેરિકા ક્રાયોજેનિક એન્જિન પર કામ કરી રહ્યું હતું. છતાં તેમને સંતોષકારક પરિણામ મળ્યું નહતું.
આ સમયે ગ્લુશ્કોફ અને કોરોલીઓફ વચ્ચેના મતભેદ પણ સપાટી પર આવી ગયા હતા. કોરોલીઓફ આક્ષેપ કરે છેકે '૧૯૩૮માં ગ્લુશ્કોફે જોસેફ સ્ટાલિન,સામે કોરોલીઓફનું અપમાન કર્યું હતું, જેના કારણે કોરોલીઓફને છ વર્ષ લેબર કેમ્પમાં વિતાવવા પડયા હતા. પ્રતિ આક્ષેપ કરતાં ગ્લુશ્કોફ કહે છેકે 'કોરોલીઓફ બે જવાબદારી ભર્યું વર્તન કરતા હતા. એમના હવાલામાં ના હોય તેવી બાબતમાં પણ તેઓ તાનાશાહી વાપરતા હતા.' છેવટે કંટાળીને ગ્લુશ્કોફે પ્રોગ્રામ છોડી દીધો.
એન-1 રોકેટ: રશિયન ચંદ્ર અભિયાનની નિષ્ફળતાનું કારણ બન્યું
હવે કોરોલીઓફને નવા રોકેટ ડિઝાઇનરની જરૂરિયાત ઊભી થઈ. તેમણે નિકોલાઈ કુઝનેત્સોવ ઉપર પસંદગી ઉતારી. જેમણે પહેલાં ક્યારેય રોકેટ ડિઝાઇન તૈયાર કરી નહતી. અમેરિકા બુસ્ટર સ્ટેજમાં પાંચ વિશાળ રોકેટ એન્જિન બેસાડે થતું હતું, તેના સ્થાને સોવિયત રશિયા, ૩૦ રોકેટ એન્જિનને બુસ્ટર સ્ટેજમાં ગોઠવી રહ્યું હતું. રશિયાના રોકેટ એન્જિન નાના પરંતુ વધારે પાવરફુલ હતા. એન-૧ રોકેટના પાયાની પરિધિમાં ૨૪, અનેકેન્દ્રમાં છ એન્જિન ગોઠવવામાં આવ્યા હતા.
રોકેટ પાસે પુષ્કળ થ્રસ્ટ પેદા કરવા માટે, અને એન્જિન પ્રણાલીના નિયંત્રણ માટે 'ક્લોઝ સાયકલ સિસ્ટમ' વાપરતા હતા. અમેરિકન વૈજ્ઞાાનિકો 'ક્લોઝ સાયકલ સિસ્ટમ' વિશે જાણતા હતા. પરંતુ તેઓને ખબર હતીકે 'આ પ્રણાલીમાં ઓક્સિજનને હાઈ-ટેમ્પરેચર અને હાઈપ્રેશરમાં રાખવું ખૂબ જ મુશ્કેલ કામ હતું.
જેના કારણે કોઈ પણ ક્ષણે વિસ્ફોટ થવાની શક્યતા રહેલી હતી. રશિયાએ ક્લોઝ સાયકલ સિસ્ટમ વાપરી હતી. કારણ કે તે સમયે તેમણે સ્ટેનલેસ સ્ટીલની એક નવી મિશ્રધાતુ શોધી હતી. જેનાથી અમેરિકા અજાણ હતી. જે વાપરવાથી વિસ્ફોટનો ડર ઘટી જતો હતો. જ્યારે સોવિયેત રશિયા નવા પ્રકારના રોકેટ એન્જિનની ડિઝાઇન ચકાસી રહ્યું હતું ત્યારે, ૧૯૬૬માં સોવિયત યુનિયનના અંતરીક્ષ યુગના આધાર સ્તંભ કહેવાય તેવા, મિશનના વડા સર્ગીઈ પાવલોવિચ કોરોલીઓફનું અવસાન થઈ ગયું. સોવિયત રશિયા માટે એક મોટો ફટકો હતો.
હવે સમગ્ર કાર્યક્રમ કોરોલીઓફના ઉત્તરાધિકારી વાસિલી મિશિનને સોંપવામાં આવી. રોકેટને ચકાસણી માટે, લોન્ચપેડ સુધી લઈ જતા પહેલા, તેના વિવિધ ભાગને નાના નાના વિભાગમાં અલગ કરી રેલમાર્ગે, લોન્ચર સુધી પહોંચાડવામાં આવતા હતા. ત્યારબાદ અહીં ફરીવાર તેમને જોડીને એક વિશાળકાય રોકેટ તૈયાર કરવામાં આવતું હતું. આ પદ્ધતિ રોકેટની ક્ષમતા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભી કરતી હતી.
સોવિયત રશિયાએ, ચંદ્ર ઉપર રશિયન નાગરિકને ઉતારતા પહેલા, નવા ડિઝાઇન થયેલ રોકેટનાં ૧૪ ઉડ્ડયન કરવાનું આયોજન કર્યું હતું. જેમાંના બાર ઉડ્ડયન મનુષ્ય વિહીન હતા. જ્યારે છેલ્લા બે સમાનવ હતા. જે રશિયન નાગરિકને ચંદ્ર ઉપર ઉતારવાના હતા.
અમેરિકા: નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર ઉતારી, બાજી જીતી લીધી
૨૧મી ફેબુ્રઆરી ૧૯૬૯માં એન-૧ રોકેટની પ્રથમવાર ચકાસણી કરવામાં આવી. આ સમયે અમેરિકા તેના એપોલો મિશનના અંતિમ ચરણમાં હતું. રોકેટ લોન્ચ થયાની ૬૮ સેકન્ડ બાદ, રોકેટ લોન્ચપેડથી ૫૨ કિલોમીટર દૂર જઈને તૂટી પડયું. દુર્ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ, રોકેટ એન્જિન પ્રણાલીમાં ફરીવાર ફેરફાર કરી, બીજી વારનું ઉડ્ડયન ગોઠવવામાં આવ્યું. ત્રીજી જુલાઈના ૧૯૬૯નાં રોજ રોકેટનું બીજું પરિક્ષણ કરવામાં આવ્યું. રોકેટ જેવું લોન્ચ-ટાવરથી અલગ થયું કે તરત જ ૮ નંબરના રોકેટના, લિક્વિડ ઓક્સિજનનાં ટર્બો- પંપમાં વિસ્ફોટ થયો. ૨૩૦૦ મેટ્રિક ટન બળતણ ધરાવનાર રોકેટ, રોકેટ લોન્ચ પેડ ઉપર જ પાછું અથડાયું. જેના કારણે ખૂબ જ મોટો વિસ્ફોટ થયો. ૨૮૦ લોકોએ જાન ગુમાવ્યો. આ દુર્ઘટનાના ૭ દિવસ બાદ, અમેરિકાએ એપોલો-૧૧ મિશન દ્વારા, નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી ઉપર ઉતાર્યો. ૧૯૭૧ના નવેમ્બર મહિનામાં એન-૧ રોકેટનું ત્રીજું પરીક્ષણ કરવામાં આવ્યું. રોકેટના બુસ્ટર સ્ટેજમાં સર્જાયેલ ટેકનિકલ ખામીના કારણે, ત્રીજા પરીક્ષણને નિષ્ફળતા મળી. એક વર્ષ બાદ એટલે કે ૧૯૭૨માં રોકેટનું ચોથું અને છેલ્લું પરીક્ષણ પણ નિષ્ફળ ગયું. એન-૧ રોકેટ તેના ઇતિહાસમાં, છેલ્લીવાર માત્ર ૧૦૭ સેકન્ડ જેટલું, આકાશમાં રહ્યું હતું. ત્યારબાદ રોકેટમાં વિસ્ફોટ થયો. એન-૧ રોકેટના પાંચમા પરીક્ષણ સમયે એટલે કે, ઓગસ્ટ ૧૯૭૪માં સોવિયેત રશિયન પ્રીમિયરે, લિયોનીડ બ્રેઝનેવે સમગ્ર ચંદ્ર અભિયાનને રદ કરી નાખ્યું. નિર્ણયની આ કપરી ઘડીએ, અમેરિકા છ વાર અમેરિકન નાગરિકને ચંદ્ર ઉપર ઉતારી ચૂક્યું હતું. માત્ર અમેરિકા અને રશિયામાં જ નહીં, સમગ્ર વિશ્વમાંથી લોકોનો અંતરિક્ષ વિજ્ઞાાન પ્રત્યેનો રસ, પ્રેમ અને અહોભાવ ઘટવા લાગ્યા હતા. અહીં સવાલ એ થાયકે, 'જો રોકેટનું પાંચમું પરિક્ષણ સફળ રહ્યું હોત તો, રશિયાએ ચંદ્ર ઉપર રશિયન નાગરિકને ઉતાર્યો હોત ખરો? જવાબ છે - 'ના' . રશિયાને નાગરિકને ચંદ્ર ઉપર ઉતારવા કરતા, અંતરીક્ષ રેસમાં અમેરિકાને હરાવવું એ સોવિયેત યુનિયનનો મુખ્ય મકસદ હતો. ૧૯૬૯માં અમેરિકા ઓલરેડી, ચંદ્ર અભિયાનની રેસ જીતી ચૂક્યું હતું. હવે રશિયા માટે અમેરિકાને હરાવવાનો કોઈ સ્કોપ બચ્યો ન હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sOwoYt
ConversionConversion EmoticonEmoticon