
- કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા આર્થિક ગતિવિધીઓ રૃંધાઈ...
- શહેરોમાં બેરોજગારી દર વધી ૮ ટકા ઉપર : ગ્રામ્ય વિસ્તારોમાં ૬.૭ ટકાની સપાટીએ
- રેસ્ટોરન્ટ/હોટલ, પ્રવાસન તેમજ રિટેલ ક્ષેત્રની વૃધ્ધિમાં ૨૦ ટકા પીછેહઠની આશંકા
ગત માર્ચ માસથી દેશભરમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો પૂરઝડપથી પ્રસરી રહ્યો છે. જેના પગલે વિવિધ પ્રકારની આર્થિક ગતિવિધીઓ પુનઃ રૃંધાવાની શરૃઆત થઇ ચૂકી છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે ચાલુ એપ્રિલ માસમાં બેરોજગારીના દરમાં વધારો થયો છે. તો બીજી તરફ નાઇટ કરફ્યુ, મિની લોકડાઉન સહિતના નિયમનકારી પગલાને કારણે સર્વિસ સેકટરની ગતિવિધીઓ રૃંધાતા અર્થતંત્રને ફટકો પડવાની શરૃઆત થઇ છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતના વૃધ્ધિ દરના અંદાજને ઘટાડયો છે.
દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ ઝડપથી પ્રસરતા તેની સીધી અસર રોજગાર પર પણ જોવા મળી રહી છે. ઉદ્યોગોની સંસ્થા સીઆઈઆઈએ રજૂ કરેલ રિપોર્ટ મુજબ દેશમાં ગત માર્ચ માસની તુલનાએ એપ્રિલમાં અત્યાર સુધી બેરોજગારીનો દર વધીને ૭.૧ ટકાની ઉપર પહોંચી ગયો છે.
સીઆઈઆઈના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોની તુલનાએ શહેરોમાં બેરોજગારી ઝડપથી વધી છે. જો કે આ પ્રતિકૂળતા વચ્ચે ઇ-કોમર્સ ક્ષેત્રમાં કામકાજ પર પ્રતિકૂળ અસર ન થતા આ ક્ષેત્રમાં રોજગાર જળવાઈ રહ્યા છે. અને આગામી સમયમાં તેમાં વૃધ્ધિની સંભાવના છે.
ચાલુ એપ્રિલ માસમાં અત્યાર સુધી બેરોજગારી દર વધીને ૭.૧ ટકા ઉપર પહોંચી ગયો છે. જે માર્ચ માસમાં ૬.૫૨ ટકા હતો. ચાલુ માસમાં શહેરોમાં બેરોજગારી દર વધીને ૮ ટકા ઉપર પહોંચ્યો છે. જે માર્ચમાં ૭.૮૪ ટકા હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ દર હાલ ૬.૭ ટકા છે. જે માર્ચમાં ૬.૧૮ ટકા હતો.
કોરોના સંક્રમણ પ્રસરવાની સાથે માર્ચ માસથી જ રોજગાર પર પ્રતિકૂળ અસર થવાની શરૃઆત થઇ હતી. સંક્રમણમાં વધારાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છતીસગઢ સહિતના અન્ય રાજ્યોમાં નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉનના કારણે તેમજ અન્ય નિયમોની રોજગાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ નિયમોના કારણે પર્યટન ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે.
જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં રવી પાક સારો ઉતરવાના કારણે તેમજ મનરેગા યોજના હેઠળ સતત કામ મળી રહેવાના કારણે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ નીચું છે.
આ અહેવાલોની બીજી તરફ સર્વિસ સેકટરની વાત કરીએ તો સંક્રમણમાં સતત વધારા બાદ દેશના અનેક રાજ્યોમાં નાઇટ કરફ્યુ, મિની લોકડાઉન સહિતના અન્ય નિયમનકારી પગલા અમલી બનતા સર્વિસ સેકટર સાથે સંકળાયેલ રેસ્ટોરન્ટ/હોટલ, એરલાઈન્સ, પ્રવાસન તેમજ રિટેલ ક્ષેત્રની ગતિવિધીઓ રૃંધાતા આ ક્ષેત્રોમાં વૃધ્ધિમાં આગામી સમયમાં ૨૦ ટકાની પીછેહઠ થવાની આશંકા નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી.
ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઓફ ઇન્ડિયાના જણાવ્યાનુસાર કોરોનાની પ્રથમ લહેર વેળાના ગતવર્ષના લોકડાઉનને કારણે આર્થિક ફટકો પડતા વીસેક ટકા જેટલી હોટલો હજુ સુધી કાર્યન્વીત થઇ શકી નથી. બીજી તરફ મોટાભાગની હોટલો મહામારીના અગાઉના સમયની તુલનાએ ૫૦ ટકા ક્ષમતા સાથે જ કામ કરી રહી છે. આમ, અગાઉની પ્રતિકૂળતાથી આ ઇન્ડસ્ટ્રીને હજુ રાહત થઇ નથી, ત્યાં સંક્રમણનો બીજો તબક્કો પ્રસરતા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવેલ નિયમોને કારણે આ ઇન્ડસ્ટ્રીની હાલત 'પડતા પર પાટુ' સમાન થઇ જવા પામી છે.
વિવિધ રાજ્યોમાં કરફ્યુ તેમજ મિની લોકડાઉનના કારણે રીટેલ ક્ષેત્રના કારોબારમાં પણ ૪૦ ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. જેના પગલે નાના દુકાનદારોને મોટાપાયે સહન કરવાનોવારો આવશે. તે રીતે જ મોટા વેપારીઓ અને મેગા રીટેલ સ્ટોર્સ સંચાલકોને પણ ૨૦થી ૨૫ ટકાનો ફટકો પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
નાઇટ કરફ્યુ મિની લોકડાઉનની સાથે કેટલાક રાજ્યો દ્વારા પર્યટન ટુર-ટુરીઝમ ક્ષેત્ર માટે પણ કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવાતા, સંખ્યાબંધ લોકોએ પોતાના ટુર પ્લાનીંગ કેન્સલ કર્યા છે. એરલાઈન્સ ક્ષેત્રમાં પણ ટેસ્ટ ફરજીયાત કરાતા મુસાફરો હવાઈ મુસાફરી પર બ્રેક મારી રહ્યા છે. જેના કારણે એરલાઈન્સ કંપનીઓના બિઝનેસ પર પ્રતિકૂળ અસર થઇ છે.
વિવિધ રાજ્ય સરકારો દ્વારા અંકુશાત્મક પગલા અમલી બનાવાતા શ્રમિકોની ચિંતામાં વધારો થતા તેઓ ફરી એકવાર પોતાના વતન તરફ પાછા વળી રહ્યા છે. જેના કારણે અનેક ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર જોવા મળી છે.
આમ, સંક્રમણનો કાબુમાં લેવા ભરાયેલા અંકુશાત્મક પગલાને કારણે બેરોજગારી વધવા સાથે વિવિધ ક્ષેત્રની આર્થિક ગતિવિધીઓ રૃંધાતા નીતિનિર્ણાયકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x8j2cc
ConversionConversion EmoticonEmoticon