નડિયાદમાં કોરોનાગ્રસ્તનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કન્ટેઈનમેન્ટના બોર્ડ લગાવાતા અચરજ


નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં કોરોના દર્દી નેગેટિવ થઈ ગયા પછી તંત્ર દ્વારા દર્દીના ઘરે કન્ટેઈનમેન્ટના બોર્ડ લગાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે નડિયાદ ઝલક રોડ ઉપર આવેલી વિશાલ સોસાયટીમાં ગત રોજ સ્થાનિક તંત્રના કર્મચારીઓ કન્ટેઈન્મેન્ટ ઝોનના બોર્ડ અને છાપરા લગાવવા આવ્યા હતા. આ સોસાયટીમાં રહેતા ૨૨વર્ષના દિનેશભાઈ ચાવડાનો રિપોર્ટ ગત ૨ તારીખે પોઝિટિવ આવ્યો હતો.  તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને ઘરે જ સારવાર લઈ સાજા થઈ ગયા હતા. ૧૨ એપ્રિલે તેમણે ફરી રિપોર્ટ કરાવ્યો ત્યારે તેઓ સાજા થઈ ગયા હતા અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જોકે ૧૭ એપ્રિલના રોજ એટલે કે કોરોના પોઝિટિવ આવ્યાના પખવાડિયા પછી અને નેગેટિવ આવ્યાના અઠવાડિયા પછી તંત્ર દર્દીના ઘરે કન્ટેઈનમેન્ટ ઝોનના પાટિયા લગાવવા આવતા દિનેશભાઈ અને આસપાસના રહેવાસીઓને આંચકો લાગ્યો હતો. તંત્રના માણસોને દિનેશભાઈએ જણાવ્યું હતું કે હવે તો હું કોરોના નેગિટિવ હોવાનો રિપોર્ટ પણ આવી ગયો છે ત્યારે તમે કેવી રીતે આ બોર્ડ લગાવવા આવ્યા છો? જોકે તંત્રના માણસોએ પોલીસ બોલાવવાની ધમકી આપી હતી.

આવો જ કિસ્સો નડિયાદના ડુમરાલ વિસ્તારમાં આવેલ કૈલાશધામ સોસાયટીમાં પણ બન્યો હોવાનું સામે આવ્યું છે. અહીં જે પરિવારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો તેમના પરિવારજને જણાવ્યા પ્રમાણે જાગ્રત નાગરિક તરીકે ૮ એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવતા એ જ દિવસે અમે સ્થાનિક પોલીસ-કલેક્ટર કચેરી વગેરે સ્થળોએ જાણ કરી હતી. જોકે ત્યારે તો કોઈ પગલાં ભરવામાં આવ્યાં ન હતાં. હવે તો દર્દીની તબિયત એકદમ સારી થઈ ગઈ છે. તે પછી ૧૭ એપ્રિલે અચાનક તંત્રના માણસો કન્ટેઈનમેન્ટ એરિયાનું બોર્ડ લગાવવા આવ્યા હતા. કોરોના ગાઈડલાઈન પ્રમાણે ૧૫ દિવસમાં તે બોર્ડ દૂર કરવાનું હોવા છતાં મહિના સુધી બોર્ડ હટાવવામાં આવતું ન હોવાનું પણ અહીં જોવા મળ્યું છે. આ બાબતે જે-તે કોન્ટ્રાક્ટર દ્વારા સમય જળવાતો ન હોવાની ફરિયાદ તંત્રએ ધ્યાને લેવી જોઈએ. કન્ટેઈનમેન્ટના બોર્ડ સમયસર લગાવવામાં આવે તે જરૂરી છે.

આ બાબતે સ્થાનિક તંત્રના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ તરફથી નિયત એજન્સી અને સ્થાનિક તંત્રને જ્યારે યાદી મળે તે પછી જ કામ થતું હોય છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drKXMn
Previous
Next Post »