કેરી ઓન મેંગો મેન! .


- અર્વાચિંતનમ્-પરેશ વ્યાસ

- કેરી સુપર એન્ટિ-ઓક્સિડન્ટ છે. એટલે એમ કે શરીરનાં કોષને નુકસાન થતું અટકાવે છે

સ મર  આવે છે અને સમરાંગણ ખેલાતું હોય એવું લાગે છે. આકાશમાંથી લૂ વરસે છે. શરીર પરસેવાથી તરબતર થઈ જવાય છે. સુભાષિત છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. અરે ભઈ, નથી વરવું કોઈ સિદ્ધિને! હાલત ખરાબ છે અમારી. જેઓની એર  કન્ડિશન્ડ છે, તેઓને હજી વાંધો નથી પણ સામાન્ય રીતે સામન્ય લોકોનું જીવન અઘરું બની જતું હોય છે. ઘરમાં જે વનરાજી કરી હોય છે એ કાળઝાળ ગરમીથી સૂકાવા માંડે છે. શિયાળામાં શાકભાજીની જે રેલમછેલ હતી એ હવે સીમિત થઈ ગઈ છે. ગુવાર ને ભીંડો ખાવો પડે છે. અથવા તો કઠોળ.. હેં ને? પણ ઉનાળામાં અમને માત્ર એક વાતે રસ પડે છે. ઉનાળો  કેરીનો રસ લઈને આવે છે. આમ તો હજી કાચી કેરીનાં છૂંદાની મૌસમ છે પણ હાફૂસ અને કેસર પણ આવશે. અત્યારે જે હાફૂસ આવે છે એ તો ગર્ભશ્રીમંતોને પોષાય એવી હોય છે. પણ સામાન્ય માણસને પોષણક્ષમ કેરી ય આવશે. થોભો અને રાહ જુઓ. ત્યાં સુધી સક્કરટેટી અને તડબૂચથી કામ ચલાવો. અથવા કાળી લીલી દ્રાક્ષથી. 

સમરમાં શું ખાવું? શું પીવું? વેલ, ખુશી ખરીદી ન શકાય પણ આઇસક્રીમ તો ખરીદી શકાય! પણ આજે હેલ્ધી ફૂડની વાતો કરવી છે. તડબૂચ અને ટેટીમાં કુદરતી પાણી હોય છે. ગરમીમાં ડીહાઇડ્રેશન થઈ જાય ત્યારે આ ફળ ઘણાં ઉપયોગી છે. કસરત સાથે એનું સેવન થાય તો એ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. શરીરમાં પાણીનું લેવલ હોય તો ખાવાની ઈચ્છા ઓછી થાય. ઓછું ખવાય એટલે વજન ઘટે. બીજું ભોજન છે સલાડ. અરે! આ તે કાંઇ ભોજન છે? કાચું કાચું ઉર્ફે ભાજીપાલો, એ તો બકરી ખાય, માણસ એવું ન ખાય. પણ સલાડને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. ફળ, લીલાં  પાંદડાવાળા શાકભાજી જેવા કે કોબીજ કે ફેન્સી લેટિસનું કોઈ પણ રસિક કોમ્બિનેશન. ફાયદો એ કે એમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. શરીરની ત્વચા માટે અને રોગ પ્રતિકારક શક્તિ માટે આવું ખાવું જરૂરી છે. ફળોની  વાત નીકળી છે તો ફ્રેશ ફ્ટ જ્યુસ પણ મજેદાર પીણું છે. આમ તો કોઈ પણ ફળોનો જ્યુસ પીઓ, એ કરતાં એને ખાઓ તો ફાઈબર પેટમાં જાયત જે ભોજન પાચન માટે સારું, એવું જાણકારો કહે છે. પણ જાણકારોનું માનવું નહીં. જ્યુસ પીવું. મોસંબી, સંતરા, દાડમ, દ્રાક્ષ, પાઈનેપલ, કિવિ, લીચી,પ્લમ.. આહા! અને કેલોરી વધવાની ચિંતા ન હોય તો કેરી તો છે જ. એ નક્કી છે કે કેરીનાં અમર્યાદ સેવનથી સમરનાં અંતે વજન વધશે. ભલે વધે. વજન તો ઘટાડી શકાશે પણ કેરી થોડી કાયમ મળે? કેરી ઓન મેંગો મેન!  

કેરી સુપર એન્ટિ-ઓક્સિડન્ટ છે. એટલે એમ કે શરીરનાં કોષને નુકસાન થતું અટકાવે છે. લાંબા ગાળાનાં રોગ અને ઘડપણ સામે શરીરને સુરક્ષા આપે છે. ઘડપણ તો અલબત્ત આવે જ પણ સારું ઘડપણ હોય તો એ જુવાનીથી ય વધારે રસપ્રદ હોય છે. કેરી ખાઓ અને ઘડપણને મજેદાર બનાવો! એમાં જબરજસ્ત ફાઈબર છે. પણ પ્રોટીન ઓછું છે એટલે પ્રોટીન હોય એવા ખોરાક સાથે લો  તો એ વધારે ફાયદો કરે છે. કેરી બ્લડપ્રેસર, ફેટી એસિડ્સ  અને ટ્રાઇ- ગ્લિસરાઇડ્સને કાબુમાં રાખે છે. હા, ડાયાબિટીસ હોય એમણે  કેરી ન ખાવી એવું તબીબો કહે છે. પણ કોઈ માનતું નથી. ખરેખર તો ઓછી માત્રામાં કેરી ખાઓ તો એ બ્લડ સ્યુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, એવું મેડિકલ ન્યૂઝ ટૂડે-નો અહેવાલ કહે છે. પણ એટલું ચોક્કસ કે ડાયાબિટીસ હોય તેઓએ  એક સામટી કેરી ખાવી નહીં જોઈએ. લિમિટમાં રહીને થોડી થોડી કેરી ઘણી વાર ખાઈ શકાય. આમ પણ બધો જલસો લિમિટમાં  જ સારો, હેં ને? 

મિર્ઝા  ગાલિબ સાહેબ આમપસંદ શાયર હતા. કેરી તો ગધેડો ય નથી ખાતો એવી કોમેન્ટનાં  જવાબમાં તેઓએ એવું કહ્યું હતું કે એ ગધેડો છે, જે કેરી ખાતો નથી. એમણે તો એવું ય કહ્યું હતું કે તમને તો કાંઇ ખબર જ નથી અમને પૂછો કે કેરી શું ચીજ છે? કેરી તો શેરડીથીય અનેક ગણી મીઠી છે. સ્વર્ગનાં ઊંચા બગીચામાંથી ભગવાને નીચે મોકલી છે આ સીલ્ડ ગ્લાસમાં શરાબ. લો બોલો! જો આવું હોય તો અમે પિયકકડ છીએ..ઇતિ.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mj0Jwb
Previous
Next Post »