- સોના વાટકડી રે -નીલેશ પંડયા
જીવણજી નૈ રે જાવા દઉં આજ
વનમાં રાતલડી રાખું રે!
રાતલડી નૈ રહીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી,
આવડી ભાઈબંધની શી હેર,
ઉતારા કરોને આપણે ઘેર!
ઉતારા નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
આવડી ભાઈબંધની શી હેર,
પોઢણ કરોને આપણે ઘેર,
પોઢણ નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
આવડી ભાઈબંધની શી હેર,
દાતણ કરોને આપણે ઘેર,
દાતણ નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
આવડી ભાઈબંધની શી હેર,
નાવણ કરોને આપણે ઘેર,
નાવણ નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
આવડી ભાઈબંધની શી હેર,
ભોજન કરોને આપણે ઘેર,
ભોજન નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
આવડી ભાઈબંધની શી હેર,
મુખવાસ કરોને આપણે ઘેર,
મુખવાસ નૈ કરીએ ગોરી,
સાથે ભાઈબંધની ટોળી
જીવણજી નૈ રે...
લો કગીતો વહેતી નદી જેવાં છે. એમાં સમયે-સમયે, ગામે-ગામે, વિસ્તારે-વિસ્તારે થોડું થોડું પરિવર્તન, પાઠાંતર થતું રહે છે એટલે જ તાજાં લાગે છે, સરોવરજળ જેવાં બંધિયાર કે વાસી નથી હોતાં. એક ગીત એક ગામમાં જે ઢાળથી ગવાતું હોય એ બીજા ગામે ઢાળના થોડાઘણા ફેરફાર સાથે ગવાતું હોય એવુંય બને. વળી શબ્દો પણ બદલાઈ જાય, અર્થઘટન પણ જુદાં જુદાં થતાં રહે છે. ટૂંકમાં, લોકગીત સતત પરિવર્તનશીલ કે સ્થિતિસ્થાપક હોય છે.
'જીવણજી નૈ રે જાવા દઉં...' આવું જ પાઠાંતરિત, લોકપ્રિય લોકગીત છે. અહિ જે પાઠ આપ્યો છે તે કેટલાંક વર્ષો પૂર્વેનો છે, આજે અંતરાના શબ્દો બદલાઈ ગયા છે. પોણોસો-સો વર્ષ પૂર્વે મુખડું આ જ હતું પણ આજે અંતરા આમ ગવાય છે :
'કે પે'રવા પાટે પહોળાં ચીર
હાથે હેમની ચૂડી રે,
કે મારો ટીલડીનો શણગાર
મારા રૂદિયામાં રાખું રે
જીવણજી નૈ રે...'
આવી જ રીતે બીજા, ત્રીજા , ચોથા અંતરામાં આભૂષણોનાં નામ બદલાતાં જાય ને ગીત આગળ વધતું જાય પણ આ અંતરા ગાવા માટે બરાબર છે પણ એનો અર્થ શું? કોણ પટોળાં પે'રવાની વાત કરે છે? કોની ટીલડીનો શણગાર, કોના રૂદિયામાં રાખવાની વાત છે? કાંઈ સ્પષ્ટ થતું નથી. રાધા-કાન કે ગોપી-કાન વચ્ચેની વાત લાગે છે પણ ઘણું જ અસ્પષ્ટ ચિત્ર ઉપસે છે. જયારે અહીં પ્રગટ થયેલું લોકગીત 'રઢિયાળી રાત'માં ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કર્યું છે જેના અંતરા સાવ દીવા જેવા છે કે રાધા, ગોપી કે કોઈપણ નારી કાન કે પોતાના પ્રિયતમને વનમાં રાત રોકી દેવા માગે છે, પોતાની સાથે એકાંતમાં રાખવા ઈચ્છે છે પણ સામેનું પુરૂષપાત્ર ન રોકવા માટે બહાનાં કાઢે છે કે પોતાની સાથે ભાઈબંધોની આખી ટોળી છે, એથી એકલતાનો લાભ મળશે નહીં. નાયિકા કહે છે કે મિત્રો પ્રત્યે આટલી બધી લાગણી શા માટે? દોસ્તોને કારણે પોતાના ઘેર, અંગતપાત્રથી દૂર થઈ જવું એવી વૃત્તિ શા માટે? એવી ગાઢ ભાઈબંધી નકામી...!
શૃંગાર રસથી છલોછલ આ લોકગીત ખૂબ ગવાય છે ને સંભળાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Jral5
ConversionConversion EmoticonEmoticon