- થોડામાં ઘણું-દિલીપ શાહ
- જીવનનાં કપરા સંજોગોમાં છેલ્લી ઘડીની 'બે મિનિટ'માં મળેલી શિખામણ 'આજ ફીર જીનેકી તમન્ના હૈ'ના કેવા પડઘા પાડે છે. 'બે મિનિટ' ભલે 'બે' નંબરી છે છતાંય બેનમૂન છે
સ મયના વસિયતનામામાં યુગ, શતાબ્દિ, દસકો, કલાક, મિનિટ, સેકંડનાં ભાગ પડયા. યુગની મોનોપોલી વરસોથી અકબંધ છે. શતાબ્દિ સેલીબ્રીટીઓની ઉજવવાનો પ્રોટોકોલ જળવાઈ રહ્યો છે. દસકો શાસકો શાસનના સરવૈયામાં 'વિકાસ'ના નામે બ્યુટી પાર્લરમાં લઈ જાય છે. સરકારી કામ માટે તપશ્ચર્યા માટે કલાકનુ... (કલાકોનું) ઇન્વેસ્ટમેન્ટ સામાન્ય રૂટિન છે. સેકન્ડ સ્પર્ધકો માટે મેરેથોન, ઓલિમ્પિકમાં માપ દંડનો યુનિટ છે... બાકી સિલકમાં રહી આપણી બિચારી 'બે મિનિટ'નાં બ્રાન્ડથી મશહૂર થયેલી મિનિટ !
'બે મિનિટ' માટે સ્પર્ધામાં છે 'બે મિનિટ' વાળી ઇન્સ્ટન્ટ રેસીપીવાળી મેગી.... તો બીજી બાજુ છે 'બે મિનિટનું મૌન' સ્વર્ગસ્થના માનમા. આ બંને પ્રસંગોમાં સતર્ક રહેવું પડે છે. એકમાં શારીરિક શ્રધ્ધાંજલિ છે તો બીજામાં માનસિક. વિશ્વભરમાં આ 'બે મિનિટ' ની મોનોપોલીમાં હિસ્સેદાર થવા ગૃહિણીઓએ પણ બહાર જવાની તૈયારીરૂપે... 'હવે કેટલી વાર..?' ના જવાબરૂપે... 'બસ, બે જ મિનિટ'નો રણકો અનુભવી, ઘડાયેલ, સમજુ, સહનશીલ લાભાર્થીઓ વગર કેલકયુલેટર પણ હવામાનની આગાહીનો વિલંબ સમજી શકે છે.
'હવે ચા ને કેટલી વાર છે ?' પતિદેવોની રીમાઇન્ડર પૂછપરછમાં રસોડામાંથી મળતા પ્રતિધ્વનિનો ગુ.સા.અ. 'બે મિનિટ'નો જ હોય છે. (શું માનવું છે ?) અંગત સમસ્યા માટે ઘરવાળા જોડે ચિકિત્સક પાસે જઇએ ત્યારે થોડીક વાતચીત, સંવાદ પછી ડૉક્ટર સાહેબનું ફરમાન... 'વડીલ, જરા બે મિનિટ બહાર વેઇટીંગ લોન્જમાં બેસશો ? (જાણે અપને હુએ પરાયે !) ... ઝડપ કરો, ચાલો.... ભાઈઓ... બેનો 'બે મિનિટ' પછી દર્શન પ્રભુનાં બંધ થાય છે.. હરી અપ. (બોલો, આપણા દેશમાં પ્રભુ પણ બીઝી છે !) જેલમાં આપ્તજનો માટે ફાળવેલા સમયમાં જ્યારે જેલનાં વોર્ડન મુલાકાતીને... ''બે મિનિટ બાકી છે' એવું એલાન કરે ત્યારે લાગણીનાં ઘોડાપૂર આંખનાં ખૂણે ડોકિયાં કરવા માંડે છે... ચાલો, ટાઇ યોર સપ્લીમેન્ટરીસ... ઓન્લી ટુ મિનિટ...' પરીક્ષા સાથે કેસરિયા કરતા પરીક્ષાવીરો / વીરાંગના માટે આ 'બે મિનિટ' ગોલ્ડન મોમેન્ટ બની જાય છે.
(કેટલું 'બાકી' .... ડાફોરિયાં મારી પડોશમાંથી ઉઠાંતરીની તક.. અગાઉની લખેલી પૂરકપોથીઓ પર નંબર લખવા દોરી બાંધવી.... રીમાઇન્ડ.. રીવાઇન્ડ કરો.. વાચતા વાચતા જાણે લાઇવ ટેલીકાસ્ટ !)
જીવનમાં ઘણી બધી મિનિટોનું સરવૈયું કાઢી શકાય પણ એમાંય આ 'બે મિનિટ' ભલે 'બે' નંબરી છે છતાંય બેનમૂન છે. મોટી ઉંમરે રસ્તો ઓળંગવા ફકત બે મિનિટ કોઇક અજાણ્યાએ કરેલી મદદ, બે મિનિટ માટે ખૂબ તરસ લાગી હોય ત્યારે વોટરબેગ માંથી પોતાના સભ્યોની માંગણી જતી કરી આપણને પ્રવાસમાં ધરેલ વોટર ગ્લાસ અમૃતધારા જેવું જ લાગે...
આઇ.સી.યુ.માં તરફડિયા મારતા સ્વજનની છેલ્લી 'બે મિનિટ'માં સમયસર મળેલી નિષ્ણાત ડોકટરની સારવાર... જીવનનાં કપરા સંજોગોમાં છેલ્લી ઘડીની 'બે મિનિટ'માં મળેલી શિખામણ 'આજ ફીર જીનેકી તમન્ના હૈ'ના કેવા પડઘા પાડે છે.
ફકત વહેલી સવારે ફાંસીનાં માંચડે ચઢવા જતા ગુનેગારની છેલ્લી 'બે મિનિટ'ની વ્યથા... કથા વાલિયા.. વાલ્મીકિની એક સાથે યાદ અપાવી દે છે.
મરી મસાલા
અરે ! તમે લેખ
ઇ. મેઇલ કર્યો કે નહિ ?
સર, બસ 'બે મિનિટ' !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mg4Lp3
ConversionConversion EmoticonEmoticon