- રસવલ્લરી-સુધા ભટ્ટ
- પ્લાસ્ટિક સર્જરી અને દંતચિકિત્સામાં કળારસ હિલોળા લે
એવું નથી લાગતું કે જગતમાં હાલ જેટલી કળાઓ વિદ્યમાન છે તેનાં મૂળ યુગો પુરાણી કળાના સંગ્રહમાં ક્યાંક ક્યાંક દેખા દે છે ? પછી ભલે તે કળા કાળક્રમે સ્વરૂપ બદલતી ભાસે, પરંતુ તેનું હાર્દ તો એનું એ જ રહે છે. ખાસ કરીને આદિવાસીઓની દ્રસ્ય-શ્રાવ્ય કળાઓ દરેક દેશમાં મહંદશે અકબંધ રહી છે. અલબત્ત, આધુનિકતાનો સ્પર્શ એ દરેકમાં દેખાય પરંતુ આજ પર્યંત મૂળિયાં સાથે જડાઈને તેઓ ખંતપૂર્વક પોતાના વિશ્વમાં રમમાણ રહે છે.
તેમના સંસ્કારો જેમ માટીમાં તેમ લોહીમાં સચવાયેલા પડયા છે. ગુફાની અને ઘરની ભીંતોએ થતાં ચિત્રોથી લઇને અતિ આધુનિક સાધનો, માધ્યમો અને ઉપકરણોના આધારે હવે કળાયાત્રા કાઠું કાઢતી જાય છે. એ તો ઠીક, કળાએ હવે જ્ઞાાન-વિજ્ઞાાનની વિસ્તરતી ક્ષિતિજોને પણ સર કરવા ડગ માંડયાં છે, તે કમ્પ્યૂટરમાં કળા કરે છે, દાક્તરોને સારવારમાં મદદ કરે છે, દેશોની સરહદોએ સેવા આપે છે, શિક્ષણ ક્ષેત્રે પોતાનો હિસ્સો આપે છે, ઇજનેરો અને સ્થપતિઓ પણ કળા શરણે જાય છે.
ત્યાં સુધી કે શુદ્ધ વિજ્ઞાાન જગતમાં પણ કળાએ પગદંડો જમાવ્યો છે. જુઓને, અવકાશયાનોની રચના હોય કે અવકાશ યાત્રીઓ માટેનો ખોરાક હોય. જુદાં જુદાં વાઘાં સજી તે કદીક ડ્રેસ ડિઝાઈન કરે, તો યાનનાં રંગરૂપ વિશે વિચારે ! અરે ! અવકાશયાત્રીઓ માટે ખાસ રસોઇકળાની પણ આવશ્યક્તા હોય છે. તેમાં પણ તે ઝંપ લાવે છે. અધધ કળાઓમાંની એક કાગળ કળા અને પેપરમશી તરીકે ઓળખાતી કળાને આજે મળીએ ? અનેક દેશોનો ઇતિહાસ એનો અણસાર સાચવીને બેઠો છે.
કાર્બનના ઓછા ઉત્સર્જનનો જશ લેવા, દેશને પડખે ઊભા રહીએ
ભારતમાં પણ પેપરમશીના માસ્ક (મહોરાં) બને છે. ઓડિશા અને બંગાળમાં પ્રાણી, પક્ષી, દેવ-દાનવોનાં મહોરાં બને છે. કાશ્મીરમાં આ કળા આજે અગ્રેસર છે જેનાં પેપરમશીની ડબ્બીઓ, ઢીંગલીઓ, ઘંટડીઓ, ટ્રે આદિ બને છે. ડાંગના આદિવાસીઓ પારંપરિક ઉજવણીઓ માટે આનો ઉપયોગ કરતા જે પ્રથા આજે લુપ્ત ૨થતી જાય છે.
અમદાવાદનાં એક કલા સજ્જ મહિલા કલાકાર આ જ કલાને વરેલાં છે અને એને આગળ ધપાવવા અનેક પ્રયોગો થકી લોકચાહના પ્રાપ્ત કરી રહ્યાં છે. સુશ્રી નીલુ પટેલ 'મુખૌટે' શીર્ષકનું છોગું ઉમેરી એમની કલાનાં વૈવિધ્યપૂર્ણ મુકામોને એક પછી એક સર કરતાં જાય છે. માનદ ડૉક્ટરેટ અને અનેક એવોર્ડઝની નવાજિત, દેશ-વિદેશમાં પ્રસ્તુતિ કરતાં નીલુબહેન આ કલાનાં પ્રહરી છે.
ચોકસાઇના આગ્રહી છે, સ્વચ્છતાને વરેલાં છે તેથી તેમના કલાસર્જન માટે વપરાયા વિનાનાં, પડી રહેલા છાપાં મેળવવા કાયમ પ્રયત્નશીલ રહે છે. બધી જ તાકાત કામે લગાડી અદ્વિતીય કલાકૃતિઓ સર્જતી વખતે પર્યાવરણને બચાવવાની તેમની નેમ પણ અનોખી છે. પેપરમશીના પ્રકલ્પદ્વારા પ્રકૃતિની જાળવણીનાં કર્મો તેઓ ફળની આશા વગર કર્યે રાખે છે ત્યારે તેમની એ પ્રેરણાનું ઉર્ધ્વગમન થાય છે. પેપરમશીની બન્ને પ્રકારની પ્રક્રિયાઓ નીલુબહેનને હસ્તગત છે.
છાપાના કાગળની સટાક દઇને વાગે એવી કડક ભૂંગળીઓ વણીને તેમણે અનેક વાઝ 'મહાજાર' કુંજા બનાવ્યાં છે જેમાં વાંસની પટ્ટીઓનો ઉપયોગ કર્યો છે. કેટલીક ફ્રેઇમ્સ નોંધપાત્ર છે. કાગળની ઊભી ભૂંગળીઓ વચ્ચે કેસરી હાથવાળી સ્ત્રી કથ્થઇ હાથવાળા પુરુષ માટે સમર્પણની ભાવનાનું પ્રતીક રજુ કરે છે. અન્ય ચિત્રમાં બે ઉભી ભૂંગળીઓની વચ્ચેથી ઉત્સુક નજરે નિરખતી 'લજ્જા' ડોકિયું કાઢે છે. આ ચિત્ર ગુજરાત સ્તરે પ્રથમ આવેલું. ભૌમિતિક આકારોમાં અમૂર્ત ચિત્રો નોંધનીય છે.
પેપરમાંથી પેપરપણું નીકળી જાય, તેનો કાયાકલ્પ થઇ જાય તે પેપરમશી
પેપર-કાગળનું એક નૂતન અને જાદુઈ સ્વરૂપ છે. પેપરમશી. તેની બે શૈલી છે અને પ્રક્રિયા પણ પહેલા પ્રકારમાં પેપરની પહોળી સાંકડી પટ્ટીઓને ગુંદરથી ચોંટાડવામાં આવે જેમાં કોઈ માળખાની, ઢાંચાની કે સ્વરૂપની જરૂર પડે જેની ઉપર કાગળની કતરણને ચોંટાડી શકાય. તેને પલાળીને પણ વાયરની જાળી ઉપર ચીપકાવાય. કોઈ ખાસ આકાર સારુ તેને કોઈ તૈયાર સાધન ઉપર પણ ચોંટાડી શકાય.
સફાઈપૂર્વકના કામ માટે, અંતિમ રૂપ આપવા માટે વધારાના કાગળ કાતરીને, રંગ કરીને, વૉટરપ્રુફ બનાવવા માટે લેકર કે વાર્નિશનો ઉપયોગ થાય. કોઇપણ ઋતુ હોય, રંગ સૂકાયા પછી આગળ પગલું ભરવું હિતાવહ છે. આ થઇ 'સ્ટ્રીપમેથડ' બીજી પ્રક્રિયાને 'પ્લપ મેથડ' કહેવાય છે જેમાં કાગળનો માવો બનાવવા માટે તેને થોડા દિવસ પાણીમાં પલાળી રાખી, વારંવાર પાણી બદલી તેની શાહી કાઢી નાખવાની હોય.
આમાં માટીની ડાઈનો ઉપયોગ કરી એમાં પેલો માવો ભરી દેવાય. જેમાં ઝાડનો ગુંદર, મુલતાની માટી સ્ટાર્ચ, આમલીના કચૂકા આદિ ભેળવ્યા હોય. લવિંગનું તેલ, મીઠું કે બીજા પ્રિઝર્વેટીવ વાપરી આ કલાકૃતિઓને ચિરંજીવ બનાવી શકાય. આ તૈયાર પેસ્ટને ખૂબ હલાવી ઇચ્છિત આકાર આપવાનો હોય. નાની કલાકૃતિ હોય તો સીધેસીધી બની જાય પણ જો મોટું સ્વરૂપ તૈયાર કરવું હોય તો ટેકાની કે સ્વરૂપની જરૂર પડે. એમાં હળવાંફૂલ આકારો કે પછી ફુગ્ગાનો ઉપયોગ પણ થતો હોય છે. આમાં કલાકાર કાપડ, કેનવાસ આદિનો ઉપયોગ પણ કરતા હોય છે.
પ્રાચીન ઇજિપ્તમાં પેપરમશીના કૉફિન બનતા. પર્શિયામાં ફેન્સી બૉક્સ, યુરોપમાં તેના વડે શસ્ત્રો ઉપર લેમિનેશન થતાં, રશિયામાં ચિત્રોની ફ્રેઇમ્સમાં તે વપરાતું. મેક્સિકોમાં ઉત્સવો માટે શાનદાર પાત્રોની રચના થાય છે, અમેરિકામાં નાનાં હોડકાં અને લાકડાનાં બૂટ ઉપર તે લાગે છે. પ્રથમ વિશ્વયુધ્ધમાં રણનીતિ માટે પેપરમશીના ફંદામાં દુશ્મનોને ફસાવતા અને નકલી સૈનિકો વડે પ્રતીકાત્મક આગનું આયોજન કરાતું.
ચિત્રકળા એ સંવાદનું બીજું સ્વરૂપ છે
કુદરતી રંગો ઇન્ડિગો બ્લ્યૂ, લાલ, લીલા, પીળા, કથ્થઇ વર્તુળો અને ત્રિકોણવાળાં ચિત્રો પાત્રો સહિત શોભે છે. કેનવાસ પર સોનેરી સુંદરી પશ્ચાદ્ભૂમાં રહેલાં માટલાં દર્શાવી કુંભારોને પ્રોત્સાહન આપે છે. તૈલરંગોમાં સર્જાયેલ પુસ્તકોની થપ્પી વચ્ચે ઘેરા ભૂરા રંગની લલના 'વાંચન જરૂરી છે' એ ઇશારો કરે છે. નિર્જીવ કાગળમાં પ્રાણ ફૂંકી તેને સંજીવની પાનાર નીલુ રંગ સંમિશ્રણ થકી આભાસી ચિત્રણ રજુ કરે છે.
કાગળનો માવો, ગુંદર, માટી આદિમાંથી આ કલાકારે બે હજારથી વધુ નયનરમ્ય કૃતિઓ સર્જી છે. સીદી સૈયદની જાળી, પેપર કોલાજ, દેવી-દેવતાઓનાં મુખારવિંદ, બાપુનો ચરખો, ઘડિયાળ, ઝરૂખા, બાજોઠ, વિવિધ મહોરાં ઇત્યાદિ તેમની કલાસૂઝનાં ઉદાહરણો છે. સત્તર ફૂટનો વાઘ હાલ સંસ્કારકેન્દ્રમાં પોતાની આણ વરતાવે છે. કળાપ્રેમીના હૃદયમાં તેમના વિચારો એટલે રાજ કરે છે કે નીલુ પ્લાસ્ટિક અને પીઓપીનો વિરોધ કરી માટી તેમજ કાગળનાં શિલ્પો બનાવે છે. અન્ય કલાકારોને પણ પ્રોત્સાહિત કરે છે.
પેપરમશીની પિછવાઈમાં ગોધૂલિ ટાણે પાછા વળતા ગ્વાલ-બાલ, શ્રીકૃષ્ણ અને સપુષ્પ કદંબ ઝગારા મારે છે. એ બધાંય પાત્રોના શણગાર અને રંગ સંયોજન દાદ માગી લે એવા છે, અંતે, ગૌ પ્રેમી આપણે સૌ બહેન નીલુ સર્જિત, અસલ અને જીવંત દેખાતી 'લાઈફ સાઇઝ' ગાયને મળીએ. માટીની ડાઈ ઉપર કાગળના પડ ઉપર પડ ચડાવી, કેનવાસની મદદથી એને ઉભી કરી છે જે અંદરથી પોલી છે. ગાયના ગળાની ઝાલર-તેના સળ તો હાલ હલશે એવા છે. આંખોમાંથી નીતરતી કરૂણા આપણે ન ભીંજવે તો જ નવાઈ. 'મારાં મમ્મી અને પાળેલાં બે શ્વાન મારી કળાના પ્રથમ દર્શક અને ચાહક છે' કહેતા નીલુબહેનના ચહેરા ઉપર અનેરો સંતોષ અને પ્રેમ ડોકાય છે.
લસરકો
માટી, વૃક્ષ, કાગળ-કલાકૃતિનો ક્રમ જાણે કે પંચમહાભૂતનો નિયમ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sO4oo3
ConversionConversion EmoticonEmoticon